‘અનિષ્ટ શંકા’ (કથા) ~ લેખક : પ્રેમચંદ મુનશી ~ ભાવાનુવાદ: ‘અમંગળ એંધાણ’ – રાજુલ કૌશિક
પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા “ અનિષ્ટ શંકા’ને આધારિત ભાવાનુવાદ. ‘અમંગળ એંધાણ’
ચાંદની રાત, મંદમંદ વહેતો પવન, સુંદર ઉપવન.. અને આ બધાથી પર એવા કુંવર અમરનાથ મનોરમાને કહી રહ્યા હતા, “જરાય ચિંતા ના કરતી. હું બનશે એટલી ત્વરાએ પાછો આવીશ.”
“મને સાથે કેમ લઈ નથી જતા?”
કુંવર મનોરમાને સાથે લઈ તો જાય પણ રાખે ક્યાં, ખુદ એક જગ્યાએ રહી શકે એમ નહોતા. પહાડી પ્રદેશ, જંગલ, રાની પશુઓનો ડર અને ક્યાંય સુધી વસ્તી જ ન હોય ત્યાં મનોરમાને કેટલી અગવડ વેઠવી પડશે એ જાણતા હતા.
“તો તમનેય આ બધી તકલીફ તો પડશે જ ને?” મનોરમાને ચિંતા તો હતી જ.
અમરનાથ એને સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, એ પુરુષ છે. જરૂર પડે તકલીફોનો સામનો કરી શકશે. તો સામે મનોરમા પણ કહેતી હતી કે, સ્ત્રીઓની કોમળતા વિશે જે લખાય છે એ કાવ્ય કલ્પનાઓ છે એનાથી વિશેષ સ્ત્રીમાં ધૈર્ય અને સાહસ પણ હોય છે.
મનોરમા જાણતી હતી કે કુંવર વગર એનું જીવન દોહ્યલું બની જશે. જ્યારે કુંવર એની નજર સામે ન હોય ત્યારે કેટ કેટલા અનિષ્ટ વિચારો, શંકા કુશંકાથી મનને ઉચાટ અને ઉદ્વેગ થશે એની એને જાણ હતી.
******
બુંદેલખંડ પર ભયાનક દુકાળના ઓળા ઉતરી આવ્યા હતા. ખાવાના સાંસા પડવા માંડ્યા. પેટ ભરવા લોકો વૃક્ષોની છાલ ખાવા માંડ્યા હતા. ભક્ષ્યાભક્ષ્યનો ભેદભાવ ભૂલાઈ ચૂક્યો હતો. પશુઓની વાત તો દૂર માનવસંતાનો કોડીના ભાવે વેચાવા માંડ્યા હતાં. મુઠ્ઠીભર અનાજ માટે માતા એમની મમતા કુરબાને કરી દેતી.
વર્તમાનપત્રોમાં આ સમાચાર સિવાય જાણે બીજું કશું છપાતું નહીં. કુંવર અમરનાથ કાશી-સેવા સમિતિના વ્યવસ્થાપક હતા. એમણે કેટલાક નવયુવાનોને લઈને બુંદેલખંડ પહોંચવાનો નિર્ણય કર્યો.
બસ આ વાતને લઈને મનોરમા અત્યંત ચિંતાતુર હતી. કુંવરે રોજનો એક પત્ર લખશે અને શક્ય એટલા જલદી પાછા આવશે એવી ખાતરી આપીને રમાને મનાવી લીધી.
એક સપ્તાહ સુધી તો આ ક્રમ બરાબર ચાલ્યો, પરંતુ ધીમે ધીમે એમાં વિલંબ થવા માંડ્યો. એક તો સમય એવો અને પોસ્ટઑફિસ એટલી દૂર હતી કે રોજે પત્ર મોકલવાનું શક્ય નહોતું,
પત્ર ન મળતાં મનોરમાની દશા અવદશામાં પલટાવા માંડી. દિવસો ઉદાસીમાં જવા માંડ્યા. જ્યારે પત્ર મળે ત્યારે સૂકા પર્ણો પર પાણીનાં બુંદોથી આવે એવી તાજગી મનોરમાના ચહેરા પર આવતી. કુંવરની સાથે જવાનું માંડી વાળ્યું એની પર પારાવાર અફસોસ થવા માંડ્યો. આજ સુધી એને પુસ્તકો પર ખૂબ પ્રેમ હતો, પણ હવે પુસ્તક હાથમાં રહી જતું અને મન કુંવરના વિચારોમાં ખોવાઈ જતું. આમ ને આમ એક મહિનો પસાર થઈ ગયો.
