“પપ્પા, તમારો કોઈ પર્યાય નથી” ~ ગીની માલવિયા
“ચિ. ગીનીબેન,
ઘણા સમયે તમારા અક્ષરના દર્શન થયા! તમારે તો મમ્મી જોડે કોલ પર વાત કરીને બધું પતી જતાં અમને કોઈ લાભ ના મળે! તમારાં ગયા પછી શૂન્યાવકાશ સર્જાયો છે.
આખું ઘર સૂનકાર લાગે. કોઈ ગાતુંગાતું આ ઘરેથી પેલે ઘેર જતું નથી, એક તમારા સિવાય! એટલે જ તમારા ભણકારા વાગે. આંખો તરસી રહે. કાન સરવા થઇને તમારા ટહુકા સાંભળવા તત્પર રહે અને એક વેદનાજનક ચિત્ર ઊભું થાય છે.
હું અને મમ્મી સામસામે જોઈને બેસી રહીએ. કંટાળીને ઉપર અગાશીમાં જઈને લંબાવીએ, પણ ઊંઘ એટલી જલ્દી ના આવે! કંઇક વિચારો કંઇક જૂના સંસ્મરણો મનમાં ઉદ્દભવે અને દરિયાનાં મોજાંની જેમ વિલાઈ જાય! ફરી પાછું મગજ સાવ ખાલીખમ!
અમને એમ હતું કે ચીકુના સાસરે ગયા પછી જેમ બધું રાગે પડી ગયું, તે તમારા સાસરે ગયા પછી થશે, પણ આ રાગે-રાગે તો ખૂબ ચાલ્યું. તમારો પર્યાય કોણ પૂરો પાડશે?”
આ પપ્પાનો મારા પરનો પહેલો પત્ર, જે મને પોરબંદર, મારા લગ્નનાં બીજા જ મહિને મળ્યો.
પપ્પાનો આ પત્ર વાંચી હું એટલું રડી કે ફરી આ પત્ર વાંચવાની હિંમત ના કરી.
પપ્પાએ તો મને કહ્યું કે તમારો આ પર્યાય કોણ પૂરો કરશે? પણ આજે પપ્પાનો પર્યાય કોણ પૂરો પાડી પણ શકે? આ સવાલનો તો કોઇ જવાબ જ નથી મારી પાસે.
મમ્મીએ પપ્પા માટે ‘સ્ત્રીજીવન’ સામાયિકમાં લખવાનું કહ્યું ત્યારે જ મને ખબર હતી કે તમારાં સ્વજનો કે પ્રિયજનોની લાગણી એક સામાન્ય માણસ માટે શબ્દોમાં ગોઠવવી કેટલી અઘરી હોય છે!
છેલ્લાં 14 વરસમાં હું પપ્પા અને મમ્મીને અલપ-ઝલપ જ મળતી રહી છું. પરંતુ, મારા ખાતામાં રોકડા છે, મમ્મી પપ્પાના ઢગલાબંધ પત્રો!
પપ્પાના જ શબ્દોમાં કહું તો ‘અવારનવાર પત્રવ્યવહાર કરશો તો આનંદ થશે. ફોનમાં કહેલું સચવાય નહીં પણ પત્રમાં લખેલું ગમે ત્યારે ફરી ફરી વાંચી આનંદ લઈ શકાય.’
અને હા, જમા-ઉધારની જો વાત માંડી છે તો પત્રો સિવાય પણ બીજી મારા ખાતાની “જમા-નોંધણી” ના ચૂકાય. મમ્મી પપ્પાની મેથી ઓક્ટોબર 1999ની અમેરિકાની વિઝીટ. નાનપણથી જ મમ્મી માટે ખૂબ પઝેસીવ (આજે પણ એટલી જ છું).
મમ્મી સાથેની અતિશય આત્મીયતાએ કદી મને પપ્પા, ચીકુબેન અને ગૌરાંગ (મારો ભાઈ) સાથેનાં સંબધ સમજવાનો મોકો જ ના આપ્યો. મારા વર્તુળમાં મમ્મી જ મધ્યબિંદુ! મારો અને પપ્પાનો લખવાનો અને વાંચવાનો શોખ એક જ, પણ કદી મારાં પરિઘના અન્ય સભ્યોની રસ-રૂચિ સમજવાનો મેં પ્રયાસ કર્યો જ નથી.
