અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:2 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા
હંસાની આંખોમાં હજી અપાર વિસ્મય હતું.
ટેકરી પર ચડતાં ચડતાં જેમ આસપાસનાં દૃશ્યો ખૂલતાં આવે એમ ધીમે ધીમે શહેર નજર સામે ફેલાતું જતું હતું. કસ્તૂરબાનગરની ચાલી જ સ્વયં એક જીવનદર્શન હતું. પાંચ માળનું જૂનું મકાન. દરેક માળ પર દસેક ઘર. મરાઠી, દક્ષિણ ભારતીય અને ગુજરાતીની મોટા ભાગની વસ્તી. એકાદ કોંકણી અને મધ્યપ્રદેશનું કુટુંબ પણ ખરું. ચાલીમાં ઘરકામ કરતી સ્ત્રીઓ પણ દેશનાં કોઈ ને કોઈ શહેર ગામથી આવે.
એકમેકથી અપરિચિત, અલગ અલગ ભાષા, ધર્મ, જીવનધારા, વસ્ત્રો, વાનગીઓ, રીતરિવાજો બધું અલગ. છતાં કોઈ અદૃશ્ય તત્ત્વ સહુને ગઠરીની જેમ બાંધી રાખતું હતું! આ અનુભવ સાવ નવો હતો એને માટે.
રેસના ઘોડાની જેમ સતત તેજીથી દોડતું શહેર સહુને હંફાવી દેતું હતું છતાં ન દાદ ન ફરિયાદ.
નવીન પાસે હવે પાંચ છ દિવસની જ રજા હતી. એણે તેનું કામ સમજાવ્યું હતું. એ શહેરના એક મોટા બિલ્ડરને ત્યાં નોકરી કરતો હતો. અજીત સર એના કામથી ખુશ હતા. તેમની પ્રોપર્ટી ગ્રાહકોને બતાવવી, ફ્લેટના ગુણગાન ગાવા, એ ખરીદવા તેમના સતત સંપર્કમાં રહેવું બધું કામ અનુભવથી હવે ફાવી ગયું હતું.
અત્યારે એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો અને નવીન પાસે થોડી રજા બચી હતી. અજીત સરનાં પર્સનલ કામ પણ એ કરવા દોડાદોડ કરતો. સરનાં સૅક્રેટરીના બે-ત્રણ ફોન આવી ગયા હતા.
ઘર તો હતું પણ હજી માંડ્યું ક્યાં હતું? જોઈતી ચીજવસ્તુઓની યાદી કરી બન્ને સવારે નીકળી જતાં, હોટલમાં જમી લેતાં અને થેલા લઈ બપોર પછી પાછાં ફરતાં. ટૅક્સી જોતાં જ બિટ્ટુ દોડી આવતો, સામાન ઊંચકાવતો, ગોઠવવામાં મદદ કરતો.
હંસાએ 50 રૂપિયાની નોટ પહેલીવાર બિટ્ટુને ધરી ત્યારે એ આભો બની જોઈ રહેલો. હંસાએ એનો હાથ પકડી હથેલીમાં મૂઠી વાળી દીધેલી. એ હરખાતો દોડી ગયેલો. 50 રૂપિયા? નવીને આશ્ચર્યથી પૂછ્યું હતું…
આશ્ચર્ય તો એનેય થયું હતું, રોજ ગરીબ માણસ પાસે મફત કામ કરાવવાનું! મને એ ન ગમે.
ચાલ, તને ઠીક લાગે તે. બાકી એ ભમતોભૂત છે.
ઢળતી સાંજે પતિપત્ની સાથે નીકળતા. નવીન આગ્રહ કરતો, આણાની નવી સાડીઓ, ગજરા, સસ્તું પરફ્યૂમ નાખી બનીઠનીને જતાં બન્નેને ચાલીવાળા જોઈ રહેતાં. ફિલ્મમાં દરિયાને જોયો હતો પણ પાણીમાં પગ બોળીને ઊભા રહેતા એ હરખથી ઘેલી ઘેલી થઈ જતી. ક્ષિતિજ સુધી વિસ્તરેલા જળરાશિને જોતાં અવાક થઈ જતી. પછી એક બે સિનેમા. નાટક.
