સંચિત મધુર ક્ષણો એ જ તો છે આપણી કિંમતી મૂડી (પ્રકરણ : 41 – (છેલ્લું પ્રકરણ) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 41
(છેલ્લું પ્રકરણ)

હું અને માધવી પહેલી વાર અમેરિકા જઈ રહ્યાં હતાં, રાતની ફ્લાઇટ અને છેક સાંજે જ વિઝા મળ્યા. ચાલો, આખરે અમેરિકાએ વૅલકમ કહ્યું.

પણ એથીયે પહેલાં, રામભાઈના નિમંત્રણ પછી અમેરિકાવાસીઓએ વૅલકમ કહ્યું હતું.

લિટરરી અકદમની ઓફ નોર્થ અમેરિકાના ભાનુબેન-રામભાઇ ગઢવી

અશોક મેઘાણીનો ફોન, આપણાં બંનેનાં પિતા, મેઘાણી અને આચાર્ય મિત્રો અને સાથી કાર્યકરો એટલે આપણે ભાઈબહેન. વગર પરિચયે એક જ ફોનકૉલથી અમે સ્વજનો બની ગયાં.

અકાદમીના કાર્યક્રમો પૂરા થયા પછી અમે અશોકભાઈ-આશાબહેનનું સ્નેહભર્યું આતિથ્ય માણ્યું. સાથે રહ્યાં, ફર્યાં. ડૉ. ભારતી મલ્લિકનો પણ ફોન, તમે ક્યાંથી ઓળખો!

આપણે ઘાટકોપરની સ્કૂલમાં સાથે ભણતાં, તમે આગળ, હું પાછળ. આપણી શાળાની બીજી વિદ્યાર્થિનીઓ પણ અહીં સેટલ થઈ છે, તમને મળવા ખૂબ ઉત્સુક છીએ, અમે તો એક ગૅટ ટુ ગેધરનું પ્લાનિંગ પણ કરી લીધું છે.

મારા કેટલા વાચકોનાં સંદેશાઓ! જાણે કોઈ અજાણ્યા દેશમાં નહોતી જતી, મિત્રો, સ્વજનોને મળવા જાઉં છું. રામભાઈના આગ્રહથી રહેવાનું એમને ત્યાં જ હતું. એટલે હું અને માધવી વહેલાં પહોંચી ગયાં. થોડું હર્યાંફર્યાં. હવામાનથી ટેવાયાં અને સમયના તફાવતથી પણ.

ફ્લોરિડા-ટેમ્પામાં એક હોટલમાં એકૅડેમીના બધા સભ્યો સાથે રહેતા હતા, જાણે મેળાવડો. રાત્રે રૂમમાં ડાયરો જામે.

અમેરિકા – ટેમ્પાની હોટલમાં રાત્રે ડાયરો

ભગતસાહેબ, ભોળાભાઈ, ભીખુદાન, રામભાઈ-ભાનુબહેન અમે મા-દીકરી. કેટકેટલી વાતોમાં હાસ્યરસ છલકાય! સાથે ભારતી વ્યાસનાં કંઠે લોકગીતો, કવિતાઓની મધુરરસની લહાણી!

કાર્યક્રમમાં સભાગૃહ છલોછલ. પ્રખર વક્તા ભોળાભાઈ અને ભગતસાહેબનો ટાગોર પર ઘનિષ્ઠ અભ્યાસ. એ બંનેની હાજરીમાં મારે અતિથિવિશેષ તરીકે વક્તવ્ય આપવાનું.

Ravindranath Tagore – R R Sheth Books

મેં `ઘરેબાહિરે’ પર પ્રવચન તો આપ્યું પણ મનમાં એટલો સંકોચ! ભગતસાહેબને ગમ્યું ત્યારે મને શાતા થઈ.

સંમેલનમાં ત્રણ દિવસ તો કિલકિલાટ કરતાં વહી ગયા. ફરી ટેમ્પાથી રામભાઈને ઘરે. (હવે તો જાણે અમારું જ ઘર!)

અમારે થોડા દિવસ ન્યૂયૉર્કની હોટલમાં રહેવું હતું, મોટું આકર્ષણ તો વિશ્વનાં શ્રેષ્ઠ મ્યુઝિયમમાંનું એક નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં ફરવું હતું. આમ તો ઇજિપ્તનાં મ્યુઝિયમની જેમ આ મ્યુઝિયમ પૂરું જોવા માટે દિવસો ઓછા પડે. પછી ન્યૂયૉર્કની ગ્લેમરસ ફૅશનની દુકાનો, થોડું સ્ટ્રીટશૉપિંગ કરવું હતું. પણ રામબાઈએ અમને રોકી જ લીધા અને એમની કારમાં અવારનવાર ન્યૂયૉર્કની સેર કરાવી.

મુંબઈની મુલગી, મારી વાચક રચના મ્યુઝિયમ લઈ ગઈ, સ્ટ્રીટ શૉપિંગ કરાવ્યું. ભારતી સાથે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી જોતાં દિવસભર રખડપટ્ટી કરી.

The Statue of Liberty against a blue sky

પ્રકૃતિની ગોદમાં અશોકભાઈનો વિશાળ બંગલો, ડ્રાઇવ કરીને એમને ઘરે જતાં હોઈએ તો જાણે વનવિહાર! રોજ એમની સાથે નીકળી પડતાં, સ્વૈરવિહાર કરતાં અમેરિકાનાં પ્રખ્યાત સ્થળોએ.

