પુત્રભક્તિ (લઘુકથા) ~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’
સુભાષભાઈના ઘણા આગ્રહ છતાં હર્ષે પોતાના પિતાને એવું કહીને મંદિર ન જવા દીધા કે, “પપ્પાનો બધો જ સામાન અત્યારે પેક કરવાનો છે અને સાંજે નીકળવાનું છે તો મોડું થઈ જશે.”
સુભાષભાઈ બિચારા, મનોમન જ બબડ્યા, “અરે, હર્ષદ, પુત્રપ્રેમમાં આંધળો બનીને આ ઘર પુત્રના નામે કરીને ના જઈશ, નહીતો પાછલી જિંદગી વૃદ્ધાશ્રમમાં ગુજારવી પડશે માવજીકાકાની જેમ.”
હર્ષદભાઈને પણ હર્ષની એમને લઈ જવાની ઉતાવળથી જરા ગભરામણ થતી હતી. પણ હર્ષની જીદ આગળ એમનું કાંઈ ચાલ્યું નહીં. હર્ષે એમના બધા જ કપડાં અને બીજી બધી વસ્તુઓ યાદ રાખીને પેક કરી દીધી, એનો ફ્રેન્ડ રાજેશ પણ એને બરાબર મદદ કરતો રહ્યો.
સાંજે તો હર્ષદભાઈ, હર્ષ અને રાજેશની સાથે શહેર જવા ઉપડી પણ ગયા. શહેરમાં પહોંચતાં જ હર્ષે પહેલું કામ ગામનું મકાન પોતાના નામે કરાવાનું કર્યું. પુત્રભક્તિમાં અંધ હર્ષદભાઈ, જેમ હર્ષ કહેતો તેમ કરતા ગયાં.
આજે સુભાષભાઈના પૌત્ર રોહનનો જન્મદિવસ હતો, પણ આજે સુભાષભાઈના પુત્ર વ્યોમેશે રોહનનો જન્મદિવસ ગામથી દૂર શહેરમાં આવેલા “જીવનસંઘ્યા” વૃદ્ધાશ્રમમાં ઉજવવાનું નક્કી કર્યું.
વૃદ્ધાશ્રમમાં સુભાષભાઈ રોહનને દરેક વડીલોના ચરણસ્પર્શ કરાવીને એમના આશીર્વાદ લઈ એમને મોં મીઠું કરાવી રહ્યા હતાં, કે ત્યારે જ તેમનું ઘ્યાન વડીલોની વચ્ચે બેઠેલા તેમના ગામના પરમ મિત્ર હર્ષદ પર ગયું, અને તેઓ હર્ષદભાઈને ભેટી પડયા.
ક્યાંય સુધી રડતાં રહેલા હર્ષદભાઈને છાના રાખતાં સુભાષભાઈ માત્ર એટલું જ બોલ્યાં, “તું ફક્ત દસ મિનિટ માટે પણ તે દિવસે મંદિર આવ્યો હોત, તો આજે તું અહીં ના હોત.”
~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’, અમદાવાદ.
~ ફોન: 9998901630