ગ્રંથના ગાંધી અને બુકમેન મહેન્દ્ર મેઘાણી ~ કટાર: અલકનંદા (દર શનિવારે) ~ અનિલ ચાવડા

ઝવેરચંદ મેઘાણીને આખું ભારત ઓળખે છે. તેમણે સર્જેલાં પુસ્તકો, કાવ્યો અને ગામડે ગામડે ફરીને ખોળેલું લોકસાહિત્ય અત્યારે ગુજરાતનું ઘરેણું છે.

તેમના આ સાહિત્યિક પ્રદાનની સાથોસાથ મહેન્દ્ર મેઘાણી નામનું પ્રદાન ભૂલવા જેવું નથી. મહેન્દ્ર મેઘાણી એટલે તેમના મોટા પુત્ર.

ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે અવસાન

પિતા માંડ એકાવન વર્ષ જીવ્યા પણ તેમના આ પુત્રએ સો વર્ષ પૂરાં કર્યાં. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં આંદલનો જોયાં, આંદોલનનો હિસ્સો બન્યા. અનેક મહાનુભાવોને મળ્યા, તેમાંથી ઘણું બધું શીખ્યા. 1923થી 1922 સુધીના દીર્ઘાયુષ્યમાં તેમને અનેક અનુભવોનું ભાથું મળ્યું.

કોઈ મોટા વડ નીચે પાંગરતા છોડ કદી વટવૃક્ષ ન થઈ શકે. પણ મહેન્દ્ર મેઘાણીએ એ વાત ખોટી પાડી. ઝવેરચંદ મેઘાણી જેવા મહાવડની છાયામાં રહીને પણ તેમણે પોતાની આગવી આભા ઊભી કરી. પિતાના સાહિત્યને તો તેમણે ઊજળું કર્યું જ, પણ પોતાના સમર્થ અભ્યાસ અને સાહિત્યપ્રીતિને લીધે ગુજરાતભરમાં વાચનયજ્ઞ આદર્યો.

વિદેશમાં અભ્યાસ કરતી વખતે તેઓ ‘રીડર્સ ડાયજેસ્ટ’ નામના મેગેઝિનના પરિચયમાં આવ્યા અને વિચાર્યું કે આવું મેગેઝિન ગુજરાતીમાં હોય તો કેટલું સારું!

62 Reader's digest Images, Stock Photos & Vectors | Shutterstock

તેઓ વિચારીને બેસી રહે એવા નહોતા. દેશમાં આવ્યા કે તરત જ તેમણે આ વિચારનો અમલ શરૂ કર્યો અને ગુજરાતી સાહિત્યજગતને ‘મિલાપ’ મળ્યું.

દેશવિદેશના અનેક સાહિત્યકારોનાં લખાણોનો શુદ્ધ ગુજરાતીમાં અનુવાદ કરી – સંકલન કરી તેને સુઘડ અને સ્વચ્છ કાગળમાં પ્રકાશિત કર્યા. નર્મદા યોજના કરીને સરકારે જે રીતે ગુજરાતભરમાં ઠેરઠેર નહેર દ્વારા પાણી પહોંચાડ્યું એમ આ મહેન્દ્ર મેઘાણીએ વિવિધ સંપાદનો, સામયિકો, અનુવાદોની નહેરો બાંધીને લાખો વાચકોના ઘર સુધી સાહિત્યનું શુદ્ધ નીર પહોચાડ્યું. ઘેર બેઠા ગંગાની કહેવતને સાર્થક કરી.

MILAP PUBLICATIONS

તેમના લોકમિલાપ ટ્રસ્ટે વર્ષો સુધી ઉત્તમ પુસ્તકો પ્રકાશિત કર્યાં. સામાન્ય માણસને પણ પોષાય તેવા સાવ નજીવી કિંમતનાં, પણ સાહિત્યિક વેલ્યૂ ધરાવતાં પુસ્તક પ્રકાશિત કરવાની તેમણે જાણે નેમ લીધેલી. આના લીધે પોતે ઠેરઠેર જઈને લોકોની વાચનરુચિ જાણીને તે પ્રમાણે પ્રકાશનો કર્યાં, એટલું જ નહીં, પણ લોકો અને પ્રકાશકો વચ્ચેની કડી, વિક્રેતાને હટાવીને, પોતે જ વાચકો સુધી પહોંચ્યા, જેથી વચેટિયાનું કમિશન વાચકે ભોગવવું ન પડે.

માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, દેશ-વિદેશના પુસ્તકમેળામાં સહભાગી થઈ ગુજરાતમાં એવા પુસ્તકમેળા થાય તેવા પ્રયત્નો કર્યા. ભાવનગરને તેમણે સાહિત્યના આગવા ભાવથી જાણે કે ભરી દીધું અને લોકમિલાપ ટ્રસ્ટ લોકોના મિલાપનું એક માધ્યમ બન્યું. સાહિત્યકારો માટે તો તેમની ઑફિસ એક મુલાકાત અ મહેફિલનું સરનામું બની ગઈ.

પુસ્તકોના પ્રચાર-પ્રસારમાં તેમની આગવી સૂઝબૂઝ દેખાતી. તેમાંય એર ઇન્ડિયાને તેમણે જે ઑફર કરી તે ઘણી રસપ્રદ અને અનન્ય હતી.

1979નું વર્ષ યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય બાળવર્ષ તરીકે જાહેર કર્યું હતું. આ વર્ષની ઉજવણી માટે મહેન્દ્ર મેઘાણીએ ભારતના જુદાં જુદાં પ્રકાશકોએ પ્રકાશિત કરેલાં ઉત્તમ બાળસાહિત્યનાં પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો. પણ આ પુસ્તકો વિશ્વ સુધી પહોંચાડવા કેવી રીતે? વિવિધ દેશમાં જવા પ્લેનની ટિકિટો, રહેવા-જમવાની સુવિધા, પ્રવાસખર્ચ, બધું ગણીએ તો છેડો ભેગો થાય એમ જ નહોતો. પણ મહેન્દ્ર મેઘાણી એમ પાછા પડે તેમ નહોતા.

તેમણે એક આઇડિયા વિચાર્યો. એર ઇન્ડિયાને એવી ઓફર કરી કે તેઓ લોકમિલાપના બે પ્રતિનિધિઓને યુરોપ અને અમેરિકાના પ્રવાસ માટે ફ્રીમાં એરટિકિટ આપે. સામે લોકમિલાપ એર ઇન્ડિયાને એટલી જ કિંમતના બાળસાહિત્યનાં ઉત્તમ પુસ્તકો આપે.

પ્રશ્ન એ થાય કે એર ઇન્ડિયા આ પુસ્તકોનું શું કરે? મહેન્દ્ર મેઘાણીએ એનો રસ્તો પણ વિચારી રાખેલો. તેમણે એરઇન્ડિયાના સંચાલકોને કહ્યું કે એ પુસ્તકો દુનિયાભરનાં દેશોમાં આવેલી એરઇન્ડિયાની કચેરીઓમાં રાખવામાં આવે અને કચેરીમાં આવનાર યજમાન દેશનાં બાળકોને બાળવર્ષની ઉજવણીરૂપે ભારતનાં બાળકો તરફથી ભેટ આપવામાં આવે.

એર ઇન્ડિયાના સંચાલકોને આ વિચાર ખૂબ ગમી ગયો. તેમણે ઓફર સ્વીકારી લીધી. પછી યુરોપ-અમેરિકાના વિવિધ દેશોમાં લોકમિલાપના બે પ્રતિનિધિઓ સતત અગિયાર મહિના સુધી પુસ્તકપ્રસારનું કાર્ય કરતા રહ્યા.

જનસમૂદાય માટે ઉત્તમ સાહિત્ય શા માટે સંકલિત કરવું તેનો જવાબ તેમની પાસે છે, તેમણે અડધી સદીની વાચનયાત્રાની પ્રસ્તાવનામાં લખ્યું છે, તે વાંચવા જેવું છેઃ

“ગરીબ લોકોનું જીવન સંતોષમય, આશામય અને સંસ્કારમય બને, પોતાના જીવન પરની રાખ ખંખેરી તેને પ્રદીપ્ત કરવાની તેમને પ્રેરણા મળે, એવું વાચન તેમને માટે સુલભ બનાવવું જોઈએ. જીવનને દોરવાની, પુરુષાર્થને પ્રેરવાની, વિચારોને શુદ્ધ કરવાની, ભાવનાને પવિત્ર રાખવાની અને પ્રજાનો વિશ્વાસ મેળવવાની શક્તિ જેમાં હગોય તેવું વાચન પ્રજાને પહોંચાડવાનું છે. લોકોને ઉત્સાહ આપે, લોકોની શુભવૃત્તિ જાગૃત કરે, સરસ્વતીના પ્રસાદથી લોકોનું ધર્મતેજ પ્રજ્વલિત કરે તેવું વાચન તેમને પૂરું પાડવાનું છે.”