અહીં પણ હોલોકોસ્ટ મ્યુઝિયમ છે ખબર પડતાં અમે રિક્ષા સવાર અને અશોકભાઈ મૅરેથૉન વૉકિંગ કરતાં. હા, રિક્ષા આપણાં જેવી જ પણ પેડલ રિક્ષા. એક અમેરિકન યુવતી પેડલ મારતી જાય, ભારતની વાતો પૂછતી જાય. એ ભણતી હતી, રિક્ષા ચલાવી ભારતભ્રમણ માટે – ખાસ તો બૉલિવૂડનાં દર્શન માટે – પૈસા ભેગા કરતી’તી.

હોલોકોસ્ટ મ્યુઝિયમ પહોંચતાં જ હું અને માધવી નિરાશ. નક્કામી અહીં સુધી કવાયત કરી, મ્યુઝિયમ તો છૂટીછવાઈ બેચાર વસ્તુઓ સિવાય ખાલીખમ! તો ઓપનિંગ સેરેમની શા માટે થઈ હશે! ત્યાં તો ઘંટડી જોરથી રણકી. પાંચ વાગ્યે બંધ. અરે ભાઈ, જોવાનું જ શું હતું!

એક દિવસ ભારતીએ સ્કૂલ ફ્રૅન્ડ્ઝનું ગૅટ ટુ ગેધર ગોઠવ્યું. બધાએ કામ પરથી આવીને સાંજની રસોઈ કરી. ખૂબ ગપ્પાગોષ્ઠિ કરી. હું કોઈને ઓળખતી નહોતી પણ શાળા નામનો એક શબ્દ અમને કોઈ અજબ લાગણીના તંતુએ બાંધી રહ્યો હતો. છૂટા પડતાં અમે બધાં ભાવુક થઈ ગયાં, અમે કદી મળ્યાં ન હતાં અને હવે કદાચ ફરી મળવાનાં ન હતાં.

બીજે દિવસે ભારતીએ એક કવર આપ્યું, શુભેચ્છા કાર્ડ જ છે. તોય મને વહેમ પડ્યો. તરત ખોલ્યું તો ચેક! કવર પાછું વાળ્યું, ના બહેન, હું અહીં કમાવા, ડૉલર ઉઘરાવવા થોડી આવી છું! થોડી સંચિત મધુર ક્ષણો એ જ તો છે આપણી કિંમતી મૂડી.

અમેરિકા પ્રવાસનું અંતિમ ચરણ.

અમારા નિકટનાં મિત્રની બે પુત્રીઓ અમેરિકાવાસી છે, પણ હજીયે અમારી દીકરીઓની સ્નેહગાંઠ મજબૂત. અમી જયનો આગ્રહ, લેખિકાએ જીવનનું સમગ્રપણે દર્શન કરવું જોઈએ. ચલો કેસિનો ચલતે હૈ. અમે તો હૉલિવૂડની ફિલ્મોમાં જોયેલાં ભવ્ય કેસિનો. હવે પ્રત્યક્ષ. અટલાન્ટીક સીટીનાં તાજમહાલ કેસિનો જોતાં જ અમે એકીટસે ટગર ટગર જોતાં જ રહ્યા.

બિંકુ જય સાથે તાજમહાલ કેસિનોમાં

બહારનાં વિશ્વની અંદર કેસિનોએ પોતાનું વિશાળ વિશ્વ રચેલું. અંદર પ્રવેશો પછી આપણી દુનિયાના કાળને પણ અંદર પ્રવેશ નહીં. દિવસ-રાત કશી ખબર જ ન પડે! એટલી ઝગમગતી રોશની કે કેટલીવારે આંખ માંડ ટેવાઈ, ખૂલી તો અસંખ્ય સ્લોટ પર અગણિત લોકો સતત ભાગ્યનો ખેલ ખેલી રહ્યા હતા.

Hard Rock Hotel & Casino Atlantic City - Wikipedia

અંદર ફર્યા, હાઇસ્ટેક ઝોનનાં બંધ ઓરડાઓમાં વિશ્વના કુબેરપતિઓ કેસિનો રૉયલમાં અબજોના દાવ ખેલી રહ્યા હતા. ફરતે મશીનગનથી સજ્જ મસલમૅન!

જયનો આગ્રહ, ભલે નાના પણ બેચાર સિક્કા નાંખી તમે સ્લોટ પર બેસો, પણ મારી ના જ. જુગાર તો નહીં જ. જસ્ટ ફોર ફન! ના સૉરી. તમને લોકોને જક્કી લાગુ છું! માધવી, તારે ગૅઇમ રમવી હોય તો… ના. ચાલો ફરીને બહાર નીકળી જઈએ.

પાછલી બાજુ સરસ ઠંડી રાત, તારાભર્યું આકાશ. ડીનર લીધું (સાવ બેકાર ખાવાનું! અહીં લોકોને ખાવાનોય સમય હશે કે નહીં!) પાછાં ફરતાં જોયું રસ્તાની બન્ને બાજુ પાઉન શૉપ્સ, વસ્તુઓ ગીરવે મૂકવાની દુકાનો. રમનારા હારે એટલે દોડતાં આવી, કાંઈ ને કાંઈ ગીરવે મૂકી દે, કાર, ઘડિયાળ, વીંટી… રોકડા લઈ ફરી દોટ મૂકે કેસિનોમાં. બધાં જાણે યુધિષ્ઠિરનાં વંશવારસો! અહીં તો જીવન પણ ગિરવી.
* * *
વર્ષો સુધી હું એકલી રહેતી, સાહિત્યની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને પ્રવાસો. પર્સમાં ઘરની ચાવી મારી સાથે જ. બહારથી આવી લેચ કીથી બારણું ખોલું અને ઉંબરે ઊભી રહી મને કહું, વૅલકમ હોમ.

