ર.પા. ગુજરાતી કવિતાનું એક મહામૂલું રત્ન ~ સંસ્મરણો ~ વિજય ભટ્ટ

પ્રિય ગુજરાતી કવિતાના રસિક મિત્રો,

આજકાલ રમેશ પારેખની જન્મતિથિ પર તેને ખૂબ જ નવાજીએ છીએ અને તેમને અંજલિ આપીએ છીએ, ત્યારે મારે તેમની સાથેના કેટલાક નહીં જાણીતા પ્રસંગો અને કેટલીક વાતો ર.પા પ્રેમીઓ સાથે શેર કરવી છે.

રમેશ પારેખ આપણી ગુજરાતી કવિતાનો શિરમોર અને બહુ ઊંચા ગજાનો સર્જક! પ્રેમથી, સાહિત્ય પ્રેમીઓ અને સાહિત્યકારો સૌ એમને પ્રેમપૂર્વક ર.પાના ટૂંકા નામથી ઓળખે. તેઓ  ધૂની, મુડી, અને ક્યારે તેમનો શું પ્રતિભાવ હશે તે સહેલાઈથી સમજી ના શકાય તેવા. કદાચ એ જ તેમની સર્જકતાનું રહસ્ય હોઈ શકે.

ર.પા એટલે ગુજરાતી કવિતાના સર્વોચ્ચ શિખરોમાંનું એક ઊંચું તીર્થ!

૧૯૯૦ના દાયકામાં ર.પા અને બીજા કવિઓ લોસ એન્જલ્સ પધારેલા. તેમને રાખવાની, સત્કારવાની, તેમને એલએ અને લાસ વેગાસ વગેરે ફરવા લઇ જવાની, અને તેમની સાથે સમય પસાર કરવાની સરસ તક અમને એલએના મિત્રોને મળી! મને યાદ છે ત્યાં સુધી તેમની સાથે કવિ શ્રી વિનોદ જોશી, બીજા એક કવિ અને સ્વ. વિનુભાઈ મહેતા હતાં. તેઓ યુએસએના પ્રવાસે હતાં. અમે લોસ એન્જલ્સના સાહિત્યરસિક મિત્રો એ સૌને એલએ આવવા આમંત્ર્યાં હતાં.

અમે કાવ્યપઠનનો એક કાર્યક્રમ દિનકરભાઈ શાહની ઓફિસના કોન્ફેરેન્સ રૂમને સભાખંડ બનાવીને તેમાં ૩૦-૫૦ કવિતા રસિક મિત્રો સાથે ગોઠવ્યો.

ર. પા ની પરવાનગી  લઈને અમારા મિત્ર સુરભીબેન શાહે ર.પાનું સૌથી લોકપ્રિય ગીત- સાંવરિયો ગાયું. સરસ ગાયું! શ્રોતાઓએ ખુબ જ નવાજ્યું અને ઓડિયન્સમાંથી લોકો બોલ્યા કે ર.પાના વધુ એકબે ગીતો ગાવ. ફરી વાર અંગત રીતે તેમની પરવાનગી પછી જ તેમના (ર.પાના) બે બીજાં ગીતો ગાયાં. આ રીતે અમે સ્થાનિક મિત્રોએ ર.પાના ગીત ગાઈને,  સરસ વાતાવરણ ઊભું કરીને, તેમને નવાજવા હતાં.

બે ગીતો બાદ વિનુભાઈ મહેતાએ કવિઓનો પરિચય આપ્યો અને અમે તેમનું  ફૂલોથી સ્વાગત અને અભિવાદન કર્યું.

પછી અમે ર.પાને તેમની કવિતા રજૂ  કરવા વિનંતી કરી. તેઓ ગુસ્સે થઇ ગયા અને ના પડી. તેમણે કહ્યું કે તેમને કવિતા વાંચવાની કોઈ જરૂર નથી. અમારે માત્ર તેમનાં ગીતો ગાવાં.

વિનુભાઈ અને અન્ય કવિઓએ પણ સમજાવ્યા, પણ એ ના માન્યાં. વિનુભાઈએ ઑડીએન્સને કહ્યું કે લાસ વેગસથી લાબું ડ્રાઇવિંગ કરીને આવ્યાં છીએ, તેથી ર.પા સહેજ થાકેલા છે. પછી ર.પા સ્ટેજ પર ખુરશી પર બીજા સાથે બેઠાં.

બીજા કવિઓએ પોતાની કવિતા વાંચી. કવિ શ્રી વિનોદ જોશીએ  પોતાની ઉપરાંત, કૃપા કરીને, ર.પાની કવિતાઓ પણ વાંચી! અમે આયોજકોએ શ્રોતાઓને સમજાવી દીધા. તે સાંજે ર.પાએ કાવ્ય રજૂ ન જ કર્યાં!

બીજે દિવસે એક બીજી જગ્યા ર.પાએ કવિતા વાંચી!

તે દિવસોમાં તેઓ ઘણા વધુ મુડી અને ધૂનમાં  હતાં. કદાચ તેથી જ તે સમયે તેમની સર્જકતા ટોચ પર હતી!

એ થોડા દિવસો અમે સારો એવો સમય તેમની સાથે ગાળેલો. તેમણે હોલીવુડના ડાન્સ બાર વિષે સાંભળ્યું હતું. તેમણે ત્યાં જવાની ઈચ્છા દર્શાવી. અમે તેમને હોલીવુડના એક બારમાં લઈ ગયાં.

