૧૯૮૮ની નવા વર્ષની એકમે એક પોસ્ટકાર્ડ આવ્યું, મારાં પિતાજીના હસ્તાક્ષરે નૂતન વર્ષાભિનંદન સુંદર ચિત્ર સાથે પણ મોતી જેવા એ શબ્દો નહોતાં થોડા મરોડમાં મને જાણે ઘણું બધું કહી જતાં હતાં.
મેં તરત મોટાભાઈને ઘરે ફોન કર્યો. મારો અહેસાસ કે પોસ્ટ કાર્ડનું સ્પંદન સાચું હતું. તેઓ હોસ્પિટલમાં જ હતા. મારાં મિત્ર સમાન મિલને મારી આંખમાં વ્યથા જોઈ ને અમે ઘરનાં બધાં કુટુંબીઓ ગાડી લઈ મુંબઈથી ભરૂચ રવાના થયાં.
પહોંચતાની સાથે જ જોયું તો તેવો બિલ્કુલ જ બેભાન અવસ્થામાં હતાં. રંગો ને પીંછીઓ સાથે રમનારી એ આંગળીઓ સ્થિર થઈ ગઈ હતી. ગઈ ત્યારથી આખી રાત્રી મારું એક જ રટણ હતું, “પપ્પા હું જયુ, હું આવી ગઈ, એકવાર વાત કરો.”
આખરે ભગવાને સાંભળ્યું. સવારે એમણે આંખો ખોલી. એ જ વાક્ય, ”બેન આવી ગઈ, તારી રાહ જોતો હતો.” ડોક્ટરને મિરેકલ લાગ્યો. તેમને વાતો કરતાં જોયા. મિલન અને મારું કુટુંબ મને મૂકી તે જ દિવસે મુંબઈ રવાના થયું. ઘણી વાતો કરી મને ઘરનો સ્તંભ બનાવી મારો વાઘ કહી ફરી આંખો મીંચી દીધી.
હું તેમને વડોદરા લઈ ગઈ પણ અંતિમ ઘડીઓ આવી જ ગઈ હતી. તેઓ વિદાય થયાં. ઘરે પાછાં લાવી તો ઘરની ઘડિયાળ ૭.૩૦ બંધ થઈ ગઈ. જાણે સમય અટકી ગયો.
હીંચકા પર તેમને સૂવાડ્યાં ને હું પણ આંખો બંધ કરી એ હવેલીમાંની દિનચર્યા માણતી રહી. સવારે ઉઠી નીચે આવવું ગંગારામ ને સાગરને વહાલ કરવું, મહેમાન આવે તો પૂછવું બહેન તું ક્યાં ધોરણમાં આવી? મારો આઠમા ધોરણમાં પ્રથમ નંબર આવ્યો તો આચાર્યસાહેબને પૂછવા જવું. મને લઈ વારંવાર નારેશ્વર જવું, રસ્તામાં બાપજી વિશે વાતો કરવી, અંગ્રેજી ભાષા શીખવાડવી, મરાઠી સાહિત્યનો પરિચય કરાવવો, મને મુંબઈ પરણાવી તો રેલ્વેમાં બે ત્રણ માણસ હશે તો આવીશ કહી ન આવ્યાં, મીઠાં વગરનું રાંધ્યું તો જમી લીધું. એ જ પળે કહી ગયાં ‘રસના ચટકા ન હોય બેના’. પાંચ કલાક કલાની સાધના કરવી. પીંછીઓમાં રંગ પૂરી યાદગારચિત્રો આપ્યાં વારસામાં…
સદાય કલાગુરુ રવિશંકર રાવળ ને રંગ અવધૂતના સ્નાનિધ્યમાં જીવન વિતાવ્યું. આ બધી પળોમાં અંતિમ પળો મને સદાય સાથ આપી ગઈ. ડોંગરે મહારાજની આપેલી સ્ફટિકની માળા મારાં હાથમાં મૂકતાં કહેતાં ગયા…
‘બેના, આનાં બે ભાગ ન કરતી.’ સમજી ગઈ. તેમનાં કુટુંબને સાચવવાનું વચન લઈ લીધું.
તેમની દહન ક્રિયા થઈ ને અસ્થિ ઘરે આવ્યાં તેનાં વિસર્જન વેળાએ તેમની સાથેની પળોને મારાં સ્તંભની સુંદર પળોમાં વિંટાળી લીધી. આજે પણ એકાંતે મન બોલી ઉઠે છે…
જ્યાં વિત્યું બાળપણ ત્યાં પાપા
ફરી ક્યારે પાછા આપણાથી મળાશે?
દિવસો ઉજવાતા રહે, યાદો ખંડેર સમી,
મનને ઝંઝોડી કહે ફરી ક્યારે હસાશે?
~ જયશ્રી પટેલ
૨૧/૬/૨૩