ઘણીવાર સાંજે દરિયાકિનારે મરીનડ્રાઇવની પાળી પર બેસી દરિયાનાં ધસમસતાં મોજાં જોતી રહું, એવી જ એક સલૂણી સાંજે સાંભરી આવ્યો, મેં મને આપેલો કૉલ, સમયપટના કોરા કાગળ પર આલેખું વીતી ગયેલા કાળનાં પદચિહ્ન અને ગૂંથી લઉં કથામાં આ ખીલી ઊઠેલી સંધ્યાનાં રંગોને.

મહેન્દ્ર હૉસ્પિટલમાં હતા ત્યારે જ મૃત્યુના ઓથાર નીચે `ક્રૉસરોડ’નું કથાબીજ તો રોપાયું જ હતું. પછી વાત એમ જ ઠેલાતી રહી.

એ જ રાત્રે સ્વાતંત્ર્યસંગ્રામ વિષેનાં કોઈ પુસ્તકો, લેખો જે પણ મારી લાઇબ્રેરીમાંથી મળ્યા તે શોધી કાઢ્યાં. કોરી જૂની ડાયરી પણ મળી આવી.

તો હવે શ્રી ગણેશાય નમઃ.

કથાવસ્તુનું નાનકડું બીજ અને નામ `ક્રૉસરોડ’ બે વાત મનમાં હતી, પણ વાર્તાનું ક્લેવર ઘડવા સાચાં પાત્રો અને પ્રસંગોમાં મારા જીવનનાં થોડાં પાત્રો, પ્રસંગોને પણ કલ્પનાનાં તારથી ગૂંથીને એક વિશાળ ફલક પર દેશનાં રાજકીય, સામાજિક બદલાતાં જીવનને આલેખવાનો મારો મનસૂબો જાણતી હતી. પરિશ્રમ, ધીરજ અને સમય – આ બધા જ ઓજારોને સામટા કામે લગાડવા પડશે.

1922થી 1975નાં કથાકાળની ફ્રેમવર્ક નક્કી કરી. સમયની બદલાતી છબી ઝીલતાં, જુદા જુદા કાળખંડમાંથી મારે ચાલવાનું હતું. પચાસ વર્ષના સમયગાળાના ઇતિહાસને સશસ્ત્રક્રાંતિ અને બાપુની સ્વાતંત્ર્યલડતને સમજવા વાંચવું અને વર્ષવાર નોંધો લખવી ખૂબ જરૂરી હતું.

સોમૈયાની જીવનગાથા `પ્રથમ પગલું માંડ્યું’માં મેં આ કવાયત કરી જ હતી. ગુગલ નહીં પણ પુસ્તકોમાંથી, જીવાયેલા જીવનમાંથી અને ઇતિહાસની તિરાડોમાં ભરાઈ રહેલા પ્રસંગો, વિસરાયેલા ક્રાંતિવીરોની સાહસગાથાઓ સમય અને સ્થળ સાથે હું નોંધતી ગઈ. સાથે સાથે મારા જીવનમાંથી કથામાં આમેજ કરવાનાં પાત્રો પ્રસંગોને પણ યાદ કરવાનો અવસર મળ્યો.

મારી જ્યોતિષી મિત્ર પાસેથી તે સમયનાં સંવત, તિથિ વગેરેનો તાળો મેળવ્યો. નારાયણ દેસાઈનું ગાંધીજીનું જીવનચરિત્ર, સશસ્ત્રક્રાંતિને લગતાં વિષ્ણુ પંડ્યા અને ચંદ્રશંકર ભટ્ટનાં પુસ્તકો, કમળાબહેન પટેલનો વિભાજનની વ્યથાનો દસ્તાવેજ, `મૂળ સોતાં ઉખડેલાં’ (ખૂબ શોધ્યા પછી મણિભવનમાં સચવાયેલી કૉપી ઉષા ઠક્કરે મેળવી આપી) સમાજશાસ્ત્રી નીરાબહેન દેસાઈ અને નારીવાદી સોનલ શુક્લનાં લેખો, પુસ્તકો વાંચ્યાં.

કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ...

નવલકથાનો પિંડ મનમાં બંધાવા લાગ્યો હતો. હું ક્યાં સમય સાથે રેસમાં ઊતરી હતી! પલાંઠી મારી કલાકો બેસી જતી. એકલપંડે રાંધવાની, ખાવાની શી ચિંતા! પગ છુટ્ટો કરવા નીચે ઊતરું તો ઘરની નીચે જ હોટલ, નહીં તો ચા અને બ્રેડ. ચલતા હૈ.

કથાનું આરંભબિંદુ મારી બાનું કાનોમાતર વિનાનું ગામ લખતર. મારા નાની જયાબાએ મંદિરનાં કૂવે પાણી ભરી એકલપંડે ચાર સંતાનો ઉછેર્યાં હતાં. ગોરબાપા સર્પદંશથી અંતિમ શ્વાસ ભરતાં મૃત્યુને છેટું રાખે છે કારણકે રુદ્રી ભણવાની ચાર આના દક્ષિણા લીધી હતી યજમાન પાસેથી. રુદ્રી પૂરી કરીને જ ટેકીલા ગોરબાપા દેહ છોડે છે. તે મારા મોટાકાકા રમણિકકાકા.

