છનુકાકા જેનું નામ… ~ વાર્તા (સત્યઘટના પર આધારિત) ~ જયશ્રી વિનુ મરચંટ

(વાર્તા સત્યઘટના પર આધારિત હોવાથી ગોપનીયતા જાળવવા નામ, સમય અને સ્થળને યથોચિત બદલવામાં આવ્યાં છે, એની નોંધ લેવી.)

ઓક્ટોબર ૧૩, ૨૦૧૭, ઈન્ડિયાના મર્ડર ક્રાઈમના “બ્રેકિન્ગ ન્યુઝ” દેશી ટીવી ચેનલ પર સાંભળ્યા કે રાજેશ અને નુપુર તલવારને એમની દીકરી, અરુષી અને ફુલટાઈમ ઈન-હાઉસ હેલ્પર, હેમરાજના ખૂનના આરોપમાંથી મુક્ત કર્યા. મને થયું, જેલમાંથી બહાર આવીને એ લોકો હવે ક્યાં જશે? કઈ રીતે આગળ જશે? હું અસંમજસમાં હતી અને મને યાદ આવ્યાં, અમારા છનુકાકા!

ઘણા માણસો ડી.એન.એ. પ્રમાણે એવા હોય કે વિપરીત સંજોગોમાંયે, ક્યાં જશું, શું થશે કે શું કરીશું, એવા પ્રશ્નો એમને કદી સતાવતા નથી. આવા માણસોને કોઈ મંઝિલ પર પહોંચવું નથી હોતું. બસ, સફરનો આનંદ એ જ આવા લોકોનો જીવનમંત્ર હોય છે.

અમારા છનુકાકા આવા જ એક અદના વ્યક્તિ હતા. અમને અમેરિકા આવ્યે માંડ છ મહિના થયાં હતાં. અમારું પહેલું એપાર્ટમેન્ટ ફિલાડેલ્ફિયાના સબર્બ, અપરડર્બીમાં હતું. ત્યાં એપાર્ટમેન્ટનું મહિનાનું ભાડું સસ્તું હોવાથી, અમારું કોમ્પલેક્સ ઈમીગ્રન્ટો માટે સ્વર્ગ ગણાતું.

એ કોલોનીની એક્ઝીટના રસ્તાની જમણી બાજુ ટાઉન હોમની હાર હતી. ડાબી બાજુએ બસસ્ટોપ હતું. સામી બાજુ એક નાનું શોપિંગ સેન્ટર હતું. અમે બધાં ઈમીગ્રન્ટો માટે એ બસસ્ટોપ અને શોપિંગ સેન્ટર નવા દેશીઓને મળવાનું મીટિંગ સ્થાન હતું.

મારા પતિ વિનુ રોજ સવારના, ફિલાડેલ્ફિયા ડાઉનટાઉનમાં આવેલી એમની ઓફિસ જવા ત્યાંથી જ બસ લેતા.

એક દિવસ, રાબેતા મુજબ એ બસની રાહ જોતા હતા ત્યાં પિસ્તાળીસ-પચાસની ઉમરના છનુકાકા આવીને, હિંદીમાં કહે, “તમે દેશી હો?”

ઓછબોલા વિનુએ ‘હા’ માં ડોકું ધુણાવ્યું.

“તુમ બસમાં ડાઉનટાઉન જાવાના હૈ?”

વિનુથી એમની ‘ગુજુ-હિંદી’નો મારો સહન ન થયો આથી નછૂટકે બોલ્યા, “હું ગુજરાતી છું.”

છનુકાકા આંખોમાં આંસુ સાથે એમને ઓલમોસ્ટ ભેટી પડ્યા. પછી કહે, “હું રાજકોટથી છું. આંઈ પેલા ટાઉનહોમ છે ને, ત્યાં મારી બેન ભેળો ર’ઉં છું. બેન-બનેવી ડોક્ટર છે. ઈ કામે વયા જાય. હું ટાઈમપાસ કરવા આમતેમ આંટાં મારું અને ક્યારેક આ બસ સ્ટોપ પર સવારના ઊભો રઉં. દેશીઓને મળીને ખુશ થાઉં.”

વિનુ કઈં પૂછે એ પહેલાં છનુકાકા કહે, “તમે ક્યાં રહો છો?”

વિનુએ કહ્યું, “આ કોમ્પ્લેક્સમાં.”

છનુકાકા કહે, “ક્યાં, કયા મકાનમાં? હું આંઈ તો મહિનાભરથી છું અને બધાય દેશીને ઓળખું. બધાયને ઘેર જવાનો આપણો સંબંધ છે!”

વિનુને થયું, કાકા પીછો છોડવાના નથી, આથી બોલ્યા, “આઈ” બિલ્ડિંગ, બીજે માળે, ૧૦૫ નંબરના એપાર્ટમેન્ટમાં.”

