‘ધી ઈમરજન્સી’ ~ લેખિકા: કૂમિ કપૂર ~ ગુજરાતી અનુવાદ: સૌરભ શાહ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
દેશની લોકશાહીની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાવતો કટોકટીનો ઈતિહાસ
વર્ષ 1947ની 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો પછી ભારતમાં બનેલી સૌથી મોટી દુર્ઘટના કઈ? જવાબમાં કોઈ કુદરતી આફતનો નંબર લાગે તેમ નથી. ઇમરજન્સી દરમ્યાન જે કાળાં કૃત્યો ઇન્દિરા સરકાર તરફથી પ્રજાને માથે મારવામાં આવ્યાં તેનો ખરો ખ્યાલ નવી પેઢીને આવી જ ન શકે. એવાં યુવક-યુવતીઓને કેવળ એક જ પુસ્તક વાંચવાની ભલામણ કરવી છે: ‘ધી ઈમરજન્સી’. લેખિકા: કૂમિ કપૂર, ગુજરાતી અનુવાદ: સૌરભ શાહ.
– ગુણવંત શાહ (પ્રખર વિચારક, લોકપ્રિય નિબંધકાર – વક્તા. કટારલેખક: દિવ્ય ભાસ્કર)
‘કટોકટી’નો શાબ્દિક અર્થ થાય છે – છેક છેલ્લાં સમય કે સ્થિતિએ મુશ્કેલી ભરેલી સ્થિતિ. જ્યારે કે બંધારણ મુજબ કટોકટી એટલે – કલમ ૩૫૨ અન્વયે મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય કામચલાઉ ધોરણે મોકૂફ રાખતી સરકારી જાહેરાત.
25 જૂન, 1975થી તે 21 માર્ચ, 1977 સુધી આપણાં દેશમાં ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી હતી.
આ 19 મહિનામાં આપણાં દેશમાં શું શું ઘટનાઓ બની હતી? ઈન્દિરા ગાંધીએ એક કટોકટી ચાલુ હોવા છતાં પણ સમગ્ર દેશમાં બીજી કટોકટી કેમ લાદી દીધી હતી? એક પરિવારે પોતાની સત્તાનો કેવો ક્રૂર દૂરુપયોગ કર્યો હતો? દેશની લોકશાહીની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાવતો કટોકટીનો જાતે જોયેલો અને અનુભવેલો ઈતિહાસ એટલે એક ઐતિહાસિક પુસ્તક – ‘ધી ઈમરજન્સી’.
મૂળભૂત રીતે આ ઘટનાની શરુઆત થાય છે માર્ચ 1971ની લોકસભાની ચૂંટણીથી કે જેમાં રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધી ચૂંટણી લડ્યા અને ગોટાળા કરીને કેવી રીતે ચૂંટણી જીતી ગયા ત્યાંથી.
ઈન્દિરા ગાંધીની સામે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી સમાજવાદી પક્ષનાં નેતા રાજનારાયણે અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરી.
આ ચૂંટણીનાં પરિમાણની સુનાવણી ચાર વર્ષ સુધી ચાલી અને 12 જૂન 1975નાં રોજ હાઈકોર્ટનાં જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ 258 પાનાંનો ઑપરેટિવ પાર્ટ ભરી અદાલતમાં વાંચ્યો.

તેમણે આવતાં છ વર્ષ સુધી ઈન્દિરા ગાંધી વડાપ્રધાનપદે કે સંસદસભ્યપદે નહીં રહી શકે એવો ઐતિહાસિક ઑર્ડર જારી કર્યો હતો.
મિસિસ ગાંધીએ 24 જૂને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, સુપ્રીમ કોર્ટે ઈન્દિરા ગાંધીને મામૂલી રાહત આપતાં કહ્યું કે જ્યાં સુધી આ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાનની અરજીનો નિકાલ ન કરે ત્યાં સુધી તેઓ પોતાનાં પદ પર ચાલુ રહી શકે છે, પણ સંસદમાં મત આપવાનો એમને કોઈ અધિકાર નહીં રહે. આમ પ્રેક્ટીકલી ઈન્દિરા ગાંધી સંસદસભ્ય મટી જતાં હતાં.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી શ્રીમતી ગાંધીનું આસન ડગુમગુ થઈ જતું હતું. તે ઉપરાંત 25 જૂનની જયપ્રકાશ નારાયણની રેલીએ ઈન્દિરા ગાંધીની ખુરશીનાં પાયા હચમચાવી નાખ્યાં અને તેમને દેશને ‘શૉક ટ્રીટમેન્ટ’ આપવી જરૂરી લાગી.