જાણે સ્વર્ગની આકાશગંગામાં એ વહેતી હતી.
પણ પછી રાત્રે કસ્તૂરબાનગરની ગંદકીમાં કોહવાતા જીવનની વાસથી એ ઉબાઈ જતી. પણ ઘરનાં બારણાં બંધ કરતાં રાતરાણી મહેકી ઊઠતી. આખો સંસાર ઉંબર બહાર જ રહી જતો. પપ્પાનો ફોન આવે ત્યારે કહેતી, હું ખૂબ મજામાં છું પપ્પા.
થોડા જ સમયમાં એ અને શહેર એકમેકથી ટેવાતા ગયા. વહેલી સવારથી ઓરડીની પાતળી દીવાલોમાંથી આસપાસના ઘરના અવાજો ઝમતા રહેતા. જાણે બહારની દુનિયા અનધિકાર ઘરમાં પ્રવેશતી હતી. પતિ ઊઠે એ પહેલાં ચા, દૂધ નાસ્તો તૈયાર કરતી, એનો મોબાઇલ ચાર્જ કરવા મૂકી દેતી. નાની અભેરાઈ પર બિરાજેલા કૃષ્ણ, મહાદેવ અને ગણેશ પાસે દીવો કરતી. નવીન નાહીને તૈયાર થાય એટલે હાથમાં લંચબૉક્સ.
`તું મને બગાડી રહી છો.’
`અને આ એક સાથે ત્રણ સાડીઓ લઈ આવ્યા તો તમેય મને હુલાવોફુલાવો છોને?’
`તું બારમું ધોરણ…’
`અડધું. મને પરીક્ષા ક્યાં આપવા દીધી હતી?’
`હા, તો અડધું બારમું અને હું શહેરનો માણસ, બી.કૉમ. અને ફાઇનાન્સનો ડીપ્લોમા પણ દલીલમાં તને નથી પહોંચી શકતો.’
`આમ પલંગમાં પડ્યા રહેશો તો ઑફિસેય નહીં પહોંચી શકો.’
`નો આર્ગ્યુમૅન્ટ્સ.’
`હું અંગ્રેજીમાં સાવ કાચી ભૂલી ગયા?’
`રોજ કહું છું, ક્લાસમાં દાખલ થઈ જા.’
હંસા હાથ પકડી નવીનને બારણાં સુધી લઈ ગઈ,
`પહેલાં મને મી મુંબઈકર તો બનવા દ્યો. જાઓ છો કે નીચે સુધી મૂકવા આવું?’
પતિ ઑફિસે જાય પછી જલદી ઘરકામથી પરવારી એ પહેલે માળ દર્શનાને ત્યાં જતી. દર્શનાની ઇમિટેશન જ્વેલરીની વર્કશોપ ઘરમાં જ હતી. બુટ્ટી, બંગડીઓમાં મોતી પરોવવાના, માળાઓ બનાવવાની એ બધાં કામ દર્શના પાસેથી શીખી હતી.
જેમ જેમ સમય વીતતો ગયો. ચાલીની સંસ્કૃતિને ઓળખતી ગઈ. બીજી મહિલાઓ સાથે ભળતી ગઈ એમ એ સમજતી ગઈ કે ચાલીની મહિલાઓ ઘરસંસાર, બાળકો સંભાળતાં જુદાં જુદાં કામ કરીને નાની કમાણી કરીને બચત કરતી હતી. એને એટલું તો સમજાયું હતું કે પૈસાની જરૂર તેમને પણ છે.
સુચિબહેન સાડીને ફોલ મૂકતા, વૃંદાતાઈ અને એમની વહુને રોજની સો રોટલી કરી આપવાનો ઑર્ડર હતો, અનંતભાઉને મંદિરમાં નોકરી હતી. વહેલી સવારે ફૂલબજારમાંથી ફૂલો લઈ આવતા, પતિ-પત્ની હાર, વેણી ગૂંથતાં. રજાઓમાં બાળકોય મદદ કરતા. હંસા માટે આ એક નવો જ અનુભવ હતો. એણે પણ દર્શના પાસેથી કામ શીખી લીધું અને બપોરે માળાઓ પરોવતાં એ પણ ગૂંથાતી જતી.
