સૂરમાં એવો ડૂબ્યો કે, અંતરો ચાલ્યો ગયો ~ નયન દેસાઈ (22.2.1946 – 12.10.2023)

ગુજરાતી ગઝલમાં અવનવા પ્રયોગો કરનાર કવિ નયન દેસાઈનું સુરતમાં નિધન થયું છે.

ભોળપણ તારું નામ નયન એમ કહી શકાય એવું નિખાલસ વ્યક્તિત્વ. ફોન પર વાત કરીએ ત્યારે ઉમળકાથી ફોન ફાટફાટ થાય. મુંબઈમાં અવારનવાર કાવ્યપઠન માટે તેમને આમંત્રણ આપવાનો લાભ મળ્યો છે.

એટલા સરળ અને સહજ કે ક્યારેક ચિંતા થાય. અમુક વર્ષો પછી મુંબઈના કાર્યક્રમોમાં પત્ની સાથે તેઓ આવતા થયા એટલે અમને હાશ થઇ. નયનભાઈ બિલકુલ બાળક જેવા.

કોઈ પ્રકારના ડાઘાડૂઘી વિનાનું એમનું ખડખડાટ હાસ્ય વિલાઈ 12 ઑક્ટોબરે વિલાઈ ગયું. તેમની પ્રયોગાત્મક ગઝલનો એક શેર યાદ આચે છે.

શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં
છેલ્લી થાપ હૂઈ હૈયા પર
ચાર કહારોં કે કંધે પર રાગ
સજાવ્યા આયે ન બાલમ.

તેમની ગઝલોના કેટલાક પુષ્પો અર્પણ કરી આદરણીય કવિ નયન દેસાઈને નતમસ્તક વંદન કરીએ.
***

૧. આંચલિક ગઝલ

વેલ ખખડધજ, સાંજ અહૂરી, ઝાંખી કેડી ડચકારો
આંખ-છાજલી-પડછાયો ને અમુક રાસ-વા ભણકારો

ક્યાંક મળે સંતાઈ જવાનું એની છાતી હાંગણ-હૂંગણ
આમ પડાળી વચ્ચે હીંચકો ને કકકડભૂસ મોભારો

કોઈ નદી જેવી છાતી ઓંડરમાં લઈને ધવડાવે
જીભ લટકતી રાખી કોઈ બેઠો છે તરસ્યો ઓવારો

દૂર… પડો વાગે છે જાણે ભીંત પડી, ઉંબર ફાટ્યો
કોણ કરે છે શ્વાસોનાં છીંડાં પાછળથી અણહારો

હાથ સળગતા હોય અને ફાનસ જેવું અજવાળું થાય
નાખ સમયનાં ભંઠોડામાં એક વધારે અંગારો

એક સડેલા થુંભા ઉપર આકાશનું મુડદું લટકે છે
સાવ ઉઘાડી એકલતાને મળ્યો ન ખૂણો-ખૂંપારો

એમ ધુમાડો થઈ બળીએ દાદા! લૂખિયામાં તંબાકુ
હોઠ પર ટીંગાઈ રહ્યો છે વર્ષોજૂનો હોંકારો

અંત વગરના રસ્તાનું અંગૂઠે અણવટ પહેરી લો
રાહ જુઓ આ ફા – તી ફા – ના વાવડ લાવે હલકારો

૨. મને ભૂલી ગયો?

સૂર્ય ભીનો થઈને મારી આંખમાં ઊતરી ગયો
હું ગઝલની જેમ શેરી વાંચતો નીકળી ગયો

આંખમાં પોપટની મુઠ્ઠીભર હતી લીલાશ પણ
પાંખમાં વગડો હતો ક્યારેક તે ઊડી ગયો

સાંજનું અર્ધું બળેલું આભ જાણે ગાય છે
ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો

ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે
ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો

એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?

૩. ગઝલ સમાધિ

આંખ બિડાતાં જ શબ્દો ઊઘડે
ને પછી ઝળહળતાં દૃશ્યો ઊઘડે

કૈં કમળ જેવી જ હરફર હોય છે
શ્વાસમાં સૂતેલ રસ્તો ઊઘડે

ૐમાં અણદીઠ જ્યોતિ ઝળહળે
મૌનમાં મઘમઘતા મંત્રો ઊઘડે

રત્નમંડિત સૂર્યનો રથ લો, ઊભો
ને પૃથુલ નભમાં કમાડો ઊઘડે

આ નિકટમય ગુંજતો શંખધ્વનિ
અવ અતલ નાભિમાં આંખો ઊઘડે

૪. લાગણીના કણમાંથી

શોધ નાહક ન વ્યાકરણમાંથી
હું મળીશ લાગણીના કણમાંથી

વાંસળી તો હજીય વાગે છે
ગાય પાછી ફરી ન ધણમાંથી

સાંજ ધીમે ધીમે ભુંસાતી ગૈ
જેમ ભુંસાય કો’ સ્મરણમાંથી

બોજ ઊંચકાશે કઈ રીતે મિત્રો?!
મૃગજળો લાવવાનાં રણમાંથી

સૂર્ય ઊગે ને આંખ ખોલે છે
એક ટોળું હરેક જણમાંથી

૫. ચાલ્યો ગયો

એમ ઓળંગીને ઘરની સરહદો ચાલ્યો ગયો
ભીંત જોતી રહી ગઈ ને ઉંબરો ચાલ્યો ગયો

ગીતનું મુખડું મને તો માત્ર મોઢે રહી ગયું
સૂરમાં એવો ડૂબ્યો કે, અંતરો ચાલ્યો ગયો

માત્ર તડકાઓ જ મુઠ્ઠીમાં ભરી દોડો હવે
ધૂપમાં સાથે હતો તે છાંયડો ચાલ્યો ગયો

આમ ટહુકાઓનું ટોળું બારીએ બેસે નહીં
આંગણે આવીને નક્કી મોરલો ચાલ્યો ગયો!

બારણાં ખુલ્યાં નહીં બે બારીઓ ઊઘડી નહીં
એક પાગલ શેરીમાં બૂમ મારતો ચાલ્યો ગયો

~ નયન દેસાઈ

આપનો પ્રતિભાવ આપો..