સફળ ધારાશાસ્ત્રી સિદ્ધાર્થ શંકરે મિસિસ ગાંધીને એવી પટ્ટી પઢાવી કે આમેય 1971ના પાકિસ્તાન સાથેનાં યુદ્ધ વખતે લાદેલી ઈમરજન્સી તો હજુય દેશમાં અમલમાં છે જ. તો પછી બંધારણની કલમ 352 (1) હેઠળ દેશની અંદરનાં તત્ત્વોથી ઊભા થયેલા ખતરાને પહોંચી વળવા એક આંતરિક કટોકટી – ઇન્ટરનલ ઈમરજન્સી જાહેર કરવામાં કશો વાંધો નથી.
મિસિસ ગાંધી માટે ભાવતું’તું ને વૈદ્યે કહ્યું જેવી સલાહ હતી અને સમગ્ર દેશમાં લાગુ થઈ લોકશાહીને કાયદેસર રીતે સરમુખત્યારશાહીમાં પલટી નાખતી ભયાવહ ‘ધી ઈમરજન્સી’.
ઈમરજન્સી લાગુ કરતાં જ ઈન્દિરા ગાંધીએ સમગ્ર દેશનાં સરકારી અફસરોને કહી દીધું હતું કે રાજકીય નેતાઓ અને આંદોલનકારીઓની ‘મિસા’ હેઠળ ધરપકડ કરવા માટેનાં કાગળિયાં તૈયાર થઈ જવાં જોઈએ.
‘મેઈન્ટેનન્સ ઑફ ઈન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ’ નામનો કાયદો ઈન્દિરા ગાંધીની કૉન્ગ્રેસ સરકારે 1971માં ઘડ્યો હતો.
આ કાયદા હેઠળ દેશમાં ભાંગફોડની, આતંકવાદની કે અશાંતિ ફેલાવતી પ્રવૃત્તિ કરતી વ્યક્તિની પોલીસ ગમે ત્યારે ધરપકડ કરીને એને અનિશ્ચિત મુદત સુધી અટકાયતમાં રાખી શકતી. વૉરન્ટ વિના એનાં ઘર-ઑફિસ-દુકાન-ફૅક્ટરીની જડતી કરી શકતી અને એના ફોન પર સત્તાવાર નિગરાની રાખી શકતી.
ઈમરજન્સી દરમિયાન ‘મિસા’ના કાયદામાં વારંવાર સુધારા-વધારા કરવામાં આવ્યા જેથી રાજકીય કેદીઓને પણ એ લાગુ પડે. આ કાળા કાયદાને બંધારણમાં 39મો સુધારો કરીને દાખલ કરવામાં આવ્યો જેને કારણે એની કાયદેસરતાને અદાલતમાં પડકારી શકાતી નહીં.
આ કાળા કાયદા હેઠળ કોની કોની ધરપકડ કરવાની છે તેની યાદી વડાપ્રધાનના ઘરે બનાવવામાં આવી હતી. દિલ્હીમાં સૌથી પહેલી ધરપકડ જનસંઘ – આરએસએસ. સંચાલિત દૈનિક ‘મધરલૅન્ડ’ના તંત્રી કે. આર. મલકાણીની થઈ.
ત્યારબાદ જનસંઘના ઉપપ્રમુખ ડૉ. ભાઈ મહાવીર, બિજુ પટનાયક, પિલુ મોદી, રાજ નારાયણ, ચંદ્રશેખર, રામધન, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અરુણ જેટલી ઉપરાંત બેન્ગલોરથી જનસંઘના બે સંસદસભ્યો અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની પણ ધરપકડ મિસા હેઠળ કરવામાં આવી.
આમ, રાજકારણીઓને તાબડતોબ પકડીને જેલભેગા કરવામાં સફળ થયેલી ઈન્દિરા ગાંધીની ચંડાળચોકડીએ હવે બધું જ ધ્યાન અખબારોનું ગળું ઘોંટી દેવા તરફ કેન્દ્રિત કર્યું.