માંડ ઊંઘ આવતી તો બિહામણા સપનાથી એ જાગી જતી. એક દિવસ સપનામાં ઘરનાં દ્વાર પર અમરનાથને ઉઘાડા પગે અને ઉઘાડા માથે ઊભેલા જોયા. સફાળી જાગીને દ્વાર પર દોડી. સન્નાટા સિવાય બીજું કંઈ ન જોતા વાસ્તવિકતામાં પાછી ફરી. તાત્કાલિક મુનીમને બોલાવીને તાર કરાવ્યો. એનો પણ કોઈ જવાબ ન આવતા એની પરેશાની એક હદથી વધતી ગઈ.
જેની પાસે પોતાના સપનાની વાત કરતી તો દરેક પાસે એના અલગ અર્થ મળતા. કોઈ કહેતું કે આ મંગળ સમાચાર પહેલાનું સપનું કહેવાય. સપનામાં ઉઘાડા પગ જોયા એનો અર્થ કુંવર ઘોડા પર સવાર છે, કુશળ છે. મનોરમાએ પોતે પણ સપનાનો અર્થ શોધવા કેટલાય થોથા ઉથલાવી નાખ્યા પણ મનને સમાધાન થાય એવા કોઈ અર્થ ન મળ્યા.
કોઈ મહોલ્લામાં મદારી આવે અને બાળવૃંદ ખેલ જોવા દોડી આવે એમ મહોલ્લામાં જ્યોતિષીના આગમનનું પણ સૌને એટલું જ આકર્ષણ રહેતું. એક ક્ષણમાં સઘળે ખબર પહોંચી જતી અને સ્ત્રીઓના ટોળાં એકઠા થઈ જતા. જ્યોતિષીજી સૌની ભાગ્ય-રેખાઓ ઉકેલીને સુખ-દુઃખનું સરવૈયું કાઢતા. જ્યોતિષી કોઈ ભગવાન નથી હોતા પરંતુ ભાગ્યની રેખાનો ઉકેલ જાણે એ લઈને આવ્યા હોય એમ એમના કથન પર સૌને વિશ્વાસ રહેતો. મનમાં આશા કે ભયનો સંચાર જ્યોતિષીના કથન પર નિર્ભર રહેતો.
કુંવરને તાર મોકલ્યાને આજે પાંચમો દિવસ હતો. જ્યોતિષીના આગમનના સમાચારથી મનોરમાનાં મનમાં ઉત્તેજના વ્યાપી ગઈ. સપનામાં કોઈ વ્યક્તિને ઉઘાડા પગે અને ઉઘાડા માથે ઊભેલા જોયા હોય તો એનો અર્થ જાણવા તાત્કાલિક જ્યોતિષીને તેડાવ્યા અને સપનાનો ઉકેલ પૂછ્યો. જ્યોતિષી પાસે આમ તો આનો કોઈ જવાબ નહોતો પણ સરકારને જવાબ આપ્યા વગર ક્યાં ચાલે એમ હતું? મનોરમાની વાતમાં એમને આશંકા અને અમંગળ સૂર પડઘાતો લાગ્યો એટલે વધુ વિચાર્યા વગર એ સપનું અમંગળસૂચક છે એવો સરકારના સૂરમાં સૂર મેળવી દીધો. ભાવિ ભાખ્યું કે, એ વ્યક્તિ પર કોઈ મોટું સંકટ આવશે, એમના ઘરનો નાશ થઈ જશે અને દેશ-વિદેશ આમ ઉઘાડા માથે અને ઉઘાડા પગે ફરવાના દિવસો આવશે એવું કથન કરી દીધું. મનોરમાએ સપનામાં કુંવરને આવી દશામાં જોયા હતા એવી કોઈ સ્પષ્ટતા કરી હોત તો કદાચ જ્યોતિષીએ વિચારીને જવાબ આપ્યો હોત.
બસ જ્યોતિષીના શબ્દો સાંભળીને મનોરમા સિતારના તારની જેમ થર-થર કાંપવા લાગી. બેહોશ થઈને પડી ત્યારે જ્યોતિષીને ખ્યાલ આવ્યો કે વિચાર્યા વગરના એમના શબ્દે શું અનર્થ સર્જી દીધો છે. પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો કોઈ અર્થ નહોતો તેમ છતાં જ્યોતિષીએ પોતાની સિદ્ધિઓની ગાથા ગાઈ વગાડીને મનોરમાને સંકટનું નિવારણ કરી શકાશે એવા ઠાલા આશ્વાસન આપવાના પ્રયાસો તો કરી જ જોયા.
