ભાઈ, મારે આંગણે મોગરો મહેક્યો ને તમે યાદ આવ્યા… ~ આશા વીરેન્દ્ર (વલસાડ)
કહેવાય છે કે,’ સોળે સાન ને વીસે વાન’, પણ સોળ વર્ષ હજી પૂરાંય નહોતા થયાં અને હજી પૂરી સાન પણ નહોતી આવી ત્યાં ભાન થઈ ગયેલું કે, પિતાશ્રી કે જેમને અમે ‘ભાઈ’ કહેતાં તેઓ હવે અમારી વચ્ચે નથી.
જિંદગીનો એ પહેલો આઘાત. પહેલી જ વખત જોયેલો મૃતદેહ અને તે પણ જન્મદાતાનો. ‘નબાપા’ હોવું એટલે શું એ શરૂઆતના દિવસોમાં બહુ તીવ્રપણે અનુભવાતું.
બા અને મારાથી મોટા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનો ભર્યોભાદર્યો પરિવાર હોવા છતાં ઓચિંતો જ ચારેકોર એક શૂન્યાવકાશ છવાઈ ગયેલો. એકાએક જ મનમાં ઓશિયાળાપણાનો ભાવ શી ખબર ક્યાંથી આવીને બેસી ગયેલો!
ભાઈ (પિતા) સૌરાષ્ટ્રના તદ્દન છેવાડાના નાનકડાં જસપરા ગામમાં જન્મેલા. ભાઈ, એમનાથી મોટાં એક બહેન અને નાના બે ભાઈઓ-આમ કુલ ચાર સંતાનોને ટળવળતાં મૂકીને તેમની માતાએ તો બહુ નાની ઉંમરે વિદાય લીધેલી. દમની બીમારીને કારણે મારા દાદા ઝાઝું કામ કરી ન શકતા.
મોટાં સાંકળીબેન નાનાં ભાંડરડાંઓને જેમતેમ સાચવવાની કોશિશ કરતાં એ પણ ત્યારના રિવાજ મુજબ તેર ચૌદ વર્ષની ઉંમરે સાસરવાસી થઈ ગયાં એટલે નાનપણથી જ મોટી જવાબદારીઓ ઉપાડવાનું ભાઈને લલાટે લખાઈ ગયેલું.
નદી ઓળંગીને સામે પાર આવેલી નિશાળે ભણવા જવાનું, આંગળીએ વળગેલા બે નાના ભાઈઓને સાચવવાના, મા વગરના ઘરમાં દરેક કામમાં પિતાજીને હાથવાટકો થવાનું – આ બધી ઝંઝટ સાથે કેટલુંક ભણી શકાય?
ચાર ચોપડી ભણી લીધી એટલે ભયો ભયો. ભણતરને કર્યા રામરામ. દોરી-લોટો લઈને આવ્યા મુંબઈ. એ વખતે કહેવાતું કે, ‘મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’ પણ દેશમાંથી નસીબ અજમાવવા આવેલામાંથી જે આ મહાનગરીની મહેરબાનીથી બે પાંદડે થયા હોય એ બધા પોતાના દેશમાંથી આવેલા છોકરાઓને પગભર થવામાં પૂરી મદદ કરતા.
એવા જ કોઈ સહ્રદયીએ પોતાની પેઢીમાં સૂવાની સગવડ કરી આપી. સવાર પડે ને માથે કપડાંની ગાંસડી ઉપાડીને મુંબઈની ગલીઓમાં ફરીફરીને એ છોકરાએ કપડાં વેચવા તનતોડ મહેનત કરી. જરાતરા પગ મૂકવાની જગ્યા થઈ એટલે બંને ભાઈઓને પણ બોલાવી લીધા. ભાઈની સંઘર્ષકથા તો ઘણી લાંબી અને રોમાંચક છે. ટૂંકમાં એટલું કે, હિંમત, મહેનત અને પ્રમાણિકતાથી એમણે સમાજમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું.
ભાઈનું નામ હતું ધનજીભાઈ પણ અતુલ ઈંડસ્ટ્રીઝના સ્થાપક અને જૈન સમાજના અગ્રણી શ્રી કસ્તુરભાઈ લાલભાઈ એમને ધનજીશા કહીને બોલાવતા. ભાઈ એમને ઘરે જાય ત્યારે અત્યંત આદરપૂર્વક જાતે ચા બનાવીને એમને આપતી વખતે કહેતા,
“મને બરાબર યાદ છે હં ધનજીશા, કે તમે ખાંડ ઓછી લો છો એટલે તમારી ચામાં ફક્ત એક ચમચી જ ખાંડ નાખી છે.”
કોઈ પણ અગત્યની મિટિંગમાં ભાઈ ન પહોંચે ત્યાં સુધી એમની રાહ જોવાતી.
આટલું ઓછું ભણતર હતું તોયે કલાદ્રષ્ટિ અને કલાની સૂઝબૂઝ શી ખબર કઈ રીતે એમના જીન્સમાં આવેલાં! વાક્ચાતુર્ય અને વક્તૃત્વ શક્તિ તો એવાં કે સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જાય.
તે સમયના અતિશય રૂઢિચુસ્ત અને જુનવાણી માનસિકતા ધરાવતા સમાજ વચ્ચે રહેવા છતાં અમને ભાઈબહેનોને અમારી મનગમતી પ્રવૃત્તિ કરવા એમણે હંમેશા મોકળાશ આપેલી. કદાચ એ કારણે જ મોટા સુરેંદ્રભાઈ મુંબઈની રંગભૂમિ પર પોતાના અભિનયનાં અજવાળાં પાથરી શકેલા.