લોકશાહી દેશમાં ઈન્દિરા સરકારે હિટલરને પણ સારો કહેવડાવે તેવું કામ શરૂ કરી દીધું હતું. ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ, ઈન્ડિયા ટુડે, હિન્દુસ્તાન ટાઇમ્સ, ધ હિન્દુ જેવાં મોટાં અખબારો ઉપર સેન્સરશીપ લાગુ કરી દીધી હતી.
તેમણે પ્રમાણમાં સાવ નાનાં હોય તેવાં અખબારો ઉપર પણ તવાઈ બોલાવી દીધી હતી. જેને કારણે ઘણાં ચોપાનિયાં જેવાં અખબારો તો બંધ થઈ ગયાં હતાં.
ઈન્દિરા સરકારે આકાશવાણી અને દૂરદર્શનને પોતાની વ્યક્તિગત માલિકી હોય તેવી રીતે તેનો ભરપૂર દુરુપયોગ કર્યો હતો. લોકો તે સમયે ઑલ ઈન્ડિયા રેડિયોને ‘ઑલ ઈન્દિરા રેડિયો’ કહેવા લાગ્યાં હતાં.
ઈમરજન્સી પછી લાલકૃષ્ણ અડવાણીએ મીડિયા માટે કરેલું આ અમર નિરીક્ષણ હજુય કરોડો ભારતીય વાચકોના કાનમાં ગૂંજે છે:

‘એ વખતે અખબારોને ઝૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે છાપાંઓ ઘૂંટણીએ પડીને ભાંખોડિયા ભરવા લાગ્યા હતા.’ ધ પ્રેસ વોઝ આસ્કડ ટુ બેન્ડ ઍન્ડ ઈટ ચોઝ ટુ ક્રોલ.
જ્યારે સમગ્ર મિડિયા ઈન્દિરા સરકારની સામે ભાંખોડિયા ભરવા લાગ્યું હતું ત્યારે ફક્ત એક અખબાર એવું હતું જે સતત ઈન્દિરા સરકારની સામે બાથ ભીડી રહ્યું હતું તે ઈન્ડિયન એક્સપ્રેસ હતું,
આ જ ઈન્ડિયન એક્સપ્રેસની નિડર પત્રકાર કૂમી કપૂરે ઈમરજન્સી વખતે જે રિપોર્ટિંગ કર્યું હતું તેનો તેમણે ‘જાતે જોયેલો અને અનુભવેલો ઈતિહાસ’ એટલે આ પુસ્તક ‘ધી ઈમરજન્સી’.

કૂમી કપૂર 1975ની કટોકટી વખતે દિલ્હીમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં રિપોર્ટર હતાં. છેલ્લાં પચાસ કરતાં વધુ વર્ષથી રાજકીય બનાવોનું રિપોર્ટિંગ તથા વિશ્લેષણ કરતાં આવ્યાં છે. અત્યારે તેઓ ઇન્ડિયન એક્સપ્રેસમાં ઇનસાઇડ ટ્રૅક નામની પૉપ્યુલર કૉલમ લખે છે.
કૂમી કહેતાં હોય છે કે, ‘ધી ઈમરજન્સી પુસ્તક મેં કટોકટીના ગાળા પછી જન્મેલા વાચકો માટે લખ્યું છે. ભારતની નવી પેઢીને ખબર નથી કે કટોકટી પાછળ કોણ-કોણ લોકો હતા. એમને આ વિશે થોડું બૅકગ્રાઉન્ડ મળે તે જરૂરી છે.’
ઈમરજન્સી પહેલાંના ઇન્દિરા ગાંધીના કૉન્ગ્રેસી શાસનથી માંડીને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના દિલ્હી રાજ્યના શાસન સુધીના સમયને ખૂબ નજીકથી જોનારા અને એ વિશે નિયમિત લખનારા સિનિયર મૉસ્ટ ભારતીય પત્રકારોમાં કૂમી કપૂરનું નામ પ્રથમ હરોળમાં આવે છે.
આદરણીય કૂમી કપૂરનું આ પુસ્તક ઈમરજન્સી વખતનો ઐતિહાસિક દસ્તાવેજી પુરાવો છે જેમાં વિવિધ સંદર્ભો ટાંકીને તથા તે યાતનાઓ ભોગવેલા મહાનુભાવોનો સાક્ષાત્કાર કરીને તેમણે આ વિશેષ પુસ્તક તૈયાર કર્યું છે.
