પ્રકરણ:9 ~ મૂળજી જેઠા મારકેટની દુનિયા ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
પ્રકરણ:9
દેશમાં કામધંધા ભાંગી પડ્યા હતા. જોબ્સ હતા જ નહીં. કાકાને એમ કે હું મુંબઈ જઈને જલદી જલદી નોકરી લઈશ. કોઈ ધંધાની લાઈન પકડીશ. સ્વતંત્ર ધંધો શરૂ કરીશ, અને તેમનો બોજો ઉપાડી લઈશ.
અમારા સગામાંથી જ મુંબઈ જઈને સફળ થયેલ કેટલાક લોકોના દાખલા હતા. એમાં મુખ્ય અમૃતલાલનો. એ કાકાના મોટા ભાઈના (જેને અમે બાપુજી કહેતા) મોટા દીકરા.
મુંબઈની હમામ સ્ટ્રીટમાં એમની મોટી ઑફિસ. અમારા બધા માટે અમૃતલાલ મોડેલ. બહુ ઝાઝું ભણેલ નહીં. હાઇસ્કૂલ માંડ માંડ પૂરી કરી હતી. પણ મુંબઈમાં ધીકતો ધંધો કરે. ખૂબ કમાય. સાયનમાં મોટો ફ્લેટ લીધો. દેશમાંથી બાપુજીના આખા કુટુંબને મુંબઈ બોલાવી લીધું. બહેનોને એક પછી એક પરણાવી દીધી. ભાઈઓને કામે લગાડી દીધા.
એવો જ બીજો દાખલો મારા બનેવીનો. એ પણ દેશમાંથી માત્ર હાઈસ્કૂલ પૂરી કરીને મુંબઈ આવ્યા હતા. મૂળજી જેઠા મારકેટમાં નોકરી કરતા કરતા એમણે કાપડની દલાલી શરૂ કરી. દલાલીની લાઈન બરાબર પકડી. જામી ગયા. એમણે પણ દેશમાંથી પોતાનું કુટુંબ બોલાવ્યું અને ભાઈઓનો ભાર ઉપાડી લીધો. બહેનને પરણાવી.
મારા ફઈના દીકરા રતિભાઇ પણ આ જ રીતે મુંબઈમાં સ્થાયી થયા હતા. એમનાં માબાપ નાનપણમાં જ ગુજરી ગયા હતાં. એ એમના મોસાળમાં, એટલે કે અમારે ત્યાં દેશમાં ઉછર્યા હતા. બા કાકાએ એમની સંભાળ લીધી હતી. બધાની જેમ રતિભાઈ પણ હાઈસ્કૂલ પૂરી કરી મુંબઈ આવ્યા હતા. તફાવત એટલો કે એ નોકરી કરતાં કરતાં આગળ ભણ્યા. કોલેજમાં જઈને બી. કોમ કર્યું. સારી લાઈન પકડીને ધંધો શરૂ કર્યો. સફળ થયા. પૈસા બનાવ્યા.
મારી સામે, બલકે કાકાની સામે આવા દાખલાઓ હતા. મને મુંબઈ મોકલીને રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હું મુંબઈમાં સ્થાયી થાઉં અને દેશમાંથી ભાઈબહેનોને બોલાવું.
હું મુબઈ આવ્યો ત્યારે મારી ઉંમર સત્તર વરસની. કશી ગતાગમ નહીં. છાપાં મેગેઝિન અને બોલીવુડની મૂવીઓમાં જે મુંબઈ જોયેલું એ જ. મુંબઈમાં નોકરી ગોતવાની વાત તો બાજુ રહી, પણ એના રસ્તાઓ, બસ, ટેક્સી, ટ્રામ, ટ્રેનમાં કેમ આવવું-જવું તેનું પણ મને ભાન નહોતું. પણ ભલા બહેનબનેવીએ મારી સંભાળ લીધી.
બનેવી મને દૂરના એક માસા પાસે લઈ ગયા. એ કાલબાદેવીમાં મૂળજી જેઠા મારકેટની એક પેઢીમાં ગુમાસ્તા હતા.

માસાને કહે કે તમારી પેઢીમાં નટુને હમણા બેસાડો. માસા કહે, આવીને ભલે બેસે અને કામકાજ શીખે. પણ હમણાં એને પગારબગાર નહિ આપીએ. બનેવી કહે, વાંધો નહીં. પગારની જરૂર નથી. બસ, તમારા હાથ નીચે કેળવજો અને કામકાજ શીખવજો.
