ગીત: “વરસાદી છંદની છાલક વાગી…” ~ કવયિત્રી: ધીરુબહેન પટેલ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ ~ સ્વરાંકન-ગાન: નંદિતા ઠાકોર

ગીતવરસાદી છંદની છાલક વાગી…”

તારા વરસાદી છંદની છાલક વાગી
ને પાન ખરી ગયાં
ક્યાંક ઝરી ગયાં
કેવાં સરી ગયાં!

અંજલિ હજાર હેમવર્ષાની સાથ લઈ
ભીંજવી દે રોમરોમ એવાં
મસ્તીભરી છાલકથી ઝબકી ઊઠે કદી
લીલેરી જ્યોતિનાં દીવા
વર્ષોનાં વર્ષોનાં વર્ષો વચાળે આમ
ઊગેલાં પાન મારાં ખરી ગયાં
ક્યાંક ઝરી ગયાં
કેવાં સરી ગયાં!

તારા વરસાદી છંદની —

તારા વરસાદી છંદની છોળો ઉડી
તે છેક આભે અડી
ઝરમરતી વાદળીમાં વીજ થઈ ઝબૂકી
એવી છોળો ઉડી
વરસ્યો મેહુલિયો ને ધરતીએ
લીલીછમ ઓઢણ ઓઢી
તે છેક આભે અડી
વર્ષોનાં વર્ષોનાં વર્ષો વચાળે પછી
ઊગેલાં પાન મારાં ખરી ગયાં
ક્યાંક ઝરી ગયાં
કેવાં સરી ગયાં!

તારા વરસાદી છંદની…..

કવયિત્રી: ધીરુબહેન પટેલ
આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
સ્વરાંકન-ગાન: નંદિતા ઠાકોર

મોસમનો અને ઉંમરનો તકાજો ચૂકવવો એ જ જિંદગીનું સફરનામું છે. આ સફરમાં આવતાં અનેક લોકો સાથે સંવેદનાના ઉનાળુ પ્રદેશોમાં મ્હાલવું એ જ તો આ જિંદગીની મુસાફરીમાં હૂંફનું ભાથું બંધાવે છે.

સમયના ચક્ર સાથે જોડાયેલ ઉંમરના પરિઘ પર સરકતી જિંદગીના અંતિમ વર્ષોમાં સ્મરણોનાં દીવાની કુંદન વરસાવતી જ્યોતિના અબાધિત પ્રકાશમાં આ લૌકિક શરીરનું રોમરોમ ભીંજાઈને અદીઠ રીતે પારલૌકિક બની જાય છે.

કેવાં કેવાં મસ્તી અને અધધધ્ વહાલથી તરબતર જિંદગી સમૃદ્ધ બની છે? આ મસ્તી, આ મોજની છાલક પડતાં જ હેમ રેલાવતાં દીવાઓની જ્યોતિ પણ લીલીછમ બની જાય છે.

આ સાથે એક અનુભૂતિ એવી પણ થાય છે કે કેટલું બધું ઊગ્યું, જે જીવનને લીલુંછમ બનાવી ગયું? પણ, હવે જીવનની આ ઢળતી સાંજે આટલાં વર્ષોમાં ધીરેધીરે લીલાં પાંદડાં બનીને ઝૂમતું સુખ અને લાગણીની પળો ઉંમરનાં ઋતુચક્રમાં જ ખરી જાય છે, જીર્ણ બનીને ઝરી જાય છે, અને સાપ કાંચળી ઉતારે એમ સરી જાય છે. આ જ તો કદાચ જિંદગીના ઉદય અને અસ્તનો શાશ્વત ક્રમ છે.

અહીં કવિશ્રી ભગવતીકુમાર શર્માનો એક શેર યાદ આવે છેઃ
“આ કોના સ્મરણમાં થરથરતી દીવા કેરી શગ સળગે છે?
કે કડકડતા  એકાંત  વિષે  એકલતા  રગરગ સળગે છે?”

