પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:6 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા
`શેફાલીદીદી, તમારા મનની મૂંઝવણો મારી સાથે પણ શેર ન કરી? ધેટ્સ નૉટ ફૅર. લડું કે રિસાઉં?’
`શીશ્.. દીવાલને કાન છે કે નહીં તે તો ખબર નથી, પણ મમ્મીના કાન સરવા છે.’
`પહેલાં જવાબ આપો, રાઇટ નાઉ.’
શેફાલીએ સ્નેહથી જુઈનો હાથ હાથમાં લીધો. છેલ્લા થોડા સમયમાં આ નાનીબહેન કેટલી સમજદાર થઈ ગઈ હતી! ઘરબહારની દુનિયામાં પગ મૂકી અનેક પ્રવૃત્તિઓમાં પરોવાયેલી મમ્મીને મક્કમતાથી કહી શકેલી, હમણાં મૅરેજનું નામ જ ન લેતી.
`જૂઈ, મારે જ મારી જાત પાસે સ્પષ્ટ થવું હતું. હું કોઈ ઉતાવળિયું પગલું ભરું અને મારો સંસાર ભાંગુ એની ચિંતા હતી મને, એટલે હું મૅરેજ કાઉન્સિલર પાસે ગઈ હતી.’
`ઓહોહો! તમે તો બહાદૂર થઈ ગયા?’
`શટ અપ. મારી સ્કૂલફ્રૅન્ડ ફોરમ યાદ છેને? એક દિવસ ક્લબમાં મળી ગઈ. એણે ગયે વર્ષે જ ડાયવોર્સ લીધા. પિયરના ઘરે સંયુક્ત કુટુંબ, ત્યાં એના માટે ન ઘરમાં જગ્યા હતી, ન સ્વજનોના દિલમાં.’
`તમારી વાત કરોને? આ ફોરમ પુરાણ…’
`એ પુરાણમાં મારો પણ એક અધ્યાય છે.’
`ઓ.કે. પંડિતજી.’
`એ વર્કિંગ વીમેન હોસ્ટેલમાં રહે છે, એના ફ્રૅન્ડ સાથે ક્લબમાં આવી હતી. એણે જ મને અરૂંધતી કુલકર્ણીનો મોબાઇલ નં. સરકાવી દીધો.’
`આ સરકાવી દીધો, વળી શું?’
`મને વ્હૉટ્સએપ કરે તો મને વહેમ છે ક્યારેક અનિલાબહેન મારો ફોન ચેક કરી લેતા.’
`ઓ માય ગૉડ!’
ઍક્ઝેટલી. એકવાર તો હું નહાઈને બહાર આવી ત્યારે એમના હાથમાં મારો મોબાઇલ! જરાય સંકોચ શરમ વિના મને ફોન આપતાં કહે, જસ્ટ જોતી હતી. લેટેસ્ટ ફોન છે, આર્યન હંમેશાં એ-વન ગિફ્ટ જ તને આપે. ત્યાર પછી હું સાવધ થઈ ગઈ, આર્યને કોઈ પ્રોગ્રામનો વ્હૉટ્સએપ કર્યો હોય એ હું તરત ડિલીટ કરી નાખતી.’
`ઓ માય ગૉડ! આ તો મમ્મીની સાસવહુ સિરીયલનો સિનારીયો!’
`ના. જુઈ. એવું નથી.’
`એટલે?’
`પાવરપ્લે. અરૂંધતી સાઇકીયાટ્રીસ્ટ અને કાઉન્સીલર છે. આસપાસના બધાં પર આધિપત્ય જમાવવું, તું સમજે છેને? ઑન ધેમ. એમનાં તન, મન અને વિચારોને પણ પોતાની કાબૂમાં રાખવા. જોકે અઘરું છે સમજાવવું…’
`સાઇકોલૉજિકલ થ્રિલર છે તમારી વાત તો.’
