‘વાર્તાઓ મારી તમારી’ (વાર્તાસંગ્રહ) ~ લેખિકા: સુષમા શેઠ ~ પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

સંવેદનશીલ વાર્તાસંગ્રહ

‘એક દિગ્દર્શક તરીકે હંમેશા વાર્તા એ મારું મનપસંદ સાહિત્યસ્વરૂપ રહ્યું છે. કહેવાય છે કે જે-તે સમયે જીવાતા જીવનનું પ્રતિબિંબ તે સમયનાં સાહિત્યમાં ઝીલાતું હોય છે. મારું એવું માનવું છે કે જે વાર્તા કે કથા તેમાં રહેલાં પાત્રો, તેની સાથે બનતી ઘટના (બાહ્ય અને આંતરિક), તેમનાં સંઘર્ષ અને ઘર્ષણ, તેમાંથી પસાર થતી તેમની જિંદગી, સાથે માનવીય મૂલ્યો અને તેની સમજણ કોઈ દેખીતા “પ્રીન્ચિગ” વગર આપી જાય તે જ સાચી વાર્તા.’

– શ્રી વિરલ રાચ્છ. થિયેટર પીપલ, ગુજરાત ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત)

એક્ટર, ડાયરેક્ટર અને લેખક શ્રી વિરલ રાચ્છે ઉપરોક્ત કથન જેમની વાર્તાઓનાં સંદર્ભે લખ્યું છે, તેવો એક સંવેદનશીલ વાર્તાસંગ્રહ એટલે, વાર્તાઓ મારી તમારી‘.

ટૂંકી વાર્તાસંગ્રહ ‘વાર્તાઓ મારી તમારી’નાં લેખિકા સુષમા શેઠની કલમ ભલે નવી હોય, પરંતુ તેમની ભીતરની સંવેદનાઓ તેમની વાર્તાઓમાં ઠલવાય છે. પુસ્તકની અઠાર તદ્દન ભિન્ન વિષયની વાર્તાઓ જ્યાં પૂર્ણ થાય છે, ત્યાંથી વાચકના મનમાં તે ફરીથી વિહરવાની શરૂ થાય છે.

જેમ સાહિત્યકાર શ્રી મણિલાલ હ. પટેલે જણાવ્યું છે કે, ‘ટૂંકીવાર્તા એક પુષ્પ જેવી હોય છે; જે એકત્વની છાપ છોડી જાય છે.’ તેમ, આ વાર્તાસંગ્રહની વાર્તાઓ પણ આપણાં પર પુષ્પ રુપી એકત્વનો ભાવ છોડી જાય છે.

લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ લખે છે, ‘સુષમાબહેન શેઠમાં વાર્તા કહેવાની ગજબની કુનેહ છે.’

લેખિકા શ્રીમતી ગિરિમાબહેન ઘારેખાન લખે છે, ‘સુષમાબહેન શેઠની વાર્તાઓ સરળ ભાષામાં લખાયેલી, સુંદર, મૌલિક, કથાવસ્તુવાળી અને લચકવાળા સંવાદોથી રસપ્રદ બનતી અને હ્રદયસ્પર્શી હોય છે.’

લેખિકા શ્રીમતી નીલમબેન દોશી લખે છે, ‘સુષમાબહેનની લગભગ દરેક વાર્તાને મેં દિલથી માણી છે, એમની વાર્તાઓમાં  સ્પાર્ક છે, સંવેદના છે અને વિષય – વૈવિધ્ય છે, શબ્દવૈભવ છતાં સહજતા છે.’

ખ્યાતનામ કલાકાર શ્રી જયંત પરીખ લખે છે, ‘સુષમાબહેન શેઠની દરેક વાર્તાનાં પાત્રો નાટકની જેમ ચિંતન થેરાપી બનીને આવે છે.’

તે ઉપરાંત  લેખિકા શ્રીમતી પ્રીતિબહેન કોઠી, પદ્મભૂષણ શ્રી જગદીશ શેઠ અને અભિનેત્રી સુ. શ્રી. મીનળબહેન પટેલે પણ લેખિકા સુષમા શેઠની વાર્તાઓને વખાણી છે તથા તેમને આશીર્વચન  આપ્યાં છે.

સાહિત્યનો વારસો પ્રાપ્ત થયેલ લેખિકા સુષમા શેઠની વાર્તાઓ મમતા વાર્તા સ્પર્ધા ઉપરાંત અખંડાનંદ દ્વારા પુરસ્કૃત થયેલી છે. કેતન મુનશી વાર્તાસ્પર્ધા, કચ્છશક્તિ વાર્તાસ્પર્ધા ઉપરાંત અનેકવિધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ ઉપર પણ તેમની વાર્તાઓ પસંદગી પામી છે તથા વિજેતા થઈને ઈનામો પણ પ્રાપ્ત કર્યા છે.

સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર જેવાં મોટા દૈનિકો ઉપરાંત ઘણાં અગ્રગણ્ય સાહિત્યનાં સામયિકોમાં પણ તેમની વાર્તાઓ પ્રકાશિત થઈ છે.

મનની વાત કરતાં લેખિકા લખે છે, ‘મારી વાર્તાઓમાં આસપાસ બનતી ઘટનાઓમાંથી કથાબીજ શોધીને તેમાં કલ્પનાના રંગો પૂરેલ છે.  વાર્તાઓ કાલ્પનિક છે પરંતુ અવાસ્તવિક નથી જ. આ વાર્તાસંગ્રહ માટે વિવિધ વિષયો ધરાવતી સંવેદનશીલ વાર્તાઓ ચૂંટી છે જે વાચકના હૃદયને જરૂર સ્પર્શશે, અંતરમાં એક ઊંડી છાપ છોડી જશે, વાંચનારને વિચારતા કરી મૂકશે. સરળ ભાષામાં લખાયેલ અણધાર્યા ચોટદાર અંત સાથેની આ વાર્તાઓ સાથે વાચક પોતાને જોડી શકે તેવી આ સામાજિક વિષયોની વાર્તાઓ છે. કેટલીક વાર્તાઓ સ્પર્ધાઓની વિજેતા કૃતિઓ છે; કેટલીક પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં છપાઈ છે તો કેટલીક તદ્દન નવી નક્કોર અપ્રકાશિત છે પરંતુ બધી જ મારી ખૂબ ગમતી માનીતી મૌલિક રચનાઓ છે. અડધી રાતે જાગી જઈને લખવાની પીડામાંથી પસાર થઈ અવતરેલી વાર્તાઓ પણ છે.’

લેખિકા સુષમા શેઠનો આ  વાર્તાસંગ્રહ, ‘વાર્તાઓ મારી તમારી’ની મોટાંભાગની વાર્તાઓ સ્ત્રી પાત્રો પર કેન્દ્રીત છે. સંપર્ક સૂત્ર વાર્તામાં સંસારથી પરવારી ગયેલી નીલાનાં સુનકાર જીવનમાં એક રોન્ગ નંબર હરિયાળી ભરી દે છે, તેનું તાદ્રશ્ય વર્ણન છે.

પોતીકું વાર્તામાં એક સંવેદનશીલ માતા, વિદેશ ગયેલાં પોતાનાં એકનાં એક દીકરાની કેવી ચિંતા કરે છે, તેની મનોવ્યથાનું વર્ણન છે.  રેવા પોતાનાં દિકરાને સ્વદેશ પરત આવી જવા માટે સતત સમજાવે છે અને દીકરો સતત ના પાડે છે. રેવાનાં ઘરે કામ કરતી લીલા પણ પોતાનું ગામ, પોતાનાં બાપુજી, ભાઈ-બહેનને છોડીને શહેરમાં કમાવા માટે આવી હોય છે, આ સુંદર ઉદાહરણ દ્વારા લેખિકાની આ વાર્તા હ્રદયસ્પર્શી બની જાય છે.

કિંમતવાર્તામાં દરેક સ્ત્રીનું સ્ત્રીપણું છલકી ઉઠે છે. એક સુંદર મજાની લાલ કલરની સાડી, રીમા પહેરે છે, તે પોતાની આ મોંઘી સાડીનું ખૂબ ધ્યાન રાખે છે. કામવાળી ગંગા આવી જ સાડી ખરીદવા માટે દુકાનમાં જાય છે, પરંતુ સાડી ખરીદવા જેટલી રકમ  તેની પાસે ક્યાં છે? રીમાએ બહાર ડ્રાયક્લીન કરાવવા આપેલી સાડી ગંગા ઘરે લઈ જાય છે અને તે સાડીને મનભરીને માણે છે પરંતુ પછીથી ગંગા કેવી રીતે સાડી રીમાને પરત કરે છે અને રીમાનાં શું પ્રત્યાઘાત  હોય છે તે લેખિકાએ  અદ્ભુત રીતે વર્ણવ્યા છે.

અભિનય સમ્રાજ્ઞીની લીના અને ચીસની આશી તરફ સંવેદના જાગે તેવું સુંદર પાત્રાલેખન લેખિકાએ કર્યું છે. આ પુસ્તકની,  મારી અને તમારી સંવેદનશીલ વાર્તાઓ વાંચતાં વાંચતાં વાચકનું હૈયું ભાવવિભોર થઈ જાય છે.

પુસ્તક પ્રકાશક: અમોલ પ્રકાશન, અમદાવાદ
મોબાઈલ: 94283 55207
કિંમત: ₹ 220/-

પુસ્તક સમીક્ષા માટે સંપર્ક:
રિપલકુમાર પરીખ : 9601659655

આપનો પ્રતિભાવ આપો..