કથામાં ગરાસિયાવાડમાં ઓઝલમાં રહેતી ત્રણ વયસ્ક મહિલાઓની વાત આવે છે તે રાજકોટમાં અમારા ઘરની બાજુમાં. એમને ત્યાં રમવા જતી ત્યારે હું દસેક વર્ષની પણ એમની જીવનકથા મને સ્મરણમાં રહી હતી.

શ્રી અરવિંદ ગુજરાતનાં યુવાનોને સશસ્ત્રક્રાંતિમાં સામેલ થવા કલકત્તા મોકલે છે. તેમને મારા કથાનાયકો બનાવ્યા. કલકત્તાનો નકશો ખોલી મકાનો, રસ્તાઓ જોયા કરું.

ઇટ વોઝ અ મેડનેસ. ભૂત શરીરમાં પેસી ગયું હતું, બસ ધૂણવાનું બાકી હતું. ડાકલા વગાડતી કલમ સરરર ચાલ્યા કરે. કથાન સમય અને સ્થળને મારે આત્મસાત્ કરવા હતા. હું કલકત્તા ગઈ.

બડાબાઝારમાં લક્ષ્મીભુવન છે, જ્યાં મારા ક્રાન્તિકારીઓ, ગુજરાતી મહિલા શાંતાબહેનને ત્યાં છુપાયા હતા. બડાબાઝારમાં મકાનો, દુકાનો જોતી ફરવા લાગી, સાથે મારા નણંદની દીકરી હેમંતિકા અને પત્રકાર કિરણ રાયવડેરા. (કમનસીબે `ક્રૉસરોડ’ જોતાં પહેલાં જ બન્નેએ વિદાય લીધી.) ત્યાં તો જે ધોધમાર વરસાદ તૂટી પડ્યો! તો ક્યા હુઆ, ડગલું ભર્યું કે ના હટવું.

પેલા બેને દુકાનમાં બેસાડી, હું ભીંજાયેલી લથબથ મકાન શોધ્યા કરું. ઓ એ રહ્યું લક્ષ્મીભવન! કોલંબસ જેટલો હરખ થયો. એનાં ખખડધજ અંધારિયા દાદર પર ઊભા રહી મેં ઊંડા શ્વાસ ભરી એ સમયને મારી અંદર ટીપે ટીપે ઝમવા દીધો. મારી આંખમાંથી આંસુની ધાર. શું કામ ખબર નથી પણ જાણે નજર સામે એ ત્રણેય યુવાનો સાક્ષાત્ થઈ ગયા.

કથાપ્રવેશ. હવે સમયપ્રવેશ.

હું અને માધવી અમૃતસર ગયાં. ત્યાં હજી હવામાં સ્વાતંત્ર્યની લહેર છે. રોજ જલિયાંવાલા બાગ જતા, બજાર વચ્ચે જ મદનલાલ ઢીંગરાનું સ્ટેચ્યૂ ખુમારીથી ઊભું છે. એને આંખો ભરીને જોતી, ફોટા પાડતી. દબદબાભર્યા સમારંભમાં, લંડનમાં એમણે કૅપ્ટન વાયલી પર ગોળીબાર કરેલો. રૂંવાડાં ખડાં થઈ જાય એવી એની લાંબી કથા છે. વાઘાબોર્ડર પર જયહિંદનાં નારા પણ અમે લગાવ્યાં.

સુવર્ણમંદિરમાં દર્શન કરી આશીર્વાદ માગ્યા અને ઘરે આવી મેં નવલકથાનો ફર્સ્ટ ડ્રાફ્ટ લખવાનો શરૂ કર્યો.

Harmandir Sahib | temple, Amritsar, India | Britannica

હું કથામાં હતી અને કથા મારામાં હતી. અમે એકમેકમાં શ્વસતા હતા. એકી બેઠકે પચાસ પ્રકરણ લખી શ્વાસ લેવા થંભી. પછી વિચાર આવ્યો, આજના માઇક્રોફિક્શન અને ટૂંકા વૉટ્સઍપ મૅસેજીસનાં સમયમાં લાંબી નવલકથા વેંચાશે? વંચાશે?

મારા પ્રકાશક ચિંતને કહ્યું, તમે નિરાંતે લખો, કશી ચિંતા નહીં કરતા.

Chintan Sheth - Managing Director - R. R. Sheth & Co. Pvt. Ltd. | LinkedIn
ચિંતન શેઠ

હું અવિરત લખતી રહી, એક બે ડ્રાફ્ટ, ક્યારેક કોઈ પ્રસંગ ત્રણચાર વાર… હાથેથી લખેલા ફુલસ્કેપ કાગળો અઢારસો બેએક હજાર થયા હશે.

