“એક હતા પપ્પા” ~ મારા પપ્પા મારા હીરો હતા, છે અને કાયમ જ રહેશે ~ સપના વિજાપુરા (અમેરિકા)
પપ્પા, આજ તમારી યાદ આવી તમારી સાથે ગુજારેલા દિવસો પતંગિયાની જેમ મારી આંખો સામે ફરી રહ્યા છે. તમે જ્યાં હશો ત્યાં સુખથી હશો. જન્નતના મેવા ખાતા હશો. પણ મને તો હજુ યાદ છે, આપણું એ ઘર, એ 299 બંગલો, જેમાં ખૂબ મીઠાં સ્મરણો ભરેલાં હતાં .
પપ્પા, તમે તો જન્નતનશીન છો અને કદાચ તમને ખબર નહિ હોય, હવે અહીં તો લોકો ફાધર્સ ડે મનાવે છે. તો ચાલો, આજ આપણે બેઉ સાથે મળીને મનાવીએ ફાધર્સ ડે! આજે મારે તમને ઘણું કહેવું છે.
“આજ સોચા તો આંસુ ભર આયે
મુદ્દતે હો ગઈ મુસ્કુરાયે
બન ગઈ જિંદગી દર્દ બનકે
દર્દ દિલમે છૂપાએ છૂપાએ
દિલકી નાજુક રગે તૂટતી હૈ
યાદ ઇતના ભી કોઈ ના આયે!”
પપ્પાનું નામ આવે અને આંખમાં આંસુ ના આવે એવું તો બને જ નહીં! પપ્પાની યાદ દિલની નાજુક રગોને તોડી જાય છે. એમણે જિંદગીઆખી છ દીકરીઓ અને બે દીકરાઓને પાળવામાં ખર્ચી નાખી. એક એક દિવસ એમની સાથે ગુજારેલો હજુય નજર સામે તરવરે છે. દીકરીઓ માટે કેટલી મુશ્કેલી સહન કરી, પણ ચહેરા પર વળ પણ ના પડવા દીધો!
મને યાદ છે જ્યારે પપ્પા ‘રમકડું’ મેગેઝિન લાવતા અને બધી બહેનો એમને ઘેરી વળતી. અને ‘હું પહેલા, હું પહેલા, હું પહેલા’નો શોર કરતી, ત્યારે એમના ચહેરા પર જે સંતોષની છાયાની લાલી ફરી વળતી એ આજે પણ એટલી જ તાદ્ર્શ છે!
કેટલી બધી નાની વાતોનો કેટલો મોટો આનંદ આપણે માણ્યો છે! કેરમ રમવામાં પપ્પા પારંગત હતા અને એમની સામે જીતવાનો તો ક્યારેય કોઈ સવાલ જ નહોતો. છતાં પણ, મને જીતાડવા, કુકરી ચોરીને મેં કરેલી ચીટિંગને એ નજર-અંદાજ કરતા અને મને જીતવા દેતા! હું જીતીને ખુશ થતી એનાથી વધુ ખુશી જાણીને હારી જવામાં પપ્પાને મહેસૂસ થતી..!
પપ્પા ખૂબ હિંમતવાળા હતા, અને કદી કોઈ પણ મુશ્કેલીમાં મોળા નહોતા પડતા. પણ મારી બહેન, નજમાનાં મૃત્યુ સમયે, પપ્પા, મેં તમને તૂટતા જોયા હતાં. તમારો આંસુનો ખજાનો જે તમે કાયમ સંતાડીને રાખતા હતા, એ આંસુઓને મેં તમારી આંખોમાંથી દડ્દડ્ વહેતાં જોયાં છે! પણ એના પછી તો તમે, અમે કોઈ પણ એના ગમમાં કે ઉદાસીમાં સરી ન જઈએ એની ખૂબ કાળજી લેતા. ક્યારેક નજમાના મૃત્યુ પછી એની યાદ આવતાં હું ઉદાસ થતી તો મને ખુશ કરવા પિકચરમાં લઈ જતા અને જાતજાતના બહાનાં કરી હસાવતા!
એમની સાથે જીવનમાં ખૂબ અન્યાય થયા. પહેલાં, એમના પિતા તરફથી વારસામાં અને ત્યાર બાદ દીકરાઓ તરફથી!