પહેલી વાર દર્શનાએ એના હાથમાં થોડા રૂપિયાની નોટો મૂકી ત્યારે એ નોટો એની આંગળીઓમાં ફરફરી ઊઠી હતી.
સુચિબહેન સાડીને ફોલ મૂકતાં હતાં આઠ વર્ષથી પણ એમના ગૅરેજ મિકેનિક પતિને ખબર ન હતી. પતિનું કામ છૂટી ગયું ત્યારે આ જ પૈસાથી બે બાળકોને એણે ભણાવ્યા અને સંસારરથનાં પૈડામાં તેલ સીંચ્યું હતું. એ પણ નવીનથી છુપાવીને બચત કરતી હતી, ક્યારેક પતિને સરપ્રાઇઝ આપીશ. અને સહુ મહિલાઓનો મદદગાર હતો બિટ્ટુ.
બિટ્ટુ પ્રત્યે સહુને લાગણી. માબાપ વિનાનો કસ્તૂરબાનગરને આશ્રયે મોટો થયેલો. સાવ ભોળો અને મહેનતુ. ખાવાપીવાનો અહીં જ જોગ થઈ જતો. કોઈ વાર નિમાણે મોંએ આવીને ઊભો રહેતો, ભાભી ખાવું છે, ભૂખ લાગી છે. રવિવારે સારી વાનગી બનાવે તો જુદી ઢાંકી રાખે, આ બિટ્ટુ માટે. નવીન ચિડવતો, ઓહો! બિટ્ટુના આટલા માનપાન! જાણે ફૅમિલી મૅમ્બર!
હંસાએ તરત જ કહ્યું, `ખરા છો તમે. રાતદિવસ સહુ માટે દોડે છે તે! પરમ દિવસે એના માટે સમોસા રાખી મૂક્યા હતા, સાંજ સુધી એના દર્શન જ નહીં. શોધી વળી તો ક્યાં હતો ખબર છે?’
`હું કાંઈ સીઆઇડી છું?’
`આ મશ્કરીની વાત છે? બિચારો પાંચમે માળે અગાસી પાસે તાવે ધગધગતો પડ્યો હતો. હું અને તાંબેજી ડૉક્ટર પાસે લઈ ગઈ. દવા કરાવી ત્યારે બેઠો થયો. તમેય એને આંટાફેરા નથી કરાવતા?’
`અ..હા.. એમ તો બધા..’
`બીજાની વાત છોડો. આપણી જવાબદારી નહીં! કોઈ પણ પાસેથી કશુંય મફત લેવાની વાત ખોટી નવીન.’
`સૉરી હંસા, અમને પુરુષોને આવું ન સૂઝે.’
`પ્રેમની વાતો તો મીઠી મીઠી કરો છો. દાદી કહેતાં, આ ધરતી બધાંયની છે. કીડી-મકોડાનોય હક્ક છે એની પર ત્યારે આ તો જીવતો માણસ.’
`દયાની દેવી મારા વંદન સ્વીકારો.’
હંસાએ પતિને પીઠ પર હળવો ધબ્બો માર્યો,
`આ ભૂલ માફ. હવે કરશો તો પનિશમૅન્ટ. અરે હા, બાને ચેક કુરિયર કર્યો? મનીષની પરીક્ષા નજીક છે એને બેસ્ટ લકનો ફોન કરવાનો. મોટાભાઈ છો.’
`હા માય સુપ્રિમ કૉર્ટ.’
* * *
હંસા ઊંડો શ્વાસ લઈ મનોમન તૈયાર થઈ. એ જાણતી હતી કે નવીન એને ગામ નહીં જવા દે. પપ્પાને ફોન પર કહ્યું કેટલીવાર, જલદી આવું છું. પિયર જવાની હોંશ હતી અને મનમાં ઊંડે ઊંડે આ ઘરનીયે વાત હતી. જાતે જ વાત કરી એમને મનાવી લઈશ. નવીનના પ્રેમાળ અને મહેનતુ સ્વભાવ વિષે વાત કરીશ કે પપ્પા રાજી.
