“નગરપુત્રી” ~ પાટલિપુત્રની પૃષ્ઠભૂમિમાં લખાયેલી નવલિકા ~ લેખક: રઈશ મનીઆર

રાત્રિનો ત્રીજો પ્રહર હતો. પાટલિપુત્રના એક ગુપ્ત દરવાજે સતત પહેરો ભરી થાકેલ પહેરેદારને ઝોકું આવ્યું. એક શાલ ઓઢેલ બુકાની બાંધેલ માનવાકૃતિ મોટી શિલાની ઓથેથી નીકળી અને પહેરેદારની તંદ્રાનો લાભ લઈ રસ્તો ઓળંગવા લાગી. અચાનક ધણધણી ઊઠેલા નગારાના અવાજથી પહેરેદાર જાગી ગયો. બુકાની બાંધેલ માણસ ફરી શિલાની ઓથે છુપાઈ ગયો.

છઠ્ઠી સદીની આ ઘટના છે. રાજા અજાતશત્રુએ એના પણ લગભગ એક હજાર વરસ પહેલા ગંગા નદીના કિનારે આ નગર પાટલિપુત્ર સ્થાપ્યું હતું.

આ સહસ્ર વર્ષ પુરાણું ભવ્ય નગર હવે શત્રુઓની આંખે ચડ્યું હતું.

નવ માઈલની લંબાઈ અને દોઢ માઈલની પહોળાઈ ધરાવનાર પાટલિપુત્ર નગરને ૬૪ દરવાજા હતા. નગર ફરતે કોટ હતો અને કોટ પર ૫૭૦ બૂરજ હતા. આ કોટની બહાર ૬૦૦ ફૂટ પહોળી અને ૪૫ ફૂટ ઊંડી ખાઈ હતી. અસંખ્ય લોકોના સદીઓના પરિશ્રમથી આ સુરક્ષિત પાટનગરની રચના થઈ હતી.

પાટલિપુત્રની અજંપાભરી ભીષણ શાંતિમાં એક પછી એક ૫૭૦ બૂરજ પરથી દરેક પ્રહરે ચોક્કસ ધ્વનિએ નગારા વાગતા. એ રીતે એક બૂરજથી બીજી બૂરજ પર સંકેત પહોંચતો કે બધુ સુરક્ષિત છે. સતત પહેરો ભરી થાકેલ સંત્રીઓને જરાતરા ઝોકું આવે કે નગારાના ધ્વનિથી એની તંદ્રા ઊડતી. આ ક્ષણે પણ એમ જ બન્યું. જાગેલ પહેરદાર એક આંટો મારી પોતાની બેઠક પર બેઠો.

ત્રીજી સદીમાં વિશાળ મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલિપુત્રનું વર્ણન કરતાં ગ્રીક રાજદૂત મેગેસ્થેનિસે એને વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક ગણાવ્યું હતું.

Megasthenes was an ambassador by Selucus. He has given account of Mauryan Empire.
મેગેસ્થેનિસ

ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી પાંચમી સદી સુધી, આઠસો વરસના સમય પછી મૌર્ય વંશથી ગુપ્ત વંશના હાથમાં શાસનની ધુરા આવી. આ મહાન સામ્રાજ્યોને કારણે જ ભારતવર્ષ ત્યારે એની રાજ્યવ્યવસ્થા, કલા, સાહિત્ય, વિજ્ઞાન દરેક રીતે ટોચ પર હતું.

છઠ્ઠી સદી એક મહાન સંસ્કૃતિના પતનના અણસારા લઈને આવી હતી. ઈસ્લામના પણ ઉદય પહેલાનો આ સમય હતો. ઈતિહાસ જેને ‘હૂણ’ કહે છે એને એ સમયના ભારતીયો ઉચ્ચારભેદે ‘યવન’ તરીકે ઓળખતા. ઉત્તર પશ્ચિમથી એમના હુમલાઓ થતાં. તોરામના અને મિહિરાકુલા નામના આતયાયી યવનો સમય સમય પર સિંધુ ખીણ પસાર કરી ગંગાના મેદાનો પર તબાહી મચાવી પ્રયાગ કે બનારસની ભૂમિ સુધી આવી જતાં. એવા જ સમયની આ વાત છે.

ગંગાના દક્ષિણ કિનારે કિનારે આવતા હુમલાખોરોને આ પ્રતાપી રાજાઓ ઝીંક ઝીલી યેનકેનપ્રકારેણ રોકી દેતા. પણ આ વખતે હૂણ સેનાપતિ દારાકુલા આતંક મચાવી, વિવિધ પ્રદેશના સૈનિકો સાથે, શાસકો સાથે નાનામોટા યુદ્ધો કરી છેક નજદીક આવી પહોંચ્યો હતો.

ગંગા અને શોણ નદીનું સંગમ સ્થળ પસાર કરો એટલે ચાર કોસ પછી પાટલિપુત્ર આવે. સેંકડો હાથીઓ અને હજારો અશ્વોવાળું દારાકુલાનું સૈન્ય શોણ નદીના પટમાં રાવટીઓ નાખીને બેઠું હતું. પંદર દિવસથી તણાવ ચાલી રહ્યો હતો. ઉત્તરોત્તર સંકોચાઈ રહેલા મગધ સામ્રાજ્યના ગુપ્ત વંશના નિર્બળ રાજા શિશુગુપ્ત પર ‘શરણાગતિ અથવા તબાહી’નો સંદેશો આવી ગયો હતો.

પાટલિપુત્રમાં, ૬૪ મુખ્ય દરવાજા પર તો રાતે પણ સંખ્યાબંધ સૈનિકો હોય. પણ આ પહેરેદાર જેની ચોકી કરી રહ્યો હતો એવા ત્રણ ચાર ગુપ્ત દરવાજા હતા. નદી તરફથી ઝાડીઓની વચ્ચે એક ચોક્કસ સ્થળે મણ-મણના સાત આઠ પથ્થરો જાણે કુદરતી રીતે ગોઠવેલ હોય એમ ગોઠવેલા હતા.

એ પથ્થરો ખસેડવાથી એક સુરંગમાં પ્રવેશ થતો. સોએક હાથ લાંબી સુરંગ સીધી દુર્ગની અંદર ખુલતી. શક્યતા નહીવત હતી કે કોઈ દુશ્મનને આ વાત ખબર હોય. છતાં સમય એવો હતો કે ચોકી જરૂરી હતી. પરિસ્થિતિ એવી હતી કે એક એક પહેરેદાર આ જગ્યાએ પણ તહેનાત રહેતો.

થોડી ઘડીઓ વીતી. થાકેલ પહેરેદારને ફરી ઝોકું આવ્યું અને શાલ ઓઢેલ બુકાની બાંધેલ માણસ ચપળતાથી એની સામેથી પસાર થઈ ગયો. કોટની અંદરની તરફ નગરને આવરી લેતો બહારનો રસ્તો હતો. એ બહારના રસ્તાને પસાર કરી બુકાનીધારી નાના રસ્તા પર પ્રવેશ્યો.