હા, લખતાં દિલ તૂટી જાય છે કે પપ્પાના અને બાનાં જીવનના છેલ્લાં વરસોમાં બન્નેને જુદાં કરી નાખવામાં આવ્યાં હતાં, ‘બાગબાન’ ફિલ્મની જ જેમ જ!
બા તો પપ્પાનું પૂછડું હતાં, જ્યાં પપ્પા ત્યાં બા! પણ બા એમની જિંદગીનાં છેલ્લા વરસોમાં પડી ગયેલાં અને વ્હીલચેરમાં આવી ગયેલાં. બા વ્હીલચેરમાં રહીને પણ પપ્પા માટે ખાવાનું બનાવતાં અને પપ્પા એમને મદદ પણ કરતા. પણ છેવટે બા કશું કરવાને કાબિલ ના રહ્યાં, ત્યારે બન્ને ભાઈઓએ નક્કી કર્યુ કે બંને એક – એકને ઘેર લઈ જાય! અને આમ, એક ભાઈ બાને અને બીજા ભાઈ પપ્પાને લઈ ગયા.
‘બાગબાન’ના પાત્રો અમિતાભ અને હેમા માલિનીને તો પ્રૌઢા અવસ્થામાં જુદાં પડતાં બતાવ્યાં હતાં. જ્યારે બા અને પપ્પાને બુઢાપામાં અલગ કરવામાં આવ્યા! ‘બાગબાન’નાં બીજા હિસ્સામાં અમિતાભ ‘બાગબાન’ પુસ્તક લખીને શ્રીમંત થાય પણ પપ્પાના કિસ્સામાં કોઈ ‘બાગબાન’ લખાયું નહીં! બલ્કે, હજારો બાગબાન જેવી માત્ર ‘એક ઓર કહાની’ બનીને રહી જાય છે, એ પપ્પા નામનો માણસ…! અને, પછી એક દિવસ, મૌન સેવીને, સાવ ચૂપચાપ, આમ એકલા જ હિજરાઈને મૃત્યુને ભેટી જાય છે, એ પપ્પા નામનો માણસ…!
‘બાગબાન’ ફિલ્મના અંતમાં મુખ્ય પાત્રની જેમ ફરી સાથે સુખમાં જીવવાનું એમના નસીબમાં નહોતું. એમને તો એમને તો દીકરાની ઈચ્છા પ્રમાણે જીવવાનું હોય છે અને અંતે એકલા મરી જવાનું હોય છે!
પપ્પા, તમારી અને બાની વેદનાની મને કલ્પના પણ નથી આવી શકતી! પંચાવન વરસનાં લગ્નજીવન પછી, એમને એકબીજા વગર રહેતાં કદી આવડ્યું નહોતું. બન્ને જુદા થયા પછી, પપ્પા ક્યારેક બાને મળવા જતા તો એમ કહીને એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા કે, પપ્પા આવીને બાને ચડાવે છે!
પપ્પા, પપ્પા, મને માફ કરી દો. હું પણ ગુનેગાર છું કે હું તમારા માટે કશું ના કરી શકી! મને યાદ છે તમે મને કહ્યું હતું, ‘બાનકી, તું મારી પાસે રહી જા, આપણે બન્ને તારી બાનું ધ્યાન રાખીશું.’ પણ હું મારો સંસાર છોડીને આવી ના શકી!
અંતે બા ગુજરી ગયાં, તમે એકલા થઈ ગયા! જાલિમ જમાના અને એના ફિજુલ રસ્મો-રિવાજોએ છેલ્લા દિવસોમાં તમને અને બાને અલગ રાખ્યાં.
.. ને, હવે તમારો વારો હતો. હા, તમારી હાલત પણ એવી જ થઈ. બાનાં મૃત્યુ પછી તમે બે વરસ જીવ્યા. પણ એ તમે હતા જ ક્યાં? એ તો કઠપૂતળી બનીને જીવતું, તમારું શરીર હતું!!!
મારા ખુદ્દાર સ્વમાની પપ્પા! કેવી હાલત હતી તમારી! એક એક કોળિયા માટે તરસી ગયાં. મને યાદ છે જ્યારે હું તમને છેલ્લીવાર મળવા આવી ત્યારે તમને અલઝાઈમર થઈ ગયેલો. તમને કશું યાદ ના હતું. તમે મને પણ ઓળખી ના શક્યા. તમે પગ પર ઊભા થઈ શકતા ન હતાં .