******
ચિંતાતુર મનોરમાએ અમરનાથને પોતે આવી રહી છે એવું જણાવતો તાર મૂકી દીધો અને બુંદેલખંડ જવાનો નિર્ણય અમલમાં મૂકી દીધો.
અમરનાથની ચિંતામાં મનોરમાએ કેટલાય દિવસોના ઉજાગરા વેઠ્યા હતા. ટ્રેન ઉપડતાં જ એ ઝોકે ચઢી. તંદ્રાવસ્થામાં પણ એને સતત ઉઘાડા માથે, ઉઘાડા પગે ફરતા અમરનાથ દેખાયા. અનિષ્ટ સપનાંની જાણે વણઝાર ચાલી. ઘડીમાં મઝધારમાં ડૂબતી નાવમાં ઉઘાડા માથે, ઉઘાડા પગે ઊભેલા, તો ઘડીકમાં વીજળીના કડાકાભડાકા વચ્ચે તોફાનની આંધીમાં ઘેરાયેલા અમરનાથને જોયા. તો વળી ઘડીકમાં પર્વતની ટોચ પર ઉઘાડા માથે, ઉઘાડા પગે ફરતા અમરનાથ દેખાયા. એમને પર્વતની ટોચ પરથી નીચે આવવું હતું પણ કોઈ રસ્તો મળતો નહોતો. એવામાં ફરી વીજળીનો ભયાનક કડાકો થયો અને એમાંથી એક જ્વાળા ઊઠી. એ જ્વાળામાં અમરનાથને અદૃશ્ય થતા જોયા.
અનિષ્ટની કુશંકાથી ઘેરાયેલું એનું મન એન ઝંપવા દેતું નહોતું. “મને જો આવા ભયાનક દૃશ્ય દેખાડો છો તો એમની શું હાલત થઈ હશે?” એવું વિચારતા એ ઈશ્વરને એ કરગરી રહી. “મને ધન કે સંપત્તિની અપેક્ષા નથી, પણ પ્રભુ એ કુશળ હો એવી મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો”
વળી માંડ આંખ મળી અને થોડી ક્ષણો પછી એણે અમરનાથને એક પુલ પર ઘોડા પર સવાર થઈને આવતા જોયા. નીચે તોફાની નદી, નબળો પુલ, ભડકેલો ઘોડો. ઘોડો નદીમાં ખાબકે એ પહેલાં અમરનાથને ઘોડા પરથી કૂદી પડે એમ કહેવા મથતી મનોરમાથી ચીસ પડાઈ ગઈ અને એ સફાળી ઝબકીને જાગી ગઈ.
સનસનાતી ટ્રેન કોઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચવામાં જ હતી. દૂર અમરનાથ ઉઘાડા પગે અને ઉઘાડા માથે ઊભા હતા. મનોરમા તો હજુ એ સપનાના ઓથાર નીચે જ હતી. એને લાગ્યું કે ભડકેલા ઘોડા પર સવાર કુંવર નદીમાં ખાબકવાની તૈયારીમાં છે અને તંદ્રાવસ્થામાં જ હજુ ધીમી નહોતી પડી એવી ટ્રેનનું બારણું ખોલીને કુંવરને રોકવા દોડી.
જોરથી એક ધક્કો લાગ્યો અને જાણે કોઈએ એને આકાશ પરથી નીચે જમીન પર ફેંકી દીધી ક્ષણવારમાં એ ચેતના શૂન્ય બની ગઈ.
આ કબરઈનું સ્ટેશન હતું. તાર મળ્યો એટલે અમરનાથ સ્ટેશન પર મનોરમાને લેવા આવ્યા હતા. હાથ ફેલાવતી મનોરમાને એમણે ટ્રેનમાંથી કૂદી પડતી જોઈ. એને રોકવા આગળ વધે એ પહેલાં તો કર્મના લેખા પૂરા થઈ ગયા હતા. મનોરમાએ પ્રેમવેદી પર પોતાના જીવની આહૂતિ આપી દીધી હતી.
આ ઘટનાના ત્રીજા દિવસે ભગ્નહૃદય અમરનાથ ઉઘાડા માથે, ઉઘાડા પગે ઘેર પહોંચ્યા. આ પ્રેમવિહીન ઘરમાં હવે કોઈ નહોતું. અમરનાથે પોતાની સંપૂર્ણ સંપત્તિ કાશી-સેવા સમિતિને આપી દીધી. હવે એ ઉઘાડા માથે, ઉઘાડા પગે, વિરક્ત દશામાં દેશ-વિદેશ ફરતા રહે છે.
સપના અંગે જ્યોતિષીની આલોચના સત્ય બની રહી.
***
આભાર હિતેનભાઈ, જયશ્રીબહેન.