સચ યા ખચ્ચ ~ કટાર: બિલોરી (૧૧) ~ ભાવેશ ભટ્ટ
સત્ય વિશે આમ તો કૈં વાત કહેવા જતા તરત પોતાનું ચીંથરેહાલ ગજું દેખાય છે ને અટકી જવાય છે. એ પરિસ્થિતિમાં બીજે બધે ગજા વગરના લોકોને સત્ય વિશે બેફામ બોલતા જોઈને પાછી થોડી થોડી હિંમત થાય છે. તો મનમાં થોડી ઘણી એના વિશેની જે પણ કાચીપાકી વાતો છે તે આવી છે.
આ દુનિયામાં જો વસ્ત્રની શોધ ન થઈ હોત તો સદીઓ પહેલા આ દુનિયાનો વિનાશ થઈ ગયો હોત. આ વાતથી જ સાબિત થઈ જાય છે કે ઉઘાડું સત્ય કદરૂપુ અને અસહનશીલ હોય છે. માણસજાતને એ ઢાંકેલું જ ફાવે છે અને ગમે છે. એક બીજાને નગ્ન ન જોઈ શકનારાઓની દુનિયામાં ‘સત્ય’ શબ્દ શબ્દકોશની અંદર પણ આગંતુક જેવો લાગે છે.
આ તો ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ જાહેર થયા અને પુસ્તક રૂપે છપાઈ ગયા, બાકી સત્યના પ્રયોગો તો સદીઓથી દરેક માણસ પોતાની રીતે પોતાની ‘Ideological lab’માં કરતો જ આવ્યો છે અને કરતો જ રહેશે. હવે મોટાભાગના લોકો આ વાત સમજી ગયા છે કે સત્ય બોલ્યા કરતા એના વિશે વાતો કર કર કરવાથી વધારે ફાયદો થતો જોવા મળે છે.
એક તો તમે એની વાતો કરવાથી પરોક્ષ રીતે એના વપરાશકાર સાબિત થઈ જાઓ છો. બીજું એના પ્રત્યેનો સરાહનીય અભિગમ જોઈને લોકોનો પ્રેમ, વિશ્વાસ અને મહાનતા જલ્દી પ્રાપ્ત થાય છે. એટલે લોકો એના વપરાશ એના કરતા પ્રચાર બાજુ વધારે ખેંચાય છે.
એક વર્ગ એવો છે જે સગવડિયા સત્યનો પૂજક છે. જે સત્ય બોલવાથી કોઈ પણ લાભ ન હોય એમાં એ મૌનની ભીંત પાછળ સંતાઈ જાય છે.
આમ તો આ દુનિયામાં શરૂઆતથી લઈને આજ સુધી સત્યની જે સ્થિતિ થઈ છે એ જોઈને લાગે છે કે સત્યથી નફ્ફટ બીજું કોઈ નથી. કેમ કે એને જે અપમાન, બદનામી, ને તિરસ્કાર સહન કરવા પડે છે એની કલ્પના પણ કંપાવનારી છે. એના જેટલું બેઇજ્જત આ ધરતી ઉપર અન્ય કોઈ નથી થતું. તોય આ ધરતીને છોડીને જતું નથી રહેતું.
એક નિર્લજ્જની જેમ અહીં ક્યાંક ને ક્યાંક તો ભટકાઈ જ જાય છે. એ બિચારાની કમનસીબી એ છે કે જેવું એ ક્યાંય પણ વ્યક્ત થાય કે તરત બીજી ક્ષણથી શંકાના પાંજરામાં પુરાઈ જાય છે. એ જ ક્ષણે સામેના પક્ષથી એને નકારી કાઢવામાં આવે છે. એને જ જૂઠ કહેવામાં આવે છે. એને જ અસત્ય સાબિત કરવાના પ્રયાસો ચાલુ થઈ જાય છે.
