વેલેન્ટાઈન ડે નિમિત્તે ~ ૨૫ કવિઓના ચૂંટેલા શેર

યાદ તારી આવશે તો હાલ મારા શું થશે?
પાનખરનું એક પીળું ઝાડ સોનેરી થશે
*
જોઇ તારી વાટ આખી જિંદગી મેં ને હવે
પગલાં મારી પલકોમાં ચાલ્યા કરે છે રાતભર
~ હેતલ મોદી જોષી
————————-
જરૂરી નથી કે તમે ચાંદ લાવો
જો પડખે રહો તો અમારે ઘણું છે
*
રટણમાં હવે ગીત કોઈ ન આવે
ગઝલ બસ તમારી જ હોઠે ચડી છે
~ ડૉ. સેજલ દેસાઈ
————————-
હું બોલું ચૂપચાપ, તમે જોઈને હસો
આંખો ઉકેલવાની મઝા યાદ છે હજુ
*
જરા નિકળ્યાં ઘરની બહારે તમે જ્યાં
આ મોસમ પુરી તરબતર થઈ ગઈ છે
~ રશ્મિ જાગીરદાર
————————-
એ સદીમાં પ્રેમ મોંઘો લાગતો નહિ
એકબીજા ગિફ્ટ નહિ દિલ આપતા’તા
*
પ્રશ્ન હતો ખાલી જગ્યા ભરવાનો
‘તું’ એનો સહેલો ને સાચો ઉત્તર છે
~ રક્ષા શાહ
————————-
એ સૂરજ ચાંદો ને જાણે એ ટમટમતા તારા
પ્રીતમ મારો નભ આખું, એ એકે હજારા
~ ગુરુદત્ત ઠક્કર
————————-
હસ્તગત હુન્નર કર્યો છે શું ગજબનો એમણે!
સાવ ખુલ્લેઆમ આવીને હૃદય ચોરી ગયાં
~ અતુલ દવે
————————-
હદ વટાવી છે ચાહવાની મેં
બંદગીમાં તને જ માગી છે
~ ભારતી વોરા ‘સ્વરા’
————————-
વેળા હતી વિદાયની, કહેવું હતું ઘણું,
બળબળતા મૌનની એ વ્યથા યાદ છે હજુ!
~ મલ્લિકા મુખર્જી
————————-
જગમાં પૂજાવા લાગ્યો ઈશ્વર તરીકે તું
મેં આરતી ઉતારી એની કમાલ છે
*
હાથમાં છે પત્ર તોયે આંખ વાંચે છે તને
ક્યાંક તો લખ્યું હશે કે તું ય ચાહે છે મને
~ મિતા ગોર મેવાડા
————————-
જિંદગી ભીંત પર ફ્રેમ થઈ ગઈ છતાં
હેત ને પ્રેમ જેવું જડ્યું કંઈ નહીં
~ અલ્પા વસા ‘કાવ્યાલ્પ’
————————-
નિકટતા – દૂરતા પર્યાયવાચી થઈ શકે ક્યારેક
કોઈ આઘું રહીને મારામાં હદ બહાર જીવે છે
~ દિક્ષિતા શાહ ‘દિવ’
————————-
પ્રેમ છે અઘરી પરીક્ષા, તું રહ્યો પાછો અભણ
તે છતાં  ખુદને પરખવો હોય તો તું પ્રેમ કર
*
કોણે કહ્યું કે  પ્રેમ અમારો ભરમ હતો?
શ્રદ્ધા હતી અમારી અને એ ધરમ હતો
*
રિવાજો આજ બદલાઈ ગયા છે પ્રેમ કરવાના
પડે છે પ્રેમમાં લોકો બધું જોઈ ચકાસીને
*
મિલન જો આપણું ના થઈ શક્યું તો શું થયું પણ
અધૂરા પ્રેમના અહીં દાખલા ખાસ્સા પડ્યા છે
*
પહેલા થયું હવે તો મરીને બતાવીએ
એકાદ  વાર  પ્રેમ કરીને  બતાવીએ
*
ઘણા વર્ષો થયા એને મળ્યાને પણ
હજીયે ખુશ્બૂ એની આ હવામાં છે
*
એમને ભગવાન બસ માની લીધા છે જ્યારથી
કોઈ બીજાનું હ્રદય મંદિરમાં સ્થાનક થાય નહિ
*
એક બાજુ તું, બીજી બાજુ સનમ છે
બોલ ને ઈશ્વર ઈબાદત શું કરીએ?
~ દીપક ઝાલા ‘અદ્વૈત’
————————-
આંખ ખોલું તો નજર સામે એ આવી જાય છે
