‘ઑનર કિલિંગ’ (મૂળ વાર્તા) ~ લે. માલતી જોશી ~ (ભાવાનુવાદ) ~ રાજુલ કૌશિક
માલતી જોશી લિખિત વાર્તા ‘ઑનર કિલિંગ’ને આધારિત ભાવાનુવાદ – “ઑનર કિલિંગ”

“અનુ” પપ્પાનો અવાજ સાંભળીને વાંચતી હતી એ પુસ્તક એક બાજુ મૂકીને હું સફાળી ઊભી થઈ ગઈ. પપ્પા મારા રૂમના દરવાજા પાસે ઊભા હતા.
“આજે સાંજે કેટલાક લોકો આપણાં ઘેર આવવાના છે. તારે પણ એમને મળવાનું છે. અને કોઈ વાત થાય તો એમ કહેજે કે તું અહીં એમ.બી.એ. કરવા રોકાઈ છું.”
“મતલબ?”
“કેમ તને સીધી ભાષામાં સમજણ નથી પડતી કે હું રશિયનમાં બોલ્યો એવું લાગ્યું?” કહીને એ ત્વરાથી આવ્યા એવા જ પાછા ચાલ્યા ગયા. એ જે રીતે સીડીઓ ઉતરી રહ્યા એના પરથી એમનો ગુસ્સો સમજાઈ ગયો.
હું પાછી બેસી પડી. હું એમ.બી.એ કરું છું એ વાત સાચી પણ એના માટે ભારત રોકાઈ છું એ વાત ખોટી હતી. પપ્પાના આ અર્ધસત્ય પાછળનું કારણ મને સમજાયું નહીં. એમના ઑફિસ જવા સુધી મારે રાહ જોવી પડી.
એમના ગયા પછી સીધી હું મમ્મી પાસે કિચનમાં ગઈ. પસીનાથી તરબતર મમ્મી કામમાં અટવાયેલી હતી. ચારે બર્નર પર રસોઈ થતી હતી.
“આજે કોઈ ખાસ મહેમાન આવવાના છે?” .
“અતુલના વિવાહની વાત લઈને જયપુરથી મહેમાન આવવાના છે.” મમ્મીએ મારા સવાલનો જવાબ આપતા કહ્યું.
“તૈયારી જોતાં લાગે છે કે મોટી પાર્ટી હોવી જોઈએ.” મમ્મીએ માત્ર સ્મિત ફરકાવ્યું.
“પણ એ લોકોને મારા અભ્યાસમાં શું કામ રસ છે, ભાઈના ક્વૉલિફિકેશન પૂરતા નથી એમના માટે તે મારા એમ.બી.એ.ના અભ્યાસ માટેય જણાવવાનું પપ્પાએ કહ્યું?”
“પપ્પાએ કહ્યું છે તો એમ કરવું જ પડશે ને, એમનો સ્વભાવ તું ક્યાં નથી જાણતી?”
“પપ્પાની. દરેક સાચી-ખોટી વાત માનીને તેં જ બગાડયા છે.” મારી અકળામણ ઠલવાઈ ગઈ.
“આ જ એક બાકી હતું. છોકરાઓ ખોટું કરે તો મારી જવાબદારી. પપ્પા ખોટું કરે તો પણ મારે સાંભળવાનું. બધાએ ભેગા મળીને બલિનો બકરો માની લીધો છે મને. જા હવે અહીંથી. મને મારું કામ કરવા દે.” મા પણ અકળાઈ.
******
સાંજે બે વિદેશી શાનદાર ગાડીઓ, યુનિફોર્મધારી શૉફર સાથે મહેમાનોની સવારી પધારી. જોઈને જ લાગ્યું કે સાચે જ મોટી પાર્ટી હશે.. એક વાત સમજાતી હતી કે આઇ.એસ. જમાઈની લાલચ એમને અહીં સુધી ખેંચી લાવી હતી. પપ્પા પણ સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર હતા.
મહેમાનો સાથે મારો પરિચય પણ કરાવ્યો. એમ.બી.એ કરે છે. હંમેશાં ટોપર રહી છે. એને પણ અતુલની જેમ આઇ.એસ.ઑફિસર બનવું છે. જમાઈ લંડન છે. વગેરે વગેરે..
હું બોખલાઈને ચૂપ રહી. એમનાં જતાંની સાથે પપ્પાનો ગુસ્સો ફાટ્યો.
“કેમ મોંમાં મગ ભર્યા હતા, બે વાત પણ સરખી રીતે નથી કરી શકતી, કોણ તને ટૉપર કહેશે?”
“પણ મારા અભ્યાસમાં લંડનવાળાને વચ્ચે લાવવાની ક્યાં જરૂર હતી?”
“કેમ, જમાઈ નથી એ?”
“જમાઈ, હવે ક્યાં…?’
‘ચૂપ, બધી વાત પહેલી મુલાકાતમાં જ કહેવાની? પછી તો છોકરીવાળા શું વિચારશે, એ વિચાર્યું?”
