દુહા ~ અને ગઝલ ~ ભાવેશ ભટ્ટ

૧.  દુહા

કઠિયારો તાકાતનું એમ કરાવે ભાન
ડાળી જે ના તૂટતી એના તોડે પાન

એને દેવો હોય છે સાચુકલો આરામ
તેથી ગમતા લોકને રાખે છે ગુમનામ

રોજ કતારો લાગતી થાય ન દર્શન પ્રાપ્ત
વારો આવે માંડ ત્યાં ઈશ્વર થાય સમાપ્ત

દેખીને વાંધો પડ્યો, સૂતો છે દરવાન
જાણ પછીથી થઈ કે છે એનું ખુદનું મકાન!

કાયમ કુમળા સત્યનું માથું ક્યાંક કપાય
કઈં કેટલી આંખમાં સ્મારક એના સ્થપાય

સંજોગોની ટોળકી કરતી ઝૂંટાઝૂંટ
ધોળે દહાડે ચાલતી હાવભાવની લૂંટ

એક ટપાલી આંગણે આવીને મૂંજાય
રંગોળી પર કેમની કાળોત્રી ફેંકાય

~ ભાવેશ ભટ્ટ

 

૨.  “થયા ભગવાનના…..!” ~ ગઝલ

જેની છાયામાં ભજનકીર્તન થયા ભગવાનના
કોડ જાગ્યા છે હવે એ વૃક્ષને ગુણગાનના

ચોખવટની એક્ સળીથી કાન ચોખ્ખા ના કરે
કાન ભરનારાથી પણ દોષી છે કાચા કાનના

જો ઈશારો પણ કરો તો ના નહીં પાડે પછી
જે કહે છે કે ‘અમે ભૂખ્યા નથી સન્માનના’

આપણા મેળાપ વખતે ક્યાંક ઝાંખી ના પડે
કૈંક કિસ્સા સાંભળું છું રોજ તારી શાનના

જોઈએ છે જીવને તો કોઈ સથવારો ફ્કત
કૈં નથી વાંધો, બને જો કોઈ દુશ્મન જાનના

રાહ દેખીને ચમત્કારોની સૌ બેસી રહ્યા
પણ ફરિશ્તા નીકળ્યા છે આગ્રહી વિજ્ઞાનના

કોઈનાથી પણ નહીં રોકાય દુનિયાનું પતન
પ્રશ્ન જ્યારે કોઈને રહેશે નહીં ગુજરાનના

~ ભાવેશ ભટ્ટ

૩. વાપર્યા છે…….! ~ ગઝલ

ખુદના તો શું પારકાંના પણ ભરોસા વાપર્યા છે
માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે

તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી ?
કાચ તૂટ્યો હોય બારીનો તો પૂંઠાં વાપર્યા છે

એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી
કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે !

તું ય ઈશ્વર સૌની માફક મારા ઘરમાં ડોકિયાં કર !
ઘી કયું આવ્યું ને કેવાં દાળ ચોખા વાપર્યા છે ?

ચૂકવી ધરપત છતાં સામે કશું પણ મેળવ્યું નહિ
કોઈએ નહિતર ખજાનાના ખજાના વાપર્યા છે

સામટા વરસોને ખોબામાં ઝીલી મુઠ્ઠીઓ વાળી
એમાં અડધાં ખોઈ નાખ્યા છે ને અડધાં વાપર્યા છે

મોર છે પણ મ્હેલવાસીઓથી સુંદર હોય ક્યાંથી !
ચિત્રકારે રંગ તેથી સ્હેજ આછાં વાપર્યા છે

એક સરખી આંખ ચમકે સૌની, પણ છે ફર્ક એમાં
ના મળ્યા જેને સિતારા એણે તણખા વાપર્યા છે
~ ભાવેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. કઠિયારો તાકાતનું એમ કરાવે ભાન
    ડાળી જે ના તૂટતી એના તોડે પાન👌🏿👌🏿👌🏿