રાત્રિનો પાછલો પ્રહર હતો. પહેરોદારો બૂરજ પર હતા. બહારના રસ્તા પર ઘોડેસવાર સૈનિકોની ટુકડી ફરતી હતી. પણ નગરની અંદરના ભાગમાં આંતરિક સુરક્ષાને નામે ભસતાં કૂતરાઓ સિવાય કોઈ નહોતું.

પાટલિપુત્ર નગરના સૂમસામ નાના રસ્તાઓમાંથી થઈ એક ડેલીના અધખુલા દરવાજાથી એ અંદર ગયો. રાત્રિએ પણ જ્યાં દીવા સળગતા હોય આ એવી કોઈ ગલી હતી. આવનારે એક નિવાસની સાંકળ ખખડાવી. પાટલિપુત્રની ગણિકાઓનો એ વિસ્તાર હતો.

sacred prostitute

શાંતિનો સમય હોય તો રાત્રિના સમયે પણ રડયાખડ્યા માણસોની અવરજવર હોય. પણ અત્યારે નીરવ શાંતિ હતી. નીરવ શાંતિ હોય તો અજવાળું પણ અંધારા જેવુ જ ભયાનક લાગે. જેના નિવાસ પર ટકોરા થયા એ ગણિકા વેણુવલ્લિકા વ્યવસાયનો સમય પૂરો કરી માંડ સૂતી હતી. ઝબકીને જાગી. એ કંઈ વિચારે એ પહેલા આગંતુકે અંદર આવી સાંકળ ભીડી.

ગણિકાઓ માટે પણ ખરાબ સમય હતો. પાટલિપુત્ર જેવા ત્રણ લાખની વસ્તીથી ધમધમતા નગરમાં દિવસે છૂપાવેશે ગમે તે રીતે દારાકુલાના જાસૂસ પણ આવી ચડતા. અને દિવસભરની ગુપ્ત ગતિવિધિ કર્યા પછી ગણિકાઓનો આ વિસ્તાર રાત્રિનિવાસ માટે એમને પ્રિય હતો. એકબીજાના ભાષા ન સમજતા પરદેશી જાસૂસ અને ગણિકાઓ વચ્ચે પણ વ્યવહાર થઈ જતો કેમ કે પરદેશી શરીરની ભાષા સમજે અને ગણિકા સોનાચાંદીના સિક્કાની ભાષા સમજે.

વલ્લિકાના દ્વારે આવનારે અંદર આવી બુકાની છોડી.

“પ્રવરસેન!” વલ્લિકા આશ્ચર્યથી બોલી.

પ્રવરસેન શિશુગુપ્તના મુખ્ય સેનાપતિઓમાંનો એક હતો. હોદ્દાની દૃષ્ટિએ મુખ્ય સેનાપતિ પછી એનો નવમો-દસમો નંબર આવે. હજુ ત્રણ વર્ષ પહેલા જ જ્યારે મગધ સામ્રાજ્ય ઉત્તરમાં છેક સિંધુ ખીણ સુધી વિસ્તરેલું હતું ત્યારે મહારાજા શિશુગુપ્તે એને સામ્રાજ્યના છેવાડે ઉત્તરમાં તક્ષશિલા નજીકનો એક પ્રદેશ શાસન કરવા માટે આપ્યો હતો.

પાટલિપુત્રથી સાતસો કોસ દૂરના એ નાનકડા પ્રદેશ પર રાજ કરી થોડું મહેસૂલ એણે મગધ મોકલવાનું હતું. નાનકડા પ્રદેશના શાસક બનવાની તક મળતાં પાટલિપુત્રનો આ વતની પોતાના પરિવારજનો સાથે તક્ષશિલા જઈ વસ્યો હતો. વલ્લિકાએ છેલ્લે ત્રણ વર્ષ પહેલા પ્રવરસેનને પાટલિપુત્રમાં જોયો હતો.

ત્રણ વર્ષ પછી એ વતન આવ્યો હતો.

“આ રીતે વતનમાં? છૂપા વેશે?” વલ્લિકાએ પૂછ્યું.

પ્રવરસેન અશક્ત લાગતો હતો. વલ્લિકાએ એને મધ અને ગુલાબજળ મિશ્રિત પ્રવાહી પીવડાવ્યું.

ત્રણ વર્ષ પહેલા એ અહીં હતો ત્યારે બન્નેએ કેટલોક સારો સમય પસાર કર્યો હતો. પ્રવરસેને આપેલી કેટલીક ભેટસોગાદો હજુ એની પાસે હતી.

પ્રવરસેન અશક્ત હતો છતાં એને જીવિત જોઈને વલ્લિકાને આનંદ થયો. કેમ કે દારાકુલા છેક ઉત્તરથી ગંગા કિનારે તબાહી મચાવતો પાટલિપુત્ર આવ્યો હતો. સમાચાર એવા હતા કે તક્ષશિલા વિસ્તારમાં તો હવે આ યવનોનો કબજો હતો. કેટલાય બહાદુર ભારતીય સેનાપતિઓ યવનો સામે લડતાં લડતાં ખપી ગયા હતા. અત્યાર સુધી પ્રવરસેનના પણ કોઈ સમાચાર નહોતા. આવા આતંકમાં પ્રવરસેન જીવતો રહ્યો એ રાહતની વાત હતી.

“કેવી કરૂણ વાત છે નહીં? ત્રણ વર્ષ પછી મારા વતનમાં એક ગણિકાનું ઘર મારો ઉતારો બન્યું!”

Who is afraid of the Prostitutes?

પાટલિપુત્રમાં પ્રવરસેનની હવેલી હતી. પણ તે હવે જયરામન નામના સેનાપતિએ ખરીદી લીધી હતી.

“મહામહિમ પ્રવરસેન! આપ ધોળા દિવસે આવ્યા હોત તો મહારાજા શિશુગુપ્તે આપને માનસન્માન સાથે રાજમહેલના અતિથિનિવાસમાં ઉતારો આપ્યો હોત!”

“આતિથ્યસત્કારની નહીં, સત્તાની અપેક્ષા છે મને!” પ્રવરસેન મુખ્ય વાત પર જલદી જ આવી ગયો. આમેય પુરુષો સૌથી વધુ સત્યો વેશ્યાઓની આગળ બોલતા હોય છે.

“સત્તા તો મળી હતી તમને તક્ષશિલાના પ્રદેશમાં!”

“એ? એ તો ભૂમિનો એક નાનકડો ગ્રાસ હતો. જમીનદારોથી થોડી વધુ અને રાજાઓથી થોડી ઓછી જમીન! કહેવાય મારી માલિકી, પણ મહેસૂલ ઉઘરાવીને અહીં મોકલવાનું!”

“તો? સત્તાનો વિસ્તાર ધીરતાથી થાય, વીરતાથી થાય!” વલ્લિકા બોલી.

“વીરતા? પાંચસો હાથી, ચાર હજાર ઘોડા અને સોળ હજાર સૈનિકો લઈ દારાકુલા આ મહાન મગધ સામ્રાજ્યને હંફાવતો હોય ત્યારે અમારા જેવા નાના શાસકનું શું ગજું?”

