આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૭ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૨૭
પ્રિય નીના,
અ વખતે પત્ર વાંચીને તારી હોશિયારી પર હસી જવાયું! તબિયતની જરા અમસ્તી વાત પૂછી ના પૂછી ત્યાં તો જવાબમાં વય, પ્રેમ અને સાથેસાથે અનેક પ્રશ્નોના જવાબને આબાદ રીતે ગૂંથી લીધા! અને અસ્સલ હુરતીનો ચમકારો પણ બતાવી દીધો તેં. મઝ્ઝા આવી ગઈ.
ચાલ, આજે પણ મારે એક જુદી જ વાત કરવી છે. જો કે ટોપીક તો આગળના પત્રોના જ છે. એ અંગે કેટલાંક સર્જક મિત્રો સાથેના સુંદર વાર્તાલાપને ટાંકવાનું મન થાય છે. કારણ કે, ખૂબ જરૂરી લાગે છે.
આજે એમાંના બે વિશે વાત કરીશ. યાદ છે? અગાઉના એક પત્રમાં મેં મારા બેકયાર્ડમાં ગેસની પાઈપમાંથી થતા ગેસ-લીકની વાત લખી હતી તે?
તેના અનુસંધાનમાં મારા એક માનીતા મિત્ર લેખિકા રાજુલબેન કૌશિકે અહીંની ત્વરિત મળતી સર્વિસ વિશે સરસ વાત કરી. તેમના જ શબ્દોમાં લખું છું. તે કહે છે કે,
“અમેરિકામાં જે સુપર ફાસ્ટ સર્વિસ છે એનો અમને પણ ખરેખર સરસ અનુભવ થયો છે. એક વાર ગેસ સ્ટેશને ગેસ લેવા ઊભા હતા અને ગેસની ટેંકમાં કોઇ લિકેજના લીધે બધો ગેસ નીકળવા માંડ્યો.
ગેસ સ્ટેશનના માલિકે તરત ૯૧૧ પર ફોન કર્યો કારણ કે ગેસ સ્ટેશન એ તો સૌથી જોખમી જગ્યા. જો કોઈપણ સરતચૂક થઈ અને આગ લાગે તો તો એ હોનારતની તો કલ્પના જ ભયંકર છે.
પાંચ જ મિનિટમાં ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ હાજર. અત્યંત સાવચેતીથી અમારી ગાડી એમણે સાઈડ પર લેવડાવી અને ગેસ લિક થયા કર્યો ત્યાં સુધી બીજી ગાડી ન આવે એની તકેદારી રાખીને અમારી ગાડી નીચે ગેસ લિકેજ પર રેતીના ઢગલા કરતા ગયા.
અંતે બધો જ ગેસ નીકળી ગયા પછી પણ થોડો સમય પણ તેઓ હાજર રહ્યા અને કાર-ડીલર અમારી કાર ટૉ કરીને લઈ ગયા ત્યા સુધી સાવચેતી લેવડાવી”.
નીના, આવા સારા દાખલાઓને પ્રકાશમાં લાવવાનું કામ સમાજ-વ્યવસ્થાના સુદૃઢ વિકાસ માટે જરૂરી નથી લાગતું?
એવી જ એક બીજી વાત શિક્ષણની, અગાઉના પત્રમાં અધૂરી રહી ગયેલી વાત હતી તે માનસિક/શારીરિક રીતે અક્ષમ બાળકોની. તને થશે કે બહુ વખત આ વાત કરી. પરંતુ કોણ જાણે મને શિક્ષણ પદ્ધતિ માટે એ ખૂબ મહત્વની લાગે છે.
એક આપણા ભારતીય બહેનના નિકટના પરિચયમાં હું છું જે આવા બાળકો સાથે ખુબ જ સ્નેહથી કામ કરી રહ્યાં છે. એમનું નામ શૈલાબેન. તેમના શબ્દોમાં જ કહું તો
“અમેરિકા આવ્યે મને લગભગ પંદર વર્ષ થઈ ગયા. ભારતમાં મેં બાવીસ વર્ષ માધ્યમિક વિભાગમાં અને તે પણ દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યું. એટલે સ્વભાવિક જ મારી ઈચ્છા અમેરિકામાં પણ શિક્ષણક્ષેત્રે જવાની જ હતી અને અનાયાસે મને એ તક મળી.
ફરક એટલો જ હતો કે અહીં હું છેલ્લા પંદર વર્ષથી માનસિક રીતે મંદ બાળકોને શિખવાડવાનુ કામ કરું છું અને જેમ જેમ આ બાળકોના અનુભવમાં આવતી ગઈ તેમ તેમ એક નવી જ દુનિયા મારી સામે ખુલતી ગઈ.
