બે ગઝલ ~ ભાવિન ગોપાણી ~ (૧) લાગે છે (૨) ચિંતા રહી નહીં

૧. લાગે છે

બધું બગડી જવાના સો ટકા એંધાણ લાગે છે
તમે મોકો કહો છો એ મને મોકાણ લાગે છે

મને ઘાયલ કરો! એ વાતમાં શું રસ પડે તમને?
તમારું સ્મિત ગફલતથી છૂટેલું બાણ લાગે છે

બધાયે ધર્મસ્થાનકને કદી તોડી પડાશે જો
મને તો વિશ્વનું એ આખરી રમખાણ લાગે છે

બધા મળનાર કંઈ એવી રીતે સામું જુએ છે કે
અહીં મારા વિચારોની બધાને જાણ લાગે છે

તમે આંસુ વહાવ્યા બાદ પણ કોરા રહ્યાં છો સાવ
તમારા આંસુમાં હદ બ્હારનું પોલાણ લાગે છે

૨. ચિંતા રહી નહીં

ઔષધની કે ઈલાજની ચિંતા રહી નહીં
આ ડૂબતા જહાજની ચિંતા રહી નહીં

ખોટા ખરા રિવાજની ચિંતા રહી નહીં
આભાસી લોકલાજની ચિંતા રહી નહીં

જામી છે બેઉ આંખમાં અંધારની બજાર
સૂરજના કામકાજની ચિંતા રહી નહીં

છેલ્લું હતું બટન અને એ પણ તૂટી ગયું
પ્હોળા થયેલ ગાજની ચિંતા રહી નહીં

મૂડી પરત મળી અને સંતોષ થઈ ગયો
ડૂબી ગયેલ વ્યાજની ચિંતા રહી નહીં

જીવી શકું છું સાંભળી ધબકારનો ધ્વનિ
બીજા બધા અવાજની ચિંતા રહી નહીં

કાયા સરી ગઈ અને બખ્તર રહી ગયું
મસ્તક વગરના તાજની ચિંતા રહી નહીં

~ ભાવિન ગોપાણી

આપનો પ્રતિભાવ આપો..