સ્વર-જીત, ગઝલ-જીત એવા જગજિતને અંજલિ! ~ વિજય ભટ્ટ
ફેબ્રુઆરી ૮ એટલે જગજિત સિંહનો જન્મદિવસ!
બાળપણથી જ શાસ્ત્રીય સંગીત શીખ્યા અને નાની ઉંમરથી જ ગાતા. ઘણા ઇનામો જીત્યા. ત્યાર બાદ ફિલ્મી સંગીતની હરીફાઈને બદલે કંઈક નવું કરવાની તમ્મન્નામાં ગઝલ-ગાયકીને તદ્દન નવું જ સ્વરૂપ આપ્યું.
તેમની પાસે ગઝલની / કવિતાની પસંદગી કરવાની અનોખી આંતરદ્રષ્ટિ! તેમની ખાસ વિશેષતા એ હતી કે તે પંડિત જસરાજજી અને લતા મંગેશકર જેવા મૂર્ધન્ય કલાકારોના પણ પ્રિય અને સાથે સાથે કરોડો સામાન્ય સંગીતપ્રેમીઓ કે જેમને સંગીતના શાસ્ત્રની કંઈ ઊંડી સમજ ન હોય તેમના પણ હૃદયમાં તે વસે.
કેટલાય મહાન ગાયકો અને સંગીતકરો માત્ર સંગીતના જાણકાર રસિકોમાં જ જાણીતા અને પ્રિય હોય છે. સામાન્ય માણસો એવા મહાન કલાકારોને નથી માણી શકતા કારણ કે આ કલાકારો સામાન્ય શ્રોતાઓના હૃદય સુધી પહોંચી નથી શકતા.
જગજિત સિંહ ઉચ્ચ કક્ષાના શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, અને ફિલ્મ સંગીત વચ્ચે એક પુલ જેવા ધાગા સમાન હતા, જેમાં એમણે સાબિત કરી બતાવ્યું કે માત્ર ફિલ્મસંગીત જ સામાન્ય જનતામાં લોકપ્રિય થઇ શકે છે એવું નથી, અન્ય પ્રકારનું સંગીત પણ ફિલ્મ સંગીતથી પણ વધુ પ્રચલિત અને લોકભોગ્ય થઈ શકે છે. અને તે પણ સંગીતની ગુણવત્તામાં જરા પણ બાંધછોડ કર્યા વિના! માત્ર જરૂર છે નવીનતાની, સુગમતાની, પ્રખર મૌલિકતાની, અને ગુણવત્તા સભર સંગીતની!
તેમના પત્ની ચિત્રાજી સાથેની તેમની ૧૯૭૭ની રેકર્ડ/આલ્બમ ‘ધ અનફર્ગેટેબલ’ પછી તેમની ગણના બિન-ફિલ્મી સંગીતમાં ખુબ જ વધી.
મારા મત મુજબ, ‘ધ અનફર્ગેટેબલ્સ’ એ તેમની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ આલ્બમ છે. આ આલ્બમ બધી જ દ્રષ્ટિ એ ‘ધ અનફર્ગેટેબલ્સ’ (ભુલાય નહિ તેવું) છે.
તે પછી તેમનું ઉચ્ચ કક્ષાનું અને નોંધપાત્ર યોગદાન છે ગુલઝારની ગાલિબ સિરીઝનું સંગીત. આ સિરીઝની એકેએક ગઝલની તે ગાયકબેલડીની ગાયકી અને જગજિત સિંહની બંદિશો અને સંગીત લાજવાબ છે. ગાલિબ પોતે પણ જો એ સાંભળે તો તેને તેની પોતાની કવિતા આ સુંદર બંદિશોને કારણે વધુ ગમી જાય.
તે પછી બીજું એક આલ્બમ જો મારે પસંદ કરવાનું હોય તો- ૧૯૭૯નું ‘કમ અલાઈવ વિથ જગજિત એન્ડ ચિત્રા સિંહ’.
આ એક પ્રયોગાત્મક આલ્બમ હતું જેમાં સાંભળનાર ને લાગે કે આ શ્રોતાઓની હાજરીમાં થયેલી મહેફિલ છે. પરંતુ ખરેખર શ્રોતાઓ વગર જ આ આલ્બમ એક સ્ટુડિયોમાં જ રેકોર્ડ કર્યું હતું. જેમાં શ્રોતાઓની તાળીઓ ઉમેરી હતી અને વચ્ચે વચ્ચે જોક્સ પણ છે. બધું જ સ્ટુડિયો રેકોર્ડિંગ.
