દેખાય છે (ગઝલ) ~ તાજા કલામને સલામ (૨૭) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: શિલ્પા શેઠ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ગઝલ : દેખાય છે
રમલ – ગાલગાગા ગાલગાગા ગાલગા
આંખમાં ભીનાશ કાં દેખાય છે?
શું તને મારી કમી વર્તાય છે?
આ બધું પહેલા ક્યાં સમજાતું હતું?
ડર મને કાયમ ડરાવી જાય છે.
શબ્દમાં સુગંધ હું પૂરું સતત,
જાત આખી એટલે મહેંકાય છે.
રોજ ઈશ્વર શ્વાસ આપી જાય છે,
ક્યાં સમયસર મારાથી પૂજાય છે.
આપણે ફુરસદ ઉપર કરીએ બધા,
કામ તેથી તો અધૂરાં થાય છે.
પ્રાર્થના ત્યારે ફળે છે આપણી,
“શિલ્પ”માં આસ્થા જ્યારે મૂકાય છે.
~ શિલ્પા શેઠ “શિલ્પ”
~ આસ્વાદ ” જયશ્રી વિનુ મરચંટ
ગઝલ એ પારંપારિક રૂપે આશિક અને માશૂક વચ્ચેની પરસ્પર વાતચીત છે. કવયિત્રી આ ગઝલમાં વાતચીતના Basics – મૂળભૂત રુપને અપનાવીને મતલામાં જ સવાલ પૂછે છે. પછી એ ભલે મનોમન કરાતો સંવાદ હોય પણ એનો પડઘો તો ‘સ્વ’થી ‘સર્વ’ સુધી પહોંચીને સમયની કાલિન પર પથરાઈને ‘સર્વકાલીન’ બની જાય છે.
મતલામાં કરાયેલા બેઉ સવાલના અર્ધસંદિગ્ધ જવાબો બનીને સમસ્ત ગઝલ વિસ્તરે છે અને આ જ તો આખી ગઝલનો ‘હુસ્ન-ઓ-જમાલ’** પણ છે અને ‘હુસ્ને કમાલ’ પણ છે.
ગઝલના મતલામાં જ કવયિત્રી વિસ્મયના સ્વરૂપે એક કબૂલાત કરતાં કહે છે કે આંખોમાં ભીનાશ દેખાય છે પણ સમંદર, સરોવર કે સરવણીઓ નથી; ભીનાશ છે.
માત્ર ભેજ હોય તો એને પાંપણોના પડદા પાછળ સંતાડી શકાય છે. અને, સિફતથી ભીનાશના કારણોને કોઈ એક હસીન બહાના સાથે સંતાડી પણ શકાય છે. પણ આ ભીનાશ કોની આંખમાં છે? પોતાની કે જે એને છોડીને જતાં રહ્યાં છે એની આંખોમાં પણ આંસુઓનો સ્નિગ્ધ ભેજ છે? એનો ખુલાસો કરવાને બદલે કે એનો જવાબ આપવાના બદલે બહુ જ ફનકારીથી કવયિત્રી વળી એના સંદર્ભમાં બીજો સવાલ પૂછી લે છે કે શું તને પણ મારી કમી વર્તાય છે?
એવું પણ હોય કે પ્રિયજનના છોડી જવા બાદ, બેઉની આંખો ભલે છલકાઈને વરસી નથી, પણ આંસુની ભીનાશથી આર્દ્ર તો બેઉના હૈયા થયાં હોય, કારણ, કમી બેઉ બાજુ છે! અહીં ‘બેફામ’ સાહેબનો શેર યાદ આવે છે,
‘આમ તો હાલત અમારા બેઉની સરખી જ છે,
મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને!’
લાગણીઓના દસ્તાવેજો ઉકેલવા સહેલાં નથી. એની લિપી શીખી પણ લેવાય પણ એ શબ્દોનાં પડદા ખસેડીને, અર્થોની વહેતી હવાના વહેણમાં વહેતાં પણ આવડવું જોઈએ અને અહીં જ જટિલતા ઊભી થાય છે.
જે અર્થોની અજાણી ભોમકા છે, એની સીમામાં પગ મૂકતાં ડર લાગે છે. ડર કે ભય માત્ર અજાણી પરિસીમા કે પ્રદેશને કારણે નથી પણ, આ ભય એ સમજણનો છે કે હવે શું અને કેટલું સમજાય છે!
જ્ઞાનની એક ખાસિયત છે કે સમજણ આવતાં હમેશાં જ એ બીક સતાવતી હોય છે કે ન સમજાય એવું અથવા તો જિંદગીના અભ્યાસક્રમમાં ન આવ્યું હોય એવું પૂછાશે તો?
અહીં મૂર્ધન્ય કવિશ્રી પ્રાણજીવન મહેતાના કાવ્યની પંક્તિઓ સ્મૃતિમાં તરી આવી છે –
“પિંજરામાં બેસીને તકદીરનું પાનું
ખેંચી આપવા બહાર આવતી ચકલી સૌથી વધુ સુખી છે!”
એનું કારણ છે કે, અજ્ઞાન જેવું બીજું કોઈ સુખ નથી. આમ જુઓ તો આ એક વ્યંગ છે. કવિ કહે છે કે પાંજરામાં ચકલી કે પોપટ સાથે, થોડાંક પાનાં લઈને રસ્તા પર બેઠેલા ‘ભવિષ્યવેત્તાઓ’ પાસે ભાવિ જાણવા જનારને ભાવિ જાણવાનો ડર હોઈ શકે.
