બોલતાં ખંડેરો તક્ષશીલાનાં ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 36) ~ પૂર્વી મોદી મલકાણ

કટાસરાજથી થોડી ઘણી મિશ્ર યાદો અને પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ જાણ્યાં પછી ઇસ્લામાબાદ આવ્યાં ત્યારે વિચારેલું કે હવે એકાદ-બે દિવસ શાંતિથી બેસીશ. પણ તેવું થઈ શક્યું નહીં.

અત્યાર સુધી કરેલી ટૂરનું સરવૈયું કાઢતાં ખ્યાલ આવ્યો કે; આપણે જ્યાં બૌદ્ધ ધર્મ, શિષ્યો અને જ્ઞાન મેળવાતું હતું તેવી જગ્યાઓ પર તો જઈ આવ્યાં (ધર્મરાજીકા, ભમલા, કનિષ્કવિહાર વગેરે) પણ ચાર્લ્સનાં પ્રસંગને કારણે (જુઓ ગંગાથી રાવી – ભાગ 26) પ્રાચીન વિદ્યાપીઠ તક્ષિલાની ટૂર તો અધૂરી રહી ગઈ હતી.

આ વાતનો ખ્યાલ આવતાં જ અમે વિચાર્યું કે ચાલો હવે એક ફરી નવી સફર અતીતની કરી લઈએ અને પાકિસ્તાન છોડીએ તે પહેલાં ફરી એકવાર તક્ષિલા – તક્ષશિલાનાં ખંડેરોમાં ભટકી એમનાં સમયનાં શ્રેષ્ઠ એવા ચંદ્રગુપ્ત મૌર્ય, જીવક, આંભિક કુમાર, ચારુદત્ત, શ્વેતબિંદુ વગેરે શિષ્યોને શોધી કાઢીએ.

પણ પ્રોબ્લેમ એ હતો કે મી. મલકાણ ચાલુ ઓફિસે નીકળી શકે તેમ ન હતાં. તેથી લોકલ મિત્ર ફરીહાને સાથે રાખી હું ફરી ઇતિહાસનાં પાનાંમાં ઉતરી પડી.

સંસ્કૃતમાં “તક્ષશીલા” શબ્દનો અર્થ “પથ્થરોનાં નગર” તરીકે કરવામાં આવ્યો છે. તેથી હું પણ જ્યારે આ સ્થળમાં પહોંચી ત્યારે મને ઠેર ઠેર પથ્થરોનાં અવશેષોની અંદર જ તક્ષશિલા વિદ્યાપીઠ બોલતી જણાઈ.

આ એ જ વિદ્યાપીઠ હતી જેનાં વિદ્યાર્થીઓને રાજનીતિ, કૂટ નીતિ,  શસ્ત્રવિદ્યા,  દર્શનશાસ્ત્ર,  વ્યાકરણશાસ્ત્ર,  જ્યોતિષશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર,  લલિતશાસ્ત્ર, પશુશાસ્ત્ર,  હસ્તિવિદ્યા,  અશ્વવિદ્યા,  સર્પવિદ્યા, વાણિજ્યકલા, ચિત્રકલા, આયુર્વેદ, ધનુર્વેદ, ચારે વેદ, શાસ્ત્રો, ભાષ્યો વગેરેનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.

આ જ વિદ્યાધામને કારણે ભારતવર્ષને ચાતુર્યક ચાણક્ય – કૌટિલ્ય, વ્યાકરણશાસ્ત્રી પાણિની, આયુર્વેદજ્ઞાતા જીવક જેવા અનેક આચાર્યો મળ્યાં. એક સમયે આ સ્થળ હિન્દુઓ અને બૌદ્ધનાં આસ્થા, વિદ્યા અને વ્યાપારનું મહત્વનું કેન્દ્ર હતું, જેની અસર મધ્ય એશિયા, અને પશ્ચિમી એશિયાનાં મધ્યવર્તી ભાગ સુધી દેખાતી હતી.

ઇતિહાસ: પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં સમુદ્ર સપાટીથી ૫૪૯ મીટર અને ૧૮૦૧ ફૂટ ઉપર  આવેલ તક્ષિલા કે તક્ષશીલા એ ગાંધાર દેશનો ભાગ ગણાતું હતું. આ ગાંધાર દેશનો પ્રથમ ઉલ્લેખ વેદોમાં થયેલો જોવા મળે છે. ગાંધારનો દેશનો બીજો ઉલ્લેખ વાલ્મીકિ કૃત રામાયણમાં જોવા મળે છે. જેમાં મહર્ષિ વાલ્મીકિ કહે છે કે રઘુવંશનંદન તક્ષે કૈકયરાજનાં (કૈકયીનાં પિતા) સહયોગથી ગાંધારદેશની ભૂમિ પર તક્ષશિલા નામની નગરી વસાવી. (વાલ્મીકિ રામાયણ-૧૦૦-૧૧)

ત્રેતાયુગ બાદ દ્વાપરયુગમાં મહર્ષિ શ્રી વેદવ્યાસજીએ કહ્યું છે કે પાંડવોનાં પૌત્ર જન્મજયે પોતાના પિતાના સર્પદંશ મૃત્યુનો બદલો લેવા માટે આ ભૂમિ પર સર્પયજ્ઞ કરેલો હતો. (મહાસ્વર્ગારોહણ અધ્યાય ૫).

