‘આંગળી પકડીને નહીં, આંગળી છોડી દઈને કેમ ચાલવું એ શીખવે પપ્પા.’ ~ રાજુલ કૌશિક (અમેરિકા)

ક્યાંક વાંચ્યાંનું યાદ આવે છે,

‘આંગળી પકડીને નહીં, આંગળી છોડી દઈને કેમ ચાલવું એ શીખવે પપ્પા.’

કેટલીય સ્મૃતિઓ આલબમનાં પાને સચવાઈ છે. ક્યારેક એ આલબમ હાથમાં આવે છે ત્યારે એમાં સચવાયેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓમાંથી પણ લાગણીઓના અનેક રંગ પ્રગટે છે.

એક ફોટો યાદ આવે છે જેમાં નાનકડી ત્રણ વર્ષની છોકરીની ટ્રાઇસિકલમાં જે કંઈ ખોટકાયું છે એ રિપેર થઈ રહ્યું છે. છોકરી એની સામે ઊભા પગે બેઠેલી વ્યક્તિ તરફ મીટ માંડીને જોઈ રહી છે. એને ખાતરી છે કે, એની આ ઊંધી પાડેલી ટ્રાઇસિકલ જ્યારે સીધી થશે ત્યારે ચોક્કસપણે એ રિપેર થઈ જ ગઈ હશે.

જ્યારે એ બાઇસિકલ શીખશે ત્યારે ક્યારેક આંગળી પકડીને ચાલતાં શીખવનાર વ્યક્તિ એની બાઇસિકલ પકડીને પાછળ દોડતી હશે. સમતોલન જાળવીને જ્યારે એ સાઇકલ ચલાવતી થશે ત્યારે એ છોકરી ખબર નહીં હોય અને હળવેથી એ ટેકો ખેસવીય લેશે.

સમય પસાર થતો રહ્યો. ત્રણ વર્ષની ઉંમરે સમજણ આવી ત્યારથી માંડીને વર્ષો સુધી એ છોકરીનાં મનનો વિશ્વાસ અકબંધ રહ્યો. છોકરીને ખબર હતી કે, જ્યારે એ હાથ લંબાવશે ત્યારે એક વ્યક્તિ હશે જે એનો હાથ થામી લેશે. એ વ્યક્તિ એટલે પપ્પા.

આજે આલબમનાં પાનાં બહારની પણ કેટલીક સ્મૃતિઓ સળવળે છે ને મારી નજર સામે આવે છે, એ ઘર જ્યાં અમારું બાળપણ વીત્યું.

ઉનાળામાં બારી બહાર ટિંગાડેલી ખસની ભીની સાદડીમાંથી વહી આવતી ઠંડક, ચોમાસામાં લોબાનનો ધૂપ, ઋતુઋતુએ બદલાતાં ખસ, કેવડાનાં અત્તર, બધું જ સાગમટે યાદ આવે છે અને એ પહેલાં યાદ આવો છો, પપ્પા તમે.

નાનાં હતાં ત્યારે અમારી માંદગીમાં રાતોની રાતો જાગીને માથે બરફ-મીઠાનાં પાણીનાં પોતાં મૂક્યાં છે, પપ્પા તમે.

ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં આજીવન સભ્ય બનાવીને વાંચતી કરી, પપ્પા તમે.

લખવાનું શરૂ કર્યું ત્યારે પ્રોત્સાહન આપ્યું, પપ્પા તમે.

એક સમય હતો જ્યારે પોતાનાં નામ પાછળ પતિ અને પિતાની અટક લખવાનું શરૂ થયું હતું. એ સમયે મારા લેખ અખબારમાં પ્રકાશિત થતાં ત્યારે કોઈએ મારાં નામની સાથે તમારી, આપણી અટક લખવાનું સૂચન કર્યું હતું કારણ કે, અમદાવાદનાં અખબારી આલમમાં તમારું નામ પ્રખ્યાત હતું. નાટ્ય રૂપાંતરથી માંડીને નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તમે સમીક્ષા લખતા હતા.

અનેકવિધ પ્રવૃત્તિઓનાં તમે પ્રણેતા હતા. મારાં નામ સાથે આપણી અટક લખાય તો મારી ઓળખ આપોઆપ પ્રસ્થાપિત થઈ જાય, પણ ત્યારે તમે એ સૂચનને રદિયો આપી દીધો હતો.

કારણ માત્ર એ કે, તમે ઇચ્છતા હતા કે તમારા નામ કે તમારી ઓળખથી હું ઓળખાઉં એનાં કરતાં હું મારી પોતાની ઓળખ ઊભી કરું.

ત્યારે મને આ વાતની યથાર્થતા સમજાઈ હતી કે, આંગળી પકડીને નહીં, આંગળી છોડી દઈને કેમ ચાલવું શીખવે પપ્પા.’

શિસ્ત, શિષ્ટાચાર, સૌજન્યપૂર્ણ વ્યવહાર કોને કહેવાય એ પણ શિખવાડ્યું, પપ્પા તમે.

કેટકેટલું શીખવ્યું છે પપ્પા તમે અને જરૂર પડી ત્યારે તમે અમારી પાસે નવી ટૅક્નોલૉજિ શીખવા કેટલા ઉત્સાહિત હતા એ પણ યાદ છે.

કેટલીય ખ્યાતનામ વ્યક્તિઓ સાથે તમારી ઓળખ, છતાં એ ઓળખનો ક્યારેય અંગત લાભ લેતા તમને નથી જોયા.

આજે આટલાં વર્ષે ગુજરાત સમાચાર કે ચિત્રલોક, ચિત્રલોક સિને સર્કલમાં તમારી સાથે કામ કર્યું હોય એવી અનેક આદરણીય વ્યક્તિઓ સાથે વાત થાય છે ત્યારે એમનો તમારા માટેનો આદર અનુભવ્યો છે, પપ્પા.

‘ફાધર્સ ડે’ એટલે જૂન મહિનામાં આવતો કોઈ એક દિવસ નહીં. મારાં માટે તો જ્યારે જ્યારે તમારો વિચાર આવે, તમારી કોઈ વાત થાય કે સ્મૃતિપટ પર તમારો ચહેરો તરી આવે એ દરેક દિવસ એટલે ‘ફાધર્સ ડે’.

Love you papa.

~ રાજુલ કૌશિક (અમેરિકા)

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. વાહ રાજુલ શું બધાં પપ્પાનો સ્નેહ સરખો હશે ?

  2. પિતાની સ્નેહપૂર્ણ સ્મૃતિઓનો સ-રસ આલેખ

  3. સરસ લખાણ છે. સાઈકલ વાળો પ્રસંગ સ્પર્શી ગયો. સાચે જ, આંગળી છોડી દઈને કેમ ચાલવું એ શીખવે એ પપ્પા.

    1. આભાર આશાબહેન. 🙏
      સંતાનોને સ્વનિર્ભર બનાવવા ક્યારે આંગળી છોડવી એ પણ મહત્વનું છે જ ને?