સ્ત્રી અને ઈસ્ત્રી ~ કટાર: અલકનંદા (12) ~ અનિલ ચાવડા
સાવરણી, ઝાડું, પોતું, લોટ, સફાઈ, બાળઉછેર, રસોઈ ને આવી ઘણાં બધાં ખૂબ મહત્ત્વના કામને આપણે સાવ સામાન્ય ગણીએ છીએ. આના લીધે આ કામ કરનાર પણ સાધારણ ગણાઈ જાય છે.
આપણે ત્યાં સ્ત્રી અને પુરુષને કરવાનાં કામના વિભાગો છે. પુરુષ નોકરી કરે. કમાણીની જવાબદારી તેની. સ્ત્રી ઘર ચલાવે. ઘરનો દોરી તેના હાથમાં. હા, બરોબર. દોરી તેના હાથમાં આપ્યા પછી પણ છેડો તો પુરુષના હાથમાં જ રાખવામાં આવે છે. અને એને ક્યારે કેટલો ખેંચવો એ પુરુષ બહુ સારી રીતે રીતે જાણે છે.
જો પુરુષના જીવનમાંથી સાવરણીપણું હટી જાય તો તેની જિંદગીમાં ધૂળના થર ઉપર થર જામી જાય. કંચન જેવું ચોખું જીવન કચરાથી ઊભરાવા લાગે.
સ્ત્રીનું ઝાડું તેના જીવનમાંથી ગાયબ થયું નથી કે ઝાળા બાઝ્યા નથી. જ્યાં સુધી સ્ત્રીના અસ્તિત્વનું પોતું તેના માંહ્યલાના ઘરમાં ફરતું રહે છે ત્યાં સુધી પુરુષ વધારે ચોખ્ખો છે, કેમ કે તેના ડાઘ સ્ત્રીના પરિશ્રમ થકી ધોવાતા રહે છે.
પુરુષ એમ જ સમજે છે કે હું ચોખ્ખો છું, મારી જેટલું સ્વચ્છ કોઈ નથી. અને એ મનોમન સ્ત્રીને લઘરી ગણ્યા કરે છે. પણ સ્ત્રી પોતાની સ્વચ્છતા તેને અર્પણ કરી દીધી છે એ વાતથી તે જરા પણ અવગત થતો નથી.
સ્ત્રી માત્ર ઘરની દીવાલો કે બારીબારણાં સાફ નથી કરતી. એ તો પરિવાર પર જામવા મથતા અનેક અમાનુષી ઉદાસીના ઝાળાને ખંખેર્યા કરે છે. સમયના ધખારાથી ધૂળ ઘરમાં ન બાઝે તે માટે સતત સચેત રહે છે.
લોટ સાથે એ પોતે બંધાતી રહે છે. રોટલી સાથે એ પણ શેકાતી રહે છે. પણ એ ખાસ ધ્યાન રાખે છે કે ભલે શેકાવું પડે, સ્વાદમાં કચાશ ન રહેવી જોઈએ. કાદચ એટલે જ માના હાથની રોટલી આટલી સ્વાદિષ્ટ થતી હશે.
કઈ એવી વ્યક્તિ હશે કે જેના માતાના હાથની રસોઈનો ચટકો ન હોય. માત્ર શાકભાજી તાજાં હોય છે એટલે એ રસોઈ સારી નથી બનતી. તેમાં વહાલનો અમિરસ રેડાયો હોય છે. પુરુષનું પુરુષપણું સ્ત્રીના આ સાવરણીપણા, ઝાડુંપણા, પોતાપણાને લીધે જ વધારે ઊજળું છે.
જ્યાં સુધી સ્ત્રીના વહાલની ઇસ્ત્રી નથી ફરતી ત્યાં સુધી પ્રત્યેક પુરુષ નર્યું ચીથરું છે. પછી એ પુરુષ બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ. માતાના વહાલની હૂંફ, બહેનનો લાગણીશીલ પ્રેમ, પત્નીનો પ્રણય નિતરતા સ્નેહના ગરમાવાથી પુરુષના જીવન વસ્ત્ર પર પડેલી કરચલીઓ ભંગાતી રહે છે.
જ્યારે પણ પરિવારમાં કરચલીઓ પડવા લાગે ત્યારે ત્યારે સ્ત્રી ઈસ્ત્રી થઈ જાય છે. એ પોતે તપે છે, પણ કરચલીઓ દૂર કરે છે. ઘણા વળી મજાકમાં એમ પણ કહે કે વધારે પડતી ગરમ ઈસ્ત્રી કપડાંને બાળે પણ ખરાં.