હવે તો રડવાનું જ બાકી હતું અને મમ્મીએ વાત સંભાળી લીધી.
“જરા ધીરજથી તો કામ લો. હમણાં તો એ આપત્તિમાંથી માંડ સ્વસ્થ થઈ છે.”
“હા તો? એ તો બહાર આવી પણ હું આપત્તિઓમાં હજુ ઘેરાયેલો રહ્યો એનું શું? એની પાછળ મારા તો પંદર લાખ રૂપિયાનું આંધણ થઈ ગયું ને?”
પપ્પાની વાત સાંભળીને મારું મન ભારે અપરાધના ભાવથી ભરાઈ આવ્યું. આજ સુધી હું માત્ર મારા દુઃખને રડતી રહી. પપ્પા માટે તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. મારા લગ્નની ધામધૂમ અને પહેરામણી પાછળ પપ્પાના બજેટમાં મોટું ગાબડું પડ્યું એનો તો મને અછડતો ય વિચાર આવ્યો નહોતો.
ખેર મારા મોંમાં મગ ભરેલા હોવા છતાં અતુલની સગાઈ નક્કી થઈ ગઈ. છોકરી જોવા મારા સિવાય ત્રણે જયપુર ગયાં હતાં. જયપુરમાં લગ્ન અને અહીં રિંગ સેરેમની, ડિનર અને એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ. બધું જ આલા ગ્રાન્ડ યોજવાનું પ્લાનિંગ ચાલ્યું.
અતુલના લગ્નની કંકોતરી લખવાની જવાબદારી મેં લઈ લીધી. લિસ્ટ ચેક કરતી હતી અને એક નામ જોઈને હું ચોંકી ગઈ.
“પપ્પા, આ લોકોને પણ બોલાવાના છે, કેમ?”
“કેમ શું? એ વેવાઈ છે મારા. દીકરાના લગ્નમાં દીકરીનાં સાસરિયાં ન હોય તો મારે સો સવાલોના જવાબ આપવા પડે અને હજુ ક્યાં ડિવોર્સ લીધાં છે. તારા વાંકે મારે અતુલના લગ્નમાં કોઈ બખેડા નથી જોઈતા. બસ, કહી દીધું” પપ્પા ઊભા થઈ ગયા.
મારો વાંક? અરે પપ્પા આ શું બોલી ગયા? મમ્મી તો મારી અથથીઇતિની કથા જાણે છે. એણે પપ્પાને કંઈ કહ્યું નહીં હોય? કેવા રૌરવ નર્કમાં મેં એક આખો મહિનો પસાર કર્યો છે એ પછી પણ મારો વાંક?” હું આઘાતથી સ્તબ્ધ બની ગઈ. અને ડિવોર્સ નથી લીધાં કે પપ્પાએ લેવા નથી દીધાં? કદાચ ડિવોર્સી છોકરી ઘરમાં છે એવા વિચારે અતુલને કન્યા શોધવાનું અઘરું પડે એટલે જ પપ્પાએ ડિવોર્સ નથી લેવા દીધા.
*****
વળી મન ચકડોળે ચઢ્યું. લગ્ન…! પ્રશાંત સાથેના મારા એ લગ્નને લગ્ન કહેવાય કે કેમ?

પ્રશાંત લંડનથી લગ્ન કરવા આવ્યા ત્યારે એમના ચહેરા પર જરાય ઉત્સાહ નહોતો. લગ્ન પછીના ચોથા દિવસે જ અમે લંડન જવા નીકળ્યાં. ફ્લાઇટમાં પણ સાવ ઉપરછલ્લી વાતો થઈ. નવ દંપતિ જેવી કોઈ ઉષ્માભરી એ સફર નહોતી.
લંડન જઈને ખબર પડી કે પ્રશાંત તો કોઈ ગ્લોરિયા નામની ગોરી સાથે ત્રણ વર્ષથી જોડાયેલા હતા. લગ્ન તો માત્ર માતા-પિતાની ઇચ્છાપૂર્તિ માટે કર્યા હતા. એ રાત મારી સૌથી ખરાબ રાત હતી. બીજા દિવસે પ્રશાંત અને ગ્લોરિયાના ગયા પછી મમ્મી સાથે વાત કરતા હું સાવ ભાંગી પડી હતી.
મમ્મી મને ધીરજ રાખવાનું કહેતી હતી. મેં એક મહિનો ધીરજ રાખી, પણ એ પ્રત્યેક દિવસ મારો કેવો જતો એનાથી મમ્મી અજાણ નહોતી. એક મહિનો માંડ પૂરો કરીને પાછી આવી. મમ્મી-પપ્પા મને ઉમળકાથી આવકારશે એવી તો કોઈ અપેક્ષા નહોતી પણ સહાનુભૂતિ કે આશ્વાસનની અપેક્ષા તો હતી જ.
