ઝાંઝરી ગોતો.! ~ તાજા કલામને સલામ (૨૧) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: રિન્કુ રાઠોડ ‘શર્વરી’ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ઝાંઝરી ગોતો………..!
સૂની થઈ ગઈ જાત ને થ્યા સૂનાં રે ઘરબાર,
મારી ઝાંઝરી ગોતો.
ક્યાંક ભૂલી જઈશ હું છું અસ્ત્રીનો અવતાર,
મારી ઝાંઝરી ગોતો.
બાપુને ત્યાં આંગણામાં રમતાં- રમતાં
કેટલીયે વાર ખોઈ ‘તી,
અહીંયા ઘરના ખૂણામાં ખોઈ હશે ભરથાર,
મારી ઝાંઝરી ગોતો.
ચૂંદડીનું સ્થાન કાળા કાપડાએ લીધું તો
અંધાર વ્યાપી ગ્યો,
એ પછી મેં કોઈને કીધું નથી સરકાર,
મારી ઝાંઝરી ગોતો.
રોજ અહીંયા ઠેસ વાગે, કાંટા વાગે,
એ દરદને કોણ ગણકારે?
સૂના પગમાં વાગે છે બહુ દુનિયાની ફટકાર,
મારી ઝાંઝરી ગોતો.
બે ઘડી એના લીધે આ આયખાની અધૂરપો
તો ઢંકાઈ જાશે લ્યો,
બસ, અધૂરો લાગવો ના જોઈએ શણગાર,
મારી ઝાંઝરી ગોતો.
~ રિન્કુ રાઠોડ ‘શર્વરી‘
~ આસ્વાદ: જયશ્રી મરચંટ
આ ગીતનુમા ગઝલ અને ગઝલનુમા ગીતમાં “ઝાંઝરી ગોતો”ના શબ્દોનો લય સાચા અર્થમાં તો એક સ્ત્રીના જીવનની અણકહેલી અને મોઘમ રહેલી સફર પર ભાવકને લઈ જાય છે.
પિતાના ઘરમાં વિતાવેલા રૂમઝુમ રમતાં બાળપણમાં ખુલીને ખોવાતી ઝાંઝરી, યુવાનીના વાસંતી ફાગણના કેફમાં મદહોશ બનીને ખોવાતી ઝાંઝરી, અને છેલ્લે પતિના ગયા પછીના એકલવાઈ જિંદગીએ કોઈ પણ વિકલ્પો આપ્યા વિના જ ઉતરાવીને, જાણીને આડે હાથે મૂકેલી ઝાંઝરીને આ દરેક સ્થિતિમાં એક વાર્તા કહેવી છે.
તેમાં ખુશીના મેઘધનુષી રંગો છે, વ્યથા છે, વેદના છે અને અનાયસે આવી ચઢેલી પરિસ્થિતિને કારણે સર્જાયેલી એકલતા અને કમીઓનો અધૂરો મૂકી દીધેલો, ડૂસકાં ભરતો એકરાર પણ છે.
કવયિત્રીએ ઝાંઝરીને અહીં જિંદગીની જીવંતતા દર્શાવતાં, ખૂબ સુંદર રીતે પ્રતિકાત્મકતાથી રજુ કરી છે.
કાવ્યનો ઉઘાડ થાય છે, અનાયસે જીવનમાં વ્યાપી ગયેલા સૂનકારથી સુન્ન થઈ ગયેલી સ્ત્રીની હયાતીથી, જેના ઘરબાર હવે સન્નાટાથી ભરાઈ ગયાં છે. આ પંક્તિઓમાં ન પાડી શકાયેલી ચીસ સંભળાયા વિના રહેતી નથી. જેનું તન, મન અને ઘર બધું ઉત્સાહની સતત ઉજવાતી રસલ્હાણમાં તરબતર હતું, ત્યાં આજે સૂનકાર સિવાય બીજું કંઈ સાંભળી શકાય એમ નથી.
આમ તો બદલ્યું કંઈ જ નથી પણ મનના માનેલાના, પતિના ચાલ્યા જવાથી નાયિકા અનુભવે છે કે એનામાં એક સ્ત્રીપણું જ બાકી નથી રહ્યું! સાજ-શણગાર અને આનંદમાં રહેવાનો એનો અધિકાર સમાજની ઘરેડમાં પીસાઈ ગયો છે. એને એ જ અદાઓથી રૂમઝુમ ફરીને ચાલવું છે, ઝાંઝરીની ઘૂઘરીઓના રવમાં એના અંતરના કોડ અને ઉમંગનો પડઘો પડતો હતો જેને કારણે એની અંદર રહેલું સ્ત્રીપણું પણ ઝણઝણતું રહેતું હતું.
આજે એ ઝાંઝરી શરીર પરથી સાપ કાંચળી ઉતારે એમ ઉતારવાની ફરજ પાડવામાં આવી છે, પણ, એને એ ઝાંઝરી અને એ જિંદગી પાછી જોઈએ છે. અને એને માટે એનું સુષુપ્ત મન એક રીતે જુઓ તો બળવો પણ પોકારે છે અને બળાપો પણ કરે છે.
