રાજા પ્રિયદેવનોની ધર્મરાજિકા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 28) ~ પૂર્વી મોદી મલકાણ

આ ત્રણ બુદ્ધામાં શું ફર્ક છે?

અમેરિકાની ઓફિસનાં ચાર્લ્સ પાછળ થયેલી દોડાદોડીને ભૂલી, તેમને અમેરિકા રવાના કરી અંતે અમે ફરી ઇતિહાસને માર્ગે નીકળી પડ્યાં ત્યારે શરૂઆત અમે ધર્મરાજિકાથી કરી.

ધર્મરાજિકામાં પણ હતાં ભગવાન બુદ્ધનાં સ્તૂપો. ભગવાન બુદ્ધે કહેલું કે; પર્વતોનો નગાધિરાજ હિમાલય એ મારો તકિયો છે, મારા પગ દક્ષિણનાં મહાસાગરને પવિત્ર કરી રહ્યાં છે, મારી જમણી ભૂજા પૂર્વનાં મહાસાગરને સ્પર્શ કરી રહી છે અને ડાબી ભૂજા પશ્ચિમનાં મહાસાગરની લહેરોને જે રીતે છૂઈ રહી છે તે જોતાં લાગે છે કે; હું પૂર્વથી પશ્ચિમ તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ વિસ્તરેલો છું.

ભગવાન બુદ્ધની વાણીનાં સત્યને જોઈ રહી છું, નહીં તો ઇસ્લામની આ ભૂમિ પર ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો કેમ ક્યારેય અસ્તાચળ ન થયો? ભલે ખંડેરોનાં રૂપમાં આ બૌદ્ધ ધર્મની નિશાનીઓ હોય પણ છે તો ખરા ને!  અને તેથી જ સ્તો આજે અમેય આ ભૂમિ પર આવી ફરી ભગવાન બુદ્ધનાં તે સમયને ટકોરા દઈ રહ્યાં છીએ અને અહીં રહેલાં બૌદ્ધ સ્તૂપાને ભેટી તેમનાં સંઘનાં સંથી એવાં રાજા પ્રિયદેવનોને પણ મળી રહ્યાં છીએ.

રાજા પ્રિયદેવનો!!! શું આ નામ ક્યારેય આપે સાંભળ્યું છે? આ નામ કદાચ આપને માટે અજાણ્યું હોય શકે પણ મારે માટે, ઇતિહાસકારો માટે અને પુરાતત્ત્વીય લોકોને માટે નથી. રાજા પ્રિયદેવનો એટલે ચક્રવર્તી સમ્રાટ અશોક.

Samrat Ashoka -The tale of one of the greatest Emperors of India
સમ્રાટ અશોક

ક્યારેક પિતા બિંબસારની પ્રેયસી રહેલી એવી આમ્રપાલીને પામવા માટે અશોકે કલિંગાનું યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં અશોકને વિજય તો મળ્યો પણ દેશપ્રિય આમ્રપાલી પોતાનાં પુત્ર જીવક સાથે કલિંગા છોડી બુદ્ધને શરણે ગઈ અને સંઘની ભિખ્ખુની બની ગઈ.

No photo description available.

આમ્રપાલીની પાછળ અશોક ગયો, પણ આમ્રપાલીએ તેનો અસ્વીકાર કર્યો. જીવનમાંથી આમ્રપાલી ગયાં પછી અશોકનું જીવન શૂન્ય થયું. કલિંગાનો મહાવિનાશ અને આમ્રપાલીનો વિરહ આ બંને અશોકનાં ચિત્ત, હૃદય અને આત્માને નિચોડતાં રહ્યાં.

એક દિવસ એક બૌદ્ધ ભીખ્ખુ દ્વારા તે ભગવાન બુદ્ધનાં શરણમાં ગયો. તે વખતે બુદ્ધે તેને ધર્મનું જ્ઞાન આપી પશ્ચિમનાં પર્વતો તરફ જઈ થોડો સમય ત્યાં શાંતિથી રહેવા કહ્યું.

ધર્મસમ્રાટ અશોક આ ખૈબર પખ્તૂન્વાંનાં પ્રાંતમાં આવ્યો અને શાંતિની શોધમાં ભટકવા લાગ્યો. અંતે આ પ્રાંતની જગ્યામાં તેને શાંતિ મળી જેથી કરીને તે થોડો સમય ત્યાં જ રહી ગયો.