એણે ધીમેથી કહ્યું, `ના. બાને ચેક કુરિયર નહીં કરતા.’
`કેમ? તેં હમણાં તો કહ્યું.’
`જુઓ, ત્યાં ઘરમાં થોડું રિપેરિંગ છે… સહુને મળી લઉં એક આંટો મારી આવું ગામમાં. તમે ટિકિટની ચિંતા નહીં કરતા. શુભાએ કમ્પ્યૂટર પર કરી આપી. શુભા કોણ? તાંબેજીની દીકરી.’
ઘડિયાળ પહેરતો નવીન અટકી ગયો, `ફાલતું વાતો છોડ. ટિકિટ કરાવતાં મને પૂછ્યું હતું? ગામમાં હીરામોતી દાટ્યાં છે?’
`ના નવીન, ગામ છોડ્યે કેટલા મહિના થયા? અને પંદર દિવસમાં તો હું પાછીયે આવી જઈશ, તમને ટિફિન…’
રિસાયેલો નવીન ચૂપચાપ ઘરબહાર નીકળી ગયો. આખો દિવસ એને કેમ મનાવવો એનો વિચાર એ કરતી રહી. એની ભાવતી રસોઈ કરી પણ નવીનનું તો મૌન એટલે મૌન. જમીને તરત નિદ્રાધીન.
હવે! કેમ મનાવું આને? હંસાએ પોતે જ પોતાનું મન મનાવ્યું. હજી બે દિવસની વાર છે જવાની. માની જશે.
સવારે એ નિરાંતે ઊઠી. આજે રવિવાર. બપોરે ફિલ્મ પછી હોટલમાં ડીનર અને નવીનનો રીસનો પારો સીધો નીચે. પતિને વહાલથી હળવેથી ચૂમી લઈ એ રસોડામાં જવા વળી કે ડોરબેલ રણકી ઊઠી, હઠાગ્રહથી. અધિકારથી. ચાલીમાં કોઈ માંદુસાજું હશે!
હંસાને ફાળ પડી. એણે ઉતાવળે બારણું ખોલ્યું અને અચાનક પૃથ્વી ધરી પર ફરતાં અટકી ગઈ હોય, એમ એ ઊભી રહી ગઈ. સ્તબ્ધ.
`પપ્પા.. તમે?’
ચંદ્રકાંતે એને બાજુ પર ધકેલી, `કેમ બારણામાં ઊભી રહી ગઈ? અંદર નથી આવવા દેવો મને?’
એ ભાનમાં આવી. છલછલ આંખે પિતાને વળગી પડી. એમણે દીકરીને માથે વહાલથી હાથ ફેરવ્યો, અળગી કરી. ચાલીમાં ખડકાયેલો સામાન, છત પર માથે સુકાતાં કપડાં, ઘરોમાંથી ધસી આવતા અવાજો. કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતાં, બોલાચાલી કરતાં છોકરાંઓ, કોઈ ઘરમાંથી પૂર પેઠે ધસી આવતું કોઈ ફિલ્મનું ચીલાચાલું ગીત અને હવામાં ગરીબીની, કોહવાટની એક વિશિષ્ટ ગંધ.
ચંદ્રકાંત કમરે હાથ મૂકી ચોતરફ જોતા રહ્યા. આખો માહોલ એમને કાદવના છાંટા ઉડાડતો હોય એમ સૂગ ચડી. એમની રાજકુંવરી જેવી દીકરી અહીં રહેતી હતી!
એમનો સ્વર તમતમી ઊઠ્યો, `તું અહીં રહે છે? આ ખડકાયેલા સામાનની જેમ તારો સંસાર પણ આ વસ્તીમાં શ્વાસ લે છે?’
હંસા ગભરાઈ ગઈ.
`પપ્પા… એમ છે ને…’
`ચૂપ. હું નજરે જોઈ રહ્યો છું ને?’
અંદરથી જોરથી બૂમ ધસી આવી, `હંસા! કોણ સવારના પહોરમાં અક્કલમઠ્ઠો બૂમો પાડે છે? કાઢ એને. ચા મૂકજે.’