ભલું થાજો એ માસાનું કે આમ એમને કારણે મને નોકરી મળી. આ મારી પહેલી નોકરી, જોકે પગાર વગરની.
મૂળજી જેઠા મારકેટની દુનિયા જ જુદી હતી.
એની હાયરારરકીમાં સૌથી ઉપર શેઠ. તે ઉપર બેઠા બેઠા બધા પર રાજ કરે. એની નીચે મહેતાજીઓ. પછી ગુમાસ્તાઓ, એની નીચે ઘાટીઓ. હું તો સાવ નવોસવો એટલે ઘાટીઓથી પણ નીચે.
મારે તો બધું એકડે એકથી શીખવાનું હતું. પહેલાં તો મારે મારકેટની ભૂગોળ શીખવાની હતી. અસંખ્ય ગલીઓ, અનેક ચોક, આજુબાજુની શેરીઓ, ચાનાસ્તાની દુકાનો, ખમતીધર શેઠિયાઓની ખ્યાતનામ પેઢીઓ, મિલોના એજન્ટની પેઢીઓ, મોટી મોટી બેંકો – આ બધું ક્યાં છે એ શીખવાનું હતું.
આ બધી જગ્યાએ જલદી કેમ જવાય તે ઘાટીઓ બરાબર જાણે. એ તો હાથગાડીઓમાં માલ ભરીને લોકોનાં ટોળાં વચ્ચે રસ્તો કાઢતા ઝટપટ દોડે. હું જોતો રહું.
પહેલે દિવસે શેઠે મને પેઢીમાં જોયો. એ કાંઈ બોલે એ પહેલાં મોટા મહેતાજીએ કહ્યું કે છોકરો દેશમાંથી આવ્યો છે. થોડા દિવસ આપણી પેઢીમાં બેસશે, પછી એનો રસ્તો કાઢી લેશે. ગાંધી નામ છે.
શેઠે મારી સામે જોયું. કાંઈ બોલ્યા નહીં. મને થયું કે મરી ગયા. પહેલે જ દિવસે રજા મળી કે શું? ત્યાં મોટા મહેતાજીનો હુકમ છૂટ્યો. જા, ચા લઈ આવ! પણ ક્યાં જવું ચા લેવા?
પેઢીનો ઘાટી કહે ચાલ, તને બતાવું ક્યાંથી અને કેવી ચા લાવવાની. કહે, શેઠને માટે એક ઠેકાણેથી જ ચા લાવવાની, એ લોકોને ખબર છે કે શેઠને ફુદીનો અને આદુમસાલા વાળી જ ચા ભાવે છે. પાછા વળતાં શેઠ માટે પાન પણ લેતા આવવાનું. અને તે પણ અમુક જ પાનવાળા પાસેથી, કારણ કે એને ખબર છે કે શેઠને પાનમાં કેટલી તમાકુ ફાવે.
આમ પેઢીનો ઘાટી મારો ગુરુ બની ગયો. એણે મને એની પાંખમાં લીધો. કઈ બેંકમાં હુંડી છોડાવવા જવું, ક્યો કેશિયર આપણું કામ જલદી કરે, આ બધી એને ખબર.
ઘાટી અને ગુમાસ્તાઓ સવારે પહેલાં આવે. સાફસૂફી કરે. ગાદીતકિયા ગોઠવે, પછી આવે મહેતાજી. શેઠ કરતાં મહેતાજીનો રૂઆબ મોટો. જેવા એ આવે એવા તેવા એમના હુકમ છૂટવા માંડે: ચા લઈ આવ. મિલની દુકાનમાં જઈને આજ જે માલ છોડાવવાનો છે તેનું ઇન્વોઇસ લઈ આવ. બેંકમાં જઈને બેલેન્સ ચેક કરી આવ, વગેરે વગેરે. અમને બધાંને ખબર કોને માટે કયો પ્રશ્ન પૂછાય છે, અને કોણે શું કરવાનું છે.
પછી મોડા મોડા શેઠ આવે. એ આવે એટલે પેઢીમાં થોડી વાર તો સોપો પડી જાય. થોડો સમય કોઈ કંઈ બોલે નહીં. શેઠ આજુબાજુ ઘૂરકીને જુએ. વાતાવરણ એકદમ તંગ હોય.