“ઓહ, તમે દારાકુલા સામે તક્ષશિલામાં હારી ગયા! વાંધો નથી. જીવિત છો એ ય પૂરતું છે. હવે..?”

કોઈ વાત શરૂ કરવા શબ્દો ગોઠવી રહ્યો હોય એ રીતે પ્રવરસેન મૌન હતો.

વલ્લિકાએ એ ચૂપકીદીને તોડતાં કહ્યું, “હું એ સમજવા મથી રહી છું કે આ રીતે ભાંગતી રાતે નગરમાં પ્રવેશવાનો હેતું શું હોઈ શકે તમારો?”

“તને મળવા!” ઉતાવળમાં અથવા ઝનૂનમાં હોય એ રીતે પ્રવરસેને વલ્લિકાને બાહુપાશમાં લીધી. આલિંગનનો આનંદ માણવાને બદલે વલ્લિકા મજાક લાગે એ રીતે સત્ય બોલી, “યુદ્ધના સમયે કંઈ વીરો રતિમાં મગ્ન ન રહે!”

પ્રવરસેનને અચાનક જ સૂઝ્યું હતું કે પુરુષો રતિ પહેલા અને સ્ત્રીઓ રતિ પછી દિલ ખોલીને વાત કરે.

તેથી અશક્ત હોવા છતાં એણે ત્રણ વર્ષ પહેલા વીતાવેલો, એવો જ રંગીન સમય જરા ઉતાવળથી વીતાવવાની કોશીશ કરી. ગણિકાના વ્યવસાયનો વણલખ્યો સિદ્ધાંત હતો કે પુરુષોની કામનાનો આદર કરવો. નદીની જેમ સમુદ્રમાં સમાઈ જવું.

mrinalkantimajumder - Etsy

પણ પ્રવરસેન નામના સમુદ્રને વલ્લિકાને સંતુષ્ટ કરવાના પ્રયાસમાં મોઢે ફીણ આવી ગયું.

“અશક્ત છો, બીમાર છો તમે!” થોડીવાર પછી વસ્ત્રો સંકોરતા વલ્લિકા બોલી, “માત્ર આટલા ક્ષણિક સુખ માટે તો પાટલિપુત્ર નહીં આવ્યા હો!”

“તારો સાથ જોઈએ છે! એટલે જ તો આવ્યો છું!”

“હું તો તુચ્છ ગણિકા છું. મહારાજા શિશુગુપ્તને સાથ આપો. એમને બળ મળશે તો તમને ફળ મળશે!” થાકેલ પ્રવરસેનની સામે વલ્લિકાએ ફળોની ટોકરી ધરી.

વિવિધ નાનામોટાં ફળોમાંથી દ્રાક્ષનું ઝૂમખું ઉપાડી પ્રવરસેન બોલ્યો, “હારતાં મહારાજાને સાથ આપવાથી શું મળે? મરણ સિવાય!”

“તો?”

“સાથ તો જીતતા રાજાને અપાય!”

વલ્લિકા ચોંકી, “પ્રવરસેન! તમે દારાકુલાના સાથી થઈને તો નથી આવ્યા ને?”

પ્રવરસેન કંઈ ન બોલ્યો. દ્રાક્ષ ખાતો રહ્યો.

વલ્લિકા તરત સ્વસ્થ થઈ ગઈ. આખરે તો એ પણ એક ગણિકા હતી. એને યાદ આવ્યું કે આજે સાંજે કામ શરૂ કરતા પહેલા ગણિકાઓની સભા મળી હતી. સોમવલ્લીના નિવાસમાં વીસેક ગણિકાઓ ભેગી થઈ હતી. સોમવલ્લી તમામ ગણિકાઓમાં મુખ્યગણિકા જેવી હતી,

નગરનો અજંપો પ્રસરતાં પ્રસરતાં અહીં સુધી આવી ગયો હતો. સોમવલ્લી એની યુવાનીમાં નરસિંહગુપ્તની રાજગણિકા હતી. પણ એ વાતને હવે વીસ વરસ થઈ ગયા હતા. વીસ વરસમાં એનું સ્વરૂપ ઓસર્યું હતું, પણ પ્રભાવ વધ્યો હતો.

એ કહી રહી હતી, “જો સત્તાનું પરિવર્તન થાય તો પણ, આપણા વ્યવસાયના સિદ્ધાંત પ્રમાણે, નવા શાસકોને આવકારવાની આપણી ફરજ બને છે. ગણિકાઓનું કામ છે પુરુષોને.. શક્તિશાળી પુરુષોને રાજી રાખવાનું. સત્તા બદલાય.. શાસક બદલાય.. આપણા વિસ્તારની રોનક એ જ રહેશે.”

એટલે જે બને એનો સ્વીકાર તો કરવાનો જ હતો, છતાં વલ્લિકા બોલી, “પ્રવરસેન! હું માની નથી શકતી કે તમે દારાકુલા સાથે આવ્યા છો?”

“વતનની યાદ આવી.” પ્રવરસેન ફળ ખાઈ મોં સાફ કરતાં બોલ્યો.

“બે જ વિકલ્પો હતા મારી પાસે. પરદેશમાં મરવું અથવા વતનમાં મરવું! દારાકુલા સાથે લડીને ત્યાં દૂર દેશાવરમાં ખપી જવું અથવા એની સાથે સમાધાન કરીને એને પાટલિપુત્ર સુધીનો રસ્તો બતાવવો, રસ્તે સાથ આપવો. શામ-દામ-દંડ-ભેદથી રસ્તે આવતા પ્રદેશોના શાસકોને મારી, હરાવી, સમજાવી, ભાગીદાર બનાવી મહામુસીબતે આ કાફલાને અહીં લઈ આવવો, એના બદલામાં..”

“પ્રવરસેન! અહીં પાટલિપુત્રમાં તમારું સ્મરણ, તમારો ઉલ્લેખ એક વીર તરીકે થાય છે.”

Pravarasena I - Wikiwand

“હા, વીર તરીકે જ અહીં શાસન કરીશ! જીતશે દારાકુલા અને શાસન હું કરીશ! દારાકુલા અહીં વધુ નહીં રોકાય એણે તો પૂર્વ તરફ જઈ બંગપ્રદેશ અને કામરૂ પ્રદેશ પણ જીતવા છે. અહીંનું શાસન મને મળશે! શિશુગુપ્ત પછીનો મહારાજા હું છું. મહારાજા પ્રવરસેન. આજે ગુપ્ત માર્ગે આવ્યો છું. બહુ જલદી હાથીઓ પર સવાર થઈ મુખ્ય દરવાજેથી આવીશ.”

“ઓહો!” વલ્લિકાને વાત સમજાઈ, “આમાં મારા સાથની શું જરૂર પડી!”

દીવાલ તરફ મોં ફેરવીને ઊભેલી વલ્લિકાને પાછળથી પાશમાં લઈ એના ગળા પાસે ચુંબન કરતાં પ્રવરસેન બોલ્યો, “જો વલ્લિકા! પાટલિપુત્રને તું જેટલું ચાહે છે, એટલું જ હું પણ ચાહું છું!”

