આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૨ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૪૨

પ્રિય દેવી,

આજે તારા પત્રના અંતથી પ્રારંભ કરું.

એ શ્લોક વાંચીને મને ક.મા.મુનશીની નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ યાદ આવી ગઈ.

પૃથ્વીવલ્લભ - Book Summary - Gujaratilexicon

તૈલપ રાજા મુંજને બંદિવાન બનાવીને લાવે છે ત્યારે (યાદ છે ત્યાં સુધી) લોકો એને જોવા માટે ઝરુખે, ઓટલે, અગાસીએ, જ્યાં જગ્યા મળી ત્યાંથી જોવા માટે ઉત્સુક છે. અને મુંજના હાથમાં હાથકડી છે છતાંય જાણે પોતાના રાજ્યમાં ફરવા નીકળ્યો હોય એવી મસ્તીથી પસાર થાય છે.

એને ખબર છે કે તૈલપના રાજ્યમાં સંગીત પર પ્રતિબંધ છે છતાં ‘તૈલપ તણી નગરીમાં……’ એવી કોઈ કવિતા ગાય છે અને લોકોને ઝીલવા માટે કહે છે. અને એ જ રીતે રંગવિહીન મૃણાલના જીવનને સ-રસ બનાવે છે. અંતે એને સજા થાય છે, મદિરા પીધેલા હાથીને પગે ચગદાઈને મરવાની! આના પરથી સોરાબ મોદીએ ફિલ્મ પણ બનાવી હતી.

Prithvi Vallabh - Wikiwand

સંગીત વિનાનું જીવન હું તો કલ્પી જ શકતી નથી!

આપણે ત્યાંના આદિવાસીઓ જુઓ કે આફ્રિકાના રહેવાસીઓને જુઓ તો કુદરતનો પ્રભાવ સમજાય. માણસ જેટલો કુદરતની નજીક એટલો જ ‘બિન્દાસ’. કુદરત જેવી નિખાલસતા, નિર્ભેળ પ્રેમ, સ્પષ્ટ અભિવ્યક્તિ અને સંગીતમય જીવન.

આ લોકોના નૃત્ય અદ્‍ભૂત હોય છે. આફ્રિકન સ્ત્રી કે પુરુષ નૃત્ય કરે ત્યારે એના શરીરનું એક એક રુંવાટું, એક એક નસ, એક એક માંસપેશી લયમાં અને તાલમાં નૃત્ય કરે.

તું માનીશ, હજુ પણ કોઈ સુંદર સંગીત સાંભળું ત્યારે હવે નૃત્ય તો ન કરું પણ પગ તાલ પૂરાવે.

તે વર્ણવેલી પાનખર, વસંત, દરિયો, પહાડ, આકાશ, નદી, સૂર્યાસ્ત અને સૂર્યોદય સઘળી વાતો કવિતાથી ભરપૂર છે. પાનખર અને સૂર્યાસ્ત માટે તેં જે લખ્યું તે ખૂબ જ ગમ્યું. એ બંને અદબભેર ઊગી પણ શકે છે અને આથમી પણ શકે છે. વાહ, એની ગરિમાને કદાચ આ જ રીતે વર્ણવી શકાય.

એના પરથી મને થયું કે આપણે પણ જેમ જેમ જીવનની પાનખર તરફ આગળ વધતાં જઈએ તેમ તેમ એ જ ગરિમા એ જ અદબથી જીવવું જોઈએ. શારીરિક કે માનસિક વ્યથાના રંગોને સંતાડીને અનુભવ અને સંવેદનાના રંગોને ઉજાગર કરી ગૌરવથી જીવવાનું શીખવું જોઈએ ને?

મનોજ ખંડેરિયાએ ક્યાંક કહ્યું છે તેમ આંખોમાં પતંગિયાંને પાળ્યાં છે એટલે દરેક વસ્તુમાંથી સૌદર્ય જોવાનું ગમે.

Blue Eyes Butterfly Mixed Media by Anthony Burks Sr - Pixels

૮-૯ વર્ષ પહેલા અમે વેસ્ટ વર્જિનિયા મારી ભત્રીજીને ત્યાં ગયાં હતાં ત્યારે મન ભરીને પાનખરને માણી હતી.

વિદાય લેતા પહેલા સૃષ્ટિને રંગીન બનાવી જવું એ વિચાર જ મને ખૂબ ગમે છે. પરંતુ સાથે સાથે વર્ષો પહેલાં મારા બળવાખોર સ્વભાવથી એક અછાંદસ રચના થઈ ગઈ હતી-

‘રસ્તાને અડીને ઉભેલા એ વૃક્ષને આપણે પરોપકારી કહ્યું,
એની નમ્રતાને જગતનું દૃષ્ટાંત બનાવી દીધું.
કોઈએ કદી એની પૂછ્યું છે કે, ‘રે, વૃક્ષ તને મંજુર છે શું આ ઈલ્કાબો?’
આપણે આપેલાં પડળોને ઊંચકીને જુઓ તો જરા,
એનું એ છાનું રૂદન ને મૂંગો વિલાપ!
એક દિવસ એનાં ફળ, ફૂલ, પંખીનાં નીડ ને પર્ણોની ઘટા સઘળુ ફંગોળીને બોલી ઉઠશે,
મારે તો બહુએય જવું છે કો’ સુંદર વનમાં કે વેરાન રણમાં.
કદી થાય છે કે વર્ષામાં નાચતા પેલા મોરલાની જેમ હું નાચું વન-ઉપવનમાં.
તમને કેમ કરી સમજાવું એ બેજવાબદારીનું આનંદ-સ્વાતંત્ર્ય?
પણ રે, આ ધરાએ, મને જકડી મજબૂર બનાવ્યું
અને માનવે મને ‘પરોપકારી’ બનાવી દીધું!!

ખેર, તેં લખ્યું, ‘મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહુકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે.’

તારો આખો આ પત્ર કવિતા બની ગયો છે દેવી, તને ખબર છે? આવા પત્રો વારંવાર વાંચવા ગમે. તને નથી લાગતું આપણે આ પત્રોનું રેકોર્ડીંગ કરવું જોઈએ કે જેથી ભવિષ્યમાં આંખે ઝાંખપ વળે તો કાને તો સાંભળી શકાયને!

આ લખ્યું એટલે એની લિંક થઈ ગઈ ‘શત જીવં શરદ’ સાથે જે તમે બંને જણ ચર્ચતાં હતાં. એ વાત સાચી જ છે કે સૌને લાચાર થઈ જાય તે પહેલા આ જગત પરથી વિદાય લેવાની ગમે જ. પરંતુ વાસ્તવિકતા થોડી કડવી છે ને?

હું અહીં ઈન્ટરપ્રિટરનું કામ કરું છું અને અંગ્રેજી ન આવડતું હોય એ વૃદ્ધોને જ્યારે રિબાતાં જોઉં ત્યારે તમે ઈચ્છેલ કામનામાં એક વાત ઉમેરું કે ‘અને જો એમ ન થાય તો ગૌરવભેર જીવવાની શક્તિ મળે એવી પ્રાર્થના રોજ કરવી જોઈએ.’

આ વિચારને હું નિરાશા નથી કહેતી પરંતુ જીવનની એક વરવી બાજુ છે જેને માટે પણ તૈયાર રહેવું જોઈએ એમ હું માનું છું.

આના સંદર્ભમાં સિતાંશુ યશશ્ચંદ્રની એક રચનાથી વિરમું,

‘વેદના, તું અંધ ના કર; વેદના તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને,
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે.

નીનાની સ્નેહ યાદ

આપનો પ્રતિભાવ આપો..