કચ્ચરઘાણ ~ કટાર: બિલોરી (૧૮) ~ ભાવેશ ભટ્ટ

ગુજરાતી ગઝલ માટે ફલાણા સાહિત્યકારે કહ્યું કે ‘હવે તો ગુજરાતી ગઝલ ઉર્દૂ ગઝલથી ખભો મિલાવીને ઊભી છે અને ઢીંકણાં સાહિત્યકારે કહ્યું કે ‘ગુજરાતી ગઝલ ઉર્દૂ ગઝલથી પણ હવે આગળ નીકળી રહી છે.’

આવી ફલાણા ઢીંકણાં સાહિત્યકારોના નામે વાતો વારંવાર બોલાવી એનો મતલબ જ એ થાય છે કે આ વાત ખોટી છે, આવું કૈં હજી નથી બન્યું. ગુજરાતી ગઝલ એની ઉંમર પ્રમાણે જે ક્ષમતા ધરાવે છે એ જોતાં આવું બનવું શક્ય છે જ જો અમુક દુષણો ગુજરાતી સાહિત્યમાંથી દૂર થાય તો.

જે અત્યંત આશાસ્પદ લોકો આવું બોલે છે એમની ભાવના ખોટી નથી. પોતાની ભાષાની કવિતા પ્રત્યે તેમનો અનહદ પ્રેમ, અતિઉત્સાહ, અને ઉભરો આવું બોલાવડાવા એમને પ્રેરે છે. પણ જો આ ઉત્સાહને ઉતારી એ લોકો સ્હેજ સભાનતાથી વિચારે તો આવું નહીં હોવાના કારણ ઉપર એમની દ્રષ્ટિ પડશે જે ખૂબ જરૂરી છે.

એ કારણ આમ તો બહુ જ દેખીતું છે પણ ઘણી વાર એવી વાતો જ આપણે ચૂકી જતા હોઈએ છીએ જે આંખ સામે હોય.

એ કારણ એ છે કે ગુજરાતીમાં કોઈ રચનાની મૂલવણી મોટેભાગે ફક્ત એ રચનામાં રહેલા કાવ્યત્વથી નથી થતી પણ એ રચનાકારની ઉંમર, સ્વભાવ, વર્તન, અંગત સંબંધો, જાતિ, છાપ, વાકચાતુર્ય, વેશભૂષા, આર્થિક પરિસ્થિતિ, પ્રાંત વગેરે ચકાસીને થાય છે. આ બધાના માર્ક્સ એની રચનામાં ઉમેરવામાં આવે છે અથવા કાઢી લેવામાં આવે છે. જ્યારે ઉર્દૂમાં કવિના (અપવાદને બાદ કરતાં) બીજા અન્ય પાસાનો પડઘો તેની રચનાના વિવેચનમાં કદી નથી પડતો. ત્યાં સદીઓથી ફક્ત ને ફક્ત કૃતિને જ ધ્યાનમાં રાખીને ન્યાયિક વિવેચન થાય છે. આમ તો બસ આટલું જ એક સામાન્ય કારણ છે. તો પણ આ કબૂલવામાં માબાપ જેમ પોતાના સંતાનોનો અપરાધ છાવરે એમ સૌ આ બાબતમાં કરે છે.

જેટલા એવા મોટા સાહિત્યકારો છે કે જેના હાથમાં ગુજરાતી સાહિત્યનું સ્ટીયરિંગ છે, એમાં અમુકના લાઈસન્સ ચેક ના કરતા લોકો એમની પાસે સાચી દિશામાં સલામત વહન કરાવવાની આશા તો રાખે છે, અને એમનાથી થતા વારંવાર અકસ્માતોને ગંભીરતાથી લેતા પણ નથી.

આ અકસ્માતો કેટલાય સાહિત્યકારોના ભવિષ્યનો કચ્ચરઘાણ કાઢતા હોય છે. એ આંકડો કેટલો છે એ તો ખબર નથી પણ એટલી તો ખબર છે કે એ આંકડો ચોંકાવનારો આંકડો બનવાની સૌ રાહ જોઈ રહ્યા છે.

આ બાબતો સામે કરેલી ફરિયાદને પ્રામાણિક અપેક્ષા ન રહેવા દેતા અંગત સ્વાર્થ કે લાલચમાં ખપાવી દેવામાં આવતી હોય છે. એટલે મહદઅંશે સૌ બોલવાનું ટાળતા હોય છે. એમાં પણ જો તમે આર્થિક રીતે કંગાળ હોવ તો તો પછી બે જ રસ્તા બચે છે. ક્યાં તો ચોવીસ કલાક તમારા ઘાવ ઉઘાડા રાખીને લાચાર આંખોથી સહાનુભૂતિ રૂપી કદરદાનીથી ખોબો ભરતા રહો. કેમ કે આજે પણ ભાવકોમાં એક વર્ગ એવો છે જેમને કોઈ કવિનો ચહેરો જો લાચાર કે બાપડો ન લાગે તો એનામાં બહુ રસ નથી પડતો.

જો એ ના થઇ શકે તો તમારા દંભી સંસ્કારોનું પાલન કરતા પોતાની મુફલિસી સંતાડી રાખી સૌની સાથે આંખ મિલાવી સામાન્ય (એમના જેવું) વર્તન કરીને અપ્રિય બનો અને ગેરલાભો મેળવો.

આમ પણ કોઈ કવિ, લેખક, કલાકાર માટે પોતાની કલા ઉચ્ચ હોવા છતાં સર્વમાન્ય થવું અઘરું જ હોય છે. એમાં પણ આગળ જતા આવો કાંટાળો રસ્તો આવે તો ધીરજ અથવા શ્વાસો કૈંક તો ખૂટી જ જાય છે.

એક તો ગુજરાતી સાહિત્યમાં પહેલાંથી ગઝલને સ્થાનભ્રષ્ટ કરવાના પેંતરાઓ ચાલ્યા આવ્યા છે. એમાં કેટલાય સાહિત્યકારો છે જે આજેય ખુલ્લેઆમ ગઝલ વિશે બેફામ બકવાસ કરી શકે છે, પણ એ બકવાસ કરનારાથી ગઝલને એટલો ખતરો નથી જેટલો એ બકવાસ કરનારા દુર્જન્યોને  મૂર્ધન્યો કહી કહીને એમના નામના મંજીરા વગાડનારા અમુક લોકોથી છે.

એ બધા પાછા મંજીરા વગાડી લીધા પછી અમુક ખાસ જગ્યાઓ પર જઈને હાથ ખંચેરતા ખંચેરતાં પાછા ગઝલનેય વખાણી લે છે. આ લોકો પાસે વાક્યરૂપી એક ચમત્કારિક છડી હોય છે જેનાથી બધે એ સાચા, નિર્દોષ સાબિત થઈ જતા હોય છે. એ છડી એ છે કે ‘અમે સાચી ગઝલની અવગણના નથી કરતા, બસ ખરાબ ગઝલને જ વખોડીએ છીએ.’

અરે ભાઈ પણ ખરાબ ગઝલને વખોડવાની જરૂર જ ક્યાં છે? એને એટલું મહત્વ પણ શું કામ આપવું ? એના વિશે કશું ન કહીને એને નગણ્ય ગણીને પણ અવગણી શકાય છે.

જો કે અસલમાં એમને આ છડીનો ઉપયોગ કરી સારી કે સાચી ગઝલોને પણ ધિક્કારવી હોય છે, પણ એટલું ખુલ્લું બોલવાનું ગજું ન હોવાથી નબળી ગઝલોને આગળ ધરીને સંતાતા હોય છે.

એક બાજુ થોડા એવા વડીલ સાહિત્યકારો છે જે આ પીડાને સારી રીતે સમજી શકે છે પણ એમને નવો નવો મળેલો ‘મૂર્ધન્ય’નો ખિતાબ જોખમાય એ મંજૂર નથી હોતું અને સ્વસ્તુતિનો કેફ પણ એમને પાછો અર્ધમૂર્છિત રાખે છે. એટલે એમનામાં કોઈ ખૂણે પડેલી અન્ય ગઝલકારો વિશેની લાગણી કે ચિંતા કદી સળવળતી નથી, બસ થીજેલી જ રહે છે
આમ તો આવી બધી વાતો કરવાથી ક્યારેય આ પરિસ્થિતિમાં ફરક પડતો નથી હોતો.

તે છતાં ક્યારેક ‘દિલ જલતા હૈ તો જલને દે, આંસુ ન બહા, ફરિયાદ ન કર’ જેવી જબરજસ્તી પાડેલી ટેવમાં બહુ ગૂંગળામણ થાય તો થોડો સમય બહાર આવીને આવી હવાફેર કરવી જરૂરી લાગતી હોય છે. એટલે અંતે આવા કુરુક્ષેત્રમાંથી એક સાચા ગઝલકારે રોજ રોજ ઘાયલ થઈને પણ જીવતા ઘરે પાછા જવાનું હોય છે.

એ ક્યાં સુધી આમ ઘાયલ થઈને એના ઘરે રોજ પાછો જઈ શકશે એની નોંધ ઇતિહાસના કોઈ પાને નોંધવામાં નહીં આવે.

એ એક જોતા સારું પણ છે કેમ કે આવનારી સાહિત્યકારોની પેઢીઓ આવા સત્યોથી અજાણ રહેવી જોઈએ. કેમ કે એમણે પણ તો આ જ કુરુક્ષેત્રના પુનરાવર્તનનો હિસ્સો તો બનવાનું છે. કેમ કે અસલમાં તો ‘પુનરાવર્તન’ (ભિન્ન સ્વરૂપે) એ સંસારનો નિયમ છે.

~ ભાવેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ખૂબ જ સરસ અને સચોટ લેખ.. ભાવેશભાઈ ને અભિનંદન…આપણું આંગણું ટીમને પણ આ લેખ પ્રગટ કરવા માટે અભિનંદન.‌!
    આજની પરિસ્થિતિનો તાદ્રશ્ય ચિતાર છે. કોઈ પણ કલા એ ધ્યાનની સમકક્ષ સાધના છે. સાચી સાધનામા આસપાસનું બધું જ નજર અંદાજ કરતાં જવાનું હોય છે. આવી સ્થિતિમાં કલાની સાધના કરવામાં આવે તો આવા ‘કચ્ચરઘાણ ‘ની ગતિ મંદ જરૂર થી થઈ શકે, ખરું ને..!
    ખૂબ અભિનંદન,, ભાવેશભાઈ