એકેએક ગઝલની બંદિશ એક એકથી ચઢિયાતી! દરેક ગઝલમાં જગજિત સિંહની મૌલિકતા અને પ્રતિભા પ્રગટે! આ આલ્બમમાં બે ગઝલો એવી લીધી હતી કે જે બંનેના રદીફ સરખા છે. રદીફ એટલે કડીના અંતિમ શબ્દનો પ્રાસ. આવી સરખા રદીફની જોડિયા ગઝલને ‘હમરદીફ ગઝલ’ કહે છે.
બંને ગઝલોની બંદિશ પણ સરખી જ બનાવી. વારાફરતી એક ગઝલની એક કડી ચિત્રાજી ગાય અને બીજી ગઝલની એક કડી જગજિતજી ગાય. અદભુત જમાવટ! વળી ગઝલના શબ્દો પણ એવા જ કે બંને જુદી ગઝલ હોવા છતાં એકબીજામાં ભળી જાય.
મારા અભિપ્રાયે, સમયાંતરે, તેમનું સંગીત ઉચ્ચ કક્ષાનું તો રહ્યું જ પણ સહેજ ધીમા લયનું થયું. આવો ધીમો લય તેમના અગાઉના આલ્બમમાં નહોતો. તેમના અગાઉના આલ્બમની બંદિશો જુસ્સા ભરેલી અને થોડા ઝડપી લયવાળી હતી.
જગજિતજીના સંગીતમાં એક વિશિષ્ટ ચાર માત્રાનો, તાલ કહરવાનો ઠેકો છે, જે તેમના લગભગ બધા જ આલ્બમની બંદિશોમાં હોય જ. જે તેમની બંદિશની એક આગવી શૈલી છે. સંગીતકરોએ, ગાયકોએ, અને જાણકારોએ એ ઠેકાનું નામ જ (હુલામણું) ‘જગજિત ઠેકો/તાલ’ એવું પાડી દીધું છે. તબલાવાદકને જણાવવાનું કે આ ગીતમાં જગજિત ઠેકો છે, તો તે તરત સમજી જાય કે કેવું વગાડવાનું.
તેમના જીવનની એક કરુણાદાયક દુર્ઘટના કે જેમાં તેમનો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો, તે પછી ચિત્રાજીએ ગાવાનું તદ્દન બંધ કરી દીધું.
ટાગોરની કવિતા ‘એકલા ચોલો રે’ની જેમ જગજિતજી એ પોતાની સંગીતની મુસાફરી એકલે હાથે ચાલુ રાખી. પણ તેમના સંગીતમાં વધુ ઠહેરાવ અને વધુ ગાંભીર્ય આવ્યાં. લય પણ ધીમો અને મનને સુકુન આપે તેવો થયો. કવિતા અને ગઝલની પસંદગી પણ ઉદાસીનતા સભર.
કેટલી ગ્લાનિ હશે તેમના હૃદયમાં કે જે ક્યારેય તેમણે જાહેરમાં દર્શાવી નથી પણ તેમના સંગીત દ્વારા એ પ્રગટી છે અને તે છતાં તેમના સંગીતની લોકપ્રિયતા એટલી જ રહી છે.
તેમના પુરોગામી ગાયકોને અંજલિ આપવા તેમણે ખાસ એક મહેફિલ યોજી. જેમાં જાણીતા સંગીતકરો અને કલાકારો પધાર્યાં. આ મહેફિલનું લાઈવ રેકોર્ડિંગ કરીને તેનું એક આલ્બમ બહાર પાડ્યું, એનું નામ આપ્યું -‘ક્લોઝ ટુ માય હાર્ટ’. જેમ લતાજીએ ‘શ્રધ્ધાંજલિ’ આલ્બમ બનાવ્યું હતું, તેવું જ.
આ આલ્બમમાં જગજિતજીએ તેમને મનપસંદ તલતસા’બ, મુકેશજી અને રફીસા’બ વગેરે ગાયકોના ગીતો પોતાના અંદાઝમાં ગાયાં છે. આ એક સાંભળવા અને જોવા જેવું આલ્બમ છે. તેની ઓડીઓ અને વિડિઓ બંને સુલભ છે.
