પ્રકરણ:22 ~ ડેડ ઍન્ડ નોકરી ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
મારા તત્કાલના જીવનનિર્વાહના અને કૌટુંબિક પ્રશ્નોનો નિકાલ કરવા માટે મેં મારું બધું ધ્યાન મારી કારકિર્દી પર દોર્યું. જો કે ત્યાં પણ નિરાશાજનક ભવિષ્ય સિવાય બીજું કશું દેખાતું નહોતું.
બબ્બે ડીગ્રીઓ પછી પણ મને કોઈ બહુ સારા પગારની અને કોઈ સારા ઠેકાણે નોકરી નહોતી મળતી અને એવી નોકરી મળશે એવી આશા પણ મેં છોડી દીધી હતી.
રોજ ટાઈમ્સ જોઈને એપ્લીકેશન કરતો તે બંધ કર્યું, થયું કે એનો અર્થ શું? કોઈ મોટી બેંક કે ઇન્શ્યુરન્સ કંપની અથવા ફોરેન કંપનીમાં લાગવગ સિવાય આપણો નંબર લાગવાનો નથી એ વાત સ્પષ્ટ હતી. ધંધો કરવા માટે જે મૂડીની શરૂઆતમાં જરૂર પડે તે તો નથી જ, અને એ મૂડી હોય તોય ધંધો કરવા માટે જે આવડત જોઈએ તે ક્યાં હતી?
ધીમે ધીમે મને એમ થતું જતું હતું કે આપણે ભાગે જે પત્ની, જે નોકરી અને જે ઓરડી લખાઈ હતી તે છે અને તેમાં જ સંતોષ માનીને જીવન જીવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
દિવસ ને રાત મારી જાતને કહેતો કે, ભાઈ, તું વળી કઈ વાડીનો મૂળો છે કે તારી ગણતરી જુદી થાય? તું કંઈ નવી નવાઈનો થોડો છે? તું જોતો નથી કે મુંબઈમાં લાખો લોકો જીવે છે અને ઘણા તો તારા કરતાં પણ વધુ ખરાબ દશામાં જીવે છે, સબડે છે, એ કેમ જોતો નથી? તારી પાસે ઓરડી તો છે, જયારે લાખો લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, તેમનું શું? ગમે તેવી પણ તારી પાસે નોકરી તો છે, દર મહિને પગાર આવે છે, જયારે લાખો લોકો નોકરી વગરના રખડે છે, તેમનું શું? એ બધાનો વિચાર કરી, તારે સમજવું જોઈએ કે તું તો ભાગ્યશાળી છે, અને ભગવાનને ગાળ આપવાને બદલે એનો પાડ માનવો જોઈએ!
સવાર ને સાંજે ટ્રેનમાં જતા આવતા મોટા ભાગના લોકો જ્યારે ગાડીમાં ઊંઘતા હોય, અથવા પત્તાં રમતા હોય કે ભજન કરતા હોય, ત્યારે હું ઊંડા વિચારમાં ઊતરી જતો. મને થતું કે આ બધા લોકો કેવા વાસ્તવિકતા સ્વીકારીને જીવે છે, અને જે છે એમાં મોજમજા કરે છે તેમ હું કેમ નથી કરી શકતો?
મારી જાતને બહુ સમજાવું કે આ જ વાસ્તવિકતા છે, તે સ્વીકારીને જ મારે જીવવાનું છે. રાતે પાછો ચાલીમાં આવું ત્યારે થતું કે આવી જ ચાલીમાં શું મારે જિંદગી કાઢવાની છે.
ટ્યુશન કરવા જ્યાં જતો તેવો ફ્લેટ, રાચરચીલું, ગાડીઓ વગેરે મને એક વાર મળશે એવા ખ્યાલ જે મનમાં રાખીને બેઠો હતો તે મૂર્ખાઈ હતી તે હવે મને સ્પષ્ટ સમજાયું.
અત્યાર સુધી હું હાડમારીના દિવસોમાં એમ માનતો કે આ બધું તો ટેમ્પરરી છે, આ તો વિધાતા મારી કસોટી કરે છે, પણ મારે હારવાનું નથી, બલ્કે એમાંથી નીકળીને હું જ્વલંત સફળતા પામવાનો જ છું, ખૂબ પૈસા બનાવવાનો જ છું, આગળ આવવાનો જ છું, અને દુનિયાને બતાવી દેવાનો છું કે હું કોણ છું!