સાવ નોખા પણ અનોખા આ બાળકોએ મને રોજ નવું શીખવ્યું છે અને એમની યાદો, વર્તનને શબ્દોમાં ઉતારવા પ્રોત્સાહિત કરી છે.
“પેલા પંખીને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઉડ્યાં કરૂં,
બસ! ઉડ્યાં કરૂં“
(પિનાકીન ત્રિવેદી)
કયું બાળક એવું હશે જેના મનમાં આ કલ્પના નહીં જાગી હોય? ઘણીવાર કુદરત કોઈ એવી ચાલ ચાલે છે કે જાણે આ બાળકોની પાંખ કપાઈ ગઈ હોય એવું લાગે છે..”
નીના, આવી તો કંઈ કેટલી યે વાતો તેમના વક્તવ્યમાં/લખાણોમાં આવ્યા જ કરે છે. આમાંથી હું જે કહેવા માગું છું તે એ કે, આવી જન્મજાત ખોટવાળાં બાળકો માટે અહીં જે વ્યવસ્થા છે તેમાં રહી શિક્ષકોને સ્નેહપૂર્વક સેવા કરવાની વૃત્તિ ખીલે છે અને બાળકોનું ભવિષ્ય થોડું ઉજળું થવાને અવકાશ રહે છે.
તો તેવું આપણે ત્યાં છે? જવાબ હા હોય તો આનંદ. પણ ના હોય તો આપણા બૌદ્ધિક રીતે ખરેખર તો આગળ એવા દેશ માટે, પ્રેમને કારણે, દયા ઉપજે છે. એટલે ફરી પાછા આપણે અહીં મનની બારીમાં એક આશાસ્પદ અને હકારાત્મક કિરણને ઊભરવા દઈએ.
આજે પત્ર પૂરો કરતા પહેલાં પ્રકૃતિના સૌંદર્ય વિશે લખવું છે. અષાઢ મહિનો શરૂ થવામાં છે. આ વખતે તો અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી દીધી હતી. ઉનાળાના ધોમધખતા તાપથી ત્રાસી ઊઠેલી ધરતીની સ્થિતિ પછી અષાઢનું આ સ્મરણ માત્ર કેવું ભીંજવે!! તો સાથે સાથે કવિ કાલિદાસના ‘મેઘદૂત’ની યાદ પણ ચોક્કસ જ આવે.
રવીન્દ્રનાથે ટાગોરે કહ્યું છે તેમ મેઘદૂતના ‘મંદાક્રાન્તા’ના સઘન સંગીતમાં વિશ્વના તમામ વિરહીઓનો શોક ઘોળાયેલો છે. આમે પણ અષાઢ એટલે કાવ્યરસમાં ડૂબી જવાનો મહિનો, ખેડૂતોનો કૃષિકર્મમાં રંગાઈ જવાનો, અને ભક્તોનો ભક્તિમાં ભીંજાઈ જવાનો મહિનો.
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श।।
‘મેઘદૂત’માં કુબેર રાજાનો એક યક્ષ, અષાઢના પ્રથમ દિવસે આકાશમાં ઊમટી આવેલા ઘનઘોર મેઘને જોઈને અત્યંત વ્યાકુળ બની તેને દૂત બનાવી, પ્રેમસંદેશ પોતાની પત્ની સુધી પહોંચાડવા વિનંતી કરે છે.
કવિ કાલિદાસે ખૂબ લાલિત્યપૂર્ણ રીતે પ્રકૃતિનું અલૌકિક વર્ણન આ કાવ્યમાં નિરુપ્યું છે. ‘આષાઢસ્ય પ્રથમ દિવસે…’થી શરૂ થતું ૧૧૭ શ્લોકનું આ મહાકાવ્ય બે હજાર વર્ષથી આપણી સૌંદર્યચેતનાને ઝંકૃત કરતું આવ્યું છે અને એટલે જ સાહિત્યરસિકો દ્વારા અષાઢનો પ્રથમ દિવસ ‘કાલિદાસ જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે.
ચાલ, આજે અહીં અટકું છું. તારા હવે પછીના પત્રમાં, યુકે.ના પેલાં મારા મનમાં વસી ગયેલાં લીલા-પીળાં ખેતરોના સૌંદર્ય વિષે જરૂર લખજે. તબિયત સાચવજે.
દેવીની યાદ.