આવી સ્થિતિમાં સમજવું કે આપણું કરચલીપણું વધી ગયું હતું એટલે ઈસ્ત્રીએ વધારે ગરમ થવું પડ્યું. કપડાંની કરચલી દૂર કરવાની વાત તો માત્ર પ્રતીક છે. સ્ત્રી તો કેટકેટલી કરચલીઓ દૂર કરે છે.
તરવરતા યુવા કવિ નરેશ સોલંકીએ તો ઇસ્ત્રી કરતી સ્ત્રીનું ગીત લખ્યું છે. આ વિષય પર કવિતા લખવી એ હિંમત માગી લે તેવું કામ છે. આ કવિતા જુઓ…
ડુચ્ચો વળેલ આખ્ખું આભ તારૂ શર્ટ
હું તો સૂરજથી ભાંગુ છું સળ
તને પ્હેરાવું ઝળહળતી પળ
ઝાકળ છાંટુ ને વળી અત્તર છાંટુ છું
અને હું પણ છંટાઉ ધીરે ધીરે
તારા ટી-શર્ટની હોડીમાં બેસીને હું
ફરતી રહું છું તીરે તીરે
ઝભ્ભાનો મખમલી રેશમિયો સ્પર્શ
મારા રૂંવાડે વહે ખળખળ
તારામાં મારું પ્હેરાઈ જવું એ જ
મારા હોવાનો અર્થ એક સાચો
સંકેલું, વાળું ને ધોઉં રોજ સગપણને
એકે ન તંત રહે કાચો
ફૂલ ટુ ફટાક બધા ભાંગેલા સળ
અને કપડાં તો કડકડતો કાગળ
તને પ્હેરાવું ઝળહળતી પળ
આ કવિતા એક રીતે દામ્પત્યજીવનની મહેકથી છલકાય છે. એક પત્ની પતિના ડૂચો વળેલા શર્ટને ઈસ્ત્રી નથી કરતી, એ તો પોતાના અંતરાત્મામાં ઊભરાતા વહાલથી જીવનને વધારે ઊજળું કરવા પ્રયત્ન કરે છે. કપડાં પર એ ઝાકળ છાંટે છે, સાથે પોતે પણ છંટાય છે.
ઈસ્ત્રી કરતાં એને પોતાને પણ હૂંફ મળે છે. વસ્ત્ર સાથે એ પોતે જ જાણે પોતાના પિયુને પહેરાઈ રહી હોય તેવું તેને લાગે છે. વસ્ત્રનો એક પણ તંતુ રહી ન જાય તેની તે કાળજી રાખે છે.
કપડાં દ્વારા ખરેખર તો સગપણમાં ક્યાંય કરચલી ન રહી જાય તેનું ધ્યાન રાખે છે. સ્ત્રી ભલે પુરુષના જીવનના સળ ભાંગતી હોય, પણ તે માત્ર કરચલી ભાંગવાની ઇસ્ત્રી નથી. એ કોઈ સાધન નથી. સાધના છે. એ પોતે સતત સાધના કરતી રહે છે.
એની સાધનાનું તપ પુરુષ ભોગવે છે. સમગ્ર પરિવાર ભોગવે છે. પરિવારમાંથી સ્ત્રીની બાદબાકી થતાની સાથે જ પરિવારણું પણ બાદ થઈ જાય છે.
થોડા સમય પહેલાં હરિયાણી ભાષાની એક હળવા મિજાજની કવિતા વાંચી હતી. તેમાં સ્ત્રી અને ઈસ્ત્રીની ખૂબ હળવાશપૂર્વક વાત કરવામાં આવી હતી, પણ એ જ વાતને ખૂબ ગંભીરતાપૂર્વક સમજાવા જેવી છે. આ રહી એ કવિતા, વાંચોઃ
स्त्री बनाम इस्तरी
एक दिन
एक पड़ोस का छोरा
मेरे तैं आके बोल्या
‘चाचा जी अपनी इस्त्री दे द्यो’
मैं चुप्प
वो फेर कहन लागा :
‘चाचा जी अपनी इस्त्री दे द्यो ना?’
जब उसने यह कही दुबारा
मैंने अपनी बीरबानी की तरफ कर्यौ इशारा :
‘ले जा भाई यो बैठ्यी।’
छोरा कुछ शरमाया‚ कुछ मुस्काया
फिर कहण लागा :
‘नहीं चाचा जी‚ वो कपड़ा वाली’
मैं बोल्या‚
‘तैन्नै दिखे कोन्या
या कपड़ा में ही तो बैठी सै।’
वो छोरा फिर कहण लगा
‘चाचा जी‚ तम तो मजाक करो सो
मन्नै तो वो करंट वाली चाहिये’
मैं बोल्या‚
‘अरी बावली औलाद‚
तू हाथ लगा के देख
या करैंट भी मार्यै सै।’
~ जेमिनी हरियाणवी