અલભ્ય તસવીરો સાથે માણવા અને ઈતિહાસને જાણવા માટે આવું અત્યાર સુધીનું આ એકમાત્ર પુસ્તક છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
મૂળભૂત રીતે અંગ્રેજીમાં ખૂબ વખણાયેલા આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ હાલમાં જ સત્ત્વ પબ્લિકેશન્સ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે.
આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ એટલો તો સરસ છે કે જાણે એમ લાગે છે આ પુસ્તક ખરેખર ગુજરાતી ભાષામાં જ લખાયું છે. એવો સરળ અનુવાદ કરનાર લોકપ્રિય લેખક જેમને અનુવાદની કળા હસ્તગત છે તેવાં શ્રી સૌરભ શાહે કર્યો છે.
સૌરભ શાહ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ ઊંચું નામ ધરાવે છે. ભાગ્યે જ કોઈ વાચક તેમનાં નામથી અપરિચિત હશે.
ગુજરાત સમાચારનાં વરિષ્ઠ પત્રકાર શ્રી ભવેન કચ્છી લખે છે કે, ‘આ પુસ્તકના અનુવાદક સૌરભ શાહ છે તે મુખપૃષ્ઠ પર જોતાં જ પુસ્તક વસાવવાનું એક કારણ બની જાય તેવી તેમની લોકપ્રિયતા છે, વાચકોમાં આદર છે.’
લોકપ્રિય નિબંધકાર પદ્મશ્રી ગુણવંત શાહ લખે છે, ‘આ પુસ્તક એટલી તો પ્રવાહી શૈલીમાં અનુવાદ પામ્યું છે કે એક હકીકત-આધારિત નવલકથા વાંચતા હોઈએ એવી અનુભૂતિ પાને પાને થતી રહી છે.’
યુગપ્રવર્તક પત્રકાર-તંત્રી તથા લેજન્ડરી લેખક, સફારી સામયિકના તંત્રી-પ્રકાશક નગેન્દ્ર વિજય લખે છે, ‘લેખિકા, પત્રકાર કૂમી કપૂરે અંગ્રેજીમાં લખેલા પુસ્તકને સૌરભ શાહે એટલી રસાળ શૈલીમાં અનુવાદિત કર્યું છે કે લગીરે તરજુમા જેવું લાગતું નથી.’
અનુવાદક સૌરભ શાહ પ્રસ્તાવનામાં લખે છે, ‘આ પુસ્તક એક એવો ઐતિહાસિક દસ્તાવેજ છે કે જે થ્રિલરની રોમાંચક શૈલીમાં સડસડાટ વાંચવાની મઝા આવે છે. પાને પાને ઈંતેજારી જગાડે એવી લેખિકા કૂમી કપૂરની શૈલી છે.
ગુજરાતીમાં એનો અનુવાદ કરતી વખતે મેં એના મૂળ સ્વરૂપને અક્ષુણ્ણ રાખીને એમાં માતૃભાષાનો સ્વાદ એકરૂપ થઈ જાય એવી કોશિશ કરી છે. તમને વાંચવાની મઝા આવે એવું બન્યું છે.
ઇમરજન્સી વિષય પર કેટલાંક સઘન તો કેટલાંક છૂટક-ત્રુટક માહિતી આપતાં કુલ 100થી વધુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પુસ્તકો તેમ જ સંશોધન માટે કામ લાગે એવા ગ્રંથો પ્રગટ થયાં છે, જેમાંથી પાંચ-છ સિવાયનાં મારી રેફરન્સ લાઇબ્રેરીમાં છે.
કૂમી કપૂરનું ‘ધી ઇમરજન્સી: અ પર્સનલ હિસ્ટરી’ પુસ્તક એવું છે જે વાંચ્યા પછી એક સામાન્ય વાચક તરીકે આ વિષય પર તમે બીજું કોઈ પુસ્તક ન વાંચો તો આરામથી ચાલે – તમને પાકે પાયે ખબર પડી જાય કે શ્રીમતી ગાંધીએ તથા એમના પુત્ર સંજયે પોતપોતાની ટોળકીઓનો સાથ લઈને ઈમરજન્સી દરમ્યાન શું શું કર્યું.’
