પિતૃસ્મૃતિ (બે સૉનેટ) ~ (૧) ખતવણી (૨) અંજલિ ~ છંદ: પૃથ્વી ~ નટવર ગાંધી

૧. ખતવણી (પૃથ્વી)

સવાર  પડતાં તમે નીકળતા દુકાને જવા,
સફાઈ કરી, ગોખલે અગરબત્તી દીવો કરો,
પ્રણામ કરી દેવને, પછી ઉઘાડતા હાટડી,
દલાલી, ઘણી લેણદેણ, વય આખી ધંધો કર્યો,
અનાજ બધું, સાથ શીંગ, તલ, તેલ, ઘી, ગોળનો,
બપોર બળતે ફરે ન ચકલું, તમે એ સમે
દુવાર અરધું કરી લગીર નીંદ ખેંચી લિયો,
ઘરે નિસરતા પતાવી બધું કામ રાતે પછી.

જમ્યા, નહિ જમ્યા જ ઉભડક  એમ વાળુ કરી,
કરો ખતવણી, હિસાબ ગણી રાત પૂરી કરો,
સવાર પડતાં વળી દિવસ એ જ એનો શરુ,
હમેશ ઘટમાળ આ, ખબર ના પડી કોઈને,
અચાનક જ એક દિન ઊઘડી નહીં હાટડી,
કરી ખતવણી તમે જીવનની ખરી આખરી!

૨. અંજલિ (પૃથ્વી)

કદીય નથી વાત ઝાઝી કરી, ને કરી વાત તો
અહીંતહીંની, અન્યની, ખબર પૂછી ત્રાહિતની,
નથી જ નથી ઠાલવી કદીય મોકળા દિલથી,
અવ્યક્ત મનની ઉપાધિ, બધી વ્યાધી ચિંતા વળી.
ઉપાડી લઇ જીવતા ભીષણ ભાર સંસારનો,
કદી ન હસતા, જીવન કોઈ ઉલ્લાસ ના,
નથી સ્મરણમાં કદી વિરલ સ્પર્શ કો વ્હાલનો,
તમે નજીક તો ય દૂર બસ દૂર એવું થતું.

મદાર તમને હતો કંઈક ભાર ઓછો કરું,
વિવેકહીન હું,  ધમાલ કરું, ધાર્યું મારું કરું,
કરું મદદ કાંઈ ના, ઉપરથી હું માથે પડું,
હવે વસવસો કરું વ્યરથ તાતનો મોતનો.
નથી જ નથી નીવડ્યો સપુત, નમ્ર આજ્ઞાંકિત,
બનું હું તવ પૌત્રનો સુહ્રદ તાત એ અંજલિ!

~ નટવર ગાંધી

આપનો પ્રતિભાવ આપો..