બાનો સ્વભાવ અતિ શિસ્તપ્રિય અને કડક. બાથી ડર લાગે એટલે કંઈપણ ધાર્યું કરાવવું હોય ત્યારે અમે ભાઈનો સહારો લેવા દોડતાં.
‘છોકરીઓને પરણાવીને પારકે ઘરે મોકલવાની છે. બહુ લાડ લડાવ્યા કરો છો તે પસ્તાવાનો વારો આવશે.’- એવો બળાપો બા કરતા રહે અને ભાઈ અમારી ટોળીને લઈને ઊપડે ફિલ્મ જોવા.
પોતાની પસંદગીની ફિલ્મો અમને બતાવવી એમને ગમતી. મને બરાબર યાદ છે કે, ‘દો આંખે, બારહ હાથ’ અને ‘સાહબ, બીબી ઔર ગુલામ’ આ બંને ફિલ્મો એમણે અમને બે-બે વાર બતાવેલી એટલું જ નહીં પણ ફિલ્મમાં કયા શોટમાં કઈ ખૂબી છે અથવા કયો શોટ કયા એંગલથી લેવાયેલો છે એ પણ સમજાવેલું.
એમનો આ અભિગમ જ એમને ફિલ્મ પ્રોડ્યુસર બનવા સુધી દોરી ગયેલો. પોતાના બંને ભાઈઓને સાથે રાખીને એમણે ‘દો બીઘા ઝમીન’, ‘મુસાફિર’ અને ‘તીન ભાઈ’ ફિલ્મોનું પ્રોડક્શન કરેલું.
પ્રભુસેવા કરતાં માનવસેવા તરફ એમનો ઝોક વધારે હતો. કોઈને મુસીબતમાં જોયા નથી કે એને મદદ કરવા તત્પર થઈ જતા.
કેટલાય શાકવાળા, દૂધવાળા કે ઘોડાગાડીવાળા ‘શેઠ’ પાસે ઉછીના પૈસા લઈ જતા એની ઘરમાં કોઈને ખબર ન પડતી. એમની ભલામણથી ઘણા જરૂરિયાતવાળા યુવાનોને નોકરી મળી જતી પણ એ હંમેશા કહેતા કે, ‘નોકરી અપાવવાવાળો હું વળી કોણ? એનાં નસીબનું હતું એ એને મળ્યું.
‘ડાબો હાથ આપે એની જમણાને ખબર ન પડવી જોઈએ’ એ સિદ્ધાંત એમણે જીવનભર અક્ષરશ: પાળ્યો. છ દાયકા કરતાંય ઓછી જિંદગીમાં એમણે સમાજસેવાના અઢળક કાર્યો કર્યા- નામ કે દામની કોઈ અપેક્ષા વિના. એમણે કરેલાં અનેક કામોમાંથી સૌથી અગત્યનાં બે કામોનો અહીં ઉલ્લેખ કરીશ.
- વલસાડમાં ટેલિફોન સેવાની શરૂઆત એમણે ખૂબ મહેનત કરીને અને ધક્કા ખાઈખાઈને કરાવેલી. ગામમાં પહેલવહેલો ફોન અમારાં ઘરે આવ્યો હતો અને ફોન નંબર એક (1) હતો.
- કોઈક મોટા રેલવે અકસ્માતને કારણે વલસાડ સ્ટેશને મુંબઈ તરફ જતી અને એ તરફથી આવતી એમ બંને ટ્રેનો દોઢ દિવસ માટે અટકી પડેલી ત્યારે વેપારી મિત્રો, રસોઈયાઓ, મજૂરો બધાના સહકારથી એમણે વલસાડ સ્ટેશને જ રસોડું ચાલુ કરાવીને મુસાફરોના ચા-નાસ્તા અને જમવાની તમામ વ્યવસ્થા ગોઠવેલી.
પોતાનાં સંતાનોને ઉત્તમ સંસ્કાર આપવા માટે પૂ. ભાઈ અને પૂ. બાએ ખૂબ જહેમત ઉઠાવી. જ્યારે જરા હાશ કરીને, પગ વાળીને બેસવાના દિવસો આવ્યા ત્યારે 59 વર્ષની વયે એક દિવસ જરાતરા છાતીમાં દુ:ખે છે એવી એમની ફરિયાદ હજી ડૉક્ટર સુધી પહોંચાડીએ એ પહેલાં એમણે દેહ છોડ્યો.
એમને મોગરાનાં ફૂલ બહુ પ્રિય હતાં. સવારે વહેલા ઊઠીને તેઓ પૂજા માટે મોગરાનાં ફૂલ ચૂંટી લાવતા. અમે સૂતા હોઈએ ત્યારે અમારા તકિયા પર પણ એક એક ફૂલ મૂકી જતા. આજે, આટલાં વર્ષો પછી પણ મોગરાની સુગંધ મારે માટે જાણે ભાઈનો પર્યાય છે.
હજી હમણાં વૈશાખ ગયો. મારાં ઘરનાં કુંડામાં મોગરો મઘમઘતો હતો અને એ મનભાવન સુવાસ શ્વાસમાં ભરતાં ભરતાં હું કહેતી હતી, ‘ભાઈ, મારે આંગણે મોગરો મહેક્યો ને તમે યાદ આવ્યા.’
~ આશા વીરેન્દ્ર (વલસાડ)
પ્રભુસેવા કરતાં માનવસેવા તરફ જેમનો ઝોક વધુ હોય એવા પિતાનાં સંતાનોનેય એ જ સંસ્કાર મળે. આવા પિતાના સંતાનો હોય તો જીવતર ધન્ય થઈ જાય.
મહેનતની સુગંધ આવે છે ભાઈના ચરિત્રમાંથી…
વાહ અદભૂત વ્યક્તિત્વ પણ એમની ખોટ સાલશે !!
મોગરાની મહેક જેવી સુગંધિત કથાh