પ્રવરસેનની આંખોમાં એ વાતનું સમર્થન જોવા માટે વલ્લિકા અળગી થઈ. રતિના થોડા સમય પછી તરત પુરુષ નજીક આવે તો બે જ શક્યતા હોય. સાચો પ્રેમ અથવા કોઈ યોજના. પહેલી શક્યતા તો નહોતી જ.

“કાલે..” પ્રવરસેન શ્વાસ લઈ બોલ્યો, “કાલે..નહીં તો પરમદિવસે.. દારાકુલા હુમલો કરશે. શોણના પટમાં રાવટીઓમાં અનાજ ખૂટ્યું છે.  શિશુગુપ્ત શરણાગતિમાં વધુ સમય લે એ એને પાલવે એમ નથી. એના સૈનિકો પાટલિપુત્રને ખેદાન-મેદાન કરી નાખશે. પહેલા અનાજ, પછી ખજાનો, પછી સ્ત્રીઓ.. બધું તહસનહસ થઈ જશે!”

“આ દુ:ખદ દૃશ્યની કલ્પના પાટલિપુત્રવાસીઓને દિવસોથી છે. કેટલાક પરિવારો અગમચેતી અને ડરથી ગ્રામ્યપ્રદેશોમાં ભાગી ગયા છે અને કેટલાક કહે છે, ‘સમૃદ્ધિમાં અહીં રહ્યા તો વિનાશમાં પણ અહીં જ રહીશું!’ જોઈએ શું થાય છે!”

“જોતા રહીશું? પાટલિપુત્રને વિનાશ પામતું જોઈશું?” પ્રવરસેન બોલ્યો.

વલ્લિકા કહેવા તો માંગતી હતી કે ‘તમારા જેવા વીરોએ ઉત્તરમાં દારાકુલાને રોક્યો હોત તો..!’ વલ્લિકાના ગળે આવી આ વાક્ય અટકી ગયું. એ માત્ર એટલું જ બોલી, “બોલો મહામહિમની અપેક્ષા શું છે મારી પાસે?”

થાકેલ હોવા છતાં માનસિક ઉત્તેજનાને કારણે પ્રવરસેન વલ્લિકાના નિવાસના મુખ્ય ઓરડામાં આંટા મારી રહ્યો હતો.

એની ઝડપી અજંપ ચાલ જોઈને વલ્લિકાને થયું કે હવે પ્રવરસેન વાટાઘાટની કોઈ યોજના કહેશે. મોટેભાગે સોમવલ્લીની મદદ કે મધ્યસ્થીથી શરણાગતિનો કોઈ પ્રયાસ કરવાનો આવશે. એણે સાંજે થયેલી વાતને ધ્યાનમાં લઈ મનને મનાવ્યું અને મનમાં બડબડી, “એ કદાચ શક્ય છે. ઓછી ખૂનામરકીથી સત્તાપરિવર્તન કદાચ શક્ય છે!”

પ્રવરસેનની ચતુર આંખોએ જોયું કે વલ્લિકાએ લાગણીઓ પર કાબૂ મેળવી લીધો છે. વલ્લિકાને વધુ એક ચુંબન કરીને કહ્યું, “વાહ! આ સમજદારી ગણિકાઓ સિવાય બીજે ક્યાં?..અને પાટલિપુત્રની સર્વ ગણિકાઓમાંથી તું શ્રેષ્ઠ છે. એમાં કોઈ શંકા નથી.”

પ્રવરસેને એની યોજના સમજાવી, “બન્ને સેનાઓ જાણે છે કે મહારાજા શિશુગુપ્ત અનિર્ણાયક મનોદશામાં છે. એમના પિતાજી નરસિંહગુપ્તે ત્રીસ વર્ષ પહેલા દારાકુલાના પિતા મિહિરાકુલાને હરાવ્યો હતો, પણ એનો શિરચ્છેદ કરતી વેળા રાજમાતાને દયા આવી. એમની આજ્ઞાથી મિહિરાકુલાને જીવતદાન મળ્યું હતું. દસ વરસ પછી એ જ મિહિરાકુલા તબાહી વેરી ગયો હતો અને નરસિંહગુપ્તનો પાટલિપુત્રના વધસ્તંભ પર જ શિરચ્છેદ કર્યો હતો.”

“સાંભળી છે આ વાત, સોમવલ્લીના મોઢે!”

“શિશુગુપ્તને લાગે છે કે એ અત્યારે શરણાગતિ સ્વીકારશે તો ય ક્રૂર દારાકુલા એને જીવતો નહીં છોડે! એના બદલે, યુદ્ધ થાય તો જીવ બચવાની થોડી તો શક્યતા રહે!”

“જી! અત્યારે તો એ જ વિકલ્પ તરફ ગતિ દેખાય છે. તમારી શું યોજના છે?”

“દારાકુલાએ મને મોકલ્યો છે અહીં. મારે શિશુગુપ્તની હત્યા કરાવવાની છે. જેથી રાજધાનીમાં અરાજકતા થાય અને એનો લાભ લઈ દારાકુલાની સેના વિનાવિરોધે પાટલિપુત્ર નગરમાં પ્રવેશી શકે. આમ થાય તો બધાનો જ ફાયદો છે!”

શિશુગુપ્તની હત્યા? પ્રવરસેન કેવી રીતે કરશે? વલ્લિકાના મનમાં કેટલાય વિચાર આવી ગયા. નિર્બળ રાજાઓ રાજ્યની રક્ષા ન કરી શકે, પણ એ પોતાની સુરક્ષામાં તો પાવરધા હોય. શિશુગુપ્તે અંગરક્ષકોનું લોખંડી સુરક્ષાચક્ર બનાવ્યું હશે. પ્રવરસેન કઈ રીતે શિશુગુપ્ત સુધી પહોંચશે?

“વિલાસી મહારાજા શિશુગુપ્તના શયનકક્ષમાં સોમવલ્લી રોજ એક ગણિકાને મોકલે છે. સાચું?” એની વિચારમાળાને તોડતો પ્રવરસેન બોલ્યો.

વલ્લિકાએ ડોકું ધુણાવ્યું. શિશુગુપ્તની ચિંતિત સાંજોને નશાની નિદ્રામાં ડૂબવા માટે રોજ એક ગણિકાનો સાથ આપવો પડતો હતો. સોમવલ્લી કદી જાતે જતી, તો કદી કોઈ યુવાન ગણિકાને મોકલતી. હજુ સુધી કોઈ ને કોઈ બહાને વલ્લિકા આ પ્રસંગ ટાળતી આવી હતી.

મહારાજાએ એકવાર નર્તકી તરીકે એને જોઈને સોમવલ્લી પાસે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, પણ કોઈ રીતે વલ્લિકા આ મુલાકાત ટાળી ગઈ હતી. એ વાતે સોમવલ્લી વલ્લિકાથી થોડી નારાજ પણ હતી.

“તારે કાલે સોમવલ્લીને જઈને સામેથી કહેવાનું છે, કે આજે રાજમહેલના શયનકક્ષમાં હું જઈશ. ત્યાં આવી જ ફળોની ટોકરી હશે. એ કાપવા માટે..”