છેલ્લે છેલ્લે, તમે ચાર પગે ગોઠણીયે ચાલી ઘરમાંથી બહાર નીકળી જતા હતા. એમ કહીને કે, ‘મારે ૨૯૯માં જવું છે.’
આ ૨૯૯ બંગલો પપ્પા, તમે જ બા તેમ જ સૌ સંતાનો માટે તો બંધાવ્યો હતો. મને હજુ યાદ છે, એ ઘર દિવસે દિવસે આપણને સૌને કેવું વધારે ને વધારે વહાલું થતું જતું હતું..!
એ ઘરનો બગીચો પણ સમય જતાં હવે ખૂબ મહેકી ગયો હતો. રાતરાણી, સાચાં ગુલાબ અને ચંપો અમારાં બગીચાને મહેકાવા માટે પૂરતા હતા. જાસૂદ, બોગનવેલ અને પારિજાત બગીચાને રંગ આપી રહ્યાં હતા. નાળિયેરી, કેળાં અને પપૈયા ફળ આપી રહ્યાં હતાં. મને હજી યાદ છે કે પપ્પા રોજ સવારે બધાં છોડને પાણી આપીને, પ્રેમથી એને પસવારતા. એટલું જ નહીં, પણ એક એક ફૂલ સાથે વાતો કરતા!
તમારા આવા તો કેટલાય સંસ્મરણો એ ઘરની હવામાં મહેકતાં હતાં! આજે, તમે એ સ્મરણો જેનાં હતાં, એમને ભૂલી ગયા હતા, હા, બધું ભૂલી ગયા હતા તમે, પપ્પા! પણ, એ બંગલો ના ભૂલ્યા!
એ બંગલો આજ સપાટ મેદાન થઇ ગયો છે. આ ઘર એટલે હવે સપાટ મેદાન? ઘર એટલે શું દીવાલો વગરની છાપરા વગરની સપાટ જમીન? ના,ના,ના! મારા રુંધાયેલા ગળામાંથી ચિત્કાર નીકળી ગયો હતો, એ ઘર નામે સપાટ જમીન જોતાં!
મેં તો એ ઘર માણ્યું હતું, જ્યાં ભાઈ-બહેનોનો કલરવ હતો, બા અને પપ્પાનાં મીઠાં ઝઘડા હતા, પપ્પાનો ગુસ્સો હતો અને પણ એની સાથે બાનો પાલવ પણ હતો! હું એ જાન્યુઆરીમાં ભારત ગઈ હતી. અને, જે ઘર અમારા પપ્પાએ અમારા માટે બનાવેલું તેને મેં જમીનદોસ્ત થયેલું જોયું અને મારું અંતર તો…..!(આગળ લખી શકાતું નથી..)
‘દીકરી એટલે વ્હાલનો દરિયો!’ પણ જ્યારે પપ્પાની લાડકવાયી દીકરી વરસોથી પરદેશમાં વસી ગઈ હોય તો? અને, અચાનક જ એ દીકરીને સમાચાર મળે છે કે તારાં વહાલસોયા પિતા છેલ્લાં શ્વાસ ગણી રહ્યા છે. દીકરી ઝટ ટીકીટ કઢાવી પ્લેનમાં બેસે છે.
વતન પહોંચવા સુધીની એકએક મિનિટ એકએક વરસ જેવી જાય છે. પ્લેનની ગતિ સાથે એના મનમાં ચાલતી એના બચપણની ફિલ્મ એની નજર સામેથી પસાર થતી જાય છે. આંખોનાં આંસુ સુકાતાં નથી! અને, દીકરી દેશમાં પહોંચે છે, જ્યારે પપ્પાનો સુકાઈ ગયેલો હાથ પોતાનાં હાથમાં લઈને કહે છે ,’પપ્પા તમારી દીકરી પરદેશથી આવી છે પપ્પાને મળવા’!