મને યાદ છે 80ના દાયકાના અંત ભાગમાં હું અને પપ્પા અશ્વિનીભાઈની “ઓથાર” સાથે વાંચતા હતાં. હું દિવસે વાંચું ને પપ્પા તેમની સરસપૂર મિલની નોકરીમાં રાતપાળી કરતાં વાંચે.
ઘણી બધી સામ્યતા હતી મારાં અને પપ્પાના સ્વભાવમાં, પરંતુ કદી અમે અમારાં શોખ કે રસના વિષયોની ઊંડાણભરી ચર્ચા નહોતી કરી.
લગ્ન કરીને પોરબંદર સાસરે ગયાં પછી પપ્પાના પહેલા પત્રમાં પપ્પાની લાગણીએ સમજાવી દીધું કે પપ્પાએ આ બે મહિનામાં મને કેટલી Miss કરી છે!
પપ્પાનું વ્યક્તિત્વ એક શબ્દમાં કહેવું હોય તો નિ:સ્પૃહી. એમના પર લખવા બેસો તો કાગળો ભરાય. કરકસર એમનો ત્રીજો ભાઈ. નાની ઉંમરે અમેરિકામાં મારું ઘર ખરીદવાનું શ્રેય નિશેન્દુ (મારા વરજી) ઉપરાંત પપ્પાએ અમારામાં રોપેલા કરકસરનાં સંસ્કારને આપું તો એમાં કોઇ અતિશયોક્તિ કરી નહી ગણાય.
પપ્પા ભણ્યા, મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં, પણ ગુજરાતી લખવાનો મહાવરો સારો, અને સાથે લખવાની કલા પણ આત્મસાત. પરંતુ આળસને લીધે સતત કંઈ લખ્યું નહીં. દાદાએ આળસની રાખ ઉડાડીને લખાવ્યું. આ અંગારા પર ત્યારે ગુજરાતી સાહિત્યને મળી એવોર્ડ વિનર કૃતિઓ જેવી કે ‘પેટે ચાલનારા પ્રાણીઓ, અને છપરપગાં’…. જોકે ક્રોસવર્ડ પઝલમાં મમ્મી કાયમ પપ્પાને મહાત કરી દે, એ વાત અલગ છે!
થોડી ફલેશ-બેકમાં જઉં તો પપ્પાના સદનસીબે દાદા 1933માં જ બરવાળાથી અમદાવાદ સ્થાયી થવા આવી ગયા. ક્યારેક ક્યારેક પપ્પા કરકસરવાળી “પાતળી” ભેદરેખા પાર કરીને કંજૂસાઈ પર પહોંચી જાય ત્યારે ચીકુબેન, ગૌરાંગ અને હું, અમે ત્રણેય ભાઇબહેનનું એવું કહેવું હતું કે “પપ્પા, તમે વગર ટિકીટે બરવાળાથી અમદાવાદ આવ્યાં છો ને એટલે આમ કરો છો.” (દાદાએ સહકુટુંબ અમદાવાદ સ્થળાંતર કર્યુ ત્યારે દાદી પ્રેગનન્ટ હતાં!)
પપ્પાએ મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ કરતાં કરતાં મરાઠી ભાષામાંથી ગુજરાતી ભાષાંતરો કરેલાં. પપ્પાની લાઈફ સ્ટાઈલમાં મુંબઇની ઝાકઝમાળ તો ના આવી, પણ આવી તે જ્ઞાનની વિશાળતા.
દાદા-દાદી અને કાકા-કાકીથી જુદા થઈને માંડેલા એક રૂમનાં ઘર-સંસારમાં બધી જ સમૃદ્ધિ હતી. કદી કોઈ વસ્તુની અછત નહોતી. હા, મમ્મી-પપ્પાના થોડા ઘણા ખર્ચાળ શોખ પૂરા નહીં થયાં હોય, પણ પપ્પાનો ફોટોગ્રાફીનો શોખ તો આજ દિન સુધી બરકરાર રહ્યો છે. વચ્ચેનાં મિલની નોકરીનાં વર્ષોમાં થોડી ધૂળ જરૂર ચડી હશે, પરંતુ પપ્પાએ 1963માં ચીકુબેનના ફોટા પાડ્યા હશે એ જ ઉત્સાહથી 1996માં નિજશ્રી (મારી ભત્રીજી)ના પાડ્યા છે.