પ્રિયજનોના સાથ અને વહાલના વરસાદી છંદે કેવાં ચડ્યાં હતાં? શું એ સમય હતો! લાગણીઓમાં સાથે ડૂબ્યાં, તર્યાં અને એકમેકને આનંદના એ મહાસગરમાં પામ્યાં પણ ખરાં. પણ સમય તો એની ગતિમાં વહેતો જ રહે છે, એને કોણ રોકી શકે?

આ વરસાદી મોસમમાં ભીનાંભીનાં, સ્મરણોના લીલેરા તેજવલયના છંદની છોળો સિમિત તો રહે જ નહીં! એ તો એવી ઊડે, ઊડે, કે છેક આભને અડે અને પછી વીજળીની જેમ ચમકીને આત્મચેતનાના પ્રકાશથી જીવનની અનંતતાના આકાશને ઝળહળ કરતી રહે, એટલું જ નહીં, પણ આગળની સફર પર લીલાછમ ગાલીચા પાથરતી રહે છે.

આ તેજ જીવનને જીવન બનાવે છે. જે છૂટી ગયું એનો આથી જ અહીં ક્યાંય અફસોસ નથી અને કાળચક્રની વાસ્તવિકતાનો સહજ સ્વીકાર થઈ શકે છે.

જે ઊગે છે તે ખરે જ છે, એ હકીકતને દુઃખથી નહીં પણ સ્મરણોની હેલીમાં સ્નાન કરતાં કરતાં, અસ્તિત્વ પર ઊગેલાં પાંદડાઓને ઝરતાં, અને ખરતાં જોવાનો આનંદ છે.  જે છૂટી ગયાં છે એ સહુ પ્રિયજનોના સાથનો દીવાને આગલી, બાકીની સફરમાં એને દીવાદાંડી બનાવીને સધિયારો પામવાનો ઉમંગ છે.

કવિશ્રી નયન દેસાઈની ગઝલના આ શેર અનાયસે યાદ આવી જાય છેઃ
“આંખમાં એકાંતનાં મોજાં ઊછળતાં જાય છે,
દૂર  ક્ષિતિજ પર વહાણો દૂર સરતાં જાય છે.

યાદોના ઢોળાવ પર ઢોળાવ ઊતર્યે જાઉં છું.
મેં ત્યજેલા માર્ગમાં પડછાયા મળતા જાય છે.”

ધીરૂબહેનના આ ગીતમાં જીવનની ઉમંગો, અનુભવોનો આનંદ અને સંતૃપ્તિનું કોક્ટેલ – આસવ પીતાં પીતાં ખરવાની, ઝરવાની અને સરી જવાની પ્રકિયામાં જીવનના અંતિમનો ઉત્સવ ઉજવવાની વાત આટલી સહજતાથી, સરળતાથી એમના જેવી કવયિત્રીની ખમતીધર અને સંવેદનશીલતાથી છલકાતી ઋજુ કલમથી જ નીપજી શકે.

આવા ખરવાની, ઝરવાની અને સરી જવાની પ્રકિયામાં જીવનના અંતિમનો ઉત્સવ ઉજવવાની કવિતાને જ્યારે એક બીજી એટલી જ સક્ષમ અને સંવેદનશીલ કવયિત્રી, સંગીતકાર અને ગાયિકા આપણા સહુની લાડીલી કવયિત્રી નંદિતા ઠાકોર સ્વરબદ્ધ કરે અને ગાય તો એ સ્વરાંકન, સૂર અને સ્વરની સુરાનો ખુમાર કેવો હોય, એની કલ્પના જ રોમાંચિત કરી જાય છે.

ચાલો આ ગીતની ખુમારીને ઉજાગર કરતું સ્વરાંકન નંદિતા ઠાકોરના રણકતાં કંઠે સાંભળીએ.

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ગીત ઘણું સુંદર …
    વાઁચતા વાઁચતા ગવાઈ જાય એવુ…
    આસ્વાદ સ રસ
    મધુર ગાયકી
    ધન્યવાદ

  2. કવિતા, આસ્વાદ, અને સ્વરનિયોજન ગાયકી બધું જ સ-રસ !!