પપ્પાની ફિક્કી આંખો દીકરીને ઓળખી શકતી નથી અને પૂછે છે, ’આ બહેન કોણ છે?’ ત્યારે જે હાલત દીકરીની થાય છે ખરેખર એ હાલત શબ્દોમાં વર્ણવી ખૂબ અઘરી છે.
પરદેશમાં રહેતી દરેક દીકરીની વ્યથા વર્ણવાનો આ કદાચ ઠાલો એક પ્રયાસ છે.. પણ હજુ પૂરી લાગણી વ્યકત નથી થઈ! ત્યારે મેં લખેલું એક કાવ્ય યાદ આવી ગયું.
“પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવા,
રડતી રડતી તડપતી પપ્પાને મળવા.
ઘર તો જાણે સૂનું ને દરવાજા રડતાં
જલ્દી જલ્દી પહોંચી પપ્પાને મળવા.
પકડીને હાથ એ ઢગલો થઈ ગઈ ત્યાં
પથારીમાં જોઈને ભાગી પપ્પાને મળવા
ફીકી ને બોલતી એ આંખો પપ્પામાં
બચપણ શોધવા ગઈ, પપ્પાને મળવા
“પપ્પા, લો દીકરી આવી પરદેશથી,
અંતર લાંબાં એ કાપી પપ્પાને મળવા”
પપ્પા તાકી રહ્યા ખાલી આંખોથી કહ્યું
‘આ કોણ બેન છે? આવી જે પપ્પાને મળવા?”
દિલમાં ઊંડુ કશું ખૂંચી ગયું, કંપી ગઈ
“હું છું તમ અંશ, આવી મારા પપ્પાને મળવા!”
પણ પંખી તો ઊડી ગયું, પપ્પા સિધાવ્યા પરલોક
‘સપના’ ક્યારે જશે હવે પપ્પાને મળવા?”
પપ્પા, આજ હું આ બધું ના લખત, પણ ખબર નહીં કેમ, દિલમાં છૂપાવેલું દર્દ જે જિગરમાં ધરબાયેલું હતું, એ આજ જબાન પર આવી ગયું!!
“પપ્પા એટલે શું?
પપ્પા એટલે પરીક્ષામાં નાપાસ થવા છતાં નવા ચોપડાં, નવું દફતર, નવો યુનિફોર્મ અપાવે તે!
પોતાના બચ્ચા માટે ભરઉનાળામાં બરફ શોધવા જાય તે પપ્પા!
પપ્પા એટલે નિરાશાના વખતે કહે ”ચાલ બેટા, એક પાર્ટી કેરમની થઇ જાય!
કે પછી, બા ખીજાય છતાં મેટેની શોની ટિકીટ લઇ આવે તે પપ્પા!
સવારના દૂરદૂર ખેતર સુધી સાયકલિંગ કરવામાં સાથ આપે તે પપ્પા
કે પછી, વરસાદમાં સ્કૂલની છુટ્ટી વખતે સ્કૂલના દરવાજે છત્રી લઇ રાહ જોતી વ્યક્તિ એટલે પપ્પા.
બાળકોની ખુશી માટે દૂરદર્શનનું સિગ્નલ મેળવવા અગાસીની પાળીએ ચડી એન્ટિનાને ઘુમાવે તે પપ્પા.
શિયાળામાં સગડી પેટાવી ધાબળામાં હુંફ આપે તે પપ્પા.
કે પછી, ઠંડીમા અડદીયો પાક, ગરમીમાં કેરીની મીઠાશ, અને ચોમાસામાં ભજીયાની તમતમતી તીખાશ એટલે પપ્પા.
બગીચાના ફૂલ અને ઘરના ફૂલની સતત માવજત કરતા માળી એટલે પપ્પા
પહેલા નંબરથી પાસ થતા સંતાન કાજ જેની છાતી ગજગજ ફૂલે તે પપ્પા.
જેમને ગયાને આટલાં વર્ષ થયાં છતાં તેમની યાદમાં અર્ધી રાતે અનાયસે ઓશીકું ભીંજવે, તે આંસુનું નામ પપ્પા!”
હું નાની હતી ત્યારે ક્યારેક પપ્પા, તમે પગ કળવાની ફરિયાદ કરતા. તમારી ભૂરી થાકેલી આંખોથી તાકતા તમે મને કહેતા કે, “બાનીયા, મારા પગ બહુ કળે છે, દબાવી દે.”