છનુકાકા કહે, “સાંજના તમે પાંચ વાગે ઘરે પહોંચો?”

વિનુએ માથું ધૂણાવીને હા પાડી. ત્યાં તો એમની બસ આવી ગઈ.

વિનુ બસમાં ચડતા હતાં, ત્યારે કાકા નીચેથી કહે “સાંજના છ વાગે ચા પીવા તમારે ઘેર આવીશ.”

રોજના ટાઈમે વિનુ ઘરે આવ્યા. હું તે સમયે લોકલ કાઉન્ટી હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ માટે ટ્રેનિંગ લેતી હતી. હું ચા બનાવીને કીટલીમાં રેડી રહી હતી ત્યાં તો નીચેથી રિંગ વાગી. હજુ અમે ઊભા થઈ, મેઈન દરવાજો ખોલવા બટન દબાવી પૂછીએ કે કોણ છે, એ પહેલાં ઘરના દરવાજાની રિંગ વાગી. વ્યુઈંગ ગ્લાસમાંથી જોયું તો ૪૫-૫૦ની ઉંમરના લાગતા એક દેશીભાઈ, ઈસ્ત્રી ટાઈટ, સફેદ દૂધ જેવો લેંઘો-ઝભ્ભો પહેરી ઊભા હતા.

મેં દરવાજો ખોલ્યો તો સીધા ઘરમાં ધસી આવ્યા અને કહે, “લ્યો, સમયસર આવી ગયો. નીચે સુરી સાહેબ દરવાજો ખોલતા હતા તો હુંય ઉપર આવી ગયો. વિનુભાઈ, યાદ છે ને, આપણે સવારે બસ સ્ટોપ પર મળ્યા હતા? નીચે મેં તમારું નામ પણ વાંચી લીધું હોં.”

પછી ડાઈનિંગ ટેબલ પાસેની ખુરશી પર બેસતા કહે, “તમે તો બેન, ચા પણ તૈયાર રાખી છે ને કાંઈ! મેં વિનુભાઈને સવારે જ કીધું’તું કે સાંજના ચા પીવા તમારે ઘેર આવીશ. હવે હું તમને મારું નામ કહું બેન. હું છનુ અમીન. આંઈ બાજુના ટાઉન હોમમાં મારી નાનકી ડોક્ટરબેનને ત્યાં મહિનાથી ર’ઉં છું. વિનુભાઈએ કીધું જ હશે તમને. મારે માટે ચા બનાવી તો છે ને? ન’ઈ તો લ્યો, આ હું અબઘડી જ બનાવું!”

છનુકાકાનો ઉત્સાહ એટલો બધો કે વિનુ અને હું એમના આ પોતાપણાંની આંધીમાં તણાયા વિના ન રહી શક્યાં. વિનુ બોલ્યા, “બેસો, બેસો. ચા-નાસ્તો સાથે કરીએ.”

મેં નાસ્તો કાઢતાં કહ્યું, “આવો, કાકા. ચા બનાવી જ છે. આનંદ થયો કે તમે આમ મળવા આવ્યા.”

અમે પછી તો અલકમલકની વાતો કરી. એમણે અમારા વિષે પૂછ્યું અને વિવેક ખાતર મેં પણ એમને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો વગેરે. કાકાએ તો બધી જ વાતો કરવા માંડી. કોણ, ક્યાંથી, ક્યારે, કોની સાથે અને ક્યાંના.. બધું જ કહેવા માંડ્યું.

છનુકાકાએ પોતા વિષે જણાવતા કહ્યું, “ભઈ, હું સૌથી મોટો. બા-બાપાએ બઉ ભણાવવાની મથામણ કીધી પણ મને ભણતર નો ચઈડું! પછી બાપાએ આફ્રિકા ધકેલ્યો. ૨૫ વરસ ત્યાં રી’યો. પછી એક દિ’, ઈદી અમીને બધાય દેશીને, પાઈ પૈસો હારે લીધા વિના ત્યાંથી કાઈઢા. હારું થ્યું કે મેં મારી વરસોની કમાણી ઘર ભેગી કરી હતી. તેમાંથી નાનો ભાઈ અને નાનકી ભણી ગ્યાં, બા-બાપા અને ભાઈ માટે ઘર બનાવરાવ્યું. નાનકી અને નાનાને આપણે પૈણાવ્યા હોં! પછી, બા-બાપા મોટા ગામતરે ગ્યા. ભાઈ કીયે કે ઈ ત્રણ છોકરા સોત ઘર છોડીને ક્યાં જાય, તે ઘર એના નામ પર કરી દીધું. પછી નાનકીએ મને આંઈ બોલાઈવો કે આંઈ આવીને રીયો. તે મહીનામાસથી આંઈ છું. બસ, આવડી મારી કથા.”

વિનુ તો ચૂપચાપ ડોકું ધૂણાવીને મોઢા પર હળવું સ્મિત સાથે સાંભળતા હતા.