સહુના ભવિષ્યને પોતાના ઝોલામાં સમેટીને પિંજરું લઈને બેસનારને પૈસા કમાવવાની ચિંતા હોય શકે… પણ પેલી ચકલી? એને તો માત્ર ચાંચમાં જે મનફાવે તે પાનું ઉપાડવાનું છે અને એને કંઈ ખબર નથી કે પડી નથી કે એ ક્યું પાનું ઊંચક્શે!
સમજણ અને જાણકારી અરીસા જેવી હોય છે. પોતાનો ચહેરો કોઈ પણ ‘મેક ઓવર’ વિના જોવાનું સહેલું નથી. એ માટે તો જિગરમાં હામ હોવી જરૂરી હોય છે.
કવયિત્રી હવે આગળ વાત કરે છે, શબ્દોમાં સુગંધ પૂરવાની! આમ જુઓ માનવીની સમજણ અને જાગરૂકતાને મલિન કરવામાં સૌથી મોટો હાથ વાણીનો છે. હર્ષ બ્રહ્મભટ્ટનો આ શેર યાદ આવે છે.
“યે જાનતે હુએ કિ ખામોશી હૈ ઈબાદત,
ઈન્સાન જાને ક્યું ફિર બેલગામ બોલતા હૈ?”
જિંદગીની ફૂલવાડીનું પર્યાવરણ સાચવવા જે શબ્દો મુખમાંથી નીકળે, એમાં મોગરાની અને પારિજાતની સુગંધ હોવી જોઈએ. તો જ પોતાની જાતને સુગંધિત રાખી શકાય છે. જો પાસે સૌરભ ન હોય તો જિંદગીના બાગને કઈ રીતે મહેકાવી શકાય?
જિંદગી એ પ્રભુએ આપેલી મોટી મિરાત છે. આ વાત નાનક જેવા ગુરુઓ, સંતો અને સૂફીઓથી માંડી, કબીર, મીરાં, સૂરદાસ અને નરસિંહ જેવા સમજ્યાં અને એમના અમર કાવ્યોમાં પ્રાણતત્વનો, – Devine Elements- મહિમા ગાઈને પથદર્શક બની, આકાશને આંબતી ઊંચાઈ પામીને અમર થઈ ગયાં.
બાકી આપણે તો બસ, ઈશ્વરે આપેલા શ્વાસો વડે માત્ર જીવતાં રહીએ છીએ અને ઉચ્છશ્વાસોથી હવાને કદાચ દૂષિત કરતાં રહીએ છીએ.
શું એકેએક શ્વાસ લેતાં સાચા અર્થમાં આપણે જીવી શકીએ છીએ ખરાં? ખરેખર તો આ મહામૂલું જીવન આપનારા ઈશ્વરનો આભાર માનવાને બદલે જીવનને જીવી ન શકવાની આપણી અણઆવડતનું ઠીકરું પણ આપણે ઈશ્વર પર જ ફોડીએ છીએ! સાચે જ, પણ, માણસ જેટલું Ungrateful – કૃતઘ્ન પ્રાણી બીજું કોઈ નથી.
ફરજ, કર્તવ્ય, લાગણી, પ્રેમ, દયા, સન્માન અને કૃતજ્ઞતા ઈશ્વરથી અલગ નથી. આ બધાંમાંથી માત્ર કોઈ એક સદગુણને અપનાવીને આપણું કર્મ નિસ્વાર્થ ભાવે કરતાં રહીને, જીવન જીવી જઈએ તોયે ભવસાગર તરી જવાય! પણ, આપણે તો મનમરજીથી, કોઈ પણ શિસ્ત વિના જીવનારા માણસો…! અંત સમય આવે ત્યારે સમજાય કે કેટલુંયે કરવા જેવું કર્યું નહીં ને આદર્યાં અધૂરાં રહ્યાં…!
અફસોસની વાત તો એ છે કે આ બધું જ ખબર હોવા છતાં, એક ભરપૂર જીવંતતાથી ધબકતું, ઈશ્વરને હાજરાહજૂર રાખીને અવળચંડી માણસજાત જીવી શકતી નથી! ઘણીવાર તો જીવન પૂરૂં પણ થઈ જાય છે, એ જાણ્યા વિના કે શ્રદ્ધા વિના કરેલી પ્રાર્થના અને પ્રાર્થના વિના જીવેલું જીવન, વ્યર્થ છે.
“પ્રાર્થના ત્યારે ફળે છે આપણી,
‘શિલ્પ’માં આસ્થા જ્યારે મૂકાય છે.”
આમ તો આ મક્તામાં ગઝલનું સમાપન થાય છે પણ ભાવકના હ્રદયમાં કવયિત્રી વિચારબીજ તો રોપી જ દે છે. એ બીજને પાણી, હવા અને પ્રકાશનું પોષણ આપીને ઉછેરી શકાય તો તો ધન્ય થઈ જવાય.
એવું ઈચ્છીએ કે, ક્યારેક તો આ જગ પર કોઈ એવો ‘સંપૂર્ણ જીવન’ જનારો મળી પણ આવે. હર્ષ બ્રહ્મભટ્ટનો એક શેર યાદ આવે છે –
“ઉમ્મીદ હૈ કિ હમકો, મહેફિલમેં એક ઈન્શાં
દેખા હુઆ નહીં પર, સોચા હુઆ મિલેગા!”
(** હુસ્ન-ઓ-જમાલ – સૌંદર્ય અને આભિજાત્ય – Beauty & Grace)