મુંબઈનાં અખબાર `જન્મભૂમિ પ્રવાસી’, રાજકોટનું `ફૂલછાબ’ અને કચ્છના `કચ્છમિત્ર’માં ક્રમશઃ પ્રગટ થઈ, એ સાથે જ એટલો ઉમળકાભર્યો આવકાર મળ્યો કે જાણે દરિયાનું ધસમસતું મોટું મોજું મને ધસમસતું આવીને તાણી ગયું. (એક જ અખબારમાં પિતા અને બન્ને પુત્રીઓની ઘણી નવલકથાઓ પ્રગટ થઈ એ પણ કદાચ રેકોર્ડ હશે!) વિવેચકો, વાચકોએ `ક્રૉસરોડ’ને વધાવતાં લેખો લખ્યાં.

રઘુવીર ચૌધરીએ લખ્યું.`અહીં રૂઢિપ્રયોગો, કહેવતો, ભાષાની ઇમારત ઘડે છે. હાથમાં લેશો તો `ક્રૉસરોડ’નાં પૃષ્ઠ પાંચસો સાંઇઠ સુધી તો જરૂર પહોંચી જશો.’

નવલકથા ખૂબ લોકપ્રિય થઈ, ઉપરાઉપરી આવૃત્તિઓ થઈ. એક પછી એક પારિતોષિકો, લાઇફટાઇમ ઍચિવમૅન્ટ ઍવૉર્ડ્‌ઝ નવલકથાએ સ્વયં અંકે કર્યાં.

ક્યારેક મને એવું લાગે કે મારું સર્જકકર્મ આમાં નથી, કલમ એની મેળે ચાલતી હતી. નિદા ફઝલી કહે છે, શાસ્ત્રો મેં રચના કો ચમત્કાર કહા જાતા હૈ ઔર ચમત્કારોં પે માનવ અધિકાર નહીં હોતા. કદાચ એમ જ હશે.

મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા, જનજાગૃતિ અભિયાન આ બધા પારિતોષિકો અનેક અનામી શહીદોને અંજલીરૂપે સ્વીકાર્યા, પણ દર્શક ઍવૉર્ડ મળ્યો ત્યારે મારું હૈયું ભરાઈ આવ્યું.

એમનું મારા પર હેત. દર્શક હોત અને એમના હાથે ઍવૉર્ડ મળ્યો હોત તો બન્ને માટે અપૂર્વ આનંદની ઘટના. વર્ષો પહેલાં મેં `ઝેર તો…’માં રોહિણીનું પાત્ર ભજવ્યું તે પછી લેખિકા બની, એમનું હેત અકબંધ. મારે ઘરે આવે. મારું કશુંક વાંચે તો પોસ્ટકાર્ડ લખે.

દર્શક ઍવૉર્ડ મળ્યો ત્યારે જાણે એક ઋણાનુબંધનું વર્તુળ પૂરું થયું.

નિયતિ ક્યાં કેવી રીતે લાગણીનાં તંતુથી આપણને બાંધી દેતી હોય છે!
* * *
દર્શક ઍવૉર્ડ સમારંભમાં અમે બંને બહેનો અમદાવાદ વહેલા ગયા. ભાઈ ઘણાં સમયથી લગભગ પથારીવશ. મનમાં છાને ખૂણે ઊગી ગયું હતું, કદાચ ભાઈ ફરી નહીં મળે. અમે ભાઈ સાથે આખો દિવસ વિતાવ્યો.

બીજે દિવસે સાંજે વિશ્વકોશભવનમાં કુમારપાળ અને મનુભાઈએ (ગુર્જર પ્રકાશન) દર્શક ઍવૉર્ડનું સરસ આયોજન કરેલું. કુમારભાઈએ મારી અનેક તસ્વીરોનું મોટું કોલાજ પ્રવેશદ્વારે જ મૂકેલું.

ભગતભાઈનું પણ અભિનંદનનું મોટું પોસ્ટર.

અનેક લેખકો, વાચકો, મિત્રોથી છલોછલ સભાગૃહમાં ધીરુબહેન અને રઘુવીરને હાથે ઍવૉર્ડ સ્વીકારતાં આંખ ભીની થઈ ગઈ.

અહીં, આવા જ ભરચક્ક સમારંભમાં રણજિતરામ ચંદ્રક સ્વીકારેલો ત્યારે પપ્પાને યાદ કરેલા અને ભાઈ મારી સામે જ હતો પણ એ સમયે મને ખબર નહોતી, મેં મનોમન ભાઈને યાદ કર્યો એ જ વખતે એણે અંતિમ શ્વાસ લીધા હતા. પણ ભાઈના પુત્ર શિવકુમારે અમને ન કહ્યું.

કાર્યક્રમ પછી મનુભાઈએ ઘરે લેખકો સાથે મારું ઍવૉર્ડ સેલિબ્રેશન ડીનર રાખ્યું હતું. સમય ખૂબ આનંદમાં વીત્યો હતો.

બીજે દિવસે સવારે ફ્લાઇટમાં અમે સીટબેલ્ટ બાંધતાં હતા ત્યારે શિવુનો ફોન, પપ્પાને અત્યારે લઈ જઈએ છીએ, તમે ફ્લાઇટમાંથી ઊતરશો નહીં, અહીં હવે કોને મોંમેળો કરવાનો? મારી જ સાથે ને! તે એવી ફૉર્માલિટીની શી જરૂર! તમને અભિનંદન ફોઈ.

મારા ખોળામાં દર્શક ઍવૉર્ડની મસમોટી ટ્રોફી અને આંખો વહેતી હતી. કશુંક મેળવ્યું અને કશુંક ખોઈ દીધું હતું.
* * *
હું વર્ષોથી મારી સાથે રહેતી હતી, ખુશ હતી. લખવું, વાંચવું, સાહિત્યનાં કાર્યક્રમો, અકાદમી પરિષદની મિટિંગ કે પ્રવાસ…

બસ આમ જ જીવન વહેતું રહેત. ત્યાં અચાનક, અણધાર્યો વળાંક આવ્યો.