હું કૂકર મૂકીને પાછી ડાયનિંગ ટેબલ પર આવી અને પૂછ્યું, “છનુકાકા, તમારા પત્ની અને સંતાનો ક્યાં છે?”

છનુકાકા બોલ્યા, “બેન, હું તો આફ્રિકામાં મજૂરી કરતો’તો. ભઈણો નો’તો, તે મને કોણ છોડી દે? કોઈને પૈ’ણીને એનેય મારી હારે દુઃખી કરવી? આપણે ફક્કડરામ સારા.”

મેં ચા પીતાં અમસ્તાં જ પુછ્યું, “તે તમારા બા-બાપુએ લગન માટે દબાણ ન કર્યું? જુવાનીમાં તમનેય કોઈ એવી છોકરી ગમી તો હશે જ ને?”

વિનુથી ન રહેવાયું, મારી સામે જોઈને કહે, “આવું તે પૂછાતું હશે?”

છનુકાકા જેનું નામ, એ તો બસ, બાળક જેવું હસી પડ્યા અને વિનુને કહે, “વિનુભાઈ, પોતાનું લાગે એને જ આવું પૂછાય. મને તો લ્યો બઉ ગઈમું કે બેને મને એમનાં ભાઈ જેવો ગણીને પૂછી લીધું.”

પછી છનુકાકાએ વઘારેલાં મમરાં ચમચીમાં લઈને ખાતા કહ્યું, “ આ તો તમે બેન પૂઈછું તો કઉં કે આપણનેય દેશમાં એકવાર કોઈક છોડી ગમી ગઈ’તી હોં. ઈ મેટ્રીક લગણ ભણેલી હતી.”

“તો પછી આગળ શું થયું?”

“આપણે તે વળી શું તકલીફ પૂછી લેવામાં? હું તો બિંધાસ જઈને પૂછી આવ્યો કે હું આફ્રિકામાં મજૂરી કરું છું. મને તું બઉ ગમે છે અને લવ થયો છે તારી વેરે. બોલ, તને લવમાં રસ છે?”

મેં માંડમાંડ હસવું ખાળીને કહ્યું, “તો એણે શું કીધું?”

છનુકાકા એ જ સહજતાથી બોલ્યા, “શું કે’વાની હતી? એય’ને એક લાફો ચોડી દીધો, આ જમણા ગાલે! ઈ પૂરું નો’તું તે એના ભાઈને મોકલી મને ધીબી નાઈખો!”

હું માંડમાંડ હસવાનું રોકી રહી હતી. પણ વિનુએ મરકીને કહ્યું, “છનુકાકા, ખરા છો તમે! ન જાન ન પહેચાન, આમ તે સીધું જ જઈને પૂછી આવ્યા તો બીજું શું થાય?”

મારાથી પણ છેલ્લે ન રહેવાયું, “અરે, તમારા બા-બાપુને કહીને માંગુ નંખાવ્યું હોત તો થઈ પણ જાત!”

છનુભાઈ બાળક જેવું હસીને બોલ્યા, “ઈ અમારા ન્યાતની નો’તી. બા-બાપુ તો નો’તા જ કે’વાના! આ તો જે સાચું છે તે છે! એ કે’વામાં છોછ કેવો? હાચું કઉં તો એના ભાઈને ઠેકાણે હું હોત અને મારી બેનેને કોઈએ આમ પૂઈછું હોત તો હું ય એને ધીબી નાખત!”

કૂકર થઈ ગયું હતું. રસોડામાં જતાં મેં કહ્યું, ‘કાકા, તમે હવે જમીને જજો. પંદર-વીસ મિનિટમાં રસોઈ તૈયાર.”

કાકા કહે, “એક શરતે જમીશ, જો મને રોટલી બનાવવા દે’શો તો.”

વિનુ બોલ્યા, “આજે નહીં. તમે પહેલીવાર આવ્યા છો.”

કાકા કહે, “ભાઈ, તમે તો બોલતા ન’ઈ અમારા બેઉ ભાઈ-બેન વચાળે!” પછી મારી તરફ ફરીને કહે, “બેન, મજાની બે-પડની રોટલીઓ બનાવીશ. ન ગમે તો તમે બનાવજો. બસ, થ્યું ને?”

અને, કાકા અંતે તો રોટલીઓ બનાવીને જ જંપ્યા! છોકરાંઓએ પણ પ્રેમથી રોટલી અને શાક ખાધાં. કાકા તો આ જોઈને અડધાઅડધા થઈ ગયા! બાળકો સાથે પછી રમ્યા પણ ખરા.