ચંદ્રકાંતે મૂઠી વાળી. હાથની નસો ઊપસી આવી, `અને આ લાટસાહેબ પથારીમાં ઘોરતાં તારી પર હુકમો છોડે છે? આપણા કામવાળા મણિબેનનેય હું કે તારી દાદી ઑર્ડર નથી કરતાં.’
ચાલીમાં અવરજવર શરૂ થઈ ગઈ હતી અને કોઈને કોઈ ડોકું કાઢી જતું હતું. શુભાના પતિએ તો દૂરથી હાથ ઊંચો કરતાં બૂમ પાડી, `મૈં આઉં? યે કૌન તુમકો પરેશાન કરતા હૈ?’
હંસાએ પિતાને અંદર ખેંચી લઈ બારણું બંધ કર્યું, ચંદ્રકાંત હવે ધખધખી ઊઠ્યો હતો, `તો આવો હરામખોર વર અને આ વર્ણસંકર લોકો વચ્ચે આટલા વખતથી તું રહે છે અને ફોનમાં હું સુખીનાં બણગાં ફૂંકે છે! ઓ દસમો ગ્રહ જમાઈરાજ! બહાર પધારો. દર્શન દ્યો ગિરધારી.’
હંસા ચૂપ ઊભી રહી. એ જાણતી હતી. હવે પપ્પા તેનું નહીં માને. એ એક દિવસ મોડી પડી, ગામ પહોંચી ગઈ હોત.. તો પણ જો અને તો બે જ શબ્દો વચ્ચે જોજનોનું અંતર હતું!.. નવીન ઉતાવળે બહાર આવ્યો, ઉંઘરેટું મોઢું, ચોળાયેલાં કપડાં, શાહુડી જેવા વાળ.
હુમલો કરવો હોય એમ ચંદ્રકાંત આગળ આવ્યો. હંસા કરગરી પડી.
`પપ્પા, શાંત થાઓ, હું… હું.. અહીં સુખી છું.’
`એવું તો ફોનમાં તું કહેતી હતી, આ નપાવટ તને થપ્પડ મારીને એમ બોલવાનું કહેતો હશે નહીં?’
નવીને હસવાનું કર્યું પણ ગળામાં ઘરઘરાટી બોલી ગઈ, `કેમ છો પપ્પા? અમને ફોન તો કરવો હતો!’
`તો તું શું કરી લેત? ફર્સ્ટક્લાસ કાર લઈ સ્ટેશને તેડવા આવત?’
આ કોઈ પ્રશ્ન નહોતો અને આનો કોઈ જવાબ નહોતો. નવીન મનમાં ઊકળી ઊઠ્યો પણ અત્યારે એનો હાથ પથ્થર નીચે હતો. ક્ષણવારમાં આ ક્રોધી સસરાએ હંસા સામે, ચાલીવાળા સામે કોડીનો કરી નાંખ્યો હતો.
પોતે અને આ જડભરત માણસ હવે સામસામે હતા.
હંસા કોના પક્ષમાં હશે?
હંસાનું ગળું સુકાઈ ગયું.
`પપ્પા, બધી વાતો પછી થશે. થાક્યા હશો, બેસો. હું ચા મૂકું.’
એ રસોડામાં જવા જાય કે ચંદ્રકાંતના ખડખડાટ હાસ્યનો તમાચો જોરથી એનાં ગાલ પર પડ્યો. નવીન ઘા ખાઈ ગયો. એના મોં પર જોરદાર ગાળનો ઘા કરવાનું મન થઈ ગયું, પણ હંસાનો મલાજો તો જાળવવા જ પડવાનો. એને મન પપ્પા ભગવાન, તો પોતે શું હશે?
હવે કસોટી છે હંસાની.
ગળામાં કાંકરા ખૂંચતા હોય એમ એ પરાણે બોલ્યો, `હા પપ્પા, ચા-નાસ્તો કરીને બેસીએ, તમારો સામાન ગોઠવી દઉં.’
ડામ દેતો હોય એમ ચંદ્રકાંત બોલ્યો, `સામાન? કેવો સામાન?’
એ હંસાની સામે જોઈ રહ્યો. એ શું બોલશે?