પણ એવું કશું જ ન બન્યું. હું ઘરમાં તો આવી પણ સાવ અણગમતી મહેમાન બનીને રહી.
એક મિનિટમાં આ આખો સમય નજર સામે તરી આવ્યો.
“અને હા સાંભળ..” મારી વિચારધારા તૂટી. પપ્પા હજુ કશું કહેતા હતા.
“તારા સાસરે કંકોતરી આપવા તું જઈશ અને પ્રશાંતના મમ્મીને પગે પડીને લગ્નમાં આવવા વિનવીશ. કાલે હું ઑફિસ લઈને કાર પાછી મોકલીશ. મોહન સાથે તું તારા સાસરે જઈશ. અને આ ફાઇનલ છે.” કહીને પપ્પા તો ચાલ્યા ગયા.
પ્રશાંતના મમ્મીને મળવા જવાના વિચારે મને આખી રાત ઊંઘ ન આવી. એક વાર એ અહીં આવ્યા હતાં ત્યારે મેં જ એમને ફરી આ ઘરનો ઉંબરો ચઢવાની ના પાડી હતી એ વાત પપ્પા સુધી પહોંચી હતી. અને હવે એટલે જ મારે જ એમને આમંત્રણ આપવા જવું એવું પપ્પાનું ફરમાન હતું. મારા માટે આ સ્વમાનભંગ હતું પણ પપ્પાને એ કેવી રીતે કહું?
આખી રાત આત્મહત્યાના કેટલાય વિચારો આવ્યા. પંખા પર લટકીને મરું? અગાશી પર જઈને કૂદકો મારું? સ્ટોરરૂમમાં જઈને ઉંદર મારવાની ગોળીઓ એક સામટી પાણી સાથે પેટમાં ઉતારી દઉં કે પછી બળીને મરું? પણ બળીને મરી ગઈ તો ઠીક નહીં તો એ ભયાનક ચહેરો લઈને ક્યાં જઈશ, જો જીવી ગઈ તો એ જીવન મોતથી પણ બદતર હશે.
ના.. ના…, એનાં કરતાં કાલે મોહન સાથે પ્રશાંતના ઘેર જતાં રસ્તામાં તળાવ પાસેથી પસાર થતાં ગાડી ઊભી રખાવીને પાણીમાં કૂદી મરીશ. અથવા કોઈ ટ્રાફિક સિગ્નલ પર કાર ઊભી રહેશે ત્યારે ગાડીમાંથી ઉતરીને કોઈ ધસમસતી કાર કે ટ્રેન સામે પડતું જ મૂકીશ.
પણ એમ કરવામાં મોહનની નોકરી જોખમાય. અને છોકરીઓનું મરવું ય ક્યાં સરળ છે! લોકો કંઈ કેટલાય અર્થના અનર્થ કરશે. અને વળી મારા આ કારનામાથી ભાઈના લગ્નમાં ભંગાણ પડ્યું તો! મમ્મી પપ્પા જીવશે ત્યાં સુધી મને માફ નહીં કરે.
લંડન પહોંચ્યા પછી પ્રશાંત અને ગ્લોરિયાને જોઈને હું હતપ્રભ થઈ ગઈ હતી. એક નાનકડા રૂમમાં મારો સામાન મૂકીને પ્રશાંત બહાર નીકળી ગયા પછી એક ક્ષણમાં મારી દુનિયા ભસ્મ થઈ ગઈ હતી. ભેંકાર, અંધકારભર્યા જીવનના વિચારે હું આજની જેમ એ રાત્રે ઊંઘી શકી નહોતી. એ અજાણ્યા શહેરમાં હું સાવ એકલી, નિસહાય હતી. છતાં એક વાર પણ મને આત્મહત્યાનો વિચાર આવ્યો નહોતો. મારી આંખ સામે મમ્મી પપ્પાના ચહેરા દેખાતા હતા. આ નાલાયક માણસ માટે થઈને હું મારાં મા-બાપને દુઃખી શા માટે કરું? અને આજે મમ્મી-પપ્પાના કારણે જ હું આત્મહત્યાના ઉપાયો શોધી રહી હતી. પપ્પાના ઘરમાં રહીને એમની સામે બંડ કરી શકું એમ તો નહોતી તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય ક્યાં હતો?
છેવટે ઊભી થઈને શાવરમાં ચાલી ગઈ. ક્યાંય સુધી શરીર પર પાણીની ધારા ઝીલતી રહી. અંતે જ્યારે શાવરમાંથી બહાર આવી ત્યારે મન હળવું થતાં એક નવો જ વિચાર આવ્યો.
આત્મહત્યા એટલે શું? આત્માનું હનન જ ને! પ્રશાંતની મમ્મીના પગે પડીને ક્ષમા માંગવાનું એ આત્મહત્યાથી ક્યાં કમ છે?
હવે મને કોઈ એ કહેશો કે એને શું કહેવાય, હત્યા કે આત્મહત્યા?
ભાવાનુવાદઃરાજુલ કૌશિક