ઉમાશંકર જોશીની સોનેટમાળા, ‘આત્માના ખંડેર’ના એક સોનેટની આ પંક્તિ હું વારંવાર ગણગણતો, “આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.” પણ એ આખીય વાત હવે મને શેખચલ્લીનાં સ્વપ્નાં જેવી લાગી, અને થયું કે એવા બણગા ફૂંકવા છોડી જે વાસ્તવિકતા છે તેને સ્વીકારી નીચી મૂંડીએ જીવ્યે જવું. દુનિયા જે છે તે છે અને તારા માટે કંઈ બદલાવાની નથી.
મારી નિરાશાનાં આ વરસોમાં બે જણને હું વારંવાર મળવા જતો. “યથાર્થ જ સુપથ્ય”ની ફિલોસોફીથી જીવન જીવતી આ બે વ્યક્તિઓએ મારે માટે મોટા આશ્ચર્યની વાત હતી. એમણે જીવનમાં કૈંક મુશ્કેલીઓ વેઠી હતી, છતાં એ કેવી રીતે શાંતિથી જીવન જીવતાં હતાં!
હું જો મારી ડેડ ઍન્ડ નોકરીથી પેટ ચોળીને રોજ દુઃખ ઊભું કરતો હતો, તો મારા એક પરમ મિત્ર શરદ પંચમિયા એવી જ એક ડેડ ઍન્ડ નોકરી કરતા હતા, છતાં ખુશીથી જીવતા હતા.
પંચમિયા દૂર મલાડમાં સંયુક્ત કુટુંબમાં બહેન, ભાઈઓ અને માબાપ બધા સાથે રહે. ઘણી વાર હું એમને ત્યાં જતો ત્યારે મને હંમેશ થતું કે એ કુટુંબ કેવા સંતોષ અને સંપથી રહે છે. પંચમિયા લાઈફ ઇન્સ્યુરન્સ કંપની ઓફ ઇન્ડિયા (એલ.આઈ.સી.)માં ક્લર્ક તરીકે નોકરી કરતા હતા. સંતોષી જીવ.
આગળ વધવાની એમને કોઈ ઝંખના નહોતી એવું નહીં, પણ એ બાબતનો મારા જેવો કોઈ વલવલાટ નહોતો. પાર્ટ ટાઈમ કૉલેજમાં જરૂર જતા હતા, પણ એ પ્રમોશન મેળવવા કરતા મઝા કરવા જતા હોય એમ લાગતું. દરરોજ ટાઈમ્સ વાંચે. પબ્લિક અફેર્સમાં, પોલિટિક્સમાં પૂરેપૂરો રસ લે. પણ પોતે પ્રધાન નથી, કે થવાના નથી, તેનો એમને વસવસો નહોતો.
એમને મળવા જાઓ એટલે આપણી કૉફી તો સાચી જ. વધુમાં એ બટેટાવડાનો પણ આગ્રહ કરે. સુક્લડી કાયા, શર્ટ પેન્ટ, જાડા કાચનાં ચશ્માં, જિંદગીમાં બધું જ મળી ગયું હોય એવી શાંતિ. કોઈ હાયવોય નહીં. બધાની સાથે હળીમળીને રહેવાની એમની વૃત્તિ.
એમને પત્ની પણ એવા જ શાંત સ્વભાવનાં મળ્યાં મળ્યાં. જાણે કે એ બંને એક બીજા માટે સર્જાયા હોય એમ લાગે. એવી જ એમની પરીઓ જેવી બે પુત્રીઓ. એમાંની એક તો સંસ્કૃતમાં પત્રો લખી શકે એવી પારંગત હતી. બન્ને વળી આજ્ઞાંકિત તો એવી કે પંચમિયાનો પડતો બોલ ઝીલે.
આખી જિંદગી એમણે એલ.આઈ.સી.માં ક્લર્ક તરીકે કાઢી. એમના મિત્રો કે સગાંઓ પૈસાવાળા થયા, કે અમેરિકા ગયા, કે ઑફિસમાં બીજાઓને પ્રમોશન મળ્યું અને એમને નહીં મળ્યું, એ બાબતની ફરિયાદ કરતા મેં એમને ક્યારેય સાંભળ્યા નથી.
ઈર્ષ્યા તો માનવ સહજ છે, છતાં મેં જે બહુ ઓછી વ્યક્તિઓમાં મેં એમના જેટલો ઈર્ષ્યાનો અભાવ જોયો છે.
