ચૂંટેલા શેર ~ મનહરલાલ ચોક્સી (ભાગ-૨)
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું
*
પંચમનો સૂર થઈને કવિતા બની ગઈ
ક્યારેક તારી લાગણી જે અવગણી હતી
*
વિશ્વાસને આ ગામમાંથી બરતરફ કરી
ખૂંપી ગઈ છે જિંદગી ઊંડા તળાવમાં
*
જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું
*
સમજી શકાય એટલી આજે સરળ નથી
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી
*
આકાશને નિસાસાઓ ટેકો દઈ ગયા
પડછાયો કોઈ દર્દનો દુનિયા સુધી ગયો
*
ભીંત પરના ચીતરેલા નામ પર
થોર ઊગ્યા છે કે પસવારાય ના
*
મુહબ્બત તો મારું નિખાલસપણું છે
તમે સ્મિત આપો છો એ પણ ઘણું છે
*
સ્પર્શી નહીં વસંત ફક્ત એક ફૂલને
માટે જ માળી ખિન્ન છે, ગુલશન ઉદાસ છે
*
કેવો છે રખડુ છોકરા જેવો સૂરજ જુઓ
એને ખબર હજુય નથી ક્યાં નિશાળ છે?
*
વિધવા સમી જ આજ મને લાગતી ક્ષિતિજ
ડૂબી ગયો છે કોઈના વિશ્વાસનો અવાજ
*
સૂર્ય પણ લાચાર થઇ બેસી પડે
સાત ઘોડા એના ભાગી જાય તો
*
આ આસમાન છત અને દીવાલ છે દિશા
એ કોણ છે કે જેનું આ રહેવાનું ઘર હશે?
*
તમારા નૈનમાં નિત્યે બિહાગ વાંચું છું
તમારા સ્પર્શમાં દીપકનો રાગ વાંચું છું
*
બારમે માળેથી જોઉં છું શહેર
ને પરિચિત કોઈ પણ રસ્તા નથી
*
નયનનાં પૃષ્ઠ છે પ્રસ્તાવના, નજર તો કર
હવે તો વાંચ જીવનની કિતાબ ખોલું છું
*
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ
~ મનહરલાલ ચોક્સી
(ભાગ-1)ના શેર વાંચવા આ લિંક ક્લિક કરો :
https://aapnuaangnu.com/2021/09/30/selected-couplets-manharlal-choksi/
વાહ
એક એક શેર મજાનો
ખૂબ સરસ હિતેનભાઈ