નિજશ્રી અને ત્વરા (મારી ભત્રીજી અને ભાણી) ભલે પપ્પાની આંખોની સામે, પણ જરાયે શબ્દો ચોર્યા વગર કહું તો દેવમ (મારો દીકરો) પપ્પાના હ્રદયની નજીક. 1999માં પપ્પાએ અમેરિકામાં દેવમની સાથે સાચેસાચ કવોલિટી ટાઈમ પસાર કર્યો.
પપ્પાએ ઈન્ડિયા પાછા જઇને એક પત્રમાં આ વિશે લખ્યું છે કે: ‘મને સ્વપ્નમાંયે ખયાલ ન હતો કે મારે અમેરિકા જવાનું થશે અને આટલું બધું ફરવાનું થશે. આવું ભાગ્ય દરેકનાં નસીબમાં નથી હોતું.’
પણ સાચું કહું તો આવા મમ્મી-પપ્પા દરેકના નસીબમાં નથી હોતાં. પપ્પા લખતા શીખ્યાં જમણા હાથે પણ સાત વરસની ઉંમરના વારંવારના ફ્રેક્ચરે તેમને ડાબા હાથે લખતાં કરી દીધા. પપ્પાનાં એ જીન્સ મને મળ્યાં અને મારા દીકરા દેવમને! અમારાં ત્રણમાં ડાબોડી સાથે આળસ અને સ્પષ્ટવક્તાની સ્વભાવગત સામ્યતા પણ ખરી!
પપ્પાની આળસને દૂર કરવા અને એમના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મારી તલવાર કદી મ્યાન થતી નહીં. પપ્પાએ એ વિશે મને કાગળમાં લખેલું, એક વાર કે, ‘મારામાં રહેલો આળસ નામનો રાક્ષસ હવે વધુ શેતાની થતો જાય છે. તમે હતા તો અમને ઢંઢોળી, ધમકાવી, ઘાંટા પાડીને પેલા અડિયલ ટટ્ટુને ચાબુક બતાવી દોડાવવાનું કામ તમારું હતું. હવે એ ટટ્ટુ સાવ નફકરું, દિશાશૂન્ય, અન્યમનસ્ક થઇને ગમે ત્યાં ઊભું રહી જાય છે, એને કોણ રાગે પાડશે?’
‘પણ પપ્પા, એક વાર તો પ્રયાસ કરી જુઓ!’ જો કે પપ્પાએ આજ સુધી સારી – નબળી તબિયતને અવગણીને ‘સ્ત્રીજીવન’ સામાયિકમાં પ્રાણ પૂર્યો છે એ શું ઓછું છે?
પપ્પાએ ‘ગીની’ અને ‘નેહા’ એવા બે નામ હોવા છતાંય મારું એક લાડકું નામ પાડેલું ‘ઝીણાભાઇ’. ચિ. ઝીણાભાઇના સંબોધનનો પત્ર અમેરિકામાં મળે ત્યારે મન દોડે છે અમદાવાદના એ ઘરમાં. જાન્યુઆરી 2000નાં કાગળમાં પપ્પા લખે છે કે,
‘ચિ. નિજશ્રીબેનનાં વ્યવહારો હવે તમારી બાળપણની સ્મૃતિ તાજી કરાવે છે. બધું જ તમારા તોફાનોનું પુનરાવર્તન થાય છે!’
પપ્પા તમને તો મારો પર્યાય મળી ગયો છે પણ મને? પપ્પા તમારો તો સાચે કોઈ પર્યાય નથી. વધુ તો શું કહું હવે? અને હા, ‘ઝીણાભાઇ’ તરફથી પપ્પાને જન્મદિવસની શુભેચ્છા.
~ ગીની માલવિયા
ખૂબ સરસ