જતા જતા કાકા કે’તા ગયા, “વિનુભાઈ, કાલથી હુંય બસમાં ભેળો આવીશ. પંખા અને એરકન્ડિશન રિપેર કરવાની દુકાનમાં કામ મળ્યું છે. ૪૨મી માર્કેટ સ્ટ્રીટ પર. બસમાં હારે જઈશું.” અને બાળકોને વ્હાલ કરીને ગયા.
******
બીજે દિવસે કાકા વિનુ ભેગા બસમાં ગયા. કાકાએ બસનો મહિનાનો પાસ કઢાવી લીધો હતો. બસ ડ્રાઈવર ફ્રેન્ડલી હતો ને રોજિંદા મુસાફરોને ઓળખે. વિનુએ એમનો પાસ બતાવ્યો. કાકાએ એમનો બતાવ્યો. બસ ડ્રાઈવર કહે, “ન્યુ વન ટુ ધીસ ટ્રાન્સીટ રુટ?”

કાકા શું સમજ્યા તે ખબર નહીં, પણ બોલ્યા “હું વન જ છું સીંગલ, નો વન સાથે બીજું!”

હસવાનું રોકીને વિનુ કાકા સાથે બસ ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠા.

સ્ટોપ પર ઊતરતા પહેલાં કાકા વિનુને કહે, “માળો, જોજો, મને પાછો પૂછશે કે મેં ટિકિટ કઢાવી કે નહીં!”

વિનુ કહે, “નહીં કાકા, બસમાં ચડતી વખતે એક વાર જ પાસ બતાવવાનો, ઊતરતી વેળા નહિ.”

કાકા કહે “તમે જોજો ને! હું બતાવીશ તમને…! મારી હારે આ પે’લાં પણ આવું થ્યું છે!” ને, કાકા ઊતરતા હતા ત્યારે બસ ડ્રાઈવરે દરવાજો ખોલતા કહ્યું, “ટેક ઈટ ઈઝી.”

કાકાએ વિજયી નજરે વિનુ સામે જોયું અને કહ્યું, “મેં ન’તું કીધું?” પછી ડ્રાઈવરને પાસ બતાવતાં કહે, “ટિકિટ તો ભઈલા, પહેલે સે ટેકન હોં!”

ત્યારે હું નાઈટ શીફ્ટમાં કામ કરતી હતી. આવીને છોકરાંઓને સ્કૂલમાં મૂકીને સૂઈ જતી અને પછી બારેક વાગે ઊઠી જતી. મારી ઊંઘ ન બગડે આથી વિનુ કદી ઓફિસે પહોંચીને ફોન ન કરે પણ તે દિવસે એમનો ફોન લંચ ટાઈમે, બપોરે એક વાગે આવ્યો. વિનુ સવારના કાકા સાથે શું થયું એની વાત કરતા, હસતા હતા ને હું સાંભળતાં સાંભળતાં હસતી હતી!

પછી વિનુ કહે, ”કાકા ખરેખર ભગવાનના માણસ છે. આવા બંદા આજના વખતમાં મળવા મુશ્કેલ છે.”
******
એક અઠવાડિયા પછી, શનિવારે સવારસવારમાં કાકા ઘરે આવ્યા. વિનુને કહે, “ભઈ, જરીક મદદની જરૂર છે. મારી નાનકીના વરને, હું ન્યાં રઉં છું ઈ નથી ગમતું. નાનકી તો ભોળિયણ છે. ઈ મને ન’ઈ કે’શે. પણ મારે કારણ ઈ બેઉને ટંટો થાય ઈ મને નથી ગમતું.”

વિનુ કહે, “કાકા, બીજું રહેઠાણ મળે ત્યાં લગી અમારે ઘેર રહી શકો છે.”

“ભઈ, તમે આવું કીધું ઈ જ બસ છે. આજના દહાડામાં ભઈ ભઈને નથી રાખતો!” આટલું બોલ્યા પછી એક મિનીટ થોભીને કાકા બોલ્યા, “એમ નો જાણતા કે મારી નાનકીની ફરિયાદ કરું છું કે નાનકી મને રાખતી નથી. મોટો ભઈ છું, કેટલો સમય એને ઘેર પડ્યો ર’ઉં? મેં જ તો એને પૈણાવી છે! મારે તો એને દેતાં રે’વું જોઈએ એને બદલે એના ઘરમાં પઈડો રઉં છું, ઈ નો’ હાલે!”

વિનુએ સહાનુભૂતિથી કહ્યું, “તમારા મનમાં શું છે કાકા એ જરા પણ મૂંઝવણ વિના કહો. અહીં કોઈ એપાર્ટમેન્ટ લેવું હોય તો હું કોસાઈન કરવા તૈયાર છું. હું સમજું છું કે તમે પહેલીવાર પોતાની ભાડાની જગા લો છો તો ગેરેન્ટર તરીકે સહી કરવામાં મને કોઈ વાંધો નથી.”