આયુષ્યના છેવાડે એક નવા અધ્યાયનો આરંભ.

માધવીના ડાયવૉર્સ પછી અમે સાથે રહેવા લાગ્યાં. જ્યારે આ ઘરેથી એની મેં કન્યાવિદાય કરી હતી ત્યારે એ અમારી લાડકી દીકરી હતી પણ હવે જીવનમાં અને વયનાં આ પડાવે અમે બે બહેનપણીઓ હતી. હું અને મારી બે પુત્રીઓ. અમારું લીલુંછમ બીલીપત્ર.

માધવી અમારા ત્રણેયમાં શોખીન, ફૅશનપરસ્ત અને રૂપકડા પતંગિયાની જેમ સતત ઊડતી. બન્ને બહેનોનો સિક્કો એક પણ બે બાજુ અલગ.

શિવાનીનો આધ્યાત્મિક ઝુકાવ, ટેરોટકાર્ડ રીડર, પુસ્તકપ્રેમી, વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત. વર્ષો સુધી ઍરહૉસ્ટેસ તરીકે દુનિયામાં ઊડેલી. અનેક નેશનાલિટી સાથે કામ કરેલું અને કૂકિંગ ક્વિન. માધવીએ બહુ વર્ષો હિંદી-સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મી સિતારાઓ માટે ફૅશન ડિઝાઇનિંગ કરેલું.

પણ પૂર્વ જીવન સાપ કાંચળી ઉતારે એમ એણે છોડી દીધું. સાથે રહેતા અમે એકમેકની જિંદગીમાં ખૂટતા રંગો પૂર્યા. નાનપણથી એણે પીંછી પકડી અને શિવાનીએ કલમ. માધવીએ ફરી પેઇન્ટિંગ શરૂ કર્યું, રેઝીન આર્ટના બિઝનેસનો પણ આરંભ. ઘર ફરી કલરવતું થઈ ગયું.

રોજ સવારે હલ્લો જિંદગી કહેતી હોય એમ મા! ગૂડમૉર્નિંગનો ટહુકો કરે અને નીરવ એકલવાયી જિંદગીમાં વસંતનું પ્રભાત ઊગે.

ઘરમાં અમે બે નહીં, ત્રીજા જીવનું પણ આગમન થયું હતું, એની ચોપગી દીકરી, બ્રાઉની, ડેશન ડોગ.

બ્રાઉની

માધવીનું આ પૅકેજ ડીલ એની અને બ્રાઉનીની જોડી. મારે સ્વાગત તો બન્નેનું કરવાનું. બે દીકરીઓ વૅલકમ.

મને થયું પ્રાણીઓ સાથે રહેવાની આદત નથી, મને ફાવશે? માધવી કહે સિમ્પલ, ઘરનાં તારાં નિયમો એને કહી દે પછી જોજે એ બરાબર નિયમો પાળશે. મને નવાઈ લાગી.

બ્રાઉનીને સામે બેસાડી નિયમો કહ્યા, સોફામાં નહીં બેસતી કપડું ફાટી જશે, મહેમાન આવે તો દોડીને ખોળે ચડી જવાનું નહીં… એ ધ્યાનથી સાંભળતી રહી. પછી એ થોડાં વર્ષો અમારી સાથે હતી પણ એક પણ દિવસ, એક પણ નિયમનો ભંગ નહીં, નો નેવર.

હું બહારથી ઘરે આવું તો હવે વૅલકમ કહેવા બ્રાઉની હતી. માધવીનાં ઑપરેશન વખતે એ સતત આંસુ નીતરતી આંખે એની પડખે રહેતી. હું જમવા બેસું ત્યારે મારી રોટલીમાં એનો ભાગ.

એકલી મારા માટે હું હતી, હવે ફરી માયામમતાની ગાંઠ બંધાઈ. બ્રાઉનીની વય હતી, આંખે ઝાંખપ આવી, સંધિવાથી પગ જકડાયા. માધવી ખૂબ સેવા કરે.

એણે ખાવાનું છોડ્યું એ રાત્રે પૂનાથી એનિમલ કૉમ્યુનિકેટર જ્યોતિબહેનનો ફોન, બ્રાઉનીએ તમને સંદેશ આપ્યો છે, કે મારો જવાનો સમય થઈ ગયો છે. મારી મમ્મી નાની પાસે હવે સુરક્ષિત છે. મારું કાર્ય પૂરું થયું. કાલે સવારે દસ વાગે હું જઈશ. એને કહેજો, શોક ન કરે.

હું નવાઈ પામી ગઈ, આવું શું શક્ય છે! માધવી ડૉક્ટર પાસે લઈ ગઈ, એમનું નિદાન બ્રાઉનીની બન્ને કિડની ફેલ થઈ ગઈ છે, કાલે સવારે દસ વાગે એને ચિરનિદ્રામાં પોઢાડી દઈએ, બરાબર બ્રાઉનીએ કહેલા જ સમયે.