પંદર પ્રકરણમાં ફેલાયેલા આ વજનદાર (ગ્રામ અને માહિતી બંનેમાં) પુસ્તકમાં બંધારણમાં ફેરફારથી માંડીને મિસાનો કાળો કાયદો, મિડિયાના મોઢે તાળું, રામનાથ ગોએન્કાનો જંગ, જયપ્રકાશ નારાયણનો સંઘર્ષ, સંજય ગાંધી અને એના હજૂરિયાઓ, કુટુંબનિયોજન માટે બળજબરી, વિપક્ષનો અવાજ દબાવવા માટેનાં કાવતરાં, જ્યોર્જ ફર્નાન્ડિસ જેવાં ફાયરબ્રાન્ડ નેતાની મર્દાનગી જેવાં વિવિધ વિષયો પર સવિસ્તાર માહિતી આપી છે.
આ પુસ્તક માટે જય વસાવડા કહે છે તેમ, ‘કોઈ ફાંકડી વેબસિરીઝ માણતા હો એવી અનુભૂતિ થશે.’
‘ધી ઈમરજન્સી’નો ગુજરાતી અનુવાદ પામેલાં આ ઐતિહાસિક પુસ્તકને તમામ ગુજરાતી પત્રકારો અને લેખકોએ એક અવાજે વખાણ્યું છે.
આદરણીય શ્રી ગુણવંત શાહ, નગેન્દ્ર વિજય, અશોક દવે, જય વસાવડા, વિષ્ણુ પંડ્યા, દેવેન્દ્ર પટેલ, ભવેન કચ્છી, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, લલિત લાડ (મન્નુ શેખચલ્લી), જ્વલંત છાયા, કિરીટ ગણાત્રા, નીલેશ દવે, લલિત ખંભાયતા, ડૉ. શિરીષ કાશીકર, કિશોર મકવાણા, દીપક માંકડ, હીરેન મહેતા, શિશિર રામાવત, હર્ષલ પુષ્કર્ણા, કુન્દન વ્યાસ, વિક્રમ વકીલ, ભરત ઘેલાણી, મયુર પાઠક, અંકિત દેસાઈ, પ્રકાશ ન. શાહ, ભાગ્યેશ જહા, આશુ પટેલ, કિન્નર આચાર્ય, અલકેશ પટેલ, ડૉ. શરદ ઠાકર ઉપરાંત અનેક મહાનુભાવોએ આ પુસ્તકને ખૂબ વખાણ્યું છે.
ગુજરાતી ભાષામાં ઘણાં સમય પછી આવેલું આવું ઐતિહાસિક પુસ્તક જે અંગ્રેજી આવૃત્તિની જેમ બેસ્ટ સેલર બની ગયું છે.
આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ સમાપ્ત થવાના આરે છે એવું આ પુસ્તક દરેક ગુજરાતીએ અવશ્ય વાંચવું જોઈએ તથા શ્રી અશોક દવે કહે છે તેમ ‘સંતાનોને એમની બર્થ ડે પહેલાં ભેટ આપવું જોઈએ.’
સાચો ઈતિહાસ
‘એ અંધકારમય 19 મહિનાના વાતાવરણને અને એ દરમ્યાન બનેલી ઘટનાઓને આ પુસ્તક ચુંબકીય શૈલીમાં વિગતવાર તાદૃશ કરે છે. ઈમરજન્સી દરમ્યાન ફેલાયેલા આતંકનું બયાન તો અહીં છે જ, ઉપરાંત એ કપરાં સમય દરમ્યાન અનેક લોકોએ દેખાડેલી બહાદુરીના અને અનુકંપાના કિસ્સાઓનો દસ્તાવેજ પણ આમાં છે.
ઈમરજન્સી દરમ્યાન ચાપલૂસી અને હુકમશાહી કેટલાં વ્યાપક હતાં એનો ખ્યાલ તમને આ પુસ્તક પરથી આવશે. એ બધા તેમ જ વારસાગત રાજકારણને આપણા દેશની પ્રજાએ કેવી મક્કમતાથી, હિંમતથી તથા શાણપણથી ફગાવી દીધું એનો ઇતિહાસ પણ અહીં પ્રગટ થાય છે.’
– અરુણ જેટલી (ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી, નાણાંમંત્રી, કાયદામંત્રી)
***
~ પુસ્તક પ્રકાશક: સત્ત્વ પબ્લિકેશન, અમદાવાદ.
~ મોબાઈલ: 98250 20595, 97250 20595, 97250 22917
~ કિંમત: ₹ 595/-
~ પ્રાપ્તિસ્થાન અને ઓનલાઈન ઓર્ડરની લિંક માટે મુલાકાત લો:
https://www.newspremi.com/the-emergency-gujarati/
~ પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 96016 59655