આટલું બોલી અચાનક પોતાના કેડિયાનું છૂપુ ખિસ્સું ફંફોસવા લાગેલા પ્રવરસેનની સામે વલ્લિકા જોઈ રહી. હાથીદાંતની નાનકડી દાબડી ખોલી એમાંથી એણે એક નાનકડું ચપ્પુ કાઢ્યું.

“લે આ.. રાખ તારી પાસે! અંત:વસ્ત્રોમાં છુપાવી લઈ જવાનું છે.”

“હું કોઈની હત્યા ન કરી શકું!”

“તારે જ કરવાની છે આ હત્યા! આ કામનું તને તારી અપેક્ષા કરતાં મોટું ફળ મળશે!” પોતાની વાતોમાં વશીકરણ ઉમેરી પ્રવરસેન બોલ્યો, વલ્લિકાએ સમય લીધો. ચાર ઈંચ નાનકડી ડબ્બીમાંથી નીકળેલા રૂપકડા ચપ્પુની રચના સહેજ જોઈ.

પ્રવરસેનના હાવભાવ પરથી એવું લાગ્યું કે એણે જાણે ધાર પર હાથ ફેરવવાની ના પાડી હોય. વલ્લિકાએ ચપ્પુ બંધ કરી દાબડીમાં મૂકી દીધું. પછી ધીમે રહીને બોલી, “તમે મારી પાસે આ નહીં કરાવી શકો. તમે આ ભલે આ બધી વાત મને કહી. આ ગુપ્ત યોજનાનું રહસ્ય મારા સુધી જ રહેશે. હું ભલે ગણિકાનો હીન ગણાતો વ્યવસાય કરું છું, પણ કોઈનો જીવ લેવાની હામ મારામાં નથી! ક્ષમા કરો મને!”

“વહાલી! તારે ચપ્પુ હુલાવવાનું નથી” પ્રવરસેને કહ્યું, “જો આ ચપ્પુની ધાર! એના પર વિષ ચોપડેલું છે, તારે આ ચપ્પુથી ફળ કાપીને રાજાને માત્ર ખવડાવવાના છે! રાજા તરત નહીં મરે! તું સુરક્ષિત રીતે અહીં આવી જાય પછી રાજાને વિષની અસર થશે! યવનોના પ્રદેશનું આ કાતિલ ઝેર છે!”

બહાદુરોના શસ્ત્રો જુદાં હોય છે. બહાદુરી ઓસરી જાય પછી વિષ અને વેશ્યા પણ શસ્ત્ર બને છે.

વલ્લિકા બોલી, “હું સોમવલ્લી સાથે તમારી મુલાકાત કરાવું. એ કદાચ સાથ આપે. મારાથી આ કામ..”

“આ કામ તારે જ કરવાનું છે! એક વીર અને એક વારાંગના મળીને સત્તા પલટો કરશે. અત્યારે રાજમહેલમાં સોમવલ્લીનો જે પ્રભાવ છે, એ હવે પછીથી તારો હશે!”

વલ્લિકાએ વાત બદલી, “આપ થાક્યા હશો, આરામ ક્યાં કરશો?

“યોજના સફળ થાય ત્યાં સુધી આરામ કેવો? પણ આજની રાત અહીં જ છુપાઈશ!” પ્રવરસેનને વલ્લિકા પર કોઈ પ્રકારનો વિશ્વાસ હતો.

વલ્લિકાએ અંદરના એક કક્ષમાં છુપાવાની વ્યવસ્થા કરી. કક્ષનું બારણું બંધ કરતાં પહેલા પ્રવરસેન બોલ્યો, “સત્તાપલટો નિશ્ચિત છે. હારનાર સાથે રહેવું કે જીતનાર સાથે, એ જ પસંદગી તારે કરવાની છે! વીસ વરસ પહેલા સોમવલ્લીએ પણ જીતી રહેલા મિહિરાકુલાને સાથ આપ્યો હતો.”

ત્યાં જ બહાર હોહા થઈ. અવાજ સાંભળી ગણિકાઓ બહાર આવી ગઈ. સોમવલ્લી ડેલીની બાર દોડી ગઈ. સંત્રીઓ આમથી તેમ દોડી રહ્યા હતા, ઘોડેસવાર સૈનિકો મારતે ઘોડે ભાગવા બેફામ લાગ્યા હતા. જરાવારમાં તો અફરતફરીનો માહોલ થઈ ગયો.

બારી પાછળ છુપાઈ રહેલા પ્રવરસેને જોયું કે થોડીવારમાં સોમવલ્લી દોડતી દોડતી અંદર આવી. ગણિકાઓની ડેલીનો મુખ્ય દરવાજો બંધ કરાવીને હાંફતા હાંફતા બોલી, “કોઈ અંગરક્ષકે મહારાજાની હત્યા કરી નાખી છે. સત્તા કોણ હાથમાં લેશે એ બાબતે મુખ્ય સેનાપતિઓ વચ્ચે ઝઘડો છે, રાજાના કુંવર વીરગુપ્તને કેદ કરી લેવામાં આવ્યા છે. સૈનિકોની વફાદારી વહેંચાઈ ગઈ છે અને દારાકુલાના હાથીઓએ ઉત્તર દિશાના ચાર દરવાજા તોડી નાખ્યા છે.”

સવાર સુધીમાં સત્તાપલટો થઈ ગયો. થોડાક સેનાપતિઓ અને થોડા સૈનિકોએ જીવ ગુમાવ્યો, એ સિવાય થોડી લૂંટફાટ થઈ.

વલ્લિકાના નિવાસમાંથી પ્રવરસેન વટભેર બહાર નીકળ્યો. ભલે પોતાની નહીં, તો બીજી કોઈ વૈકલ્પિક યોજનાથી સત્તાપલટો થયો. એ વાતનો આનંદ એની ચાલમાં હતો. સામે મળેલી સોમવલ્લી સામે સ્મિત એણે ફરકાવ્યું. ડેલીનો દરવાજો ખોલાવી રાજમહેલ પહોંચ્યો. ઘટનાક્રમ એટલો ઝડપથી થયો કે સાંજ સુધી તો શહેરમાં શાંતિ થઈ.

What were the functions of Pataliputra in ancient India? - Quora

સાંજે જ પરંપરા મુજબ વિજયોત્સવ યોજાયો. રાજમહેલના મુખ્ય ચોગાનમાં દારાકુલાએ બે સમકક્ષ સિંહાસન ગોઠવ્યા. એક પર એ પોતે બિરાજમાન થયો બીજા પર થોડા અશક્ત પ્રવરસેનને હાથ પકડીને સૈનિકોએ બેસાડ્યો. એકઠા થયેલા નગરજનોએ અચરજથી અ દૃશ્ય જોયું. અમુકે આશ્વાસન એ વાતનું લીધું કે ભલે વતન હાર્યું પણ આખા ઘટનાક્રમમાં પ્રવરસેનની કોઈ ભૂમિકા હતી. શાસન સાવ પરદેશીઓના હાથમાં જવાનું નહોતું.