મારી પ્રગતિમાં એમણે જીવંત રસ લીધો છે. મેં કંઈ લખ્યું હોય અથવા મારા વિષે દેશના છાપાંમાં જે કાંઈ આવ્યું હોય તે સાચવી રાખે. એ બધા ક્લિપિંગ્સનું એમણે એક આલ્બમ બનાવેલું!
અમેરિકા આવ્યા પછી દેશમાં મને કૈંક એવોર્ડ મળતા અને મારું સમ્માન થતું. આવા પ્રસંગે હું તેમને સહકુટુંબ લઇ જાઉં. મારી પ્રગતિમાં ખુશી મનાવે. એમની મૈત્રી નિર્વ્યાજ હતી.
હું જ્યારે અમેરિકા આવતો હતો ત્યારે મને વળાવવા એરપોર્ટ આવેલા મિત્રોમાં પંચમિયા જ એક એવા હતા કે જેમણે મને એમની અમેરિકા આવવાની વ્યવસ્થા કરવા નહોતું કહ્યું.
મારા અમેરિકાના લાંબા વસવાટમાં દેશમાંથી અનેક પત્રો આવે છે. તેમાં ઘણાય નો ધ્રુવ મંત્ર એક જ હોય: “અમારું ત્યાં આવવાનું થાય એવું કંઈક કરો.” પંચમિયાએ એ બાબતનો કોઈ દિવસ ઈશારો પણ કર્યો નથી, ન પોતાના માટે, કે ન પોતાની દીકરીઓ માટે.
પોતે જે કોઈ પરિસ્થિતિમાં હોય એમાં જ સંતોષથી રહેવું એ જાણે કે પંચમિયાને સહજ હતું. મોટી ઉંમરે એમની આંખો ગઈ એ હકીકત એમણે જે સહજતાથી સ્વીકારી તે મારે માટે એક મોટી અજાયબી હતી.
હું મુંબઈ જાઉં ત્યારે જરૂર એમને મળવા જાઉં. છેલ્લે ગયેલો ત્યારે એમના નાના બે રૂમના ફ્લેટમાં એ આંટા મારતા હતા. કહે કે “આંખ ગયા પછી ઘર બહાર તો નીકળાય નહીં, એટલે ઘરમાં જ વોક કરી લઉં છું.”
બીજી એક એવી વ્યક્તિ હતી મારા માસા. મુંબઈમાં એ સૂકા મેવાની દુકાન ચલાવતા. મૂળ કરાચીના. દેશના ભાગલા પછી કરાંચીથી પહેર્યે લૂગડે ભાગીને મુંબઈ આવ્યા. થોડી ઘણી બચત હતી તેમાંથી સૂકા મેવાનો સ્ટોર કર્યો.
દિવસ આખો સ્ટોર ચલાવે. રાત્રે બંધ કરીને સ્ટોરના જ પાટિયા ઉપર સૂઈ જાય. ઘરબાર તો હતા નહીં. પોતાની માલમિલકતમાં જે કંઈ રોકડું હતું તે ઓશીકે રાખી સૂએ. એક રાતે કોઈ ઓશીકું સરકાવી ગયું. આખા દિવસની કેડતોડ મજૂરીથી થાકેલા માસાને એવી તો ઊંઘ ચડેલી કે ખબર પણ ન પડી. હવે શું કરવું?
કોઈ પૈસાદારને ભાગીદાર બનાવી સ્ટોર ચાલુ રાખ્યો. વરસે બે વરસે એ પૈસાદારની દાનત બગડી. પૈસાના જોરે માસાને કહે, તમને હવે ભાગીદાર તરીકે અમે નહીં રાખીએ. નોકર તરીકે રહેવું હોય તો રહો અને સ્ટોર ચલાવો, નહીં તો ચાલતી પકડો.
માસા બિચારા મોટી ઉંમરે ક્યાં જાય? જે સ્ટોર એમણે જાતમહેનતથી જમાવ્યો હતો ત્યાં જ નોકરી સ્વીકારી! ભાગીદાર પણ લોહી ચૂસનારો નીકળ્યો.
માસા વહેલી સવારે બાજુમાં જ જ્યાં એક રૂમમાં એમણે ઘર માંડ્યું હતું ત્યાંથી આવે. દસેક મિનિટ દૂર ઘર હોવા છતાં ઘરે લંચ માટે જવાની રજા નહીં. ટીફીન આવે તે ખાવાનું.