ભગવાન બુદ્ધનાં શરણાર્થી થયાં પછી અશોકનું જીવન અને જીવનશૈલી બદલાઈ ગયાં. લોકો તેને ધર્મનાં નામથી ઓળખવા લાગ્યાં. જ્યાં ધર્મનું રાજ્ય રહેલું છે, જે ધર્મથી ચાલે છે અને ચલાવે છે તે થયું ધર્મરાજિકા અને ધર્મથી સભર આ રાજા દેવોને પણ પ્રિય છે માટે નામ પડ્યું દેવપ્રિયનો.

કલિંગા યુદ્ધ પછી શાંતિની શોધમાં નીકળેલા અશોકને ધર્મરાજિકામાં પૂર્ણ પરમ  શાંતિ  મળી  ત્યાર પછી  અશોક  પાટલીપુત્ર પાછો ફર્યો ત્યારે એ એક નવી જ વ્યક્તિ હતી. આ નવો અશોક હવે ચાંડાલ અશોક નહીં, પણ ધર્મપ્રિય રાજા ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર હતો, બૌદ્ધ ધર્મનો શરણાર્થી હતો.

પાટલીપુત્રનાં મહેલમાં હવે અશોકને  હવે  સન્નાટો  સંભળાતો  નહોતો,  તેને  તો  સંભળાતા  હતાં  તેનાં  માતપિતાના  મુખેથી ઉચ્ચારીત બુદ્ધસૂત્રનાં વચનો અને  બુદ્ધવાણીનાં પડઘા. કારણ … કારણ કે પ્રિયદેવાને હવે આટલાં વર્ષે તેનાં ત્યાં હાજર  ન રહેલાં પિતા બિંબસારને ખરા હૃદયથી અપનાવ્યાં હતાં તેથી પિતા જે બુદ્ધસૂત્ર બોલતાં હતાં તે જ સૂત્ર હવે મહેલની આ દીવાલોમાં પણ ગુંજી રહ્યાં હતાં.

ભિખ્ખુ અશોક હવે શાંતિનાં અભિલેખનો વિસ્તાર કરતો. તે પાટલીપુત્રમાં આવતાં પ્રત્યેક નવા દેશનાં યાત્રી સાથે બુદ્ધનાં દરેક સૂત્રોને વિશ્વનાં દરેક ખૂણે મોકલતો હતો. ઉપરાંત તેનાં પાંચેય સંતાનો – વરુણમિત્ર,  મહેન્દ્ર,  તમિર,  સંઘમિત્રા અને ચારુમતી દ્વારા પણ દૂર દેશાવરમાં બૌદ્ધ વિચારોનોય પ્રચારપ્રસાર કરતો હતો.

અતીતમાં નજર કરી તેનાં દાદા ચંદ્રગુપ્ત મૌર્યનોય જેની સાથે સંબંધ હતો તે ગ્રીક સંસ્કૃતિ સાથે નવો સંબંધ સ્થાપિત કર્યો, જેથી કરી તેમની સાથે પણ બૌદ્ધ સૂત્રો અને બૌદ્ધ ગ્રંથોનાં આદાનપ્રદાન કરી શકાય.

chandragupta maurya
ચંદ્રગુપ્ત મૌર્ય

આમ અશોકને કારણે જ પશ્ચિમનાં પહાડોની ભૂમિમાં (આજનાં બિહારથી લઈ ઈરાન અને ગ્રીસ સુધી) બુદ્ધ ઓજ (બુદ્ધનું તેજ) સમાયું હતું.

ધર્મરાજિકામાં અશોકનાં હૃદયને શાંતિ મળ્યાં પછી તેનું અને તેનાં મંત્રીઓનું આવાગમન થતું રહ્યું જેને કારણે લાંબા સમય સુધી આ સ્થળની જાળવણી થઈ શકી; પણ ૫થી ૭મી સદી વચ્ચે કુશાણ, હૂણ સામ્રાજ્ય વગેરે દ્વારા આ સ્થળનો અને તક્ષશિલાનો મહત્તમ નાશ કરાયો અને બાકીનું જે બચ્યું હતું તેનો નાશ ગઝની, ઘોરી અને ત્યાર પછી આવેલાં આક્રમણકારીઓએ કર્યો.