નર્તન, ગાયન, અશ્વનાં કરતબ, હાથીના ખેલ, મલ્લયુદ્ધ વગરે આકર્ષણો સાથે થયેલા વિજયઉત્સવમાં નાદાન લોકો દુ:ખ ભૂલી ઘેલા થયા. આખી રંજનસભર સાંજ દરમ્યાન દારાકુલાએ બે જ વાત ગંભીર કરી, એક, સત્તાપલટામાં ખૂબ ખર્ચ આવ્યો છે તેથી નવી મહેસૂલની યોજના કાલે જાહેર થશે અને બીજી, કોઈ રાજદ્રોહી સક્રિય રહેશે તો એમનો શિરચ્છેદ થશે.

સ્થાનિકો માટે આખી સાંજની સૌથી રોમાંચક વાત એ હતી કે નવી સત્તાનો મુખ્ય ભાગીદાર થનાર પ્રવરસેન વલ્લિકાના નિવાસમાંથી નીકળી રાજમહેલ ગયો હતો અને દારાકુલાએ એને સમકક્ષ સિંહાસન પર બેસાડ્યો હતો. કંઈ કર્યા વગર જ નગરમાં વલ્લિકાનો પ્રભાવ સોમવલ્લી કરતાં બમણો થઈ ગયો.

દારાકુલાનો એક સાથી સેનાપતિ જયરામન પાસે ગયો. શિશુગુપ્તનો સેનાપતિ જયરામન હવે પવન જોઈને દારાકુલાની તરફેણમાં આવી ગયો હતો. સમગ્ર વિજયઉત્સવ એની દેખરેખમાં જ થયો હતો. દારાકુલાના સાથીએ જયરામનના કાનમાં કંઈક કહ્યું. એ સાંભળી જયરામન મલપતી ચાલે મંચની પૂર્વમાં ગયો. જ્યાં નર્તકીઓ અને ગણિકાઓને બેસવા માટે એક ખાસ કક્ષ બનાવાયો હતો.

Backdrops - Painting Back Drop Manufacturer from Mathura

સૌથી આગળ બેઠેલી સોમવલ્લી તરફ સ્મિત કરીને એ આગળ વધી ગયો અને બીજી હરોળમાં બેઠેલી વલ્લિકા પાસે જઈ કહ્યું, “દેવી! આપનું કામ છે મારે!”

સૌ ગણિકાઓ પણ વલ્લિકા સામે આદરથી જોવા લાગી. રૂપવંતી હોવાને કારણે વલ્લિકાનો દબદબો તો હતો જ. પણ આજે સોમવલ્લીની ઉપેક્ષા કરીને એને રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું, એ દૂરથી જોઈ સહુ નગરજનો પણ અચંબિત થયા. આમેય પરાજિત રાજ્યના નગરજનોએ હવે આવી વાતોમાં જ મનોરંજન શોધવાનું હતું. સેનાપતિ જયરામન સાથે વલ્લિકા સાવધાનીથી છતાં ગભરાયા વગર રાજમહેલની દિશામાં ગઈ.

ઉત્સવ પૂરો થયો. રાજમહેલના વરંડામાંથી દારાકુલા પસાર થઈ રહ્યો હતો ત્યારે એની પ્રતીક્ષામાં સેનાપતિ જયરામન અને વલ્લિકા માથું નમાવી સામે ઊભા હતા. અચાનક જયરામને ઝડપથી થોડા ડગલા આગળ વધી દારાકુલાની નજીક જઈ ટૂંકમાં કંઈક વાત કરી અને પછી વલ્લિકા સાથે એનો પરિચય કરાવ્યો. પરિસ્થિતિ પારખીને વલ્લિકાએ કહ્યું, “અમારી ડેલીમાં ત્રીસ યુવાન ગણિકાઓ છે. વિજેતાઓનું રોજ મનોરંજન કરીશું. પણ એક જ વિનંતિ છે કે વિજયના ઉન્માદમાં પાટલિપુત્રની બહેન-દીકરીઓને ન છેડવામાં આવે!”

સુંદરીની રીતભાત પણ સુંદર હોય તો કોને ન ગમે? દારાકુલા દર્શન અને શ્રવણથી ખુશ થયો. સંમતિમાં માથું હલાવ્યું, “તમને પણ બદલો મળશે! વિનામૂલ્યે કંઈ નહીં!”

“મહારાજ, તમે અહીં રહો એટલા દિવસ, એવી કોઈ અપેક્ષા વગર, તમારી સેવામાં હાજર થઈશ!”

દારાકુલા એના કાળા હાથ વડે વલ્લિકાના ગાલ પર હળવી ટપલી લગાવી. આગળ વધ્યો. પાછળ ફરી બોલ્યો,  “અહીંથી જવાનું જ કોણ છે? પાટલિપુત્ર છોડીને કોણ જાય?” એના હાસ્યનો ખડખડાટ વરંડામાં પડઘાઈ રહ્યો.

ત્યાં જ બહાર ગણગણાટ થયો. ઉત્સવના અંતે શિશુગુપ્તની હત્યા કરનાર અંગરક્ષકને હાથી નીચે ચગદી નાખવામાં આવ્યો હતો.

Execution by elephant - Wikipedia

ગભરાયેલા પ્રજાનનોના વિખેરાવાના અવાજો વચ્ચે દારાકુલા બોલ્યો, “પોતાના સ્વામી સાથે દગો કરનાર અંગરક્ષકનો શું ભરોસો?” એ અંગરક્ષકને ફોડવાનું કામ જયરામને કર્યું હતું. એના શરીરમાં એક ધ્રુજારી ફરી વળી.

અંગરક્ષકનું વિચ્છિન્ન શરીર જોઈ સિંહાસન પર બેઠેલા પ્રવરસેનને પણ ઉલટીઓ થવા લાગી. જયરામન એ તરફ જવા લાગ્યો એને રોકીને દારાકુલાએ કહ્યું, “થોભો, જયરામન! પોતાના વતન સાથે દગો કરનાર પ્રવરસેનનો પણ શું ભરોસો? પ્રવરસેનનો ઉપયોગ પૂરો થયો. અમે એને ત્રણ દિવસથી ધીમું ઝેર આપીએ છીએ.એ અસર બતાવી રહ્યું છે!”

“એને તો સિંહાસન..”

“હા, અમે એને સિંહાસન પર બેસાડવાનું વચન આપેલું, એ પૂરું કર્યું. હવે એ સંતોષથી પ્રાણ ત્યાગી શકશે!”

સેનાપતિ જયરામન કંપી રહ્યો હતો. એ જોઈ દારાકુલા બોલ્યો,

“બસ દાખલો બેસાડવા માટે આ કર્યું! બે દગાખોરોની હત્યા પૂરતી છે, તમે નિશ્ચિંત રહો જયરામન!”

