પુસ્તક ~ પરિવારની ઢાલ અને સંતાનોનું વ્હાલ : પિતા ~ લેખક: રાજ ભાસ્કર ~ પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

પિતા જીવન હૈ, સમ્બલ હૈ, શક્તિ હૈ!
પિતા સૃષ્ટિ મેં નિર્માણ કી અભિવ્યક્તિ હૈ!
અંગુલી પકડે બચ્ચે કા સહારા હૈ,
હકભી કુછ ખટ્ટા, કભી ખારા હૈ.
~ ઓમ વ્યાસ.

આપણને સૌને સૌથી વ્હાલી મમ્મી જ લાગતી હોય છે અને મમ્મી પણ આપણને ખૂબ લાડકોડમાં ઉછેરે છે, પરંતુ આપણે સૌ મમ્મીનાં પ્રેમમાં કદાચ પપ્પાને સંપૂર્ણપણે વિસરી ગયાં છીએ. ફક્ત મમ્મીનાં પ્રેમથી જિંદગી નથી જીવાતી, જીવનમાં આવતાં સંઘર્ષોમાં અને મુશ્કેલીઓમાં પ્રતિપળ પિતા જ આપણા માર્ગદર્શક હોય છે.

પિતાને પ્રેમ દર્શાવતાં નથી આવડતું, પણ પિતાને પોતાનાં સંતાનોની હંમેશા ચિંતા તો રહેતી જ  હોય છે. આવાં ગુરુ સમાન પિતાની કદર કરતું એક અનોખું પુસ્તક એટલે ‘પિતા’.

બુક શેલ્ફ, અમદાવાદ દ્વારા  પ્રકાશિત આ ‘પિતા’ પુસ્તકનાં લેખક શ્રી રાજ ભાસ્કર છે.  શ્રી રાજભાઈ  હાલમાં ‘સાધના વિકલી’ સામયિકના સહતંત્રી છે. છેલ્લાં એક દાયકાથી શ્રી રાજભાઈ સાધનાનાં વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યાં છે. તેઓશ્રી સારા સંપાદક ઉપરાંત સારા લેખક પણ છે.

લવ યુ મમ્મી, લવ યુ પપ્પા, લવ યુ દોસ્ત જેવાં સુપ્રસિદ્ધ પુસ્તકોનું તેમણે અદ્ભુત સંપાદન કર્યું છે, જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યાં છે. પરમવીર ચક્ર અને ભારતરત્ન જેવાં પુસ્તકો તેમની કલમે લખાયેલાં છે.  લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલાં વિષયો પર તેમણે લઘુ પુસ્તિકાઓ પણ લખી છે, જેમાંથી એક લઘુ પુસ્તિકા એટલે ‘પિતા’.

પ્રસ્તાવનામાં લેખક લખે છે, ‘મોટે ભાગે કવિતાઓથી લઈને દુહાઓ અને વાર્તાઓથી લઈને ફિલ્મોમાં માતાનાં ગુણગાન વધારે ગવાયાં છે. પિતા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયાં છે અથવા તો એની કદર બહુ જ ઓછી થઈ છે.

ખરેખર તો પિતા છે તો જ પરિવાર છે. પિતા તો પરિવારનું પાલન અને પોષણ છે, પિતા પરિવારની ઢાલ છે અને ખુશીઓનો ઢોલ પણ. પિતા પરિવારની હિંમત છે અને એક સુખાકારી મત પણ છે. આવા પિતાને એમનાં કર્તૃત્વ બદલ બિરદાવીએ નહીં, એમનું માન-સન્માન ન કરીએ તો આપણે પાપમાં પડીએ. પાપમાં પડવાં કરતાં પપ્પામાં પડીએ, એમનાં પ્રેમમાં પડીએ એ વધારે સારું.’

આ પુસ્તિકાનો એક નાનો અંશ માણીએ,

‘પિતા પરિવારની ખુશી છે, પિતા ખુદ સંસાર છે, પિતા સંસારનો સાર છે. પિતા આચાર અને વિચાર છે, પિતા છે તો પરિવાર છે, પિતા છે તો તહેવાર છે, પિતા છે તો વહેવાર છે અને પિતા છે તો પ્યાર છે. પિતા વિના જીવન આત્મા વિનાનાં ખોળિયા જેવું છે. પિતા સમગ્ર પરિવારનાં આંસુ લૂછતી બુશકોટની બાંય છે. પિતા બધાંથી છુપાઈને રડતી આંખોની ઝાંય છે. પિતા જ દુનિયા છે, પિતા જ જીવન છે અને પિતા જ સર્વસ્વ છે.’

આ લઘુ પુસ્તિકા એક જ બેઠકે વાંચી લેવાય એટલી રસપ્રદ અને લાગણીશીલ છે. આ પુસ્તિકામાં પિતા વિશેની દસ લઘુકથાઓ ઉપરાંત દરેક પાને પિતાને લગતાં સુવિચારોથી પુસ્તક મહેકી ઊઠે છે. આ પુસ્તિકા વાંચ્યા બાદ આપ જરુરથી આપનાં પિતાને યાદ કરશો. જો આપનાં પિતા આપની પાસે હશે તો તેમને ભેટીને ચોક્કસથી બોલી ઉઠશો “લવ યુ પપ્પા”.

પુસ્તક પ્રકાશક : બુક સેલ્ફ, અમદાવાદ.
કિંમત : રુ. ૫૦.
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬૫૯૬૫૫

***

આપનો પ્રતિભાવ આપો..