ફાધર્સ ડે સેલિબ્રેશન ~ મા-બાપને ફાધર્સ ડેનું અદ્દભુત નજરાણું ધર્યું ~ શોભિત દેસાઈ
ચશ્માં ચઢાવી આંગણે
બેઠા છે એક વૃદ્ધ,
છાપું છે હાથમાં અને
વંચાય છે પવન.
આજની વાત માંડું તો વાત મારી જ છે, પણ તમને એમ ના લગાડવાની ફરજ પાડું કે વાત જરાય મારી નથી તો મારું નામ શોભિત નહીં….
હમણાં અમેરિકા છું અને હાલ તો અમેરિકાનાય અમેરિકા, I mean સાન ફ્રાન્સિસ્કોમાં છું.
૧૬ જૂન, શુક્રવારે કાર્યક્રમ કર્યો, મારો શૉ હતો એટલે મારાથી તો તારીફ થાય નહીં, પણ એવું લાગ્યું કે, સાંભળતાં સાંભળતાં આ શૉ હું જોઈ કેમ ન શક્યો!
શનિવારે ફાલ્ગુની અને સૌમિલ શાહ જોડે બે ઍરિયાના પ્રોફેશનલ્સ દ્વારા પ્રેમચંદની વાર્તા પર આધારિત ‘શતરંજ કે ખિલાડી’ અદ્દભુત ભજવાતું જોયું.
૧૮ જૂન રવિવારે ફાધર્સ ડેના દિવસે અહીંના મિત્રો સાથે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં જવાનું થયું. વાતચીતનો દોર જોરમાં ચાલતો હતો અને… અમારા ટેબલની બાજુમાં 78-80ની આસપાસના એક ભાઈ આવ્યા અને કૉર્નર પર બેઠેલા મને પૂછ્યું,
“તમે શોભિત દેસાઈ?”
“જી હા.”
“અરે, તમારો તો હું બહુ મોટો ફેન છું. મારાં પત્ની પણ તમારા ફેન છે બહુ મોટાં.”
ચારુબેન, અરવિંદભાઈ શાહની બાજુમાં આવીને ઊભાં રહ્યાં અને બોલ્યાં, “તમે જેવી વાત શરૂ કરી, હું તમને જોઈ નહોતી શકતી પણ મેં એમને તરત કહ્યું, ‘આ અવાજ શોભિત દેસાઈ જેવો કેમ લાગે છે મને? એ અહીંયાં ક્યાંથી હોય?”
તરત એમનો દીકરો અને એની પત્ની વલ્લરી મને મળવા આવ્યાં. અરવિંદભાઈ બોલ્યા, “અમે મૂળ મુંબઈના, સાયનમાં રહીએ પણ છેલ્લાં બાર વરસથી અહીંયાં છીએ.” અને પછી તો વાતચીતમાં કંઈકેટલાય તાકા પર તાકા પર તાકા ઉકેલાયા. મારે તો પેટમાં સસલાંની ગુડાગુડ અને દોડાદોડ અને આનંદ આનંદ આનંદ…
પાંચ-સાત મિનિટના સંવાદ પછી છૂટાં પડ્યાં. અમારી પણ વાનગીઓ આવી અને અમે પણ આંગળીઓ અને જીભને પ્રવૃત્તિઓ આપી દીધી. અમારી વાતમાં મારી તરફના આદરભાવ સાથે જોડાયા અને બિલ મંગાવ્યું.
આઠ-દસ મિનિટ થઈ હશે અને અરવિંદભાઈ અને એમના દીકરાજી અમારી બાજુમાં એક ચિઠ્ઠી સાથે ઊભા રહ્યા.
થોડાંક ઝળઝળિયાં સાથે અમને ચબરખી આપતાં એમનો દીકરો કહે, “શોભિત સર, આ તમારા પેઈડ બીલની કૉપી. It’s our privilege.”
હું, જયશ્રી મર્ચન્ટ, સપના વિજાપુરા અને શરીફભાઈ ચારે સ્તબ્ધ, શૂન્યમનસ્ક. મેં મનોમન ગઝલનો, મારા પ્રેરણામૂર્તિ બરકત વિરાણી ‘બેફામ’નો અને ‘મરીઝ’નો આભાર માન્યો જિન્દગીમાં આવી ક્ષણ આપવા બદલ…
મારી વાત અહીંયાં પૂરી થઈ, કારણ કે, હું આજનો હીરો નથી જ નથી.
હીરો છે અરવિંદભાઈનો દીકરો હર્ષલ શાહ, વલ્લરી શાહનો પતિ, જેણે ફાધર્સ ડેના દિવસે બાપાને ગમતા માણસ અને એમના મિત્રોનું રેસ્ટોરાં બીલ આપી દઈને મા-બાપને ફાધર્સ ડેનું અદ્દભુત નજરાણું ધર્યું. એય અત્યારની પેઢીનો હોવા છતાંય અને એય અમેરિકામાં.

***
વૃદ્ધો સામાન્યતઃ ઊઠી વહેલા
દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં
*
વયને ખબર જો હોય
તો સારું કે ક્યાં જવું…
વાણી, ગતિ, વિચાર
હવે વૃદ્ધ થાય છે.
*
આજે આટલું જ.
~ શોભિત દેસાઈ (હાલ અમેરિકા પ્રવાસે)