મહાભારતનાં યુદ્ધ પછી મહારાજ પરિક્ષિત અને ત્યારપછી તેમનાં વંશજોએ થોડા વર્ષો રાજ્ય કર્યું. દ્વાપર યુગ બાદ ઇ.સ. ત્રીજી સદી પૂર્વે  બૌદ્ધ સાહિત્યોમાં તક્ષશિલાનો ઉલ્લેખ ગાંધાર દેશનાં પટ્ટનગર તરીકે કરવામાં આવ્યો છે.

આ અરસામાં મહારાજ બિંબસારનાં મંત્રીઓ અહીં આવીને રહેતાં હતાં. છઠ્ઠી સદી પૂર્વે ફારસનાં શાસક કુરુષે સિંધુ તટ્ટે આવેલ તક્ષશિલા પર કબ્જો જમાવ્યો. આ યુદ્ધ પછી લગભગ ૨૦૦ વર્ષ સુધી આ નગરી પર ફારસ લોકોનું આધિપત્ય અહીં રહ્યું.

ટર્કીશ લેખક સ્ટ્રેબો (Strabo) એ લખ્યું છે કે; ઉપજાઉ જમીન અને ખંતીલા પાણીથી યુક્ત આ ભૂમિ પર ફારસ પછી બૈસિલિયસ અને તેનાં અહંકારી પુત્ર આંભિકનું શાસન થયેલું પણ પાછળથી ચંદ્રગુપ્ત મૌર્યનું અહીં સામ્રાજ્ય સ્થપાયું. સમ્રાટ અશોક પછીની એકાદ પેઢી બાદ અહીં યૂનાનીઓએ, ત્યાર પછી કનિષ્કોએ અહીં શાસન કર્યું.

આમ આ ભૂમિ પર શાસનકર્તા તો બદલાતાં રહ્યાં પણ વિદ્યાપીઠ તરીકે આ ભૂમિનો દબદબો પણ કંઈક અંશે જળવાય રહ્યો. પાંચમી સદીથી સાતમી સદી સુધી હૂણો અને શકો સહિત જે આક્રમણકારી પ્રજા આવી તેણે આ જગ્યાનું નામોનિશાન પૂર્ણતઃ મિટાવી દીધું. ફાહિયાન, યુ-વાન, ચવાંડ જેવા ચીની પ્રવાસીઓ જ્યારે અહીં આવ્યાં ત્યારે આ સ્થળમાં વિદ્યાપીઠનાં ચિન્હો, બૌદ્ધ સ્તૂપાઓ, મઠો, વિહારો વગેરે જે રીતે નાબૂદ થયેલાં તે જોઈ આ પ્રવાસીઓનાં હાથમાં કેવળ નિરાશા જ આવી.

તક્ષશિલાનો બીજો ઇતિહાસ કહે છે કે મધ્યવર્તીય એશિયાના આ પ્રદેશ ઉપર અનેક પ્રજાઓએ ચડાઈ કરી જેમાં એક ચડાઈ એલેકઝાન્ડર ધ ગ્રેટ દ્વારા પણ કરવામાં આવેલી. પરંતુ એલેકઝાન્ડર વ્યાસ નદીને પાર ન કરી શક્યો જેને કારણે તેનો ભારતમાં પ્રવેશ તો ન થયો, પણ તેની સેના દ્વારા તક્ષશિલામાં આતંક ફેલાઈ ગયો જેને કારણે આ નગર ઘણે અંશે ભગ્ન થઈ ગયું હતું.

આ વિધ્વંસ પછી જે તે સમયનાં રાજાઓએ આ નગરની પુનઃસ્થાપના કરવાની કોશિશ કરી પણ વિવિધ આક્રમણકારીઓ દ્વારા અવારનવાર હુમલાઓ થતાં રહ્યાં જેને કારણે વિદ્યાધામ તરીકે આ નગરનું પુનઃનિર્માણ ફરી કયારેય ન થયું.

૧૧મી સદીમાં મહમદ ગઝનીએ આ પ્રદેશ ઉપર હુમલો કરી પોતાનું આધિપત્ય જમાવ્યું અને ત્યાં મુસ્લિમ રાજ્યનાં પાયા નાખ્યાં પછી તક્ષશિલાનો ઉલ્લેખ ક્યારેય ન થયો. ગઝની પછી  મધ્યકાલીન ઇતિહાસ કહે છે કે મુઘલ બાદશાહોને આ સ્થળ અત્યંત પસંદ હતું તેથી આ પ્રદેશ મુઘલ બાદશાહોનાં સામ્રાજ્યનો ભાગ હંમેશા રહ્યાં. પણ બાદશાહ જહાંગીર બાદ કોઈ મુઘલ બાદશાહોએ આ પ્રદેશ પર વધુ મહત્વ આપ્યું નહીં જેને કારણે આ પ્રદેશ અડાબીડ એકાંતમાં ખોવાવા લાગ્યો.

૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશ પુરાતત્વવિદ્ સર એલેક્ઝાન્ડર કનિંગહામે પ્રાચીન તક્ષશિલાનાં ખંડેરોની શોધ કરવાનું કાર્ય શરૂ કરેલું હતું. પણ ૧૯૧૨થી ભારતીય પુરાતત્વ જનરલ સર જ્હોન માર્શલનાં નેતૃત્વથી આ કાર્યને વેગ મળ્યો.

૧૯૧૨થી લઈ ૧૯૪૨ સુધી આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આજનાં પાક પંજાબથી લઈ બિહાર સુધી ઇતિહાસનાં પાનાંમાં લુપ્ત થયેલી તક્ષશિલા નગરીનાં અનેક ભગ્ન અવશેષો એવા બૌદ્ધ સ્તૂપો, હિન્દુ મંદિરો, શૈવમંદિરો, જ્ઞાન ભંડાર (લાઈબ્રેરી), રંગમંડપ (નાટ્યકલા માટેનું સ્ટેજ), ક્રીડાંગ (ખેલકૂદ માટેનું ગ્રાઉન્ડ), ધ્યાનખંડ, શિષ્યકક્ષ (વિદ્યાર્થીઓને રહેવાની જગ્યા), અનાજ રાખવાનાં કૂવાઓ, ગંદા પાણીને કાઢવા માટેની નિકનળીઓ, પીવાનાં પાણી માટેના કૂવાઓ વગેરે શોધી વિશ્વ સમક્ષ પ્રકાશિત કર્યા. (A Guide to Taxila- by: Marshall, John Hubert)

આ સમય દરમ્યાન થયેલાં કેટલાક વિદ્વાનોનો મત હતો કે; તક્ષશિલા વિદ્યાપીઠ પર કોઈ અધિકારી સંગઠનનો હક્ક ન હોઈ આ વિદ્યાપીઠ સંકુલનાં રૂપમાં જોવા મળતું ન હતું. આથી આ વિદ્યાલયને કેવળ વિદ્યાલય તરીકે જ ઓળખવામાં આવતું હતું મહાવિદ્યાલય નહીં.

નાના નાના ગુરુકુળોનું સમવત સ્વરૂપ આ વિદ્યાલયમાં જોવા મળતું હોઈ આ ગુરુકુળો આજનાં ઈરાનની હદ સુધી જોવા મળતા હતાં. ઉપરાંત દરેક નવી જગ્યા મુજબ વિદ્યાર્થીઓને તે વાતાવરણ મુજબનાં વિષયો શીખવવામાં આવતાં હતાં. આમ નાના ગુરુકુળો વધુ વિસ્તૃત હોવા છતાં મુખ્ય વિભાગ એ તક્ષશિલાનો જ ગણાતો હતો.

તક્ષિલાનો પૂર્ણ ઇતિહાસ તો આપણે જાણી લીધો હવે ચાલો તક્ષિલાનાં ફોટાઓનાં એક ભાગ બની જઈએ અને જે તે સમયનાં સાક્ષી બની આ ખંડેરોમાં ફરીએ.

પૂર્તિ:-સર એલેક્ઝાન્ડર કનિંગહામે પોતાના રીપોર્ટમાં લખ્યું હતું કે “આ સ્થળને જોતાં ખબર પડે છે કે  બૌદ્ધ  ધર્મએ પશ્ચિમી ભારતની બહાર કદમ મૂકવા માટે અહીંથી શરૂઆત કરી હશે. આજનો સમય જુદો છે તેથી પાકિસ્તાને બૌદ્ધ ઇતિહાસને લઈને બેસેલ આ ભવ્ય સ્થળને હર્પ્પિયન સંસ્કૃતિનું અને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરેલ છે. પરંતુ દુઃખદ વાત એ પણ છે કે વર્લ્ડ હેરિટેજ હોવા છતાં આ સ્થળની ઇમારતોને જાણી જોઈને વધુ ને વધુ ખંડિત કરવામાં આવી રહી છે.

બીજું આ સ્થળનો કે તેની આસપાસમાં કોઈ વિકાસ ન થયો હોઈ આ સ્થળ આજે તદ્દન વિરાન અને અનડેવલપ છે. જેને કારણે તક્ષિલાની મુલાકાતે જનાર મારા જેવાં એકલ-દોકલ પ્રવાસીઓ જ હોય છે. આ બધું જોઈ એમ કહી શકાય છે એક સમયે ભવ્ય સંસ્કૃતિનાં ઇતિહાસની સાક્ષી રહેલ આ તક્ષશીલા કે તક્ષિલાની ઓળખ આજે પાકિસ્તાનમાં કેવળ એક તૂટેલા ટીંબાથી વિશેષ કાંઇ જ નથી.

 © પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment