પાવર બેન્ક ~ કટાર: બિલોરી (૧૭) ~ ભાવેશ ભટ્ટ
દરેક ક્ષેત્રમાં ક્યારેક ને ક્યારેક એવું બને છે કે, કોઈ કલાકાર પોતાની ઉચ્ચ કક્ષાની આગવી પ્રતિભાથી તેના કામ અને તેની કલાથી પણ મોટો થઈ જતો હોય છે. આવું થાય પછી એ સ્વયં પોતાનો જ અનન્વય થઈ જાય..પછી તેના વખાણ કે સરખામણી કરવા માટે બીજી બધી ઉપમાઓ કે વિશેષણ વામણા પુરવાર થાય.
લતા મંગેશકર સરસ ગાય છે, અમિતાભ બચ્ચન શ્રેષ્ઠ અભિનય કરે છે કે સચિન તેંડુલકર સુંદર રમે છે, આ વાક્યો સાચાં હોવા છતાં જેમના માટે વપરાય છે તેમની પ્રતિભા સામે બહુ તુચ્છ લાગે છે.
કૈંક આવી જ વાત ગુજરાતી ગઝલના આકાશમાં સૂર્યની માફક ઝળહળતા નામ ‘મરીઝ’ને પણ લાગું પડે છે… ‘મરીઝ ઉમદા શેર લખે છે’ આવું કોઈ વિધાન સાચું હોઈ શકે,પણ મરીઝની શખ્સીયતને પૂરતો ન્યાય આપી શકવા સમર્થ જ નથી.
આમ તો મરીઝ વિશે અને એમના શેરો વિશે જેટલું લખાઇ ચૂક્યું છે એમાં કૈં ઉમેરો કરવો એ બિલકુલ જરૂરી નથી કે એનાથી મરીઝની સાતમા આભને આંબતી પ્રતિષ્ઠામાં ધરખમ વધારો પણ નથી જ થઈ જવાનો. પણ આપણે આ વાત એટલા માટે કરવી છે કે મરીઝના મોટાભાગના શેર ભલે સાહિત્ય-જગતમાં કે લોકજીભે રોજ રમતા રહેતા હોય, છતાં તેને વાગોળવાથી વાગોળનારને તો શાબ્દિક ઓક્સિજન જ મળતો હોય છે, ઉર્જા મળતી હોય છે. માટે જ ચાલો, મરીઝની પાંચ શેરની આ પાવર-બેન્કથી આપણે પણ રિચાર્જ થઈ જઈએ.
ગગનમાં આ જગા ખાલી નથી એમાં લપાયા છે
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને
મરીઝે સૂર્ય પર જ્યારે પણ શેર લખ્યાં છે, સૂર્ય સમાન ઝળહળતા જ લખ્યાં છે. આફતાબ એટલે સૂર્ય. આપણે જાણીએ છીએ કે આકાશમાં સૂર્ય તો એક જ છે, પણ મરીઝ એ વાતને નકારે છે.
એ કહે છે કે ‘ના, સૂર્ય ખરેખર એક નથી. જેટલી જગ્યા ગગનમાં ખાલી છે એ ખાલી નથી, એ બધી જગ્યામાં સેંકડો એવા સૂરજ છુપાયા છે કે જેમને પ્રકાશિત થવાની મંજૂરી નથી મળતી.’
આપણી આસપાસની દુનિયામાં એવા ઘણા પ્રતિભાવાન લોકો હોય છે કે જેમને સમય, સંજોગ અને પરિસ્થિતિએ સાથ નથી આપ્યો. એના લીધે એ તેજસ્વી હોવા છતાં ઝાંખપના પડદા પાછળ રહીને જીવન વિતાવી નાખતા હોય છે. જાણે એકલવ્યનું પાત્ર આ શેરની વ્યાખ્યા કરતું હોય એવું લાગે છે.
વાસ્તવિકતામાં અનેક પ્રતિભાઓ તકથી વિમુખ રહેતી હોય છે, ત્યાં સુધી કે પોતાની આવી પ્રતિભા ઉપર જે તે માણસને જ નફરત થઈ જતી હોય છે. અને ઘણી વાર તો એ નાસુર જેવી લાગતી હોય છે.
રોજ તક અને પ્રતિભાને સંતકુકડીની રમત રમતા જોવું એ કૈં સહેલું નથી હોતું. કુદરતની આવી કઠોર વ્યવસ્થા પરથી મરીઝે એકદમ નમ્ર રહીને પણ પડદો ઉઠાવી લીધો છે, અને કુદરતને ઉઘાડી પાડી દીધી છે.
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ
મેં મુસીબતમાં મદદ માંગી નહીં
સમાજમાં, સાહિત્યમાં, ફિલ્મોમાં સર્વત્ર દોસ્તીનો મહિમા છે. દોસ્તીને સગપણોની કતારમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ‘કૃષ્ણ-સુદામા’થી લઈને ‘જય-વીરુ’ અને બાબા-નવાબ સુધીની દરેક જોડી હિટ છે.
આપણે પોતે નક્કી કરેલો, પસંદ કરેલો આ સંબંધ આપણા માટે ખાસ હોય છે. કહેવાય છે કે દોસ્તી લોહીનો નહીં પણ શ્વાસનો સંબંધ છે. એકબીજા માટે લૂંટાઈ જવાની,જાન ન્યોછાવર કરી દેવાની આતુરતાનો સંબંધ છે.
આ બધી વાતો/માન્યતાને સરઆંખો પર રાખીને પણ મરીઝ જ્યારે ‘દોસ્તી’ને બિલોરી કાચ મૂકીને જુએ છે ત્યારે હકીકત જરા જુદી જ નજરે પડે છે. મોટા ભાગની દોસ્તી (અપવાદનેય બાદ નહીં કરતા) લાગણીથી તરબતર ત્યાં સુધી જ જોવા મળે છે જ્યાં સુધી બંને પક્ષે વ્યવહારો સરભર રહે.
મિત્રતા પણ દુન્યવી સંબંધ જ છે અને ઘનિષ્ઠ મિત્રતાઓ પણ વ્યવહારના સંતુલન ઉપર જ ટકેલી હોય છે. જેવી કોઈ એક તરફ પરિસ્થતિ નબળી પડે (ખાસ કરીને આર્થિક) કે તરત જ લાગણીના ઉભરા શમવા લાગે છે. ઘણી ખડતલ દોસ્તીઓ તો ઉજાણીઓમાં સોલ્જરીમાં ભાગે આવતા ખર્ચનો હિસ્સો અછતના લીધે નહીં આપી શકવાના કારણે જ ડચકા ખાઇ જતી હોય છે.
આ વાસ્તવિકતાને પામી જઈને જ મરીઝ તકલીફમાં મદદ નહીં માંગીને મિત્રતાની લાજ બચાવી લે છે. કેમ કે ક્યારેક જો કચવાતા મનથી એકબે વાર નાની મોટી મદદ થઈ પણ જાય તો એ દોસ્તીના હક-પત્રકના નિયમોમાં આપોઆપ થોડાક બદલાવ લાવી દેતી હોય છે.
કદાચ એટલે જ મરીઝે એમના બીજા એક શેરમાં એવી ઝંખના વ્યક્ત કરી હતી કે ઓ ખુદા તું એવા કોઈ મોટા દિલવાળા, દિલેર વ્યક્તિનો સધિયારો આપ કે જે મારી દુઃખદ, નબળી પરિસ્થિતિને મારી તકદીર ન બનવા દે, પછી ભલેને એ મારો મિત્ર કે સ્વજન ન હોય. કોઈ પારકો કે અજાણ્યો જ કેમ ન હોય, તોય એવા કોઈ માણસની મને સંગત કરાવી દે…
હમદર્દ બની જાય, જરા સાથમાં આવે
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે
આપણે સ્તામાં જતા કોઈને સરનામું પૂછીએ તો પછી સરનામું બતાવનાર નો આભાર માનીએ છીએ. કેમ કે આપણને એની પાસેથી એટલી જ અપેક્ષા હોય છે કે એ બે ઘડી માર્ગ ચીંધીને વિદાય લઈ લે, પણ અહીંયા મરીઝ એ અજાણ્યા ‘પથદર્શક’ની વાત નથી કરતા, પણ જીવનમાર્ગ પર જે આપણી સાથે લાગણીના તાંતણાથી જોડાયેલા હોય એવા કોઈ હમસફરની વાત કરે છે.
જયારે આપણા સ્વજનો આપણી મુસીબતમાં શિખામણ ને બોધપાઠ આપવાનું જ કામ કરે ત્યારે ત્યારે આવા કોઈ હમદર્દ કે હમસફર ન હોવાનો ખાલીપો કે મૂંગી ફરિયાદ આપણી આંખોમાં તરવરે છે.
કોઈ ક્ષમતાથી વધુ ભાર ઊંચકીને લડખડાતો માણસ માર્ગ પૂછે તો એને ફક્ત રાહ ચીંધવી એટલું પૂરતું નથી હોતું પણ એના ભારમાં ભાગ પડાવી એને એના મુકામ સુધી સાથ આપવાની વાત મરીઝ કરે છે.

આ શેરમાં આપણા અલ્પ-સંવેદનશીલ સમાજ ઉપર હળવો વ્યંગ છે. અહીં ‘હમદર્દ’ શબ્દ પણ શેરના હૃદય સમાન છે. બીજાના દર્દને પોતાનું સમજી એમાં સહભાગી થનાર એટલે ‘હમદર્દ’, પણ આ શબ્દને તો હવે સરકાર ‘હેરિટેજ’ ઘોષિત કરી દઈ શકે એટલી હદે સમાજમાંથી આ પ્રજાતિ લુપ્તપ્રાય થઈ ગઈ છે..
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો
કવિઓને આપણા સમાજમાં વિચારક, ફિલસૂફ, સ્પષ્ટવકતા અને વિદ્વાનની ઉપાધિ આપવામાં આવી છે. સામાન્ય માણસની નજર ઘટનાની સપાટી પર અટકી જતી હોય છે પણ કવિની દ્રષ્ટિ એ સપાટીને ચીરીને ઘટનાનો નગ્ન ચિતાર પામી જતી હોય છે.
કોઈ સંવેદનશીલ વ્યક્તિ બીજાની વ્યથા, વ્યાધિ,સંતાપને પોતાની સમજણથી હૃદયને સંદેશો પહોંચાડીને થોડી ઘણી અનુભવી શકે છે, જ્યારે કવિ તો સીધો એ વ્યક્તિમાં પરકાયાપ્રવેશ કરીને જ એની અવસ્થાને પૂરેપૂરી અનુભવતો હોય છે.
મરીઝને અહીંયા જરા જુદી વાત કહેવી છે કે કવિ જેટલું જુએ છે, અનુભવે છે એ બધું જ વ્યક્ત કરી શકે એવું નથી હોતું. અંતે તો કવિની રજુઆત પણ ઘણા પાસાઓને અવલંબિત કે આશ્રિત જ હોય છે. ક્યારેક શબ્દભંડોળ કે ક્યારેક કાવ્યપ્રકાર સાથ નથી આપતા અથવા પૂરતા નથી હોતા.
ગાલિબે પણ એક શેરમાં કહ્યું હતું કે મારે જે વાતો કહેવી છે એના માટે આ ગઝલનું ફોર્મ (મીટર) મને બહુ નાનું પડે છે. એના માટે હજી કૈંક મોટો અવકાશ હોવો જોઈએ.
…મતલબ કે હજી આપણું ભાષા-શાસ્ત્ર અને ભાષા-ભંડોળ હૃદયની ઊર્મિઓ સામે સરખામણીમાં સીમિત છે.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા
દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો
આ શેરમાં જે પાત્રની વાત કરવામાં આવી છે, મારા ખયાલ મુજબ વિશ્વ-કવિતામાં પણ કદાચ કોઈ કવિ આ પાત્રની નજીક નહીં પહોંચ્યો હોય.
આપણે એવી વ્યક્તિને ઘણી વાર જોતા, મળતા, જાણતા હોઈએ છીએ કે જેની સાથે સમય ગાળવાથી જાણે સ્વર્ગમાં રાચતા હો એવો આનંદ, એવી અનુભૂતિ થતી હોય. એ વ્યક્તિની નિઃસ્વાર્થ વાણી, હાવભાવ, વિષય, નિસ્બત એટલી બધી નિખાલસ અને આકર્ષિત કરનારી હોય છે કે એની સોબતમાં દુનિયાના બધા દુઃખો ભુલાઈ જાય. પણ એવું ય બને કે ઇશ્વરીય-જગતના ધારા-ધોરણો, કાયદા આ મનુષ્ય-જગતથી જુદા પણ હોય, વિપરીત પણ હોય.
અહીં સ્વર્ગનો એહસાસ કરાવનાર કોઈ વ્યક્તિ મૃત્યુ પછી ઈશ્વર નિર્મિત નર્કમાં પણ જઈ શકે છે. અને જો આવું થતું હોય તો ઈશ્વરની યોગ્યતા અને વિશ્વસનીયતા ઉપર ન્યુઝ રીડરની ભાષામાં ‘સવાલિયા નિશાન’ ઊભું થાય છે.
મરીઝે આ રીતે જ જીવનની અસંખ્ય બારીક બાબતને પોતાના નોખા દ્રષ્ટિકોણથી ગઝલમાં મૂકી છે કે જે અન્ય ગઝલકારના પરિપેક્ષમાં આવે જ નહીં અને આવે તો પણ એ કાવ્યત્વથી અલિપ્ત જ રહે.
જે શાયરના શેરો એક ચિકિત્સકની જેમ વાચક/શ્રોતાના હૃદયમાંથી દુઃખ, હતાશા દૂર કરી જોમ અને ઉત્સાહ ભરી દેતા હોય એવા શાયરનું નામ પાછું ‘મરીઝ’ નીકળે એ કેવું!?
હા, ગુજરાતી સાહિત્યમાં આવો સુખદ વિરોધાભાસ સર્જાયો એ દરેક ગુજરાતી માટે ગૌરવ કરતાય એક ઓથ, આશરો, ટેકો કે નિદાન મળ્યાંના આનંદની વાત છે.
એટલે મરીઝનું કવિત્વ એના વ્યક્તિત્વને જ નહીં પણ ગુજરાતી સાહિત્યને વધારે વિરાટ બનાવે છે, જ્યાં સુધી મરીઝનું નામ રહેશે ત્યાં સુધી ફક્ત ગુજરાતી ગઝલ નહીં પણ ગુજરાતી ભાષાનેય આંચ નહીં આવે.
***