પપ્પા મારે તમને એક વાત કરવી છે ~ વાર્તા ~ દિશાંત ગર્ગ (ગાંધીનગર)

ફોન પર બન્ને છેડે થોડી શાંતિ છવાયેલી રહી. પોતાના પપ્પા સાથે બહુ જ થોડી વાત કરનાર વિવેક આજે કહી દેવાના મુડમાં જ હતો. વિવેક તેના પપ્પા વિરેંદ્રભાઇ સાથે રોજ એટલી જ વાત કરતો હતો કે, “કેમ છો પપ્પા? મજામાં? જમ્યાં?” આ ત્રણ પ્રશ્નો પછી શું વાત કરવી તે વિવેકને સમજાતું નહોતું.

વિવેક જાણતો હતો કે પપ્પાએ એમની અનિચ્છા છતાં વિવેકની ઇચ્છાને માન આપીને વિવેકને લંડન ભણવા જવાની મંજૂરી આપી હતી.

વિવેક લંડન માટેની છેલ્લી શોપિંગ પતાવીને ઘરમાં દાખલ થઇ રહ્યો હતો ત્યારે તેની મમ્મી પપ્પા સાથે વાત કરી રહી હતી કે, “તમે ઘર પર લોન લઇને વિવેકને લંડન તો મોકલો છો, પરંતુ જો લોન નહીં ભરાય તો શું થશે?”

તેના પપ્પાએ બસ એટલો જ જબાબ આપ્યો હતો કે, “તેવું થશે ત્યારે જોયું જવાશે. અત્યારે તું તારા દીકરાને ખુશ જુએ છે ને બસ…” વિવેક આ વાતચીત સાંભળી ગયો છે એ વાતથી મમ્મી પપ્પા અજાણ હતા.

વિવેક એ સારી રીતે જાણતો હતો કે, હંમેશા પોતાના સિદ્ધાંતમાં માનતા વિરેંદ્રભાઇએ પોતાના સમગ્ર જીવનની મૂડી અને રોકાણ બધું જ ભેગુ કરીને આ મકાન ખરીધ્યુ હતું.

લંડન પહોંચ્યાને આમ તો વિવેકને એક મહિનો થઇ ગયો હતો. તેની રહેવા-જમવાની બહુ સરસ સગવડ થઇ ગઇ હતી. તે ધીમે ધીમે સેટ પણ થઇ ગયો હતો. તેની ઇચ્છા મુજબનું જીવન જીવી રહ્યો હતો તેનો તેને બહુ જ આનંદ હતો. પરંતુ વિવેકને પપ્પાની યાદ આવતા જ તે દુ:ખી થઇ જતો.

વિવેકના બચપણથી જ તેનો તેના પપ્પા વચ્ચેનો સંબંધ “હા પપ્પા” સુધી જ સીમિત રહ્યો હતો. તેનું કારણ હતું વિરેંદ્રભાઇનો સ્વભાવ.

વિરેંદ્રભાઇ પોલીસમાં નોકરી કરતા હતા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવા છતાં અનીતિનો પૈસો તેમના ખિસ્સા સુધી નહોતો જઇ શક્યો તેનો તેમને ગર્વ હતો તો પોલીસ અધિકારીઓમાં રહેલી કરડાકી તેમના સ્વભાવમાં છેક ઉંડે સુધી ઘર કરી ગઇ હતી તેનો ઘરમાં બધાને રંજ હતો. એટલે જ વિવેક પર ક્યારેય હાથ ઉપાડ્યો નહોતો છતાં વિવેક વિરેંદ્રભાઇથી હંમેશા ડરતો રહેતો હતો.

લંડન ભણવા જવાની ઇચ્છા પણ વિવેક તેની મમ્મી અને મોટી બહેન સામે રજૂ કરી હતી. દિવસો સુધી પપ્પા સમક્ષ પોતાની વાત કેવી રીતે રજૂ કરવી? તેનું ત્રણે મળીને રિહર્સલ કરતા હતા. આખરે તેઓએ વિવેકના જન્મ દિવસે પપ્પા સમક્ષ વિવેકની વિદેશ જવાની વાત મુકવાનું નક્કી કર્યું.