ર.પા છેક છેલ્લે દરવાજા પાસે દૂર એક ખૂણામાં જ બેસી રહ્યાં. ત્રણ કલાક સુધી દૂરથી જ જોયા કર્યું.. સહેજ પણ સ્ટેજ પાસે ગયાં જ નહીં. દૂરથી જ જોયું. છેક મોડી રાતે અમે ત્યાંથી  નીકળ્યાં.

વાતમાંથી વાત નીકળતાં કહ્યું સોનલ તેમની કવિતાનું એક કાલ્પનિક પાત્ર માત્ર છે. તેમને કોઈ બીજી સ્ત્રી સાથે ક્યારેય આકર્ષણ કે પ્રેમ થયો નથી. તે તેમની પત્નીને સંપૂર્ણ વફાદારીથી ચાહતાં હતાં. તેમને કોઈ જ લફરાં કે એફેર્સ કદી થયાં જ નથી. તેઓ માત્ર પોતની કલ્પનાના દોરે જે પ્રગટે તે લખે છે.

તેમની કવિતામાં અનેક શૃંગારરસ સભર ચિત્રો ઉપસે છે જેમાં સ્ત્રીઓના અંગોની સુંદરતા તાદ્રશ થાય છે. કેટલાક ભાવકો પોતાની રીતે જુદો અભિપ્રાય બાંધે પણ ખરા. પરંતુ એક વાત સ્પષ્ટ અને હકીકત છે કે બીજા અમુક કલાકારો અને સર્જકોથી આ ભાયડો નોખો હતો. તેનું અંગત જીવન નૈતિકતા, ભારોભાર કાઠિયાવાડી સંસ્કાર અને ઉચ્ચ મૂલ્યોસભર હતું!

મારી સાથેની અંગત વાતચીતમાં અને બીજાની હાજરીમાં પણ તેમણે જણાવ્યું હતું કે બાપુ, આલા ખાચર, અને સોનલ એ બધાં જ પાત્રો તેમનાં કાવ્ય-વિશ્વના કાલ્પનિક પાત્રો માત્ર હતાં. તેથી સોનલ વિશેની કોઈ અટકળો કરવાની કોઈ જરૂર જ નથી.

તેમની કવિતામાં કલ્પનો, રૂપકો, અને દર્શનો બ્રહ્માંડની અનંત ક્ષિતિજો સુધીના અને ગહન છે અને સાથે સાથે એકદમ રોજિંદા કાઠીયાવાડી જીવનની વાસ્તવિકતાથી ઠાંસોઠાંસ ભરપૂર છે.

તેમની કવિતામાં કાઠિયાવાડી તળપદી શબ્દો તેમના માતાજી પાસેથી  તેમને સહજ મળેલાં છે.

થોડાક વરસો પહેલાં અમે ર.પાને ઉજવવા એક કાવ્ય-સંગીતનો કાર્યક્રમ કર્યો હતો. તે માટે મેં ગર્વથી તેમની થોડીક કવિતાઓના સ્વરાંકન કરેલાં. ર. પાની કવિતા ગાવી એ એક લ્હાવો અને ગર્વની વાત છે. ર.પા એ ગુજરાતી કવિતામાં એક જુદો અસ્સલ ચીલો પાડ્યો છે, જે પર ઘણા નવોદિત ચાલે છે.

ર.પા અમરેલીના અને, કવિ મનોજ ખંડેરિયા અને કવિ રાજેન્દ્ર શુક્લ જૂનાગઢના. આ ત્રણ અને  કવિ અનિલ જોશીના નામ સમકાલીન તરીકે અને સાથે સાથે લેવાય  છે.

અમદાવાદનું એક બીજું કવિગણ, જે રે-મઠના નામે ઓળખાયું, તેમાં આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, અને બીજાં થોડા કવિઓ હતાં. રે-મઠ નામ કેવી રીતે પડ્યું તે વાત ફરી ક્યારેક. આ રે-મઠના કવિઓ અને ર.પા સાથેના અમરેલી-જૂનાગઢના કવિઓ (અને બીજાં કેટલાંક) સાથે મળીને આધુનિક ગુજરાતી કવિતાની નવી પેઢીના કવિઓ ગણાય. ઉમાશંકર અને ગાંધીયુગ પછીના કવિઓ.

આપણી ગુજરાતી કવિતા બીજી ઘણી ભાષાની કવિતા કરતાં, મારા મત પ્રમાણે, વધુ બારીક છે. આપણી આધુનિક કવિતા અને તેની બારીકતા ઉમેરાવમાં ર.પાનું પ્રદાન અનોખું અને આગવું છે.

ર.પાની કવિતાના કેનવાસનો અને તેના વિષયોનો વ્યાપ, બાળકો – હું ને ચંદુ છાનાં માનાં-થી માંડીને છેક ઘરડા  રાજપૂત આલા ખાચર – સુધી પહોંચે છે.

મારા મતે, જો ર.પાએ ગુજરાતી ઉપરાંત અથવા ગુજરાતીને બદલે અંગ્રેજી, હિન્દી, કે કોઈ વધુ પ્રચલિત ભાષામાં કવિતા કરી હોત તો તમને મળે છે તે કરતાં ઘણી વધુ આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સન્માન મળ્યાં હોત.

ર.પા ગુજરાતી કવિતાનું એક મહામૂલું રત્ન, સદીઓ સુધી ઉજવાશે, નવાજાશે, અને વ્હાલથી પોંખાશે!

ર.પા તને સલામ!

~વિજય ભટ્ટ
(ર.પા જન્મદિવસ ૨૦૨૨)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. અભિનંદન 🕉 બહુજ સરસ વાતો

    Salam કવિ રમેશ parekh

    કમાલ ને સભર જાત્રા.