બપોરે ખાધા પછી દસ પંદર મિનિટ સ્ટોરમાં જ આડા પડી ઊભા થઈ જાય. મોડી રાત સુધી સ્ટોરનું કામ કરે. રવિવારે ચોપડા લખે. મેં એમને ક્યારેય મૂવીમાં જતા જોયા નથી. કોઈ લગ્નપ્રસંગ જો રવિવારે હોય તો જ જાય. બાકી તો એ ભલા ને સ્ટોર ભલો. જિંદગીમાં આટઆટલી હાડમારી ભોગવ્યા છતાં મેં એમને ક્યારેય ફરિયાદ કરતા જોયા નથી.
હું આ બે વ્યક્તિઓનો મળતો ત્યારે જરૂર વિચારે ચડી જતો. મારામાં એમના જેવી સહનશીલતા કે ધીરજ ક્યારે આવશે? મુંબઈની હાડમારી વેઠવામાં હું એકલો થોડો છું?
આ શહેરમાં અસંખ્ય લોકો જીવે છે. કેટલાને ફ્લેટ છે? કેટલાને કાર છે? છતાં બધાય જીવે જ છે ને? અને મારે જો જીવવું જ હોય તો રોતા કકળતા શા માટે જીવવું?
આ બધું સમજતો છતાં ય હું જાણે નવી નવાઈનો હોઉં તેમ મારી હાડમારીઓને પંપાળ્યા કરતો હતો. દિવસ-રાત ફરિયાદ કરતો. જાતને કહેતો રહેતો કે હું સ્પેશિયલ છું, આ હાડમારીને લાયક નથી, મારી આવડત, બુદ્ધિ, વિચારસૃષ્ટિ, આકાંક્ષાઓ જોતાં મને ઘણું ઘણું મળવું જોઈએ, ઉપરવાળો કંઈક ભૂલ કરે છે.
જે મહાન લોકો મારે માટે પ્રેરણાપુરુષો હતા એમનાં જીવનચરિત્રો હું ઉથલાવી જતો અને જોતો કે એમણે શું શું વેઠ્યું છે, અને એમાંથી એ કેવી રીતે બહાર આવ્યા. વળી એ પણ જોતો હતો કે એ બધા મારી ઉંમરે શું કરતા હતા, ક્યાં સુધી આવી ચૂક્યા હતા અને હું હજી આ બે બદામની નોકરીમાંથી આગળ વધ્યો નથી, તેનું મારે શું કરવું. મારી આ અવદશામાંથી મારે કેમ છટકવું?
હવે જ્યારે જ્યારે મુંબઈ જાઉં છું ત્યારે મેં જ્યાં જ્યાં નોકરીઓ કરી હતી, કામ કર્યું હતું, રહ્યો હતો, હર્યો ફર્યો હતો, ત્યાં એકાદ આંટો જરૂર મારું. ટ્રામ તો હવે નથી, પણ ટ્રેન, બસ, ટેક્સીમાં જરૂર થોડી મુસાફરી કરી લઉં. જે જે રેસ્ટોરાંમાં મેં ખાધું હતું, તે હજી ચાલતાં હોય તો ત્યાં બેસીને કશુંક ખાઈ લઉં.
આ બધી જગ્યાએ જઈને પ્રભુનો અને નવીન જારેચાનો પાડ માનું કે એમણે મારી અમેરિકા આવવાની વ્યવસ્થા કરી, અને આ બધામાંથી મને ઉગાર્યો.
પચાસેક વરસના અમેરિકાના સુંવાળા વસવાટ પછી થાય કે હું મુંબઈમાં કેમ જીવ્યો?! અને છતાં એ પણ જોઉં કે મુંબઈમાં મેં જે હાડમારી ભોગવી હતી તેનાથી પણ વધુ હાડમારી ભોગવતા લાખો લોકો મુંબઈમાં હજી જીવે જ છે ને!
એ બધાને હું રોદણાં રોતાં જોતો નથી. મુંબઈની આ બધી મુશ્કેલીઓ વચ્ચે લોકો કેવા સિફતથી પોતાનો રસ્તો શોધી કાઢે છે! કોઈ પણ સંજોગોમાં રહેવાની મુંબઈના લોકોની સૂઝસમજ અને ચતુરાઈ મને સમજાય છે. મુંબઈની આ સહનશીલ અને હિકમતી પ્રજાને હજાર હજાર સલામ ભરું છું.
