આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧૫ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૧૫

પ્રિય નીના,

સમય કેવો ઊડે છે? જોતજોતામાં તો આ મહિને, આ દેશમાં ૩૬ વર્ષ વીતી ગયા!!

તારો પત્ર વાંચીને ઊંડા વિચારોમાં ડૂબી જવાયું. તેં વર્ણવેલી ઘટના અતિશય દુઃખકારી છે. એમ લાગે છે કે જીવનની પાયાની સમજણ જ્યાં કાચી હોય છે ત્યાં આવા અનેક બનાવો બનતા હોય છે. એક વાત તો સાચી જ છે કે, માણસ એટલે  માણસ + સંજોગોનો સરવાળો.

વિદેશની ધરતી લપસણી તો છે જ અને એવી ભૂમિકા પર પ્રલોભનોની મેનકા પ્રવેશે ત્યારે સંયમનું પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે. કુમળી વયના ભારતીય છોકરા-છોકરીઓના સંસ્કારો ઉપર સ્વતંત્રતાને નામે જાણે અજાણે પાશ્ચાત્ય રંગોના લેપ રોજ ચડતા રહેતા હોય છે. પરિણામે  આવી દુર્દશા સર્જાય છે.

Teenage Drug Addiction: Why They Use Harmful Substances - Rehab Spot

આનો ઉકેલ તો માત્ર અને માત્ર વ્યક્તિની પોતાની અંગત સજાગતા જ હોઈ શકે. કોઈ કંઈ કરી ન શકે. હા, આવા દાખલાઓ નજર સામે દીવાદાંડીની જેમ રાખી કે બતાવીને ભાવિ પેઢીને કદાચ બચાવી શકાય.

ચાલ નીના, હવે આમાંથી બહાર આવી જઈએ? દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય. એને તો સમજણપૂર્વક ઉડાડી દેવાનું હોય. બરાબર ને? બાકી તો “ઝુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.”

સાંભળ. એક જુદી વાત કરું. જેમ અન્ય દેશો કરતાં આપણે ત્યાં (ભારતમાં) પાયાની શિક્ષણ-પધ્ધતિ પાકી છે; તેમ મેં જોયું કે અમેરિકાની શિક્ષણ પધ્ધતિમાં એક વાત ખૂબ આવકારદાયક છે. તે એ કે અહીં વિદ્યાર્થીઓમાં જે સારી આવડત છે તેને ખૂબ સરસ રીતે ખીલવવામાં આવે છે. નાનામાં નાની સારી આવડત, સૂઝ કે કલાને યોગ્ય રીતે વિકસાવવામાં આવે છે.

What Do Top U.S. Companies Think Schools Could Do Better? We Asked

કોઈની વાંચનશક્તિ સારી હોય, કોઈની આંકડા સાથે ફાવટ હોય કે કોઈને ઈતિહાસ-ભૂગોળમાં વધુ રસ હોય તો તેને તે તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલું જ નહિ તેને માટેની યોગ્ય તકો પણ ઊભી કરી, પૂરી પાડવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળે છે. કદાચ એટલે જ America is a land of opportunity ગણાય છે.

A great story from when America was still the Land of Opportunity |  Sovereign Research

આને કારણે શૈક્ષણિક રીતે તેજસ્વી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રો સર કરવા માંડ્યા છે, વિકસવા અને વિસ્તરવા માંડ્યા છે. ઘણા બધા દાખલા અને નામો નજર સામે આવે છે ત્યારે ગૌરવની લાગણી અચૂક થાય છે જ.

એ ઉપરાંત, નીના, અહીં માનસિક અને શારીરિક જન્મજાત ખામીયુક્ત બાળકોને માટે પણ ખૂબ સુવિધાઓ આપવામાં આવે છે. કશી જ આશા ન હોય અથવા તો લગભગ અશક્ય હોય તેવી ખામીઓને અહીં ખૂબ ખૂબીપૂર્વક સુધારવામાં આવે છે અને ધીરે ધીરે પણ વ્યવસ્થિત રીતે એવા બાળકો ઘણી રીતે વિકસિત થતા આંખ સામે જોયાં છે.