સિંહાસન પરથી ઉતરીને પ્રવરસેન પોતાના વતનના ચોગાનમાં જ ઢળી પડ્યો. જેના પર કબજો મેળવવા માંગતો હતો એ આખો રાજમહેલ એની નજર સામે ઊંધો દેખાતો હતો. રાજમહેલ ધીમેધીમે એની ક્ષીણ થઈ રહેલી નજરથી ઓઝલ થયો. એણે ખુલ્લી આંખે છેલ્લા શ્વાસ લીધા.

દારાકુલાએ અજબ પ્રકારના સંતોષથી આ દૃશ્ય જોયું અને પછી જયરામનના ચહેરા પર એનો પ્રતિભાવ જોયો. જયરામને ઊંડો શ્વાસ લીધો, પોતાની વફાદારીનો એકાદ પુરાવો આપવો જરૂરી લાગતાં અચાનક એણે કહ્યું, “આ લો, કુંવર વીરગુપ્તને કેદ રાખ્યા છે એ કોટડીની ચાવી!” એમ કહી એણે એક ચાવી દારાકુલાને આપી.

“આજના દિવસે બે હત્યાઓ પૂરતી છે!” એમ કહીને દારાકુલાએ કમરે બાંધેલા સોનાના દોરા પર એ ચાવી લટકાવી અને એક વિજેતાની અદાથી એ રાજમેહલની અંદર ગયો.

એક કલાકમાં તો પાટલિપુત્રમાં બધે આ સમાચારો પહોંચી ગયા. શિશુગુપ્તના વફાદાર સેનાપતિઓ તો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. દગાખોર સેનાપતિઓ પ્રવરસેન અને અંગરક્ષકનો અંજામ જોઈ ફફડેલા હતા. નગરજનો સહુ અચંબામાં હતા.

ખુદ સોમવલ્લીનેય કંઈ સમજાતું નહોતું. વલ્લિકાએ પણ આ દગામાં પ્રવરસેનને સાથ આપ્યો હતો? કદાચ હા! એને અચરજ એ વાતનું થયું કે દારાકુલાએ પ્રવરસેનને વિષ આપ્યું અને વલ્લિકાને સુરક્ષિત રાખી. એટલું જ નહીં, નગર પર અંધારાના ઓળા ઉતરતાં જ વલ્લિકાની આગેવાની હેઠળ ત્રીસ ગણિકાઓ સાજસજ્જા સાથે રાજમહેલ પહોંચી.
*
બીજા દિવસે વહેલી સવારે કુંવર વીરગુપ્તની કોટડીનો લોખંડી દરવાજો ખૂલ્યો. વીસ વરસના વીરગુપ્તને હજુ માંડ મૂછનો દોરો ફૂટ્યો હતો. એને ખાતરી થઈ કે અંત સમય નજીક આવી ગયો. રાજમહેલની સામે વધસ્તંભ હતો. જ્યાં હણાયેલાનું માથું લટકાવવામાં આવતું. કુંવર વીરગુપ્તે ક્ષણભરમાં આ નિશ્ચિત બલિદાનને મનોમન સ્વીકારી લીધું. ડર્યા વગર એ દિશામાં પગલાં ભર્યા. ધાબળો ઓઢીને આવેલી વ્યક્તિએ કહ્યું, “ત્યાં નહીં, આ તરફ..!” અને વીરગુપ્તને દિશા બદલી એને સુરંગ તરફ લઈ જવાયો. થોડી ક્ષણોમાં તો વીરગુપ્ત શિશુગુપ્તના વફાદાર સેનાપતિઓ અને સિપાહીઓની ગુપ્ત છાવણીમાં હતો.

ધાબળો ઓઢીને વીરગુપ્તને અહીં લઈ આવેલી વ્યક્તિએ ધાબળો ખોલ્યો. એ વલ્લિકા હતી.
*
આગલી રાતે રાજમહેલમાં બનેલી ઘટના કંઈ આ રીતે બની.

વલ્લિકા પાટલિપુત્રના રાજમહેલના મુખ્ય શયનખંડમાં હતી. સોમવલ્લીએ થોડા દિવસ પહેલા શિશુગુપ્ત પાસે વલ્લિકાને મોકલવાનો પ્રસ્તાવ જ્યારે મૂકેલો, ત્યારે જેનું વર્ણન કરેલું એ શયનખંડ એ અત્યારે જોઈ રહી હતી. કોઈ સભાગાર જેવો વિશાળ ખંડ. બગીચામાં ખુલતા દરવાજા. ફરફરતા પડદાઓ, નાનકડા તળાવમાં તરતાં બતક. બધુ વર્ણન પ્રમાણે જ હતું. બસ, રાજા બદલાઈ ગયો હતો. વતનના નવા સ્વામીને એ નિહાળી રહી.

મહિનાઓના પ્રવાસ અને નાનામોટા યુદ્ધોથી થાકેલો દારાકુલા ગુલાબજળ અને અન્ય સુગંધિત દૃવ્યોવાળા હોજમાં સ્નાન કરીને તાજોમાજો થયો હતો. હવે શરાબ પી રહ્યો હતો. “વીરા ભોગ્યા વસુંધરા” સંસ્કૃતની એ ઉક્તિ એને ખબર હોય કે ન હોય પોતાના વિજયના સાહજિક ફળરૂપે મળેલી આ શયનખંડની રાત્રિની શોભા અને એ રાત્રિની સુંદરતાના પ્રતીક સમી વલ્લિકાને એ જોઈ રહ્યો.

પાટલિપુત્રના રાજવી શયનખંડની દીવાલો પર જડેલા આરસ અને વલ્લિકાનો દેહ એકમેકનું પ્રતિબિંબ ઝીલી રહ્યા હોય એવા ઉજ્જવલ હતા. એક સુંદર સમયખંડની અપેક્ષાએ મદિરાનો જામ હટાવી દારાકુલા હસ્યો. એના શરીરના એકમાત્ર શ્વેત અંશ સમા દાંત દેખાયા.

વલ્લિકાએ સ્મિતથી એનો ઉત્તર વાળ્યો. પોતાના વ્યવસાયમાં એ કુશલ હતી પણ તન સમર્પિત કરવા માટેય થોડું મન જોઈએ. વલ્લિકા વિચારી રહી હતી, “થોડા દિવસ પહેલા આવી હોત તો શિશુગુપ્ત હોત. આજે આ છે. ઠીક છે, રાજાઓ સરખા હોય છે.”

બીજી પળે એ દારાકુલાના આલિંગનમાં હતી. કોઈ ખટકા કે ખંચકાટ વગર એણે સામે ઊભેલી પહાડ જેવી ક્ષણમાં ઓગળી જવાનું નક્કી કર્યું. વેશ્યાઓ સરખી હોય છે, એણે વિચાર્યું. હું નહીં તો મારી જગ્યાએ કોઈ બીજું હોત. દિલથી ફરજ બજાવવાની છે.

શિશુગુપ્ત નિર્બળ હતો. દારાકુલા શક્તિશાળી હતો. બની શકે કે એના શાસનમાં પાટલિપુત્રની સમૃદ્ધિ પરત ફરે? રતિ ટાણે આવા વિચાર? વલ્લિકાને થયું, સફળ રતિ માટે પણ આટલી હકારાત્મક વિચારણા જરૂરી હતી.