આ સ્તૂપાની શોધ પણ સર જ્હોન માર્શલે કરેલી. અગાઉ આપે ઘણાં સ્તૂપા શોધ્યાં હતાં તેથી આ સ્તૂપાને શોધી તેને પૂર્ણતઃ કાઢતાં આપને કેવળ એક જ વર્ષનો સમય લાગેલો (૧૯૧૩થી ૧૯૧૪).

પાકિસ્તાનમાં સર જ્હોન માર્શલે શોધેલાં અને અત્યાર સુધી અમે પાકમાં જોયેલાં બૌદ્ધ સ્થળોની વાત કરીએ તો ધર્મરાજિકા અમને સૌથી જુદું અને આશ્ચર્ય પમાડનારું લાગ્યું. કારણ કે પાકિસ્તાનમાં રહેલો આ પ્રથમ સ્તૂપા હતો જે સૌથી ધનિક હતો.

ખોદકામ દરમ્યાન અહીંથી સોના – ચાંદીનાં ટુકડાઓ, વાસણો, આભૂષણો વગેરે મળ્યું હતું, આ ઉપરાંત સ્ટોનયુક્ત -સ્ટોન આભૂષણો પણ ખરાં જ (પન્ના, માણેક વગેરેથી જડેલાં સ્ટોનનાં – પથ્થરથી બનેલાં આભૂષણો). પણ પુરાતત્ત્વને આ જે મળ્યું તે વધુ છતાં ઓછું હતું, કારણ કે જ્હોન માર્શલ અહીં પહોંચ્યાં તે પહેલાંથી અહીંથી ઘણું બધું લૂંટાઈ ગયું હતું, અને આ સ્થળ શોધાયાં પછી પાછળથી પણ લૂંટાતું રહ્યું, અને જોવાની વાત એ છે કે; આ લૂંટનારામાં એક જ્હોન માર્શલ પોતે પણ હતાં અને તેમનાં જેવા બીજા અંગ્રેજોએ પણ ખરાં. તેથી આજે આ ખજાનાની વાત કરીએ તો જે કશું મળ્યું હતું, તે બહુ ઊંડાણેથી મળ્યું હતું અને તેને શોધનારા બધાં જ ભારતીયો હતાં.

આ સમય એવો હતો, જ્યારે ઇસ્લામિક લોકો ભારતની ભૂમિને પોતાની ભૂમિ માનતા ન હોઈ તેઓ આ સ્થળને લૂંટનારામાં પ્રથમ હતાં. ભારતની ભૂમિ પોતાની નથી તેથી તેનાં માટે કામ કરવું તે પોતાની આબરૂની વિરુદ્ધ છે તેમ માની તે સમયનાં બ્રિટિશ ભારતનાં પુરાતત્ત્વ સાથે કાર્ય કરવા માટે એકપણ ઈસ્લામિક તૈયાર ન થયો ત્યારે અખંડ ભારતની ભૂમિનાં ગર્વને કારણે ભારતીયોને પોતાની ભૂમિ માટે કાર્ય કરવા માટે ખૂબ ગર્વ હોઈ તેઓ પુરાતત્ત્વ ઈતિહાસકારો સાથે જોડાયાં અને અહીં કાર્ય કર્યું.

અત્યારે અમે અહીં રાજા દેવપ્રિયનની શાંતિ નગરીમાં પહોંચ્યાં ત્યારે અમુક વૃદ્ધ ગામવાસીઓ સિવાય પ્રવાસીને નામે મીંડું હતું. આ ગ્રામવાસીઓએ અમને જણાવ્યું કે અહીં અત્યારે તેઓ બ્લોક્સ ખોદી સ્તૂપા બહાર કાઢી રહ્યાં છે.

આ વાત સાંભળી અમે ફરી એજ ઉત્ખનનની જગ્યાએ જઈ ઊભા રહી ગયાં જ્યાં તેઓનું કામ ચાલી રહ્યું હતું. અમારી આંખો સામે એક પછી એક આર્ટિફેક્ટ બહાર નીકળી રહ્યાં હતાં. પ્રવાસી અને ઇતિહાસ ઉત્સુકતાને કારણે તેઓ પણ અમારા હાથમાં નાના નાના આર્ટિફેક્ટ મૂકી દેતાં જે જોઈ અમે સૌ અચાનક મળેલાં પતાસાની જેમ આનંદિત થઈ શોર કરી ઉઠતાં.