`અરે સામાનની જરૂર જ શી છે જમાઈરાજ! હું હંસાને લઈને સાંજની ગાડીએ તો જાઉં છું, મારે ગામ. અરે બાઘા શું થઈ ગયા? ટિકિટ દેખાડું?’
ઊંચા માળથી નીચું જોતાં તમ્મર આવી જાય એમ આખું ઘર ભમરડાની જેમ ગોળ ગોળ ફરી ગયું.
`શું કહ્યું તમે?’
હુકમનું પત્તુ ઊતરીને રૂપિયાનો ઢગલો જીત્યાનો મદ ચડે એમ તોરીલા અવાજે એમણે કહ્યું, `સાંભળવાની તકલીફ તો નથી ને? હું મારી હંસાને પાછી મારે ઘેર લઈ જાઉં છું. હમણાં જ અત્તરઘડી સમજ્યા? ટૅક્સી ઊભી જ રાખી છે. સસરા પર એટલો વિશ્વાસ તો છે ને કે બોલ્યું પાળી બતાવે એવા સજ્જન છે! એયને તમતમારે નિરાંતે પછી રંગમહેલમાં નિરાંતે રહેજો. ચાલ બેટા, તારે તો સામાનની ચિંતા જ નહીં. આપણાં ઘરમાં શું નથી?’
એ આગળ આવી હંસાનો હાથ પકડવા જાય છે કે હંસા પાછળ હટી ગઈ, `ના પપ્પા. મારું ઘરબાર, વરને છોડીને હું નહીં આવું. હું સુખી છું અહીં.’
હવે હુકમનું પત્તું એના હાથમાં હતું. નવીને અદબ વાળી, `સુણો સસુરજી. શું કહે છે દીકરી?’
ચંદ્રકાંત ફરી ઉશ્કેરાઈ ગયો, `હંસા, આણે તને ધાકધમકી આપી છે? મંત્ર, તંત્ર કે એવું કાંઈ? ડર્યા વિના કહી દે. એને સીધોદોર કરી દઉં.’
નવીનનું પણ ફટક્યું, `શું હું ભૂવો દેખાઉં છું તમને? થૅન્ક્સ હંસા, આ આપણો માળો છે.’
`જરા વિચાર, હંસા, આખી જિંદગી તું ઉકરડામાં રહેશે! લાગણીના આવેશમાં અહીં રહેવાની હોય તોય હું તને રહેવા દેવાનો નથી એ આ સૂરજની સાખે મારું વચન.’
હંસા રડું રડું થઈ ગઈ.
`પણ પપ્પા… હું નહીં આવું.’
ચંદ્રકાંતે હવે સમજાવટ આદરી, હંસાને લઈ જ જવી છે.
`જો બેટા, તું ડરતી હોય તો હું છુંને? શું કરી લેશે ઈવડો ઈ! એક સરખું ઘર લેવાની ત્રેવડ નહોતી ને લગ્ન કરવા હાલી મળ્યો! વાંક તો મારો જ ને! તને બે-ત્રણ વાર કીધું’તું મેં, તારા ઘરનો ફોટો મોકલ, ઝૂમ કર પણ તારા સત્તર બહાનાં. એટલે મેં કાંતિકાકાના કિરણને કહ્યું હતું આ ઘરની ભાળ લેવા. એણે ફોટા પાડી મોકલ્યા ને હું અંતરિયાળ આવ્યો.’
હંસાએ વિનવણી કરી, `પપ્પા, હુંય તમને ટિકિટ બતાવું? હું ગામ આવું જ છું, તમને કહેવાની હતી…’
`એથી સ્થિતિમાં શો ફેર પડવાનો હતો? ચાલ ઝટ કર બેટા!’
`જરા સમજો, હું સારા લત્તામાં બીજું ઘર જોઈ જ રહ્યો છું. બાકી મુંબઈમાં તો આમ જ રહેવાય. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં તો મોટા ઑફિસરો રહે છે.’
`લે, તે ભલેને રહે ભઈલા, મેં ના પાડી? મારી હંસા આમ નહીં રહે બસ. તમારી કંપની પાંત્રીસ માળનું આલાગ્રાન્ડ બિલ્ડિંગ બાંધી રહી છે, એમાં તમારે ફ્લૅટ વેંચી દેવાનો એટલે તમે તો દલાલ છો દલાલ.’