બંધ રાખું આંખ તોયે ત્યાંય પ્હોંચી જાય છે
~ ધૃતિ સોની
————————-
કરે છે પ્યારની વાતો પરંતુ પ્યાર બાકી છે
બધાનો માનવીરૂપે હજી સ્વીકાર બાકી છે
~ ઇન્તેખાબ અનસારી
————————-
ફેંસલાં ક્યાં થાય છે કોઈ ગગનમાં જોઈને
નિર્ણયો લેવાય છે સઘળા નયનમાં જોઈને
~ ડો. અપૂર્વ શાહ
————————-
પ્રેમમાં ક્યાં પામવાનું હોય છે?
ખોબે ખોબે આપવાનું હોય છે
~ હસમુખ ટાંક ‘સૂર’  
————————-
બરફ જેમ થીજી જશે પ્રીત મારી
નહી પીગળે એ કરામત  કરી છે.
*
મને ભૂલી જવા ચાહો છો? ભૂલી જાવ એક શરતે
તમારા દિલમાં મારી યાદને નાનકડું ઘર આપો
*
ચાહો છો દિલથી તોય આ દુનિયાની બીક છે
ખુદ સામે પગલે ચાલીને આવી નહીં શકો
~ ભારતી ગડા
————————-
સાવ સમજણથી હતાં અળગા અમે
એક વિશ્વાસે છતાં જીવ્યાં અમે
~ ફાલ્ગુની ભટ્ટ
————————-
કહે છે એ મને કે પ્રેમમાં આ દોટ કેવી છે
બતાવી પણ નથી શકતો હૃદયમાં ચોટ કેવી છે
~ જિગ્નેશ ક્રિસ્ટી
————————-
મારી હથેળીમાં તારું નામ
અડસઠ તીરથ, ચારે ધામ
~ રશ્મિ અગ્નિહોત્રી
————————-
મનખા અધૂરા રાખે, વળી પ્રેમ બનાવે!
તારો જ છૂપો હાથ કુશળક્ષેમ બનાવે!
*
લીલુંછમ એ ઝાડ ફરીથી જોઈ આજે
રૂંવે રૂંવે ઉઘલે કંઈ ચોમાસા જેવું!
*
નેહ ક્યાં છૂટે? સતત મેં તો જતનથી પાથરી
છે યુગોથી ચંદ્રની ખાલી પથારી છત ઉપર!
~ પૃથા મહેતા સોની
————————-
તમારા રૂપના કામણ,  લખાવે પ્રેમની વાતો
ઘડી બેઠા જરા પાસે, ગઝલ વંચાય છે આખી
~ કમલેશ શુક્લ
————————-
સ્વપ્ન કેસરિયા પ્રભાતે જે હતા
એ પછીથી રાતના ભૂરા થયા
~ પ્રતિક ડી. પટેલ
————————-
થયું નિદાન પછી પ્રેમની બિમારીનું
હતો ક્યાં રોગ એ પાછો મટાડવા લાયક?
~ સંજય રાવ
————————-
પ્રેમમાં જિંદગી એક ખોઈ શકે
તો ઉજવવાને ડે એક હોઈ શકે?
~ કિલ્લોલ પંડ્યા
————————-

સંકલન:
આપણું આંગણું બ્લોગ
૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. પ્રેમના મહાપર્વએ નાજુક નમણા ચૂંટેલા શેર બદલ ધન્યવાદ

  2. નથી તું જોઈતી કૈં પ્રાસ માટે,
    મને તું જોઈએ છે શ્વાસ માટે.
    0
    રવીન્દ્ર પારેખ
    0
    હું મને તો યાદ પણ આવું નહીં,
    એમ તારી યાદ આવે છે મને.
    0
    રવીન્દ્ર પારેખ

  3. નથી તું જોઈતી કૈં પ્રાસ માટે,
    મને તું જોઈએ છે શ્વાસ માટે.
    0
    રવીન્દ્ર પારેખ
    0
    હું મને તો યાદ પણ આવું નહીં,
    એમ તારી યાદ આવે છે મને.
    0
    રવીન્દ્ર પારેખ

    1. ખુબજ સુંદર મન ને આનંદવન વિહરતા કરી મોજ કરવી દે તેવી રચનાઓ..ટૂંકી અને ટચી..આભાર