હરપ્પા, પેશાવર પછી આ મારો ત્રીજો અનુભવ હતો, જેમાં અમે એ જ સમયે પહોંચ્યાં હતાં જ્યારે બ્લોક્સમાં કામ થઈ રહ્યું હોય. અમારો અતિઆનંદ જોઈ બ્લોક્સમાં કામ કરી રહેલાં લોકો પણ ખુશ થઈ જતાં. આમ પરસ્પર આનંદ અને ઉત્સાહની વચ્ચે ઘેરાયેલાં અમને એક વાતનો ખ્યાલ આવી ગયેલો કે સમયનાં કાળચક્રમાં ફસાયેલ ઇતિહાસને બહાર કાઢી વર્તમાનમાં લઈ આવવા માટે જ આજે અમે અહીં અનાયાસે પહોંચ્યાં હતાં.

Inline image

Inline image
પુરાતત્ત્વ વિભાગે ધર્મરાજિકાનાં બ્લોક્સમાંથી જે આર્ટિફેક્ટ કાઢી અમારા હાથમાં મૂકેલાં તે.

પુરાત્ત્વિય બ્લોક્સમાંથી નીકળી અમે ધર્મરાજિકાનાં અન્ય ખંડેરોમાં ગયાં ત્યારે અમારું પહેલું આશ્ચર્ય એ હતું કે; આ સ્તૂપા પશ્ચિમ દિશાનો સૌથી ધનિક સ્તૂપા હતો, અને હવે બીજું આશ્ચર્ય એ હતું કે; આ સ્તૂપામાં અમે જોયું તે અગાઉ ક્યાંય જોયું ન હતું.

અહીંથી જે સોના-ચાંદીનાં શિલાલેખ અને તાબૂત મળી આવ્યાં છે જેનાં પર ખરોષ્ટી લિપિ લખાયેલી હતી. અહીં અમને ઘણાં ગ્રીક ભિખ્ખુઓ અને ભિખ્ખુનીઓનાં શિલ્પો દેખાયાં. અહીં રહેલાં ભિખ્ખુઓ અને વિદ્યાર્થીઓ માટે હૉલથી જોડાયેલાં વાડા સિસ્ટમનાં લાઇનબદ્ધ કમરાઓ હતાં, અને બહુધા એ પણ બહુમંઝિલા, બે કારાગૃહ હતાં. અહીં બૌદ્ધ ધર્મકાર્ય અને સંગતિ દરમ્યાન લોબાનનો ઉપયોગ થતો હતો.

દરેક સ્તૂપાની વચ્ચે ચાલવાની જગ્યામાં કાંચની રંગીન ટાઇલ્સ જડવામાં આવી હતી. બૌદ્ધ મઠો અને સ્તૂપોને જોડી નાની અને મોટી પરકમ્મા માર્ગ બનાવવામાં આવેલો હતો.

આ જ ભૂમિમાંથી કપાયેલા મસ્તકવાળા સૌથી વધુ માનવ કંકાલ મળેલાં હતાં (કદાચ બૌદ્ધ ભિખ્ખુઓનાં જ વળી) અને ખંડેરોની દીવાલો પર શૃંગારિક અને રંગરસપૂર્ણ અભિસારિક અને અભિસારિકાઓ દોરવામાં આવ્યાં હતાં, જેનાં હાવભાવ પાટલીપુત્રની યાદ તાજી કરતાં હતા. જોકે ચિત્રકારીવાળી દીવાલ અમને બહુ માત્રામાં જોવા ન મળી, વિશેષ પૂછપરછ કરતાં જાણમાં આવ્યું કે, આ જગ્યાએ આ પ્રકારની જે દીવાલો મળી આવેલી તેને સુરક્ષિત રાખવા સિરકપ (તક્ષિલા)નાં મ્યુઝિયમમાં ટ્રાન્સફર કરી દીધી છે. અહીંથી આ પ્રકારનું આર્ટ મળી આવ્યું છે તે જાણ કરતાં બસ બે-ત્રણ નમૂના જ રાખ્યાં છે.