Importance of Special Education for Special Children

આ આખો એક એવો નવો મુદ્દો છે એ વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે. એટલાં બધા આવા પ્રસંગોની વિવિધતા વહેંચી શકાય કે જાણે એક પુસ્તક લખી શકાય! અમારા જ શહેરમાં એવી સુંદર સેવા બજાવનાર શિક્ષિકાઓના અનુભવો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પણ લખાતા રહે છે. ત્યાં યુકે.માં પણ કદાચ એમ જ હશે. જાણીને પ્રકાશમાં લાવવું ગમશે. કદીક જરૂર લખજે.

હવે છેલ્લે એક મઝાની વાત.. હમણાં નેટસર્ફીંગ કરતાં કરતાં બકુલ ત્રિપાઠી વિષે વાંચવા મળ્યું. ગુજરાત સમાચારમાં ૪૩ વર્ષ સુધી તેમણે કોલમ લખી હતી. તને યાદ હશે જ કે તેઓ ‘ઠોઠ નિશાળિયો ‘અને ક્કકો અને બારાખડી”ના શીર્ષક હેઠળ લખતા.

બકુલભાઈને યાદ કરીએ ને એમનો ચહેરો નજર સામે આવે તો પણ હસવું જ આવે.

Fafda, Jalebi, Chattani by Bakul Tripathi

એ હાસ્યલેખક જ નહિ પરંતુ પૂરેપૂરા હાસ્યના અવતાર હતા. કહેવાય છે કે, તેઓના હંમેશાંથી ત્રણ સ્વપ્ના રહ્યાં હતાં. બેંક લૂંટવી, સફેદ અરબી ઘોડાં પર સવારી કરવી અને દાઢી- મૂછ રાખવી. પરંતુ બેન્ક લૂંટવા માટે બંદૂક ચલાવવી પડે અને તે માટેની હિંમત ને આવડત તેમનામાં ન હતી. તેઓ અઢી વાર ઘોડા પર બેઠા હતાં પરંતુ ઘોડાના દગાને કારણે ઘોડેસવારી પણ કરી શકે નહિ. દાઢી-મૂછ રાખવી હતી પરંતુ પત્નીને ન ગમે તેથી તેમનું દાઢી-મૂછનું સ્વપ્ન પણ પૂરુ થઇ શક્યું ન હતું.

આથી તેમણે વિચાર્યુ આખરે એક જ સ્વપ્ન એવું કયું? એ થ્રી ઈન વન સ્વપ્ન હતું “ગુજરાતી ફિલ્મ માં હીરો થવાનું”. હીરો થાય તો ભલે શૂટિંગ પૂરતી પણ દાઢી-મૂછ તો લગાવી શકાય! દબડાક-દબડાક ઘોડેસવારી કરી શકાય અને એ ઘોડે ચઢીને પ્લોટમાં ગોઠવણ હોય તો બેન્ક પણ લૂંટી શકાય! આ તેમનું થ્રી ઇન વન સ્વપ્ન ‘વીર ફિલ્મ એક્ટર‘ થવાનું!

આશા રાખું કે મૂડને બદલવાનો મારો આ પ્રયાસ તને શાતા આપશે અને તારા પ્રત્યેની મારી આ લાગણીસભર છાલક થોડી આનંદપૂર્વક ભીંજવશે!

દેવીની યાદ.
એપ્રિલ ૯, ૧૬

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. devika ben it’s true. my sister son disabled born- mentaly- in india admited in BMINSTITUTE AT AHMEDABAD. after 3 months BM insti. rejected him to attened, mean while i was filed pitition in 1978 my sister family come usa with in 7 months. than son was 5 yrs old we admited primery school, school test and sujested for special school. school do everything after signed paper by my sister. day by day teach slowly . also every 6 months school take his IQ. test also health test for specialist dr’s. at 8th grade they admited for vocational school. after trainingschool provide part time job at age17, than after school graduation (sp school) he got his driving lice , drive car do job