પાંચ “ગોરમા ગીત” ~ કવયિત્રી: યામિની વ્યાસ ~ સ્વરાંકન: સોનલ વ્યાસ ~ (વિડિયો સાથે)
ગીત: યામિની વ્યાસ
સ્વરાંકન: સોનલ વ્યાસ
સ્વર: સોનલ વ્યાસ અને સાથીઓ
ગોરમા ગીત: ૧
વાદળ સાથે છાંટા આવ્યા, ગોરમા આવ્યા ફરી
ચણિયાચોળી પહેરી ગોરમા હું તો બની પરી
આવી તારે દ્વાર રે ગોરમા લઈને મનની વાતો
મારાં નાનાં દિલમાં આજે ઊગતા કૈંક પ્રભાતો
ઊગતો સૂરજ રંગ જો ઢોળે ખોબો દઉં હું ધરી..
ચણિયાચોળી પહેરી…
કૂણા કૂણા હાથ છે એમાં લીલી લીલી છાબો
હાથમાં મૂકી મહેંદી એની ઝીણી ઝીણી ભાતો
આજ ઓવારી લેને માડી કોઈની નજરું ઠરી!
ચણિયાચોળી પહેરી….
સંગાથી સ્વર: નકશી આનંદ જ્યોતિષી
ગોરમા ગીત: ૨
હાથમાં મહેંદી પગમાં ઝાંઝર છમ્મકછલ્લો
ગોરમા પૂજવા ચાલી લઈને સાથે આખો મહોલ્લો
દીકરી તારો સાવ અનોખો લાગ્યો હલ્લો!
નાની નાની આંગળીઓથી ઉંબર પૂજે
ફૂલ ચઢાવી સાથે સાથે તું કંઈ ગુંજે
તાલ દિયે છે ઝૂલી હવામાં સાડી પલ્લો
હાથમાં મહેંદી પગમાં ઝાંઝર છમ્મકછલ્લો
ઓ ઘર-લક્ષ્મી મોટી થઈ કોઈ ઘરને રોશન કરજે
માત સ્વરૂપે જન્મી છે તું આંગણ રંગો ધરજે
મોંઘી ખુશીઓનો સાવ મોંઘેરો તું છે દલ્લો !
હાથમાં મહેંદી પગમાં ઝાંઝર છમ્મકછલ્લો
સંગાથી સ્વર: તનિષા મકવાણા
ગોરમા ગીત: 3
શ્રદ્ધાનો દીપ જલે ગોરમા
વરસતાં આભના પહેલા તે પહોરમાં
શ્રદ્ધાનો દીપ જલે ગોરમા
અમને મારગ મળે છે ગોરમા
નાનકડી છાબ લઈ નાનકડી આશ સંગ
નાનકડા ઓરતા વાવું
ઊગેલી ઈચ્છાને કંકુની છાંટ દઈ
ઝૂકી હું આરતી ઉતારું
આંખોનાં દરિયામાં લીલ્લાછમ જ્વારા તરી રહ્યાં છે ગોરમા
શ્રદ્ધાનો દીપ જલે ગોરમા
વરસતાં આભના….
પગે ઝાંઝરિયું ને અંગે ઘાઘરિયું
માથે શરમની ઓઢણીની ધાર
મનગમતાં વરના આશિષ દે મા
હવે મોટા થવાને શી વાર!
હૈયામાં પાંગરતાં છાનેરાં સપનાઓ ફળી રહ્યાં છે ગોરમા
શ્રદ્ધાનો દીપ જલે ગોરમા
વરસતાં આભના…
સંગાથી સ્વર: જીયા બકરે
ગોરમા ગીત: ૪
મા મારો કેવો રે ભરથાર? મા હું તો ગોરમા પૂજું
શમણે આવે એ અસવાર! મા હું તો ગોરમા પૂજું
જવારે જવારે ઓરતા રે ઊગતા
પગે લાગું ને નેણ મારા રે ઝુકતા
મેં તો પૂજી રે નાગલાની હાર! મા હું તો ગોરમા પૂજું
સપને આવે છે ભોળો ભમ્મરિયાળો
ઉછાળી આંખ કરે આંખડીનો ચાળો
હું તો ઉછળી પડી વેંત ચાર! મા હું તો ગોરમા પૂજું
અબીલ ગુલાલ ને કંકુ ચઢાવું
લીલાછમ જ્વારા ખુદને ઓઢાડું
ખનકે પાયલ વારંવાર મા! હું તો ગોરમા પૂજું
સંગાથી સ્વર: દિયા પટેલ, હેમા પટેલ
ગોરમા ગીત: ૫
કાળું મંટોડું લાવિયા ને મહીં પાંચ પાંચ ધાન મેં તો વાવિયા રે લોલ
ગૌ માનાં અડાયાં વાટિયા ને એમાં પાંચ પાંચ મુઠી છાંટિયાં રે લોલ
પાંચ પાંચ આંગળીઓ ટોળે વળે ને મા તાપીનાં પાણીએ સીંચિયા રે લોલ
થાળીમાં વાટકીઓ સોહી રહી એમાં પાંચ પાંચ પૂજાપા મૂકિયા લોલ
લિલ્લેરા જ્વારા લહેરી રહ્યા એને પાંચ પાંચ પાંચ દી શણગાર્યા રે લોલ
કોપરાની વાટીમાં આરતી કરું એમાં પાંચ પાંચ દીપ પ્રગટાવ્યા રે લોલ
પાંચ પાંચ બેનપણી પજવી રહી અલી કેવા તે વરજી તેં માગિયા રે લોલ
પાંચ પાંચ ઘૂઘરીનાં ઝૂમખાં મેં તો ઓરતાની ઝાંઝરીએ ટાંકિયા રે લોલ
પાંચ પાંચ ઘૂઘરીઓ લાજી મરી જ્યારે ગમતા વરજીને મેં તો માગિયા રે લોલ
સંગાથી સ્વર: હેમા પટેલ, અને નાનકડી ગોરમાઓ દિયા પટેલ, નકશી જ્યોતિષી, જીયા બકરે, તનીષા મકવાણા, નીલાંશી સોની
***