નલિની માડગાંવકર ~ એક સહિયારો કપ (કાવ્ય) ~ માણસ હોવું એટલે… (અનુવાદ)

(નલિનીબહેનનો જન્મદિવસ ૫ એપ્રિલ. એમને ગુમાવ્યાંને સાત મહિના થઇ ગયા. નિધનના થોડા અરસા પહેલાં તેઓ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયાં હતાં ત્યારે રવીન્દ્ર સંગીતની બેઠક કરવાની અધૂરી ખ્વાઈશ ફરી સળવળી ઊઠી હતી. વિચાર વિદાય લે એ પહેલાં વિચાર સાકાર કરનાર વિદાય લઈ લે એ પીડાદાયક હોય છે. ફોન પર માધુર્ય અને સ્નેહથી રણકી ઊઠતો એમનો કંઠ હવે ક્યાં? હા, હજી કોન્ટેક્ટ લિસ્ટમાંથી તેમનો નંબર ભૂંસવાની હિંમત નથી થતી. નામ સ્ક્રીન ઉપર અને હૃદયમાં, બંને જગ્યાએ યથાવત બિરાજમાન છે. )

1. એક સહિયારો કપ (કાવ્ય)
નલિની માડગાંવકર

બાર્બેડોઝનાં બજારમાં ફરતાં ફરતાં
એક વિદેશી દુકાનદારે પ્રેમથી પૂછયું,
`હું તમને મદદ કરી શકું?’
મેં કહ્યું,
‘મારે એક યાદગાર ભેટ ખરીદવી છે;
તમે મદદ કરશો?’
એક પછી એક ચીજોનો ખડકલો…
ઉત્સાહી દુકાનદાર
પણ હું
નિરાશાથી માથું ધુણાવતી ઊભી રહી.
અચાનક એને કંઈક યાદ આવ્યું,
અને એક નાનકડું બૉક્સ મારી પાસે મૂક્યું
એમાં એક જ કપનાં બે અડધિયાં હતાં
બંનેનાં હૅન્ડલ સામસામી દિશમાં
પણ બંનેને સાથે ગોઠવીએ
તો એક આખો – અખંડ કપ બને.
એની ઉપર લખ્યું હતું,

`મેઇડ ફૉર ઇચ અધર’
માટીનો મનમેળ…
મેં ખુશ થઈ ખરીદી લીધો.
છલકાતાં આપણે બંને
સામસામે બેસી રોજ એમાં ચા પીતાં

આજે તું નથી…
શો કેસમાં
અડધિયાં સામસામે ઝૂરી રહ્યાં છે.
*

2. માણસ હોવું એટલે…
મરાઠી કવિતા – સુરેશ કુસુંબીવાલ
અનુ. નલિની માડગાંવકર

માણસ હોવું એટલે
પોતાના પગ પર ઊભા રહેવું
અને હાથ પાસેથી ફક્ત હાથનાં જ કામ કરાવવાં

માણસ હોવું એટલે
પોતાનો રોટલો વહેંચીને ખાવો
અને રાજી થવું.

માણસ હોવું એટલે
પોતે પગથિયાં બનીને
બીજાંને આગળ વધારવાં

માણસ હોવું એટલે
નિર્દોષ સસલાંને જંગલી ઝરખથી બચાવવું
અને, ગાંડીવ ઉઠાવવું.

માણસ હોવું એટલે
વિકર્ણ બની
કૌરવોનો વિરોધ હસ્તિનાપુરમાં કરવો

માણસ હોવું એટલે
લૂંટારુંઓની ખુલ્લી તલવારને ખાળીને
ગર્ભસ્થ પરીક્ષિતની રક્ષા કરવી

માણસ હોવું એટલે
દધીચિ બનવું
અને, માનવ માત્રને ચાહવો.

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. કેટલી સુન્દર કવિતાઓ અને ભાવાનુવાદ.
    નલીનીબેનને મળી નહીં શકી એનો રંજ… અને વંદન