આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૪ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૪૪
પ્રિય દેવી,
કેમ છે? એટલા માટે પૂછ્યું કે જીવનની ઘટમાળમાં જીવનના આગમન અને વિદાયના મણકામાંથી તું હમણાં પસાર થઈ રહી છે.
ઘટમાળ એ દોરો છે અને એમાં પરોવાતાં રહેલા મણકા ઘણીવાર સુખ આપે છે તો ક્યારેક પીડા, ક્યારેક ભાવવિભોર કરી દે છે તો ક્યારેક ગ્લાનિસભર, ક્યારેક અંતરમનને ઝંકૃત કરી જાય તો ક્યારેક ઉદાસ-ઉદાસ!
મૃત્યુ ભલે ‘ઝુલાનું અટક સ્થાન’ હશે પરંતુ જ્યારે એ ઝુલો અધવચ્ચે અટકી જતો લાગે; ત્યારે આપણને સૌને આધ્યાત્મિક વ્યાખ્યાઓ ખબર હોવા છતાં મનને ઉદાસ કરી જાય! ખાસ કરીને તો પાછળ નિર-આધાર (ભગવાન જ ખરો આધાર છે વગેરે વ્યાખ્યાઓ તે વખતે સાવ નિરર્થક લાગે ને?) બની ગયેલા યુવાન પતિ/પત્ની અને નાનું બાળક/બાળકોને કલ્પાંત કરતાં જોઈને!
ખેર, સાથે નવોદિતના આગમને પેલા ખેદને સરભર કરી દીધું હશે.
આ બધાનો સાર મારે કાઢવો હોય તો એટલું જ કહું કે life is short. લાંબા-ટૂંકાની વ્યાખ્યા સૌ પોતાની રીતે કરી શકે છે પરંતુ એને એ રીતે માણવી જોઈએ કે જતી વખતે મન પ્રફુલ્લિત હોય.
ભલે શારીરિક મુશ્કેલી ઓછી-વત્તી હોય પરંતુ અંદરથી કંઈક પામી લીધાનો સંતોષ જતી વખતે મોં પર છોડીને જઈએ એ જ ઈશ્વરને પ્રાર્થના કરું. પાનખર જ્યારે આવે ત્યારે પણ તેં કહ્યું તેમ અદબભેર ખરી જવાનું મનોબળ કેળવવું રહ્યું.
હવે મારી લખેલી અછંદાસ માટે તું ગૌરવ લે તે ગમે જ. પરંતુ મેં આ કવિતા લગભગ ૧૯૭૪/૭૫માં લખી હતી.
ત્યારે જીવનમાં સમથળ થવા મથતી હતી. યૌવનની થનગનતી વૃત્તિને સંસારના સાંચામાં ઢાળવાના ધમપછાડાના ફળ સ્વરૂપ એ લખાયું હતું. તને યાદ નહિ હોય પરંતુ કોલેજકાળમાં પણ મેં લખેલી અમુક કવિતાઓ તારી અને રંજન આગળ મેં વાંચી હતી. એ મને કોઈને બતાવવાનું ન ગમે કારણ એ વખતનો મનનો ઉચાટ પછી પુખ્ત બન્યો અને એ કવિતાઓ સાવ જ બાલિશ લાગી!
તારી વાત સાથે સહમત થાઉં છું કે, ते हि नो दिवसा गताः
મને રંગોળી પૂરવાનો અનહદ શોખ. રાત્રે અને ખાસ કરીને દિવાળીની રાત્રે મોટી રંગોળી કરીને પછી આખા મહોલ્લાની અન્યોની રંગોળી જોવા જતાં. મારા ભાઈઓ રંગોળી પાસે ફટાકડા ન ફોડે તેની તકેદારી રખાવામાં આખી રાત સૂતા નહીં.
બધું ઇન્સ્ટંટ થતું જાય છે પરંતુ આપણા પછીની પેઢીનો આનંદ કંઈક જુદો હશે જેનો આપણને પરિચય નથી કે નથી એ સમજવાનો સમય. તેં કહ્યું તેમ ટેકનોલોજીએ આપણા અનુભવોને ભલે વામણા બનાવી દીધા પરંતુ એનું સ્મરણ હજુ પણ આનંદ તો આપે જ છે ને?