છનુકાકા તો બધી પાકી ખબર રાખનારા હતા. “અરે નહિ, નહિ, વિનુભાઈ. એવું કંઈ નથી. મારા મનમાં અત્યારે તો કોઈ ભેગા જગ્યા પેટા-ભાડે રાખવાની ઈચ્છા છે. પછી વિચાર કરીશ. ત્રણેક મહિનામાં મારો આફ્રિકાનો ભઈબંધ આ કોરે જ આવવાનો છે. અમે બેઉ હારે મજૂરી કરતા. ઈ’યે મારા જેવો છડેછડો છે પણ દસમી લગી ભઈણો છે. ઈ આવી જાય તંયે જોઈશું.”

વિનુ હવે ગૂંચવાયા. “તો કહો, કાકા. હું શું મદદ કરી શકું?”

“ભઈ, મને ખબર પડી છે કે આજ કોલોનીમાં તમારા મિત્ર, તુલસીદાસ સંપટ, “G” Building રે’ છે, એમના ઘરવાળાં દેશમાં ગ્યા છે, ચાર મહિના માટે. આમ તો આપણે એમની હારેય ઘરનો જ સંબંધ. પણ હું પૂછવા જાઉં તો મને ‘ના’ કે’તા ઈ અચકાય. મારે એવું નથી કરવું.  તો આ ચાર મહિના મને સાથે રે’વા દે, એવું ક્યોને એને? અને હા, મફત ન’ઈ. હવે તો કમાઉં છું તો હું અડધું ભાડુંય ભરીશ. અને હા, ના પાડે તોય ચિંતા નો કરતા, કાંઈ ને કાંઈ જુગાડ  તો થઈ જ જશે.”

વિનુએ તુલસીદાસભાઈને કહ્યું અને ચાર મહિના માટે કાકાની વ્યવસ્થા થઈ ગઈ.

કાકા ઘરે આવ્યા ત્યારે ગળગળા થઈને બોલ્યા, “ભઈ, આજના ટાઈમે, સગું કોઈ માટે ન કીયે, પણ તમારો પાડ કે તમે કીધું.”

વિનુ કહે, ”મૂંઝાયા વિના કંઈ પણ કામ હોય તો કે’જો, કાકા. પાડ માનવાની કોઈ જરૂર નથી.”

પછી તો, અમારા એપાર્ટમેન્ટના દેશીઓની દરેક વીક એન્ડની પાર્ટીઓમાં કાકા હોય જ. કોઈનો જન્મદિવસ તો કોઈની એનિવર્સરી તો કોઈનું બેબી શાવર તો ક્યારેક કોઈનું પ્રમોશન.. ઉજવણીઓ થતી રહેતી.

બહાર તો ઈન્ડિયન ફુડ મળતું નહિ અને બે-એક ઈન્ડિયન રેસ્ટોરન્ટ હતી ત્યાંથી લાવવાનું કોઈને પોષાતું નહોતું. આથી બધાં ભેગાં મળીને જાતજાતનું બનાવતાં અને બોલીવુડનાં ગીતો સાંભળતાં, હસતાં, રમતાં અને મજા કરીને છૂટાં પડતાં.

અમને બધાયને કૂકીંગમાં, પીરસવામાં, ઊંચું-નીચું કરવામાં અને વાસણો સાફ કરવામાં છનુકાકાની મદદ રહેતી. રોટલીઓ અને પુરીઓ બનાવવામાં કાકા હાજર હોય જ.

ક્યારેક ક્યારેક કોઈ જો કાકાના ઈંગ્લીશની કે હિંદીની મસ્તી કરતા તો કાકા પોતેય એમાં શામિલ થતા.

એકાદી પાર્ટીમાં કાકાને કોઈએ પૂછ્યું, ‘તમે રિપેરશોપમાં કામ કરો તો સુપરવાઈઝર સાથે કામની વાત કઈ રીતે કરો?”

કાકાએ જરા પણ ઓછપાયા વિના કહ્યું, “મારા જેવા ઘણાય દેશી કામ કરે જેને ઈંગ્લીશના ફાંફા છે. પણ સુપરવાઈઝર હોશિયાર હોં. બધું હમજે. લ્યો, હમણાંનો દાખલો આપું! આ પરમ દિવસે સુપરવાઈઝરે એક પંખો મારી સામે લાવીને એમાં શું રોંગ છે એ શોધવાનું કીધું!”

“હા, તો? આગળ શું થયું?”

“થાય શું? આપણને પંદર મિનિટમાં તો ડિફેક્ટ પકડાઈ ગઈ. મેં સુપરવાઈઝરને જઈને કીધું, “ગુડ ફેન, નો પવન બીકોઝ એને નીડ આપણે ચાર- અરે, ફોર બેરિંગ ને ધી ફેન વોક બરાબર, ચકાચક!” તો, બોલો, એ સમજી ગ્યો અને કે’, “ઓકે, ધેન રિપેર એન્ડ બ્રીંગ પવન”. અમે બધાં હસીહસીને બેવડ વળી ગયાં હતાં!