આખી રાત માધવી બ્રાઉનીને ખોળામાં લઈ આંસુ સારતી બેસી રહી. પૂનાનાં એ બહેન જેને અમે કદી મળ્યાં નથી, જેને માધવીની જીવનકથની ખબર નથી, તે અમને બ્રાઉનીએ એમને કહેલી માધવીની જીવનકથની કહેતા રહ્યા.

બીજે દિવસે સવારે દસ વાગ્યે અમારા રુદન વચ્ચે એણે વિદાય લીધી. છેલ્લી કરુણાસભર નજરે માધવીને તાકતી રહી. હા, ચમત્કાર આજે પણ બને છે. એટલી ચમત્કારની વાતોની હું સાક્ષી, એક અલગ પુસ્તિકા જ લખવી પડે.

આજ સુધી હું અજાણ હતી તે અલગ વિશ્વનાં દ્વાર ખોલ્યા બ્રાઉનીએ. દેહવિલય પછી પણ થોડો સમય બ્રહ્માંડના કોઈ અગમ્ય ખૂણેથી એ બહેન મારફત અમને સંદેશા મોકલ્યા, જાણે નજરે જોતી હોય એમ.

આપણને દેખાતી દુનિયા કેટલી સીમિત છે, એને પેલે પાર અનંત બ્રહ્માંડ છે એની ઝાંખી એણે મને કરાવી, મારી સંવેદનશીલતાને નવું પરિમાણ મળ્યું. માધવીનાં કપરા દિવસોમાં હૂંફ આપી, જ્યારે લાગ્યું એનું કાર્ય પૂરું થયું છે ત્યારે ચાલી ગઈ.

થૅંક્સ અ લોટ બ્રાઉની.

જતાં જતાં શીખ આપતી ગઈ, શું પ્રાણી કે મનુષ્ય સમસંવેદનાની વૅવલેન્થ પર સહુ એક જ છે. આ વિશ્વમાં પ્રેમ, કરુણા અને સેવાથી વિશેષ કશું નથી.

ગોરખનાથ કહે છે,
`સાયર લહેર સમાની મોરે અવધૂ.
અંતે દરેક લહેર સાગરમાં જ સમાય છે.’
* * *
રાત્રિને ઉંબર દીવો મૂકી સંધ્યા રંગોની બિછાત સંકેલી જઈ રહી છે. હું પણ ઘરે જવા ઊઠું છું. હવે વળતી મુસાફરી. ચોતરફ બત્તીઓ ઝગમગી ઊઠી છે.

જતાં જતાં ઘડીભર થોભીને દરિયાને જોઈ રહું છું. સમુદ્રમંથન સમયે શ્રીવિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ પ્રગટ થાય છે તોય દરિયાએ એ મોહિનીની પ્રતિચ્છાયા સાચવી રાખી છે.

સુરઅસુરને જે મોહ પમાડે તો મનુષ્ય તે કોણ! હરિકથા અનંતા એમ તું પણ. હે દરિયાદેવ! હું તો નહીં હોઉં, તું તો અનાદિકાળથી મા વસુંધરાનું પદપ્રક્ષાલન ભક્તિભાવથી કરે છે. હું જઈશ, તારા જલબિંદુ મારામાં લઈને વિદાય લઈશ, પણ તું મને સંભારશે! કદાચ નાનકડી હોડી બની તારે ખોળે રમવા આવીશ ત્યારે તારા સૌમ્ય સ્વરૂપે મને હિંચોળીશ ને!

Aerial view of the fishing boat in transparent blue water at sunny day in summer. Top

આવી જ એક ઢળતી સંધ્યાએ તારા કિનારેથી મેં તારામાં અસ્ત પામતા સૂર્યના થોડાં કિરણો મારી મુઠ્ઠીમાં કેદ કરી લીધાં હતાં તેને હવે મુક્ત કરી હું ઋણભાર ઉતારું છું. હું ચાલતી રહું છું, સહેલાણીઓની ભીડ ઓછી થઈ રહી છે.

ઈંડું ફૂટીને જન્મેલા નાનકડા બચ્ચાના મોંમાં મા દાણો મૂકે એ માટે એ ઝીણકું ગુલાબી મોં ખોલી પ્રતિક્ષા કરે છે. પછી ઊડવાનું શીખતા પોતાનું ચણ પોતે શોધી લાવી પક્ષી માળામાં પાછું ફરે છે ત્યારે થોડા આકાશને પાંખમાં લઈ આવે છે પછી એ આકાશ વિસ્તરતું રહે છે.

આકાશમાંથી સૂર્યચંદ્રનાં ગ્રહોનક્ષત્રો તારાઓનાં, તેજતિમિરનાં અજવાળાઅંધારાય એ ચપટીભર સાથે લાવી રચે છે પોતાનું નીજી આકાશ. એ સ્વખોજ, નીજી આકાશ છે એટલી મારી સંચિત મૂડી.

રોબર્ટ ફ્રોસ્ટ કહે છે તેમ, In three words I can sum up Everything I have learned about life. It goes on.

એટલું સમજાયું છે કે માણસની બાદબાકી કરી કશું નીપજાવી ન શકાય. સબાર ઉપરે મનુષ્ય સત્ય. સર્વની ઉપર મનુષ્ય છે. એનું અસ્તિત્વ પથ્થર જેવું સઘન નથી. ચેતનાની તિરાડ છે. કાળમીંઢ પથ્થરની તિરાડમાંથીયે લીલીછમ કૂંપળ ફૂટી નીકળે છે.