જીવવા માટે અમેરિકન સુખસગવડો અનિવાર્ય નથી. આખરે દુનિયાના કેટલા લોકોને એ સુખસગવડો ભોગવવા મળે છે? અને છતાં લાખો અને કરોડો લોકો જીવે જ છેને!
જેમ હું મુંબઈમાં બધે આંટો મારી આવું છું તેમ દેશમાં મારે ગામ પણ જઈ આવું છું. અને ત્યાં જતા એમ થાય છે કે ગામના લોકોને મુંબઈના સાધન સગવડો નથી, છતાં એ બધાં જીવે જ છે ને? એ બધાં દુઃખી છે એમ કેમ કહેવાય?
આખરે પોતાના સંજોગોને અનુકૂળ થઈને રહેવાની કુશળતા મનુષ્ય સહજ છે, નહીં તો દેશનાં ગામડાંઓની ભયંકર ગરીબીમાં લોકો કેમ કરીને જીવ્યે જાય છે? મને થાય છે કે મારું અમેરિકા આવવાનું ન થયું હોત તો મેં પણ શું એ બધાની જેમ મારો રસ્તો ન ખોળી કાઢ્યો હોત? ખુદા જાને!
…અને છતાં મુંબઈની હાડમારીઓમાંથી પસાર થતાં મારું જે દુઃખ હતું તેને હું કેમ નકારી શકું? ટ્યુશન કરવા જતો ત્યારે ત્યાં વિશાળ ફ્લેટ અને તેની અનેક આધુનિક સાધન સગવડો જોતાં મને જરૂર થતું કે આ બધું મને કેમ ન મળે?
દરરોજ છાપાંમાં અમેરિકા જતા પૈસાદાર નબીરાઓના ફોટા જોતો ત્યારે થતું કે મને અમેરિકા જવા કેમ ન મળે? આમાં મારી લાયકાતનો પ્રશ્ન તો હતો જ નહીં. મને થતું કે એ બધા કરતાં શું મારી લાયકાત ઓછી હતી? મને મારી ગરીબીનું તીવ્ર ભાન પળેપળે થતું.
હું જો પૈસાવાળો હોત, લાગવગવાળો હોત, તો હું પણ અમેરિકા જઈ શકું, ફ્લેટમાં રહી શકું, મોજમજા કરી શકું. આ બધી ફ્લેટ અને અમેરિકાની વાત મૂકો પડતી, પણ જે સમાજ અને દેશમાં સારી નોકરી કે સારી ઓરડી મેળવવા માટે પણ જો આકાશપાતાળ એક કરવા પડતાં હોય, તો એવા સમાજમાં રહેવાનો અર્થ શો? આવી દુઃખી મનોદશામાં મને મુંબઈ માટે, સમાજ માટે, દેશ માટે ઘૃણા થાય તેમાં નવાઈ શી?
આ કપરા સમયે મને દેશમાં, એની લોકશાહીમાં અને એની સામાજિક વ્યવસ્થામાંથી શ્રદ્ધા સાવ ઊઠી ગઈ. મારા જેવા ભણેલા માણસને પણ એક સામાન્ય નોકરી, કે રહેવાની ઓરડી મેળવવા આટલી મુશ્કેલી પડતી હોય એવી લોકશાહીનો અર્થ શો?
પછી તો હું પૈસાવાળાઓને ધિક્કારતો થઈ ગયો. એમની પાસે ફ્લેટ, ગાડી, વગેરે જીવનની બધી સગવડ હોય, એમના છોકરાઓને અમેરિકા જવાનું મળે, અને હું મુંબઈમાં હડદોલા ખાઉં તે મારાથી સહેવાતું નહોતું.
મેં જોયું કે એક પછી એક સરકાર આવીને જતી. એક પંચવર્ષીય યોજના પૂરી થાય ને બીજી તૈયાર આવી ને ઊભી જ હોય. પણ લોકોની દશામાં શું ફેરફાર થતો? ઊલટાનું એમની દશા વણસતી જતી હતી. મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓ તો વધતી જતી હતી. થતું કે મારે આ ભૂખડીબારસ દેશમાંથી ભાગવું જ જોઈએ. પણ કેવી રીતે?
(ક્રમશ:)