એમને માટે ચા આવે. એકાદ બે ઘૂંટડા ભરે. પછી વાતાવરણ કંઈ હળવું થાય. મહેતાજી સાથે સવાલ જવાબ શરૂ થાય – આજે કઈ મિલનો માલ છોડાવવાનો છે, કેટલી હૂંડી ભરવાની છે, શેના સોદા કરવાના છે, ઉઘરાણી ક્યાં સુધી આવી, વગેરે.
પછી દલાલોની અવરજવર શરૂ થાય. મિલના એજન્ટો, દૂર ગામોથી આવેલા કાપડના વેપારીઓ, ફંડફાળો ઉઘરાવતા નાતના કાર્યકર્તાઓ, ચાનાસ્તાના લોભે આવતા ખુશામતિયાઓ – આમ અનેક લોકોની આવજા થયા કરે. સોદાઓ થાય. લાખોની ઊથલપાથલ થાય. વચમાં વચમાં મહેતાજીના હુકમ છૂટ્યા કરે. ગુમાસ્તાઓ અને ઘાટીઓ દોડાદોડી કર્યા કરે.
ક્યારેક શેઠનો છોકરો એના કોલેજિયન ફ્રેન્ડસ લઈને આવે. અમે બધા જ્યારે ચોળાયેલ લેંઘો-કફની અને ચપલમાં આંટા મારતા હોઈએ ત્યારે એ રાણો સ્ટાર્ચ કરેલ કડક પેન્ટ-શર્ટ અને પોલિશ કરેલ બુટમાં સજ્જ હોય.
શેઠ કરતાં એનો રુઆબ મોટો. એ આવે કે એને માટે તુરત અમારે ચા અને નાસ્તાપાણીની વ્યવસ્થા કરવાની. ઘાટીએ મને સમજાવેલું કે એ રાજકુંવરને શું શું ભાવે.
દોડીને એને માટે એનો ભાવતો નાસ્તો લઈ આવવાનો. ઘણી વાર તો એ અને એના મિત્રો નાસ્તો કરતા હોય ત્યારે અમારે મેટ્રો સિનેમામાં જઈને એમને માટે હોલીવુડની ફિલ્મની ટિકીટ લઈ આવવાની. એ લાડકાઓ લાઈનમાં થોડા ઊભા રહેવાના હતા?
આ બધામાં સાંજ કયારે પૂરી થાય એ ખબર ન પડે. મોડી સાંજે ટ્રામમાં બેસીને ઘરે આવું. એ વખતે મુંબઈમાં હજી ટ્રામો હતી, જોકે ઘોડાઓથી નહિ પણ વીજળીથી ચાલતી. લોકો જાનને જોખમે દોડતી ટ્રામે ઝડપથી ચડે ઊતરે. પછી તો જોયું કે પરાના લોકો એવી જ રીતે ચાલતી ઇલેક્ટ્રિક ટ્રેનમાં ચડતા ઊતરતા. એવું પણ સાંભળેલું કે બે ચાર હીરાઓ એવી બહાદુરી કરતા રોજ મરે છે.
જેમ જેમ હું મારકેટની દુનિયામાં ગોઠવાતો જતો હતો તેમ તેમ મને ખબર પડી કે કાકા શા માટે કહેતા હતા કે ભણવાની બહુ જરૂર નથી. જે પૈસા કમાય તે હુશિયાર અને બાકી બધા ઠોઠ, એ વાત મને મારકેટમાં સ્પષ્ટ દેખાઈ.
અહીં પૈસા બનાવવા માટે બહુ ભણતરની જરૂર ન હતી. મોટા ભાગના શેઠિયા, મહેતાજી કે ગુમાસ્તા જેમના પરિચયમાં હું આવ્યો તેમાંથી ભાગ્યે જ કોઈ કોલેજમાં ગયું હતું. ઘણાએ તો હાઇસ્કૂલ પણ પૂરી નહોતી કરી. જેવું તેવું વાંચતાં લખતાં આવડ્યું કે મારકેટમાં કામે લાગી ગયા હતા. કેટલાકે તો દલાલી શરૂ કરી દીધી હતી. મૂળમાં પૈસા બનાવાના છે એટલી એમને ખબર હતી.
