હિરવા ઘઉં (લઘુકથા) ~ નરેન્દ્ર જોષી, લુણાવાડા
(અરવલ્લી અને મહીસાગરના તળની બોલીનો ઉપયોગ પ્રસ્તુત લઘુકથામાં થયો છે. બલ = બળદ, હિરવા = ચોમાસા પછી શિયાળામાં ભેજ સાચવેલી ભૂમિમાં ઓછા પાણીએ આપમેળે પાક તૈયાર થાય તેને હિરવા કહેવાય.)
“ઉંણકો હેંથરોં હાટે ય થીં રે’ નારો!” કહી મોતીએ ચાલતી પકડી.
હોળીનો તાકડો આવે ને તેના પીર હલવા માંડે! ઘઉં હજી ખેતરમાં સોનેરી પાંદડે લહેરાતા હતા, કોષ ઢાળિયા પાસે જાણે
કૂવાનાં જળ ઉલેચવા નહીં પડે તેમ પડ્યો હતો. ઢાળિયું પણ બળદની ખરીઓથી રઝોટાઇ ગયેલું ધૂળ ઉડાડતું હતું. ફૂવો પણ
એક બે પોણી આલી તળિયેથી તતડી રહ્યો’તો.
કણજા નીચે મારકણો રાતિયો બલ વાગોળે ચડ્યો, શાંત હતો! એની આંખના ખૂણે ભેજ બાઝ્યો હતો. જાણે રૂંગે રૂંગે રડીને થાક્યો હોય તેમ. લીલિયો ઊભો ઊભો એને ચાટતો હતો.
સોટ મેલતો હું’યે મોતીભાઈની વાંહે વાંહે. મોતી તો જાણે આટલા વરહોની સગાઈ તોડી , રિસાયા હોય તેમ નીકળી ગયા! હવે કોણ ગાડું જોતરશે? છાણિયું ખાતર ઉકરડેથી ભરી ધુંસરી પર ખોળામાં બેસાડી મને કોણ ખેતરે લઈ જશે? ઉકરડાની થોડમાં ખજૂરીનાં ખજૂર કોણ ઝંઝેડીને ખવડાવશે? રાતિયા બલની ડોકે કોણ હાથ ફેરવડાવશે?
મોતીભાઈની નજર જ્યાં પૂંઠે પડી બોલી પડ્યા; “તમે વાંહેવાંહેથી આવો બચુડા ભૈ!”
મેં તો તેમના ધોતિયાનો છેડો પકડયો તેં મેલે એ બીજા. તે મને જાણે હજી નાનકો જ સમજી ઓંગળિયે વરગાડી ઘર બાજુ લઈ જતા હોય તેવું લાગ્યું, મને હાશ થઈ. બજારની દુકાનમાં ખાંડના મીઠા મીઠા તોરણ બનીને આઇડા લટકાવેલા જોઈ ઊભા રહી, એક રૂપિયાનો આઇડો લઈ મારા ગળે લટકાવી કહે; “હવે પોંહરા ઘરભેળા થઈ જાવ બચુડા ભૈ, હું હવે થીં આવનારો!”
પણ મોતીભાઈ હિરવા ઘઉં કર્યા હોત તો આમ બળ્યા પોણી વગર નીંહાકા તો ના નાખતા ને! અને તમે રાતિયા બલને પરોણે પરોણે કેમ મારેલો? એ દાદા જોઈ ગ્યા, ને બોલાસાલી થઈ નકર તમે રિહાતા? પણ મોતીભૈ, પેલું ગાણું હંભળાવો, હેંડો. નકર આ તમારો હાઇડો લ્યો પાછો. પેલી સવલી ઘણીવાર હેતરમાં આવતી’તી, તેની ડોકે પહેરાવજો?
“અલે બચુડાભૈ, તમેય વાકમ થૈ જ્યા છાં હાં. ચીંયું ગાણું?”
“પેલા પીંહામાં ગલોફાં ફુલાવી ફુલાવી વગાડતા તેં!”
“બચુડાભૈ એ તો શ્રાવણિયા મેળાનું… પણ હવે તો હોળી આવી ના ગવાય. પીંહો ના વાગે હમણાં, હમણાં તો ઢોલ પીટવાનો…”
“તે તમે હવે નથી જ આવવાના આપણા ઘેર! દાદાનો સ્વભાવ બળ્યો આકરો અને તમે હિરવા ઘઉં કરવા કહ્યું તે એકના બે ન થયા…
“લ્યો કૂવામાં પોણી થૈ રહ્યું! કોહ પણ કૂવામાં હોય તેટલું જ કાઢેને!”
“પણ હિરવા કર્યા હોત તો ઓછા પાક ‘તે બીજું હું ! વઢાઇ જ્યા હોત ખરા!”
“બચુડા ભૈ હિરવામાં તમને શી ખબર પડે! પેલી સવલી પોલિસ્ટરનો બુસ્કોટ પહેરેલો જોઈને મને કહેતી અદલ લાગો છાં!
પણ તમે તો હેંથરાં હારેય નહીં ૨ઉં એવું કે’તા તે …! બળ્યો અમારો અવતાર!” આટલું બોલતા’ક મોં ફેરવી બસ ચાલતી પકડી, એ જાય એ જાય ને મોતી ભૈને નેળિયું ગળી ગયું!!!
~ નરેન્દ્ર જોષી, લુણાવાડા