419 Plant Breaking Rock Photos - Free & Royalty-Free Stock Photos from Dreamstime

મારા લેખનને મિશે હું મારા કોશેટામાંથી નીકળી શકી એનો જ અપાર આનંદ. મનમોજીની જેમ પ્રવાસે નીકળી પડી હતી, હતું કે કોઈ અજાણી નાનીશી નદીને કાંઠે બેસી વનવૈભવ માણતાં સૂર્યાસ્ત જોઈશ. જંગલમાં કેડી શોધતી ચાલતી રહીશ, સફરમાં સૌંદર્યસ્થળો ઊઘડતા આવશે, વિશેષ શું જોઈએ!

મારી કલમ મને આંગળી પકડી જીવનની અનેક અપરિચિત કેડીએ દોરી ગઈ. છેક વિયેટનામ લઈ જઈ યુદ્ધનો વરવો ચહેરો બતાવ્યો, તો મધ્યપ્રદેશનાં જંગલમાં શોષિત આદિવાસીઓ સાથે મોંમેળાપ કરાવ્યો, રક્તપિત્તોનાં આશ્રમમાં રહી એમની પીડાની સાક્ષી બની, મેન્ટલી ફિઝિકલી ચૅલેન્જ્ડ બાળકોની, એમનાં માતાપિતાની પીડાને વાચા આપી, જેલની તોતિંગ દીવાલો પાછળની કાળકોટડીમાં પુરાયેલી સ્ત્રીઓની આપવીતી ઉજાગર કરી, ક્રાન્તિકારોનાં છૂપા અડ્ડામાં એ સમયનો મેં શ્વાસ ભર્યો.

મારા લેખને મને સમૃદ્ધ કરી જીવનનો મર્મ ચીંધ્યો એ મારે મન મોટી વાત.

ટાગોરની આ મારી પ્રિય પંક્તિઓ છે,
`એ વિશ્વેર ભાલોબાસિયાછિ
એ ભાલોબાસાઈ સત્ય
એ જન્મેર દાન.’

આ વિશ્વને મેં પ્રેમ કર્યો છે. એ પ્રેમ જ આ જન્મનું સાચું દાન છે.

(સંપૂર્ણ)
●●●

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

 1. એક અઠવાડિયું લાગ્યું મને એ શોકમાંથી બહાર નીકળતાં કે હવે દર શુક્રવારનો વર્ષાબેનના વિરહનો ખાલીપો કેમ ભરવો? વર્ષાબેન, આપ “આપણું આંગણું”માં પધાર્યા અને ઉદયન ઠક્કરની ભાષામાં આંગણું ને રેસકોર્સ બનાવ્યું એનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. બસ, આપને પ્રણામ કરીને આપ સમક્ષ નત મસ્તકે ઊભી રહી શકું છું, નિ:શબ્દ!🙏🙏🙏🙏🙏🙏🙏

 2. વાહ.. અદ્ભુત આત્મકથા…વર્ષાબહેને હાર્દિક અભિનંદન… હું ચાતકની જેમ એના પ્રકરણોની પ્રતીક્ષામાં રહેતી…અંત ખૂબ જ ગ મળ્યો..જો કે એને અંત કહી ન શકાય, ખરું ને!?

 3. વર્ષાબેનની આ જીવનકથા પૂર્ણ થાય ત્યારે આપણે પણ તેમના સ્વજન બની જઇએ છીએ એ જ તો છે પ્રસાદ અને આનંદ.

 4. નમસ્તે વર્ષાબેન, આપની આંગળી પકડીને અમે પણ આપની સાથે રખડ્યા. આભાર. છતાં એક ગ્લાની છે કે હવે પછીના શુક્રવાર આટલા શોભાયમાન નહીં રહે કે શું?  ખેર પણ “It goes on” ની આશા છે જ.

  આપના અવકાશમાં મંડાયેલા પગલાએ શ્રી ગુણવાંતરાયઆચાર્યની સાગાર સફર કરાવી દીધી.

   એની એક સામન્ય વાત,મારા દિયર મરાઈન એંજિન્યરીંગ કર્યા પછી શીંપીંગ કંપની જોઇંટ કરી શીપ પર જતા હતા ત્યારે મે એમનેઆચાર્ય સાહેબની
  સાગર કથાઓનો સેટ ભેટ તરીકે આપેલ ને પ્રથમ પ્રુષ્ઠપર લખેલ કેઃ તમારી એકલતાના  સમય સુધીના સંગાથી, જેત્યાર પછી મને પરત કરશો એ વિનંતી સાથે ભેટ. ત્યારે સૌને લાગેલ કે આવી તે ભેટ હોય? જે પરત માંગવાની શરત શાથે આપે!! પણ મારા માટે પરત લેવી અતિ મુલ્યવાન હતી.

   આપની આત્મકથાના પ્રકરણો ને સમાંતર હું ‘ક્રોસ રોડ’
  પણ વાચતિ હતી, ક્રોસરોડ હજુ ચાલું છે.
  આપના અવકાશી પગલા સાથેની આ રખડ્પટ્ટી બહુ મધુર રહી, અભાર આપનો અને ‘આપણૂં આંગણું” સાથે સુશ્રી જયશ્રીબેનનો પણ.

 5. વર્ષાબહેન,આપની દીર્ઘ કારકિર્દી સાથે અમે જોડાઈ ગયાં છીએ…આત્મકથા પૂરી થતાં એક વિષાદ અનુભવાય છે…