મહેન્દ્ર મેઘાણીએ આજીવન આ કામ કર્યું છે. સરસ્વતીના પાવન પ્રસાદથી તેમણે લોકોના જ્ઞાનને પ્રજ્વલિત કર્યું છે તેમાં કોઈ બેમત નથી.

તેમણે સાહિત્યની ધૂણી ધખાવી હતી. અને તેમાં એ ખૂબ ચીવટાઈવાળા, જેવું તેવું અને જેમ તેમ તેમને પાલવતું જ નહીં.

તે ક્યારેય કરવા ખાતર પુસ્તક પ્રકાશિત નહોતા કરતા. ઉત્તમ સાહિત્યને સુઘડ રીતે રજૂ કરવાનું તેમને ગમતું. તેમણે એક જગ્યાએ નોંધ્યું છે કે, “બારણાની તિરાડોમાંથી ફૂલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે.” તેમણે આજીવન આ આનંદલહરી વહાવી છે.

એ સાહિત્યનો જીવ. પણ નવાઈ એ કે તેમણે પોતે કશું વિશેષ લખ્યું નથી. છતાં ઉત્તમ સાહિત્યસેવીઓમાં તેમની ગણના કરવી જ પડે. તેના કારણમાં છે ‘લોકમિલાપ’, ‘મિલાપ’, ‘કાવ્યકોડિયાં’ ‘અડધી સદીની વાંચનયાત્રા’ અને વિક્ટર હ્યુગો જેવા વિશ્વપ્રસિદ્ધ લેખકોના અનુવાદો.

લોકમિલાપ પ્રકાશન

લોકમિલાપ પ્રકાશન

તેઓ આજીવન શ્રેષ્ઠ વાચક રહ્યા. ગુજરાતી ભાષાનું અને જગતની ભાષાનું જે સારું સારું વાંચ્યું તે સંકલિત કરી વાચકોના ખોળે ધર્યું. ‘અડધી સદીની વાચનયાત્રા’ પુસ્તકશ્રેણી ગુજરાતી ભાષામાં અનન્ય છે.

તેમની અનન્ય સાહિત્યપ્રીતિ જોઈને ઘણા લોકો તેમને મૌલિક લેખન કરવા પણ કહેતા ત્યારે તેઓ સહજભાવે જવાબ આપતા, “આ જન્મે તો આ જ મારી વાચનયાત્રા છે, જેટલું સત્વશીલ લખાયું છે એ લોકો સુધી પહોંચે એ જ મારો પ્રયત્ન છે. એ કાજે જ મારો આ જન્મારો છે. આવતા જન્મે હું ખૂબ લખવાનો છું, વાંચવા તૈયાર રહેજો!”

આપણે એવી અપેક્ષા રાખવી જોઈએ કે હવે મહેન્દ્ર મેઘાણી લેખક તરીકે ક્યાંક જન્મી ચૂક્યા હશે અને ટૂંક સમયમાં આપણી સામે તેમનાં ઉત્તમ લખાણો આવશે. આ જિંદગી તો તેમણે અન્ય ઉત્તમ લેખકોનાં લખાણો લોકો સુધી પહોંચાડવામાં ખર્ચી છે. એ દૃષ્ટિએ ગ્રંથના ગાંધી હતા. સુપરમેન, સ્પાઇડરમેન અને આયર્નમેન કરતા વધારે શક્તિ ધરાવતા રિયલ લાઇફના બુકમેન હતા.

તેમણે સંકલિત અનુવાદિત કરેલાં પુસ્તકોમાં એ જાદુ છે કે લોકો તેમાંથી જીવનના મહત્ત્વના પાઠ શીખી શકે. શતાયુ પૂર્ણ કરી ચૈતન્યમાં ભળી જનાર ‘ગ્રંથના ગાંધી’ અને ‘બુકમેન’ને વંદન.

Mahendra Meghani – R R Sheth Books

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    એ ધન્ય છે પુત્રને કે સોરઠના સાવજ પિતાશ્રી ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય વારસાને ઉજાગર કર્યો.