હવે એ સત્યનો દારોમદાર એ બોલવાવાળાની ક્ષમતા ઉપર રહે છે. જો એ નબળો હશે તો એનું સત્ય બહુ જલ્દી અસત્ય પુરવાર થઇ જશે, અને જો શક્તિશાળી હશે તોય એને એકપક્ષીય સમર્થન જ મળશે. મતલબ કે અપવાદને બાદ કરતાં એને ક્યારેય બહુમતી નહીં મળે.
હવે જો સત્યને સત્ય થઈને પણ જો અપવાદના આશરાથી રાજી રહેવાનું હોય તો એ હોવું શું કામનું? એના કરતાં એનું ના હોવું વધારે ગૌરવશાળી કહેવાશે. એક રીતે સત્ય એકલતાવાદી પણ છે. જો તમે એને સેવો તો એ તમને પણ એકલા પાડવાના ભરપૂર પ્રયાસો કરે.
આપણે મોટેભાગે એનું રહેઠાણ આપણા મનમાં બનાવતા હોઈએ છીએ અને એને આપણા મન કરતા જીભ અને આંખોમાં રહેવું વધારે પસંદ હોય છે. બે જણના મનમાં જ્યાં સુધી એ રહે છે ત્યાં સુધી એ બંનેને વાંધો નથી હોતો, પણ જેવું એ બેમાંથી કોઈ એકની જીભે કે આંખમાં આવ્યું કે એ તણખાનું સ્વરૂપ ધારણ કરી લે છે.
સત્યને અને આગને જાણે લોહીનું સગપણ હોય એવું અવાર નવાર સાબિત થતું જોવા મળે છે. બંને સાથે ઘણી વાર જાહેરમાં અને ખાનગીમાં જોવા મળી જાય છે.
સત્યને વ્યક્ત કરનારો ફક્ત વાણી જ નહીં પણ પોતાના શરીરના ઘણા અંગો અને ક્રિયાનો પણ ઉપયોગ કરતો જોવા મળે છે. (આમ તો અસત્યને પણ…)
સત્યની ફજેતીમાં પણ જો કોઈ ચારચાંદ લગાવનારું હોય તો એ છે ‘સત્યનું મંદિર’ એટલે કે કોર્ટ કચેરી.
ત્યાં તો સત્યની આબરૂ બે કોડીની પણ નથી રહેતી. કાળા પોષાકોના કુંડાળાંની વચ્ચે રોજ એની હાલત વસ્ત્રાહરણ થતી દ્રૌપદીથી પણ ખરાબ થાય છે.
ક્યારેક કૃષ્ણનો મૂડ હોય ને આવી ને એને અમુક થીગડાંથી ઢાંકીને બચાવી લે તો ઠીક છે. નહીંતર એણે નગ્ન થઈને પણ ખોટા જ સાબિત થવાનું છે અને એની આબરૂ ગુમાવવાની છે.
એક અપીલ લાગતા વળગતાઓને એ પણ કરવાની કે કોર્ટ કચેરીમાં જેની ઉપર હાથ મુકાવીને બયાન આપવનું હોય છે એ ધર્મપુસ્તકો અને સત્યના સંબંધો પણ વરસોથી ખૂબ વણસી ગયા છે. એટલે એ બંનેમાં સમાધાન કરાવવાના ભાગરૂપે એ પ્રથાને બંધ કરાવવી પુણ્યનું કામ છે.
અંતે આજના સમયનું સત્ય એ છે કે સત્યને તમે તમારી નિષ્ફળતાનું કારણ બનાવી એક મોટો દિલાસો અને કાયમી દિલાસો મેળવી શકો છો, તમારી સફળતાના કારણમાં સત્ય હોય એ વાત પૃથ્વી બહારના વિસ્તારની હોય તો કદાચ માની શકાય.
એમ કહેવાય છે કે સત્ય હંમેશા કડવું હોય છે. તો છેલ્લે કડવી આંખો કરીને છૂટા પડીએ, એ સત્ય આ છે કે આ લેખમાં કેટલી વાર ‘સત્ય’ શબ્દ આવે છે? એનો સાચો જવાબ જે આપશે એને આના બદલામાં કૈં જ નહીં મળે.
***