જગજિતજીના સુંદર આલ્બમ્સની યાદી તો બહુ લાંબી છે. પરંતુ ગઝલ-ગાયકીને, મોગલ કે ઉર્દૂ કે ઇસ્લામિક માહોલમાંથી બહાર કાઢીને, ઉર્દૂ ન જાણનારા હિન્દુસ્તાનના સામાન્ય જનજીવનમાં લાવવાનું મોટું શ્રેય જગજિતજીને જ જાય છે. તેમને લીધે જ આજે, સામાન્ય લોકો, કે જે ખાસ ઉર્દૂ ન જાણતા હોય, તે પણ હિન્દી અને ઉર્દૂ ગઝલોને માણી શકે છે.
તેમની ગઝલની પસંદગી એવી હોય છે કે જેમાં ખુબ ભારે ફારસી, અરબી, અને ઉર્દૂ શબ્દો ઓછા હોય. જો હિન્દી ભાષા આવડતી હોય તો સંગીત અને શબ્દોની મઝા લઇ શકાય. શાસ્ત્રીય સંગીતનો સહારો હોય પણ તેનો ભાર લાગે જ નહીં. ઉપરાંત સંગીત તો અદભુત અને મનોરંજક.
જગજિતજી એક એવા પ્રથમ સંગીતકાર/ગાયક છે જેમણે પહેલીવાર સ્પેનિશ ગિટાર, સંતુર, અને પિયાનોનો ઉપયોગ ગઝલોના સંગીતમાં કર્યો. તેમણે શુદ્ધ હિન્દી કવિતાઓ (જેમ કે ‘કાગઝ કી કશ્તી’ અને અનેક બીજી)ને ગઝલગાયકી દ્વારા લોકોને પીરસી અને એ ઘેર ઘેર ગવાય છે અને લોકો માણે છે.
અતિશયોક્તિ લાગે તો પણ કહેવું જ પડે કે તેમની કેટલીક બંદિશો તો રાષ્ટ્રગીત કરતાં પણ વધુ લોકપ્રિય અને લોકજીભે વળગી છે.
જગજિતજી, તમારા હોઠોંથી સરેલ ગીત અમર થઇ જ ગયાં છે! ‘મેરા ગીત અમર કર દો’ એમ હવે કહેવાની જરૂર ખરી?
સંગીતના એક દેવદૂતને પ્રણામ!
~ લેખક વિજય ભટ્ટ
(જગજિત સિંહના જન્મદિવસે અંજલિ)
૮ ફેબ્રુઆરી ૨૦૨૩
પદ્મભૂષણ જગજીતસિંગને એમના દુ:ખદ અવસાન પ્રસંગે શ્રધ્ધાંજલિ સહ સમર્પિત એવી 10/10/2011 ના દિવસે લખાયેલી એક ગઝલ…
ગઝલ ઘેરી ગવાયેલી દઈ કાં ગ્યાં તમે જગજીત?
સજલ નૈના ઘવાયેલી દઈ હાં ગ્યાં તમે જગજીત
અંતર વાજીંતરે રેલી એવી દર્દીલી દાસ્તાન
કરી અમને મૂગાંમંતર અહીંયા, ગ્યાં તમે જગજીત
ભજન ગીતો નઝમ દુહા સુરીલો છોડી સંસાર
વહાવી સ્વર ને સંગીતની પ્રીત ગ્યાં તમે જગજીત
જીવનની તાણ તાણે તાલ બચપન કસ્તી બારિશી
અમર થૈ ગાઈ હોઠોં સે છુ લો, ગ્યાં તમે જગજીત
પદ્મભૂષણ, સુગંધી સુરાહી દિલ સદા મ્હેંકો
રહ્યાં ગાઈ પડઘાઈ એવા ના ગ્યાં તમે જગજીત
દિલીપ ર. પટેલ
10/10/2011
વિજયભાઈ, ગઝલોને ઘરોઘરમાં ગવાતી અને ઘટોઘટમાં ગુંજતી કરનાર એવા અનેરા ને લોકપ્રિય શ્રી જગજીત સિંઘને આપે અત્રે સુપેરે આલેખ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સહ શુભેચ્છાઓ..
કાં ગ્યાં તમે જગજીત? – દિલીપ ર. પટેલ