`અરૂંધતીએ કહ્યું, આ મારી કૅબિનેટમાં તું જુએ છેને કેસ ફાઇલ્સ? એમાં કેટલાય દંપતીની જિંદગી કેદ છે, સંપત્તિનાં, બાળકોના કબ્જાનાં, દહેજ, અફેર…. તું ગણતાં ભૂલે એટલી કથાઓ છે, આત્મહત્યા અને ખૂનની પણ.’
`બાપ રે!’
`પણ એણે કહ્યું, મારા જેવી વિશેષ કથાઓ ઓછી હોય છે.’
`ગો ઑન દીદી. આ વિશેષ વળી શું?’
`મને કહે તારી કથા આત્મસન્માનની છે, એમની સંપત્તિ, સ્ટેટસનો તને મોહ લાગતો નથી.’
જુઈ અધીર હતી,
`પણ એમની સલાહ આખરે શી હતી?’
`હું એમને અવારનવાર મળી, પછી જ મેં ડાયવોર્સનો નિર્ણય લીધો. આ એક ને એક બે જેવી તો વાત નથી. આર્યનને પણ સાથે લઈ આવવાનું એમણે કહ્યું હતું પણ એ કદી ન આવે એ હું જાણું છું. એ માના પડછાયામાં જીવે છે. કદાચ એની ગર્ભનાળ તૂટી જ નથી. આ બધું મમ્મી શી રીતે સમજી શકે?’
`હા, મમ્મી સ્ત્રીની સહનશીલતાની, સમર્પણ, ત્યાગ એની વાત ઉત્સાહથી કરતી હોય છે.’
`પણ જુઈ જ્યારે સ્ત્રીઓ સંસારની ભીંસમાં આવે છે ત્યારે આ જ શબ્દો ગ્લોરીફાઇ થઈ એના આત્મસન્માનને ગીરવે મુકાવે છે. એ કુંડાળામાં મારો પગ પડવા મેં માંડ મારી જાત બચાવી છે. મને અરુંધતીએ સલાહ નથી આપી, મને વિચારતાં શીખવ્યું. મારે મન એ જ મોટી વાત છે.’
* * *
આજે ફૅમિલી કૉર્ટમાં અંતિમ વાર મળવાનું છે.
નિમુબહેનના મનમાં હજી છેલ્લું આશાનું કિરણ ઝબૂકે છે, હજી ના પાડતાં પહેલાં થોડી રાહ જોઈ શકાય, વિચારી જો. રોહને આગલી રાત્રે કહ્યું હતું, દીદી જીજાજી… ઓ.કે. હજુ પણ જીજાજી કહેવાયને? મારી કૅનેડા જવાની ગોઠવણ કરી આપવાના હતા, એની વે, બેસ્ટ ઑફ લક. અનંતભાઈ અને જુઈએ કહ્યું હતું, છેલ્લો જવાબ તારો જ હશે. વી આર વીથ યુ.
એણે ફૅમિલી કૉર્ટમાં એટલા ઝઘડા, રીતસરની લડાઈઓ જોયેલી કે પ્રેમ અને લગ્ન પરથી ભરોસો ઊઠી જાય પણ એનું નસીબ એટલું તો એની સાથે કે એ અને આર્યન લડ્યા વિના છુટ્ટા પડી જવાના હતા.
ગઈ કાલની મોડી રાત્રે જુઈએ પૂછ્યું હતું, તમે આર્યન વિના રહી શકશોને?
શાંત સ્થિર થયેલું જળ જુઈએ ફરી ડહોળી નાંખ્યું હતું. તળિયે લીલની જેમ છુપાઈ રહેલી વાતો ફરી લીલીછમ્મ બની ઉપર તરી આવી હતી. પરંતુ જે રસ્તે ચાલીને આવી હતી એની છેલ્લી કાંટાળી વાડ પાસે એ આવીને ઊભી હતી. હવે એ પાર કરી નવાનક્કોર પ્રદેશમાં પગ મૂકવાનો હતો. પોતાની નિયતિ પોતે જ ઘડવાની હતી, એ ચૅલેન્જ પોતાને પોતે જ આપી હતી ને?
(ક્રમશ:)