હૉપલેસ (લઘુકથા) ~ પાર્થ ભટ્ટ (અમદાવાદ)
‘હૉપલેસ સાવ હૉપલેસ.’
સાંભળતાની સાથે જ બધા ખડખડાટ હસી પડયાં. દોસ્તારોના હસી પડવાથી મંથનને મજા પડી. તે તેના પિતાની ઠેકડી ઉડાડવા, તેમના વિશે ઘસાતું બોલવા પ્રેરાતો.
‘આટલા મોટા અધિકારી! શું કરવાનું! કંઈ કર્યું નહીં. એનાથી નાના ઓફિસર્સે પણ કેટલા બનાવી લીધા! અહીં તો લુખ્ખા ને લુખ્ખા. ગામ આખું છેતરીને જતું રહ્યું.’
‘અને ખબર છે હૉપલેસ સાવ હૉપલેસ કોનો તકિયા-કલામ હતો? મારા દાદાનો.’
મંથન જોરથી બોલ્યો અને મિત્રો ફરી બઠ્ઠા પડી ગયા.
મંથનની તેના પિતા સાથેની માથાકૂટો વધતી જતી હતી. જોર-જોરથી બૂમો અને ઊંચા અવાજે ઝઘડા લગભગ રોજની ઘટના હતી.
‘હવે આમ ને આમ ક્યાં સુધી! કંઈક કમાવાનું કરો.’ જેવી પિતાની ટકોર તો ઊંઘતામાં કોઈએ ઘરની ઘંટડી વગાડી હોય એમ મંથનને અકળાવતી. તેનાથી કોઈ કાળે સહન ન થતું.
‘તમે ય સાજા-સારા છો, હજી ઘણું કરી શકો. લોકો નિવૃત્તિ પછી બીજે ક્યાંક જોઇન કરી જ લેતા હોય છે ને. મને બિઝનેસ માટે ભલે મૂડી ન મળે એટલિસ્ટ દેવું તો દૂર થાય.’ એ સામા બૉમ્બ ફોડતો.
મંથનને ત્યાં સુધી થઈ આવતું કે આ માણસ મારા કશા કામનો હોય જ નહીં તો એ ન રહે એનાથી પણ કશો ફેર નથી પડતો. તે દાદા-પિતા વચ્ચેના સંવાદો યાદ કરતો જે ઉશ્કેરાટથી ભરેલા હતાં અને તેના આધારે જનરેશન ગેપ હોય જ એવું જાતને મનાવી પિતા પ્રત્યે મક્કમ અણગમો રાખતો.
મમ્મી, બાપ-દીકરા વચ્ચે પડતી તો બારણું પછાડી દેવામાં આવતું અને બંધ બારણે સંગ્રામ થતો. પિતા ક્યારેક શાંતિથી વિકલ્પો સુઝાડતાં તો ક્યારેક મંથનના મિજાજ સામે નછૂટકે ગુસ્સે ભરાઈ જતા.
ભયંકર ઝઘડા પછીની મિત્રોની એક બેઠકમાં મંથનને ક્યાંય સુધી સુનમુન જોઈ એક મિત્રએ ટીખળ કરી, ‘શું મંથન શું કરે હૉપલેસ?’ બીજા મિત્રોની હસાહસી વચ્ચે મંથન ગમ ખાઈ ગયો અને સ્મિત કરી ચૂપ બેસી રહ્યો.
મંથનનું મગજ ફાટ-ફાટ થતું હતું. તેણે ઘરે આવી કોઈને પણ મળવાનું ટાળ્યું. બધા ભાઈબંધો પોતપોતાની રીતે વ્યવસાયમાં ગોઠવાઈ ગયા છે એ પછી ટોળટપ્પા કરતાં બેસે છે. તેને ભાન થયું. બેન પાસે ઓસ્ટ્રેલિયા જવાનું કેમ માંડી વાળ્યું? તે વિમાસણમાં પડ્યો.
ઓસ્ટ્રેલિયા સ્ટડીઝ માટેના કાઉન્સિલર શું સમજાવતા હતા એને તો એ પણ ખબર નહોતી પડતી. પપ્પા ફટકે બધું સમજી જતા.
વિચારતા વિચારતા અકળામણ એટલી બધી વધી કે તેને થોડા દિવસ પહેલાનો અકસ્માત યાદ આવ્યો. બીજા સ્કૂટરવાળાએ તેને ઊતરીને બે લપડાક લગાવી હતી. કલ્પનામાં ઊંધું તે માણસને મારતો હોય તેમ તે હવામાં હાથ વીંઝવા માંડયો. ટ્રેનનો પ્રવાસ, તેમની રિઝર્વ સીટ પર 3-4 ગુંડા પ્રકારના માણસો બેઠા’તા. અત્યારે પોપલાં જેવા લાગતા પપ્પાએ કેવા બાધીને એ બધાને ત્યાંથી હાંકી કાઢેલા. એકદમ આવી જતા અંધારા જેવા અણધાર્યા વિચારથી એ પથારી પર ધબ્બ દઈને પડયો.
મંથન સાથેના અવારનવાર થતા આત્યંતિક ઘર્ષણથી તેના પિતા બેચેન રહેતા. તેમને થયું દીકરો સમજે ન સમજે આ પોતાને છાજે એવું વર્તન નથી. એકાદ દિવસ સાંજે મંથનને શાંતિથી બેસેલો જોઈ તે અચકાતા મને મંથન પાસે પહોંચ્યા. મંથનને તેમની હાજરી સુદ્ધાં નહીં ગમે તે જાણતા હોવા છતાં.
મંથન બેઠો હતો તેની નજીકની ખુરશીમાં બેસી, સ્હેજેય વાતાવરણ ન બગડે તેનું ધ્યાન રાખી તે બોલ્યા: ‘ચિંતન સવારે મળવા આવેલો.’
‘ચિંતન કોણ?’ મંથને સાંભળતાવેંત મોઢું બગાડી પૂછ્યું.
‘દિનેશ અંકલનો દીકરો.’
મંથને જવાબ ન આપ્યો અને હલતાં ઝાડ જોતો રહ્યો.
‘દિનેશ અંકલ મારા મિત્ર. દિનેશભાઈ બિલ્ડર. હવે મુંબઈ જઈને તો બહુ મોટા બિલ્ડર થઈ ગયા. ચિંતને સિવિલ પૂરું કર્યું અને એની સાથે લાગી ગયો. અમસ્તો જ મળવા આવ્યો’તો. કે..મ.. છો, કે..મ .. નહિ પૂછવા.’ તે બોલતાં બોલતાં ખચકાયા. મંથન સાંભળતો રહ્યો.
‘તને એ ધંધામાં કંઈ….’ પિતાની વાત વચ્ચેથી જ કાપી ઝાડ જોતો મંથન બોલ્યો: ‘હાઆઆઆ.. દિનેશ અંકલ. ‘ મંથનના ઉચ્છવાસનો અવાજ આવ્યો.
‘હા હા દિનેશ અંકલ. યાદ આવ્યા. વાહ બિગ બિલ્ડર. ચિંતનને કેવું સારું નહીં? એ દિનેશ અંકલનો દીકરો.’
પિતા હસ્યા પણ બોલ્યા બાદ મંથનને કંઈક અજુગતું લાગ્યું. તે પિતા તરફ જોઈ ન શક્યો અને બીજી બાજુ જોઈ, ડોકું હલાવતો સ્વગત બોલ્યો: ‘હૉપલેસ સાવ હૉપલેસ.
~ પાર્થ ભટ્ટ (અમદાવાદ)
9925045986