શયનખંડમાં દારાકુલાએ વિજયના ઉન્માદમાં વલ્લિકાને પૂછ્યું, “પાટલિપુત્ર અમારું?”

વલ્લિકા બોલી, “જી મહારાજ આપનું!”

“એની તમામ ખેતીની મહેસૂલની આવક અમારી?”

જી મહારાજ તમારી!

“આ રાજમહેલનો બધો વૈભવ અમારો?’

“જી મહારાજ તમારો!”

“પાટલિપુત્રની તમામ ગણિકાઓ અમારી?”

“જી મહારાજ તમારી!”

“પાટલિપુત્રની બધી સ્ત્રીઓ અમારી?”

વલ્લિકા એક પળ અટકી ગઈ,

દારાકુલા જોરથી બોલ્યો, “બોલ! સુંદરી! ઉત્તર કેમ ન આપ્યો? આ પાટલિપુત્રના તમામ નિર્બળ નિર્વિર્ય પુરુષોની બધી સ્ત્રીઓ અને સુંદર યુવાન દીકરીઓ અમારી થઈ કે નહીં?’

વલ્લિકાએ હસીને કહ્યું, “મહારાજ આમ મારી પાસે ‘હા.. હા..’ કરાવવામાં સવાર પડી જશે.”

વલ્લિકાએ વસ્ત્રો ઉતારવા માંડ્યા. દારાકુલા પોતાના સવાલો ભૂલી વલ્લિકાના શરીરના આકારોમાં ખોવાયો.

“આ ફળો પહેલા ખાશો કે પછી?” કહીને વલ્લિકાએ જાતે કાપેલાં ફળોની આકર્ષક થાળી ધરી.

એક પ્રહર પછી દારાકુલા બેહોશ હતો. વલ્લિકાએ એની કમર પરથી વીરગુપ્તની કોટડીની ચાવી લીધી. વલ્લિકા કોટડી તરફ જઈ રહી હતી ત્યારે તહેનાત થયેલા રાત્રિ પહેરેદારોએ રાજ્યની આ મુખ્ય ગણિકાને ઝુકીને ઝુકીને નમન કર્યાં. વલ્લિકાએ કોઈ ઉતાવળ કે વ્યગ્રતા દેખાડયા વગર ‘દારાકુલાની આજ્ઞા છે’ કહીને વીરગુપ્તને મુક્ત કર્યો.

આ એક એવા પ્રતિકારનો પ્રારંભ હતો, જેનો અંત આઠ પ્રહર પછી બીજીવારના સત્તાપલટારૂપે આવ્યો.

નશામાંથી માંડ જાગેલા દારાકુલાના સૈનિકોએ મોડી સવારે દારાકુલાના નિષ્પ્રાણ દેહનો જોયો. સહુ એકત્રિત થાય એ પહેલા વીરગુપ્તે વફાદાર સિપાહીઓ સાથે આક્રમણ કરી દારાકુલાની સેનાને તહસનહસ કરી નાખી.

સાંજે રાજમેહલના મુખ્ય દરવાજેથી વીરગુપ્તે અશ્વારૂઢ થઈ પ્રવેશ કર્યો, ત્યારે મુખ્ય પથની બન્ને તરફ ‘આખા પાટલિપુત્રની સ્ત્રીઓ’ ઉપરાંત વલ્લિકાને નમન કરીને એ રાજમહેલમાં પ્રવેશ્યો.

સતત બીજા વિજયઉત્સવ પછી રાતે વીરગુપ્તે વલ્લિકા સાથે મુલાકાત કરી. ના! આ કોઈ શયનખંડનું એકાંત નહોતું. વફાદાર સેનાપતિઓ અને કેટલાક માનનીય નગરજનો આસપાસ હતા. વલ્લિકાએ ટૂંકમાં વાત કરીને પ્રવરસેને આપેલું ચપ્પુ બતાવ્યું, “આનો ઉપયોગ કરવાની હામ તો નહોતી, પણ દારાકુલાના એક ગર્વિષ્ઠ વાક્યથી એ હામ આવી ગઈ. દારાકુલા જેવા આતયાયી સત્તા છિનવી શકે, સ્ત્રીઓને નહીં! હું ગણિકા છું. એ મારો વ્યવસાય છે. એ મારી નિયતિ છે. પણ એક વ્યક્તિ તરીકે હું મારા સામ્રાજ્યની સ્ત્રી-દીકરીઓના ગૌરવની રખેવાળ પણ છું.”

વીરગુપ્તે કહ્યું, “દેવી, આ રાજ્ય માટે અને ખાસ તો નગરની સ્ત્રીઓના સન્માન માટે તમે જે કર્યું છે, એ બદલ એક રાજા તરીકે અત્યારે હું ‘માંગો! માંગો તે આપીશ’ એમ કહીશ તો એ શબ્દો બહુ ઊણાં લાગશે!”

વલ્લિકા બોલી, “મારે કશું જોઈતું નથી. હું તુષ્ટ છું. હું કદાચ મારો વ્યવસાય ચાલુ રાખું. કદાચ સન્યાસિની થઈ જાઉં! બન્ને માટે.. મારે કશાની જરૂર નથી.”

તેજસ્વી યુવાન વીરગુપ્ત બોલ્યો, “તમે ગણિકા રહો કે સન્યાસિની થઈ જાઓ, બન્ને દશામાં તમે નગરપુત્રી છો. બન્ને સ્થિતિમાં તમે પૂજનીય રહેશો.”

~ રઈશ મનીઆર, સુરત,
+91 9825137077,
amiraeesh@yahoo.co.in)

આપનો પ્રતિભાવ આપો..

13 Comments

 1. સ્ત્રીઓનું સન્માન પછી એ ખુદની પત્નિ હોય, માતા, બહેન કે કોઈ પણ સ્ત્રી,તેનું રખોપું કરવું એ દરેક “પુરૂષ”ની ફરજ છે.

 2. વાહ ખૂબ સરસ વાર્તા
  પાટણને સમર્પિત ગણિકા ચૌલા દેવીની યાદ અપાવી દીધી

 3. વિષયને અનુરૂપ ભાષાનો સુંદર વિનિયોગ. અભિનંદન.
  એક અનુરોધ અક્ષરનાદડોટકોમ પર અમારી ‘આમ્રપાલી’
  નવલ વાંચશો. આમ્રપાલી વલ્લિકા સગોત્રી જણાશે.

 4. રઇશ મનીઆર તરફથી નારીગૌરવની આ સુંદર વાર્તા આજના છકી ગયેલા કામાતુર યૌવન માટે એક સંદેશ જેવી છે. અભિનંદન અને શુભેચ્છાઓ આવી અનેક સરસ વાર્તાઓ લખતા રહે એટલા માટે.

 5. ગણિકા નો વ્યવસાય તન થી છે પણ મન તો ખરું રાષ્ટ્રપ્રેમી છે .

 6. સરસ ઐતિહાસિક પરિવેશ, ગણિકાઓનું ઐતિહાસિક યોગદાન. સરસ. અભિનંદન