બચપણમાં પાતા-પિતાને ઘેર આમથી તેમ ફેરફુદડી ફરતી અને આંગણાંમાં સહિયરો સાથે રમતાં રમતાં કેટલીયે વાર પગની ઝાંઝરી ખોવાઈ જતી. અને, ફરી કાં તો એ મસ્તી અને ઉમંગની ઘૂઘરીઓથી ગૂંથાયેલી ઝાંઝરીઓ મળી જતી અથવા નવી આવી જતી.
માતા-પિતાના ઘરે તો દીકરી નાનપણથી જ એવા લાડપ્રેમ અને મસ્તી તોફાનમાં હવામાં જ ઊડતાં ઊડતાં, દોડતી હોય અને દોડતાં દોડતાં પગ જમીન પર પણ મૂક્યાં વિના જાણે હવામાં ઊડતી હોય…!
એ મધુર શૈશવ તો પતિના ઘરે આવતાં જ ક્યાંક ખોવાઈ જાય છે. પણ એનાં સ્વામી સાથે છે તો પતિને કહીને એ રમતિયાળ, રણકતાં બચપણને યાદ કરી લે છે. ક્યાંક એવી પણ છાની આશા રાખે છે કે અભિસારની કોઈ એવી રિસામણાં મનામણાંની રમતિયાળ પળોમાં એ ઝાંઝરીમાં ધબકતી મુગ્ધવયની ઉમંગો ફરી અનુભવી લેવાય!
અને, ઓચિંતું જ એવું કંઈ બને છે કે એ ઉમંગભરી તોફાની પળોના રંગોને કાળ એની કાળાશથી આવરી લે છે. પતિના જતાં જ આસમાની રંગની ચુંદડીમાં ચમકતાં આભલાં પણ અંધકારમાં ગર્ક થઈ જાય છે. અને, પછી એના હોંઠો પર સો મણનું તાળું લાગી જાય છે.
ઝાંઝરીની સંજીવની શોધવા માટે કહેવા જેવું કંઈ બાકી નથી રહેતું. આ એવી તો મિશ્ર લાગણીઓનો મહેરામણ છે કે એનો કિનારો ક્યાંય હવે મળવાનો નથી! ક્યાંક ફરીથી એ જ આનંદ અને મસ્તીથી જીવવું પણ છે અને એ હવે શક્ય નથી.
એ માટે એકતરફ તો જીરવી ન શકાય એવો અવસાદ પણ છે, તો હવે આ અવસાદની સામે બાજુ એક પ્રકારની ઉદાસીનતા પણ છે. અને, આ અવસાદ અને ઉદાસીનતા વચ્ચે ન કહેવાયેલી કેટલીયે ડૂસકાં ભરતી વાર્તાઓ પણ છે. આ વિરોધાભાસ – Paraadox જ કવિતાના પ્રાણ છે.
અને આ વિરોધાભાસમાં શું શું બને છે? “દર્દ હદ સે બઢ જાતા હૈ તો વહી દવા બન જાતા હૈ” પણ અહીં તો આ દુઃખ એવું છે કે જગતમાં એકલાં ચાલતાં વાગતી ઠોકર હોય કે પગમાં કાંટાં વાગે, એની તકલીફ સાથે વહેંચી શકાય એવું કોઈ નથી. એ વાતનો સ્વીકાર તો છે, છતાં, ક્યારેક ક્યારેક તો ફરી એ અવસાદ જાગી જાય છે કે કાશ, “કોઈ હોતા જિસ કો અપના, હમ અપના કહ લેતેં યારો!” અને ત્યારે કવયિત્રી અનાયસે કહી ઊઠે છે કે, “કાશ, કોઈ તો મારી ઝાંઝરી ગોતો! ભલે પછી એ ઘડી બે ઘડી માટે હોય! આ સાવ સાજ-શણગાર વગરની બેરંગ જિંદગી લાગે છે તો એમાં જો ઝાંઝરીના રૂપે આનંદને થોડી જ ક્ષણો માટે પહેરી લેવાય, તો જીવનનો થોડોક પટ તો ફરી સજાવી શકાશે!”
“બે ઘડી એના લીધે આ આયખાની અધૂરપો
તો ઢંકાઈ જાશે લ્યો,
બસ, અધૂરો લાગવો ના જોઈએ શણગાર,
મારી ઝાંઝરી ગોતો.”
આ કાવ્યમાં એક સ્ત્રીનું ભાવવિશ્વ વાસ્તવિકતાની વેદના અને જિજીવિષાના ઊઠતાં વમળો વચ્ચે ઝોલાં ખાય છે અને ન કહેવાયેલી અનેક કહાનીઓ વાચક અંતરમનમાં અનુભવે છે, જે ભાવકને કવિતાના નાદબ્રહ્મ સાથે જોડે છે.
બહેન રિન્કુ રાઠોડ, ‘શર્વરી’એ યુવા કવયિત્રીઓમાં પોતાના કલ્પનો અને સંવેદનાની અભિવ્યક્તિની આગવી, સહજ અને સરળ સમજથી અગ્રિમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની કલમ આભને આંબે એવી જ શુભકામના.
***
રોજ અહીંયા ઠેસ વાગે, કાંટા વાગે,
એ દરદને કોણ ગણકારે?
સૂના પગમાં વાગે છે બહુ દુનિયાની ફટકાર,
મારી ઝાંઝરી ગોતો👌👍.
Excellent!
મેરા dard ના Jane koi