વિવેકની બહેને તેના જન્મદિવસે બેઠક રૂમ થોડો શણગાર્યો હતો. સોફાની સામે ટિપોઇ પર કેક મુકી હતી. વિવેક તેના જન્મદિવસે પણ તેના પપ્પા સાથે કેવી રીતે વાત કરશે તે વિચારોથી જ ઉચાટમાં હતો. આખરે દરવાજો ખખડ્યો, બુટ ઉતર્યા, પગલાંનો અવાજ આવ્યો અને દરવાજો ખુલ્યો. પપ્પાનું ઘરમાં આગમન થયું.

ઘરમાંની સજાવટ અને કેક જોઇને પપ્પા બોલ્યા, “ઓહ! આજે વિવેકનો બર્થ ડે છે નહીં?” ઘરમાં બધા જાણતા હતા કે, પપ્પા ક્યારેય વિવેકનો બર્થ ડે ભૂલે નહીં. પરંતુ બધા એ પણ જાણતાં હતાં કે પપ્પા હંમેશા તેમની નોકરીને સાથે લઇને જ ફરે છે એટલે ઘરમાં સહજ વર્તન કરવાનું જાણે તેઓ ભૂલી જ ગયા છે.

વિવેક સોફામાં બેઠો હતો અને તેના પપ્પા ફ્રેશ થઇને બાજુમાં જ અવીને બેઠા. ઘણી વાર જેનું રિહર્સલ કર્યુ હતુ તે એક્ટ કરવાનો સમય આવી ગયો હતો. વિવેક ધીરેથી બોલ્યો, “પપ્પા ….”

વિરેંદ્રભાઇ બોલ્યા, “હા બોલ.”

“પપ્પા મારે ગ્રેજ્યુએશન લંડનમાં કરવું છે.”

એકીશ્વાસે બોલી ગયા પછી પપ્પાની આંખોનું તેજ સહન નહીં કરી શકે તે જાણતો હોવાથી વિવેક નીચું જોઇ રહ્યો. વિરેંદ્રભાઇ વિવેકના બારમાં ધોરણમાં સારા ટકા આવ્યા તેથી બહુ ખુશ હતાં.

તેમને વધુ આનંદ એ વાતનો હતો કે વિવેકને સારામાં સારી સરકારી કોલેજમાં તેના ગમતા ક્ષેત્રમાં ફ્રી સીટ પર એડમિશન મળી જવાનું હતું. તેઓ બારમાંનું રિઝલ્ટ આવ્યું તે દિવસે જ બોલ્યા હતા કે, “સારું થયું… ચાલો અત્યાર સુધી જેટલો ખર્ચ ભણવામાં કર્યો તેટલો ખર્ચ હવે નહીં થાય.” જ્યારે વિવેકની આ વાત કહેતા જ પરિસ્થિતિ અચાનક બદલાઇ ગઇ હતી.

વિરેંદ્રભાઇ તેમનાથી નજર બચાવીને બેઠેલા વિવેકની સામે જોયા પછી પોતાની પત્ની અને દીકરીની સામે જોવા લાગ્યા. તેમની પત્ની વિવેકને સાથ આપવા ઇચ્છે છે તે જાણી ગયા એટલે વિરેંદ્રભાઇ સોફાને ટેકો દઇને બેઠા.

પપ્પા ના પાડી દેશે તો ભાઇનું સ્વપ્નું રોળાઇ જશે તે જાણીને વિવેકની બહેને મોરચો સંભાળી લીધો. તેણે પપ્પાને સમજાવતા હોવ તેવા સૂરમાં કહ્યું કે, “પપ્પા, ભાઇને ખબર છે કે તેને અહીંયાની દરેક કૉલેજમાં ફ્રી સીટ પર એડમિશન મળી જશે. પરંતુ લંડનની પ્રતિષ્ઠિત કૉલેજ જેવું શિક્ષણ અહીંયા નહીં મળે. અમને ખબર છે કે તમને કદાચ પૈસાની ચિંતા હશે પરંતુ ત્યાંની કૉલેજ ભાઇની માર્કશીટ જોઇને સ્કોલરશીપ આપવા પણ તૈયાર છે. એટલે ખર્ચ પણ થોડો ઓછો થશે.” “પ્લીઝ પપ્પા.”

વિરેંદ્રભાઇ એટલું જ બોલ્યા, “ઓછો એટલે કેટલો?”

અત્યાર સુધી નીચે જોઇ રહેલા વિવેકને પપ્પાના આ પ્રશ્નમાં તેના ઉજ્જવળ ભવિષ્ય માટે થોડી આશા દેખાઇ.