એકાદવાર વિનુએ કાકાને કહ્યું હતું. “કાકા, આમ બધાં તમારી અંગ્રેજીની મસ્તી કરે તો સોરી, તમને ખરાબ નથી લાગતું? ક્યારેક ‘ના’ તો પાડો કે આમ તમારી મજાક ન ઊડાવે!”

તો કાકાએ જે કહ્યું તે આટલાં બધાં વરસો પછી પણ મને યાદ છે, કાકા બોલ્યા, “જો ભઈ, માણસ માણસને સમજે એને માટે ભાષાની જરૂર જ ક્યાં? ભાષા તો ભાગલા પાડે! હું જે પણ બોલું એમાં મારું કામ હાલી જાય છે. અને એમાં બધાયને હસવા મળતું હોય તો ભલેને હસે…! આપણને ક્યાં વાંધોય છે?”

પછી થોડુંક રોકાયા અને બોલ્યા,”ભઈ, હું ભઈણો હોત તો વાત અલગ હોત! આપણને ભણતર બચપણમાં નો’ ચઈડું, તે આ ઉંમરે નવી ‘ગોટપીટ’ ભાષા ક્યાંથી ચડવાની? અને એમાં જો લોકોને આનંદ મળતો હોય તો હારું જ છે ને?”
*****
એક દિવસ, શનિવારે બપોરે બે વાગે કાકાનો ફોન આવ્યો. ”ભઈ, જરા મારી બેનને ઘર હમણાં ને હમણાં આવોને! ખાસ કામ છે.”

વિનુ કહે, “તમે ઠીક તો છે ને? શું થયું?”

સામેથી કાકા કહે, “ભઈ, આંઈ આવો તંયે કઉં!”

વિનુ ફોન મૂક્યો. હું પણ ઘરમાં જ હતી. અમે બેઉ જલદી તૈયાર થઈને બાજુમાં જ આવેલાં છનુકાકાની બહેનને ઘેર ગયા. છોકરાંઓ નીચે પાર્કમાં બહાર રમી રહ્યાં હતાં. “અમે બાજુમાં કાકાને ત્યાં જઈને આવીએ છીએ” એવું એમને કહીને અમે નીકળી ગયાં. કાકા રાહ જોતા બહાર જ પોર્ચમાં ઊભા હતા. બહાર ફ્રન્ટયાર્ડમાં એક ગોરી સ્ત્રી હાઉસ ફોર સેલનું પાટિયું ઠોકી રહી હતી.

વિનુ કહે, “શું થયું કાકા?”

કાકાના મોઢા પર એમનું એ જ નફિકરું સ્મિત હતું. “કાંઈ ઝાઝું નથી થયું. આ મારાં બેન-બનેવી બે મહિના માટે ઓહયા (ઓહાયો) હોસ્પિટલમાં કામ કરવા ગયા છે. મને આવતા-જતાં ઘરની ધ્યાન રાખવાનું કીધું’તું. તે હું ઘર ખોલી જોવા આઈવો’તો. એટલામાં આ પેલી ગોરી મડમ આવી ને કાંઈક તો ઈંગ્લીશમાં બોલવા માંડી. મને ઝાઝું કાંઈ સમજાણું ન’ઈ, તે આપણેય ‘યસ, નો’ કહીને ગગડાવે રાખ્યું. પણ ઈ મારી બેટી, જુઓ, સામે ઘરની લોન પર, ઘરના વેચાણનું પાટિયું ઠોકી ‘ છે! એટલે તમને ફોન કર્યો! આ ગોરી મેડમ હારે વાત કરોને કે આપણે એની હારે વાત કરી એમાં ઈ મારી બેટી શું હમજી છે?’

વિનુ અકળાઈને કહે, “કાકા, શું ગોટાળા કરો છો?. ચાલો, જઈને વાત કરીએ.”

પછી તો કાકાને સાથે લઈને, વિનુ અને હું ત્યાં ફ્રન્ટયાર્ડમાં એ રિયલટર સાથે વાત કરવા ગયાં.

સેન્ચુરી ૨૧વાળી એ ગોરી રિયલટરે પોતાનું કાર્ડ આપીને ઓળખાણ આપી.  આ જોઈને કાકા મોઢા પર વિજયી સ્મિત લાવીને બોલ્યા, “આપણને પણ ગોરી મડમે આઈપું છે હોં, કાર્ડ!” અને ખિસ્સામાંથી કાર્ડ કાઢીને બતાવ્યું પણ ખરું. વિનુ અને હું સમજી ગયાં કે બરાબરનું કાચું કાપ્યું છે કાકાએ.