મારકેટમાં અભણ ગુમાસ્તામાંથી કરોડપતિ થયા હોય એવા જે દાખલાઓ મારી સામે હતા. તેમાં મામાની તોલે કોઈ ન આવે. મામા મારા નહીં, મારકેટના. બધા એમને માનથી મામા કહેતા. કહેવાય છે કે દોરી લોટો લઈને મુંબઈ આવ્યા હતા. વરસો પહેલાં ઘાટીના કામથી શરૂઆત કરી હતી, આજે કરોડપતિ. એવા સાદા કે કોઈ એમને ગુમાસ્તા જ માને. બીજા શેઠિયાઓની જેમ ક્યારેય મેં એમને બણગા ફૂંકતા જોયા નથી.
ઊંચા, સફેદ પણ મેલી કફની અને ધોતિયું. ચકળવકળ થતી તેમની આંખમાંથી કશુંય છટકે નહીં. એમની પેઢીમાં વીસેક માણસો કામ કરતા હશે, અને ગોડાઉનમાં બીજા વીસેક, પણ મામાને બરાબર ખબર કે કોણ શું કરે છે. પેઢીમાં બેઠા બેઠા એમને ખબર હોય કે કઈ મિલનો કયો માલ ગોડાઉનમાં ક્યાં પડ્યો છે અને ક્યાં મોકલવાનો છે.
અંશેઅંશ મારકેટના એ જીવ. મારકેટમાં અત્યારે શું થઈ રહ્યું છે તે એમને ખબર હોય. મારકેટની એકેએક ગલીમાં કોની પેઢી ક્યાં આવેલી છે, કઈ મિલનો માલ કોણ વેચે છે, એ એમની જાણમાં હોય.
બીજા શેઠ લોકો મારકેટમાં બપોરના બારેક વાગે આવે, ત્યારે મામા તો ક્યારનાય આવી ગયા હોય. બહારગામ જ્યાં એમનો માલ જતો હોય તે વેપારીઓ સાથે ટેલિફોન પર સોદા કરવાનું શરૂ કરી દે. બપોર સુધી એ ચાલે. પછી મારકેટના વેપારીઓ સાથે એમની લેવડદેવડ શરૂ થાય. એમને જોઈને હું વિચાર કરતો કે હું આજે ભલે ઘાટી રહ્યો, પણ એક દિવસ મામાની જેમ જ કરોડપતિ થઈશ!
આવી જ વાત હતી એક દલાલ બેલડી – ચંદન અને કુંદનની. બન્ને કાંઈ ભણેલા નહીં, પણ ભારે ખાપરાકોડિયા. ભલે મારકેટમાં દલાલી કાપડની કરે, પણ એમના હાથ બધે પહોંચેલા. રીયલ એસ્ટેટની પણ દલાલી કરે. કોઈ વસ્તુની તંગી હોય, ન મળતી હોય તો એમને પૂછો. એ ગમે ત્યાંથી પણ લઈ આવે.
એ જમાનામાં કાર, ટેલિફોન, ફ્લેટ, ફોરેન એક્સચેન્જ વગેરેની ડિમાંડ જબરી, તંગી પણ મોટી. પૈસા હોય તોય લાંબી રાહ જોવી પડે. લાગવગ જોઈએ. મારકેટમાં બધાને ખબર કે ચંદન કુંદનને કહો ને તમારું કામ તરત થઈ જાય.
એ બેલડી જ્યારે પેઢીમાં આવે ત્યારે એમનાં ખિસ્સાં દાણચોરીના માલથી ભરેલા હોય. અમારા શેઠ અને મોટા મહેતાજી માટે ઘડિયાળ, સોનાનું બિસ્કીટ, એવું કંઈ કંઈ મૂકતા જાય. શેઠની ખુશામત કરવામાં પાકા.
એ વરસોમાં વિલે પાર્લેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સમ્મેલન ભરાયું હતું. જેવો હોલમાં દાખલ થતો હતો ત્યાં જ એ બેલડીને મેં જોઈ. આશ્ચર્ય થયું. એમની સાથે વાત કરતાં ખબર પડી કે મારકેટના એક મોટા શેઠિયા સ્વાગત સમિતિ કે બીજી કોઈ રીતે એમાં જોડાયેલા હતા. ચંદન અને કુંદન કામ કરવા હાજર થઈ ગયેલા. શેઠને ખુશ કરવાની આ તક એ કાંઈ થોડી જવા દેવાના હતાં?
(ક્રમશ:)