મને હજુ પણ યાદ છે ભૂરા આકાશને લેટર બોક્સમાંથી ટપકતું જોવાનો રોમાંચ!
મારા બા, ભાઈઓ-ભાભીઓ, ભત્રીજા-ભત્રીજીઓના પત્રો મળવાનો આનંદ. પછી એના જવાબ લખવાનો સમય ફાળવવાની ઉતાવળ, ફરી પાછો પ્રત્યુત્તરની રાહ જોવાનો આનંદ!
દેવી, દરેક પેઢી આનંદ મેળવવાના પોત પોતાના રસ્તાઓ ખોળી જ લે છે. આપણે જેને ગેરલાભ કહીએ છીએ તે એ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે એટલે અત્યારની પેઢીને આપણી વાતો ન સમજાય એ સ્વાભાવિક છે. બાકી હા, દુનિયા ‘સાંકડી’ થતી જાય છે ‘નાની’ નહીં.
મનનો વિસ્તાર સાંકડો ન થાય એની કાળજી સમાજ ન રાખશે તો અંતે સમાજે જ એનું પરિણામ ભોગવવું પડશે અને આપણે પણ એ જ સમાજનું જ અંગ છીએ એટલે છૂટી તો શકાશે નહીં ને?
તારી વાર્તા ખૂબ જ ગમી. હું એને થોડી જુદી રીતે જોઉં છું. તેં કહ્યું તેમ મનનો ખેલ તો છે જ પરંતુ તેના કરતાંય ‘મારું’ અગત્યનું છે. જ્યારે એ અન્યોનું બની જાય ત્યારે હું પ્રેક્ષક બની જાઉં છું. પરંતુ એની સાથે જેવો માલિકીભાવ આવ્યો એટલે તરત જ એ સુખ-કે દુ:ખદાયક બની જાય. વસ્તુ કે પરિસ્થિતિ ‘મારાપણા’ના ભાવ સાથે જોડાયેલી છે.
બાકી મનની શક્તિને જરાય ઓછી અંકાશે નહીં. આ મનની કેળવણી પણ અજબ વસ્તુ છે નહીં, દેવી? એક જ વાતાવરણ, માતા-પિતા અને સમાજમાં ઉછરેલાં દરેક બાળકની મનની શક્તિ અલગ અલગ છે. માનવું હોય કે નહીં તો પણ ગયા જન્મનું કંઈક તો લઈને આવ્યાં હોઈશું જ એની પ્રતીતિ કરાવે છે.
હમણાં જ મને કોઈએ પૂછ્યું કે હું જ્યારે વાર્તા લખવા બેસું ત્યારે શું અનુભવું છું? ખૂબ જ સરસ પ્રશ્ન હતો.
લખવા માટે અંદરથી એક ધક્કો લાગે અને લખવા બેઠાં પછી આપમેળે સ્ફુરતું જાય, લખાતું જાય. ન લખાય તો દિવસો સુધી ન લખાય અને લખવા બેઠાં પછી બસ લખાતું જાય… લખાતું જાય… ક્યાંથી આવે છે તે પણ ન સમજાય! આ અનુભૂતિ જ અવર્ણનીય છે. અને સૌથી વધારે તો લખ્યા પછીની તૃપ્તિનો આનંદ કેવી રીતે વર્ણવી શકાય? આ વિષેનો તારો અનુભવ વાંચવો ગમશે.
અંતે કવિની શબ્દશક્તિ અને અનુભૂતિની અભિવ્યક્તિ દર્શાવતી મિતુલ પટેલ-અભણની એક કવિતાથી વિરમું..
‘મારી ઉદાસીનું શ્રાદ્ધ છે,
એમની સાથે વીતાવેલી એકાદ રંગીન ક્ષણ લઈ આવો,
વાસ નાંખવી છે.’
આવી વાત લખવા માટે મારા જેવાને કેટલા બધા શબ્દોનો સહારો લેવો પડે અને તારા જેવા કવિઓ માત્ર થોડા શબ્દોમાં કેટલી ગહન વાત કેટલી સહજતાથી કરી શકે!
ચાલ, લખવું તો ઘણું હોય પરંતુ તારી દયા આવે છે….
નીનાની સ્નેહયાદ.