રિયલટર સાથે વાત કરતાં અમને ખબર પડી કે કાકા ઘરનો દરવાજો ખુલ્લો રાખીને બહાર આંગણામાં મૂકેલી ચેર પર બેઠા હતા. ત્યારે રિયલટર બેન નેબરહુડમાં હતી. એણે એમને ઘર વેચવાનું છે કે નહીં એ પૂછ્યું ને કહ્યું કે આ ફ્રી એસેસમેન્ટ છે.  કાકાને “ફ્રી” એટલે મફત- એટલું જ સમજાયું હશે એવો અંદાજ અમને આવી ગયો..!  પછી એ બાઈએ ઘર જોવા તથા ભાવ નક્કી કરવાની રજા માગી. ભાવ નક્કી કરીને એ રિયલટરે ઘર વેચવા માટે એગ્રીમેંટ પર કાકાની સહી લીધી હતી, એ પણ એણે દેખાડ્યું.

વિનુએ રિયલટરને સમજાવ્યું કે કાકા કેરટેકર છે, ઓનર નથી. ઓનર બહારગામ છે. ભાષાની તકલીફથી આવું થયું છે. રિયલટર વ્હાઈટ લેડીએ ખેલદિલીથી હસીને ખુલાસો સ્વીકાર્યો અને કાકાની સહી કરેલા, ને, રજા આપતા કાગળો પરત કરીને સેલનું પાટિયું કાઢીને જતી રહી.

એનાં ગયાં પછી વિનુએ કાકાને કહ્યું, “કાકા, આમ તે કોઈ જાણ્યા-વાંચ્યા વિના સહી કરતું હશે? બીજીવાર ન કરતા. ક્યારેક તકલીફમાં આવશો.”

કાકા એટલી સાલસતાથી બોલ્યા, “ભઈ, મને તો કઈં “ફ્રી” સમજાણું એટલે હા કીધી. એ પછી આપણને થ્યું, આપણે હાલમાં જ અંગ્રેજીમાં સહી કરતા શીઈખા છીએ, તે ઈ ગોરીને દેખાડવાનો મોકો ક્યાં મળવાનો! અને આપણી પાંહે તે વળી ગોરી ક્યારે સહી માગવા આવવાની? તે ઉત્સાહમાં, સહીયું કરી આલી! માફ કરજો ભઈ, તમને મારે કારણે પીડા થઈ.” કાકા ગળગળા થઈ ગયા હતા અને હાથ જોડીને માફી માગી.

વિનુ પણ હસવું રોકી ન શક્યા. હસતા, હસતા એમણે કાકાના હાથ પકડીને કહ્યું, “બીજીવાર આમ સહીઓ ના કરતા. માફી ન માગો કાકા. કંઈ પણ હોય તો મને કે’જો. હું કાગળો જોઈ આપીશ.” અને અમે છૂટાં પડ્યાં. એક બાજુ, અમને હસવું પણ આવતું હતું અને બીજી બાજુ આ ઓલિયાની સાલસતા- જે કદાચ મૂર્ખતા પણ કહેવાય- પાસે નમન કરવાનું પણ મન થતું હતું!
******
એના પછી તો, એમના આફ્રિકાના ભઈબંધ હારે, કાકા ૧૯૮૧માં એક ચર્ચમાં નોકરી કરવા એલનટાઉન, ફિલાડેલ્ફિયાથી ૬૦-૭૦ માઈલ દૂર ગયા. શરૂઆતમાં તો નિયમિત ફોનો કરતા હતા બધાંને અને પછી એ ફોનો ક્યારેક આવતા થયાં.

વરસમાં એકાદવાર કાકા, જૂના એપાર્ટમેન્ટના ગ્રુપમાંથી કોઈને ત્યાં, પ્રસંગોપાત, આવતા પણ ખરા. આ બાજુ બધાના સંતાનો મોટા થતાં ગયાં. અમે કારકિર્દીમાં અને બાળકોનાં ભણતરમાં ગળાડૂબ વ્યસ્ત રહેવા લાગ્યાં હતાં. અને પછી તો, ધીમેધીમે બધાં જ મિત્રો એ એપાર્ટમેન્ટ છોડીને, જુદાજુદા ઈલાકામાં, સગવડ અને જરૂરિયાત પ્રમાણે પોતાનાં ઘર ખરીદીને સેટલ થવા લાગ્યાં હતાં. સમય સાથે, કાકા સાથેનો કોન્ટેક્ટ છૂટતો ગયો. કાકા ધીરેધીરે વિસરાતાં ગયાં.
*****
૧૪મી ઓક્ટોબર, ૨૦૧૭ને દિવસે, એક મિત્રની ૪૫મી મેરેજ એનિવર્સરીમાં હાજરી આપવા હું ફિલાડેલ્ફિયા ગઈ હતી. ત્યાં એક સજ્જનને જોઈને અચાનક અમારા જૂના મિત્રએ પૂછ્યું, “જુઓ, આ ભાઈ એકદમ છનુકાકા જેવા નથી લાગતા?”