અને હું નાનું ફ્રોક પહેરીને, તમારા પલ્ંગ પર ચડી જતી. પછી મચ્છરદાનીની બે લાકડીઓ પકડીને તમારા એસિડથી બળેલાં અને સફેદ ડાઘવાળાં પગ પર ચડીને હું ચાલ્યા કરતી, જ્યાં સુધી તમે સૂઈ ન જતા!
પપ્પા, હવે મારાં પગ કળે છે છતાં પણ આજેય મારે તો એ નાની ‘બાનકી’ બની જવું છે, જે ફ્રોક પહેરીને તમારા પગ દબાવતી હતી. પણ, હવે તમે નથી ને તમારા પગ નથી દબાવવા માટે! અને, સાચું કહું તો તમારા પલંગ પર ચડીને, હવે ફ્રોક પહેરીને, અને મચ્છરદાનીની લાકડી પકડીને ચાલવા જેટલી તમારી ‘બાનકી’ સપના નાની નથી રહી, એનો અફસોસ થઈ આવે છે!
હા, પપ્પા, હવે હું નાની નથી, મને બધી સમજ પડે છે. તમારા પર થયેલા જુલમની અને તમારી દુભાયેલી લાગણીની! પપ્પા, કાશ, હું તમારા દુઃખ લઈ શકત!! કાશ, હું તમારી ઢાલ બની ઊભી રહી શકત! પણ મારા પગમાં અણદેખી બેડીઓ પડેલી હતી. હું ખૂબ શર્મિંદા છું, પપ્પા, કે હું તમારો સાથ ના આપી શકી!
મા-બાપને સંભાળવા એ ખાલી દીકરાની જવાબદારી નથી, દીકરીઓની પણ મા બાપ માટે જવાબદારી હોય છે. પણ ક્યારેક દેશકાળના બંધન તો ક્યારેક સમાજના રસ્મોરિવાજની બીકને લીધે, ડરપોક હું, આ જવાબદારી નિભાવી શકી નથી.
વૃદ્ધ માતા-પિતાની આવી હાલત થાય ત્યારે ક્યાંક ને ક્યારેક તો આખી સામાજિક સિસ્ટમ પર પણ સવાલો ઊઠવા જોઈએ! સ્ત્રી લાગણીશીલ છે એ લાગણી અને પ્રેમથી માબાપની જવાબદારી ઉપાડી શકે છે, પણ સમાજની રીત-રિવાજોની જડો એટલી ઊંડી છે કે બધી સ્ત્રીઓ એની સામે પડીને લડી નથી શકતી! જો દીકરી માબાપને રાખે તો આવી શર્મનાક દશા ના થાય! કાશ, હું તમારો સાથ આપી શકી હોત, પપ્પા!
જો કે સમય સાથે હવે દીકરીઓ પણ મા-બાપની સેવા કરે છે. આથી જ સ્તો, હવે લોકો ખુદા પાસે દીકરાની નહી પણ દીકરીની દુઆ માંગે છે. પપ્પા, તમારા દુઃખ તો હું ના લઈ શકી પણ એ દુઃખને હું અનુભવીને એકરાર તો કરી શકું છું કે હું શર્મસાર છું અને મને માફ કરજો!
પણ, એક વાત ચોક્કસ છે કે ક્યામતને દિન હું તમને મળીશ જરૂર! મારા પપ્પા જેવા કોઈના પપ્પા નથી, મારા પપ્પા મારા હીરો હતા, છે અને કાયમ જ રહેશે.
આપને શતશત પ્રણામ!
~ સપના વિજાપુરા (અમેરિકા)
જન્મદાતાએ જીવનભર સંતાનોને અઢળક સુખ, સગવડ, સ્નેહ આપ્યાં હોય એ જન્મદાતાની પ્રૌઢાવસ્થા અને અગવડ સમયે
સાથે ઊભા ન રહી જવાનો વસવસો કેવો હોય એ તમારા શબ્દોમાં અનુભવાય છે, સપનાબહેન.
અત્યંત ભાવપૂર્ણ સ્મૃતિ-કથા
આભાર જયશ્રીબેન મારા પપ્પાની વ્યથા દર્શાવતો લેખ લેવા માટે !