ગોફણના ઘાની જેમ દલાલ શબ્દ કપાળે ઠોકાયો. હંસાએ હાથ જોડ્યા, `પપ્પા પ્લીઝ, એમનું અપમાન ન કરો.’
`જો બેટા, આ માણસે તને ભરમાવી છે. ખોટું બોલ્યો છે, હજીયે બોલે છે. બહુ લાંબુ ખેંચાય છે. ચાલ હંસા.’
એમણે ઝપ દઈને હંસાનો હાથ પકડ્યો, બારણું ખોલી હંસાને લઈ બહાર નીકળ્યો. મોબાઇલ લેતો નવીન બારણાં વચ્ચે ઊભો રહ્યો. ઈંટ ઈંટ કરી મકાનમાંથી ઘર બનાવ્યું હતું અને હંસા તો ઘરનો પ્રાણ.
`જુઓ સસરાજી, આ મારી પત્ની છે, એને તમે બળજબરીથી લઈ જશો તો હું હમણાં જ પોલિસને ફોન કરું છું, જેલભેગા કરીશ.’
ચંદ્રકાંતે ઠંડકથી કહ્યું, `લે કર પોલિસને ફોન. મારી પાસેય રસ્તા છે, હું એફ.આઇ.આર. કરીશ. મારી દીકરીને આ માણસ મારે છે, એથીય સારો રસ્તો કમ્પાઉન્ડમાં ઊભો રહી મોટેથી બૂમો પાડી તારા કરતૂત જાહેર કરીશ. કપડાં ઊતરી જશે.’
હંસા રડી પડી. નજર સામે માળો પિંખાતો હતો અને એ કશું કરી શકે એમ નહોતી.
`પપ્પા, પ્લીઝ એવું ન કરો.’
`તો સીધી ચાલ. તારું ભલું તો કરું છું બેટા.’
ચાલીના લોકો ભેગા થઈ ગયા હતા. ચંદ્રકાંત હંસાનો હાથ પકડી ધડધડ દાદર ઊતરી ગયો. રઘવાયો થઈ હાથમાં હંસાની ચૂંદડી લઈ એ પાછળ દોડ્યો.
ચંદ્રકાંત ટૅક્સીમાં બેસવા જાય છે કે નવીન આંબી ગયો, `મને બ્લૅકમેઇલ કરી દીકરીને લઈ જાઓ છો! ચાલો કમ્પાઉન્ડમાં. ત્યાં ઊભા રહી મને પેટ ભરીને ગાળો આપો. હું સાચે આ પહેરેલાં કપડાં ઉતારી ઉઘાડો થવા તૈયાર છું. આ ચૂંદડીનો ફાંસો ખાવાય તૈયાર છું. હવે?’
ધારેલી બાજીનો ઉલાળિયો થઈ જાય એમ ચંદ્રકાંત હેબતાઈ ગયો. બદનામીનો ડર ન હોય એવા ઓછા માણસો એણે જોયા હતા. પટમાં નાંખવા હવે કોઈ પત્તું પાસે નહોતું. જીવ પર આવી ગયેલો માણસ આપઘાત કરેય ખરો તો…
અચાનક હંસા હાથ છોડાવી નવીન પાસે આવી, `તમને મારી પર તો વિશ્વાસ છેને? હું પાછી આવીશ. મને જવા દો.’
એણે ટૅક્સીનું બારણું ખોલ્યું, `ચાલો પપ્પા, હું આવું છું. ગાડીનું મોડું થાય છે.’
ચંદ્રકાંત માની ન શકતો હોય એમ બન્ને સામું ઘડીભર ટગર ટગર જોઈ રહ્યો, અને ઝડપથી ટૅક્સીમાં બેસી ગયો. પલકવારમાં ટૅક્સી કમ્પાઉન્ડ બહાર નીકળી અદૃશ્ય થઈ ગઈ.
આખો માળો ચકરાઈને એના પર તૂટી પડ્યો હોય, એ કાટમાળમાં દટાઈ ગયો હોય એમ આંખે અંધારા આવી ગયા.
(ક્રમશ:)