અમે બધાંયે એકીસૂરે કહ્યું, “અરે, હા..! હી ડઝ લુક લાઈક છનુકાકા! પણ તને અચાનક જ છનુકાકા ક્યાંથી યાદ આવી ગયાં? “

પછી તો, છનુકાકાની થોડી જૂની વાતો યાદ કરીને અમે બધાં હસ્યાં પણ ખરાં.

મેં અમારા એ જૂના મિત્રોને પૂછ્યું, “હું તો છેલ્લાં અઢાર વર્ષોથી કેલિફોર્નિયા છું. છેલ્લે છનુકાકાએ ૧૯૯૫માં એલનટાઉનથી વિનુને ખબર પૂછવા એની ઓફિસમાં ફોન કર્યો હતો. અમારે કેલિફોર્નિયા જતાં પહેલાં ફોન કરવો જોઈતો હતો. આઈ ફિલ રિયલી બેડ. તમને કોઈને છનુકાકાના કોઈ ખબર?”

એક મિત્ર કહે, “કાકાને વિનુ માટે બહુ માન હતું. વિનુ હતો ત્યારે એની સાથે ક્યારેય વાત થઈ હતી?”

“નોટ ધેટ આઈ નો ઓફ.” મને પણ આ કહેતાં ખરાબ લાગતું હતું.

તો કોઈએ કહ્યું, “લાઈફ ગોટ સો બિઝી, અમારોયે કોન્ટેક્ટ છૂટી ગયો…! બધાં સાથે સંબંધ ક્યાંથી રાખી શકાય? પણ કાકા દરેક પાર્ટીમાં કે અમસ્તાં પણ, મદદ બહુ કરતા.! બહુ જ સીધા અને સાદા માણસ…!” અને સહુએ સંમતિમાં ડોકાં ધૂણાવ્યાં.

ત્યાં, એ સમયે, હાજર રહેલા ૧૨ કપલ, હું-વિનુ અને કાકા, અમે સહુએ સાથે એક જ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સથી અમેરિકાના વસવાટની સફર શરૂ કરી હતી. અમે બધાં જ એકબીજા સાથે સંપર્કમાં રહ્યાં પણ “કાકા” નામનો દેશ અમારા ‘મૈત્રી-સંબંધ’ના અક્ષાંશ અને રેખાંશ પરથી ધીરેધીરે સાવ ભૂંસાઈ ગયો હતો.

એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના દિવસોમાં અમારી પાસે પૈસા નહોતાં અને બધાંના ઘેર જ આવા નાનાંમોટાં સેલિબ્રેશન્સ થતાં હતાં. કાકા એ દરેકના પ્રસંગોમાં રસોઈથી માંડીને વાસણો સાફ કરાવવામાં અમારી સાથોસાથ લાગતા. એમનાં ભોળપણ, સાદાઈ અને પરગજુપણાં પર અમે ‘એમ્યુઝ’ થઈને પાછળથી એમની ગેરહાજરીમાં ખૂબ હસતાં પણ ખરાં.

આજે, આટલા વર્ષો પછી, અચાનક એક અજાણ્યા ભાઈને જોઈને છનુકાકા યાદોની ક્ષિતિજ પર ડૂબતાં સૂર્યની જેમ ચમકી તો ગયા હતા. પણ હકીકત એ હતી કે છનુકાકા ક્યાં ગયા કે કયાં છે એની ખબર કોઈનેય નહોતી અને અમે કોઈએ આટલાં વર્ષો સુધી એની પરવા પણ નહોતી કરી!

ત્યાં જ એક મિત્ર બોલ્યા, “રીયલી શેમ ઓન ઓલ ઓફ અસ! કાકા આપણી વચ્ચેથી સરકી ગયા ને આપણે ખબર જ ન રાખી! કોણ જાણે કાકા ક્યાં ગયા?” બધાં એક સૂરે એગ્રી પણ થયાં.

મને બહુ જ ગિલ્ટી લાગતું હતું. અમારી બધાં પાસે સેલ ફોન હતો. મારાથી બોલ્યા વિના ન રહેવાયું. “અરે, કોઈ પાસે એમનો જૂનો નંબર છે?”

બધાંએ એકબીજાં સામે જોયું અને “ના” પાડી. ત્યાં જ, ડીજેએ ગીત વગાડ્યું, “જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા, ઓ હમનવાઝ!” અને બધાં કાકાની વાતો બાજુ મૂકી ડાન્સ ફ્લોર પર જવા ઊભાં થવા માંડ્યાં.

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. બહુ જ સરસ
    અમેરિકા જ્યારે આવીએ ત્યારે બધાં પોતીકા બની જાય છે
    આજે મારા પતિદેવ અને આવા જ એક કાકા ની આવી ગોષ્ઠિ યાદ આવી ગઈ.🙏