તે બોલ્યો, “૨૦થી ૩૦ લાખ.. પપ્પા કૉલેજની ફી થોડી વધુ છે પરંતુ કોલેજ બહુ જ સારી છે. થોડા મહિના પછી જો કૉલેજ મંજૂરી આપશે તો હું પાર્ટ ટાઇમ જોબ પણ કરી લઇશ. છતાં જો તે કૉલેજની ફીનું સેટ ના થઇ શકે તેમ હોય તો બીજી કોઇ ઓછી ફીવાળી કૉલેજ પણ જોઇ શકાય.”

વિરેંદ્રભાઇ બોલ્યા, “કૉલેજ સારી છે ને? ફીની ચિંતા ના કરીશ અને હા પાર્ટ ટાઇમ જોબ નથી કરવાની. ભણવા જાય છે તો ખાલી ભણજે. હું કંઇક સેટ કરું છું.”

વિવેક હજુ સુધી માની શકે તેમ જ નહોતો કે તેના પપ્પા માની ગયા છે. તેની ખુશી કઇ રીતે વ્યક્ત કરવી તેને કંઇ સમજાતુ નહોતું. ત્યાંજ તેની બહેન બોલી, “ભાઇ, પપ્પાએ હા પાડી છે હવે તો કેક કાપ.”

ઘરનું ભારેખમ વાતાવરણ હળવું થઇ ગયું. કેક કપાયા પહેલાં જ સમગ્ર વિશ્વની મિઠાશ વિવેકની જીભ પર આવી ગઇ હતી. તે તેના પપ્પાને ભેટી પડવા ઇચ્છતો હતો પણ વિરેંદ્રભાઇની પ્રતિભા તેને આવું કરતા રોકી રહી હતી એટલે વિવેક તેના પપ્પાના પગે લાગ્યો અને પછી કેક કાપી.

વિવેક થોડા મહિનાઓમાં જ લંડન પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા બાદ વિવેક દરરોજ તેની મમ્મી અને બહેન સાથે મોડે સુધી વાતો કરતો પરંતુ જયારે સામે છેડે તેના પપ્પા આવી જાય તો તેની જીભ અચાનક અટકી પડતી. અને એજ જૂના લિમિટેડ સંવાદોનું પુનરાવર્તન થતું, “કેમ છે બેટા?” “હા પપ્પા મજામાં” પછી થોડી શાંતિ અને પપ્પા બોલતા, “લે તારી મમ્મીને ફોન આપું છું.”

પરંતુ આજે તો વિવેકે નક્કી કર્યુ હતું કે, “તેના પપ્પા વિશે તેના મનમાં ઘણાં સમયથી જે ભર્યું છે તે કહી જ દેવું છે.” આજે તેણે ફોન કરીને સામેથી મમ્મી ને કહ્યું કે, “મમ્મી પપ્પાને ફોન આપને મારે વાત કરવી છે.”

ફોન પર વિરેંદ્રભાઇએ હેલ્લો કહ્યું પછી બન્ને છેડે શાંતિ છવાયેલી રહી. શાંતિ તોડતા વિવેક બોલ્યો, “પપ્પા મારે તમને એક વાત કરવી છે.” સામા છેડેથી સુષ્ક અવાજ આવ્યો, “હં…… બોલ”

“પપ્પા I LOVE YOU. “

ફરીથી બન્ને છેડે શાંતિ છવાઇ ગઇ. પરંતુ આ વખતની શાંતિમાં બન્ને છેડે રહેલાં ચહેરાઓની આંખો ભીની થઇ છે તે સ્પષ્ટ સંભળાતું હતું.

શાંતિને ભંગ કરતા પપ્પા બસ એટલું જ બોલ્યા કે, “LOVE YOU બેટા. સારું થયું તે કહી દીધું. હું મારા બાપુજીને તેઓ ૮૦ વર્ષે મૃત્યુ પામ્યા ત્યાં સુધી કહી ન શક્યો.”

ફરીથી શાંતિ છવાઇ ગઇ પરંતુ આ શાંતિ પહેલાંના પપ્પાના બે વાક્યએ વર્ષોથી પિતા-પુત્રના જીવનમાં વિચારોનું એવું ઘોડાપુર લાવી દીધું હતું કે જેનાથી તેમના સંબંધોમાં જેટલી પણ ખારાશ હતી તે એક ઝાટકે ઓગળી ગઇ હતી.

– દિશાંત ગર્ગ (ગાંધીનગર)
મો. ૮૫૧૧૬૧૯૪૬૫

આપનો પ્રતિભાવ આપો..