અનાજનાં કૂવાઓ અને ખંડમાં છુપાયેલાં કૂવાઓ – જે જગ્યામાં ગોળ થાળું દેખાય છે તે જગ્યા ગુપ્ત જગ્યા કહેવાતી. આક્રમણકારીઓ આવતાં ત્યારે બૌદ્ધ ગ્રંથોને ત્યાં છુપાવી દેવામાં આવતાં.

ર્મરાજિકા… અગર ધર્મરાજિકા નામની વાત કરીએ તો આપણે ત્યાં રહેલ સારનાથ સ્તૂપા – રાંચીની જગ્યાને પણ ધર્મરાજિકા તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ધર્મરાજિકામાં ભેદ એ છે કે; આ જગ્યા અશોક અને તેનાં તે સમયનાં મિત્રરાજાઓએ સાથે બનાવેલી છે, જ્યારે પાકિસ્તાનમાં રહેલ ધર્મરાજિકાને સમ્રાટ અશોકે અને તેનાં મંત્રીઓએ બનાવેલી.

આ બંને રાજિકાઓ વચ્ચે બીજો ભેદ એ છે કે; આપણે ત્યાં રહેલ ધર્મરાજિકા અને અશોક સ્તંભની ખૂબ કાળજી લેવામાં આવે છે તેથી સુરક્ષિત રીતે સમાજ વચ્ચે આજે ય જીવે છે, પણ પાકિસ્તાનનું આ ધર્મરાજિકા આજે અતીતનાં સંસ્મરણોમાં એકલુંઅટુલું જીવે છે.

Inline image
૨૦ ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા લોકલ લોકો દ્વારા શોધાયેલ જેમાંથી ઉપરના ભાગને કાપી અંગ્રેજો બ્રિટન લઈ ગયાં અને પગ અહીં છોડી દીધાં. પાકિસ્તાનમાંથી મળેલી આ સૌથી ઊંચી પ્રતિમા હતી. આનાથી ઊંચી પ્રતિમાઓનું સૌથી વધુ નિર્માણ અફઘાનિસ્તાનનાં બામિયાન વિસ્તારમાં કરાયેલું.

Inline image

એમ કહેવાય છે કે ચાહે ગમે તેટલા યુગો વીતી જાય તોયે ઇતિહાસનો નાશ એટલો ઝડપથી થતો નથી. તે મુખથી મુખ ફરી વધુ ને વધુ ઉંમર પ્રાપ્ત કરે છે. આ ન્યાયે આ સ્થળે લોકલ પ્રજા આવ્યાં કરે છે, પણ તેમને માટે આ સ્થળ અને આ સ્થળની શાંતિ એ પથ્થરીલી ભૂમિ પર બેસેલાં સન્નાટા સિવાય કશું જ નથી અને અમારા જેવા પ્રવાસીઓને માટે આ એક એવી ભવ્ય સંસ્કૃતિ છે, જેનાં વિષે જેટલું લખાય, જેટલું બોલાય, જેટલું સમજી શકાય તે બધુ જ ઓછું છે.

અમારા જેવા કેટલાં પ્રવાસીઓ અહીં આવે છે તે એક વિચારણીય બાબત છે. મને લાગે છે કે; જો ૧૯૮૦માં વર્લ્ડ યુનેસ્કો દ્વારા આ સ્થળને હેરિટેજ માનવામાં ન આવ્યું હોત તો આજે જેટલું મહત્ત્વ છે તેટલું ય મહત્ત્વ આ સ્થળનું ન હોત.

રહી વસતિની વાત તો…..આ સ્થળની આજુબાજુ આજેય માનવવસ્તી ખાસ નથી, પણ શેરડી, મકાઇ, ગેંદુઆ (ઘઉં) ના ખેત – ખલિયાનને કારણે માણસોની થતી અવરજવરને જોઈ, ધર્મરાજય ધર્મરાજિકાનાં અવશેષોને બરાબર અમારી સ્મૃતિમાં સમાવી અંતે અમે લાહોર તરફ નીકળી પડ્યાં.

નોંધ:-
૧) ઉપરનાં ચિત્રોનો જવાબ (ધર્મરાજિકાનાં ઇતિહાસમાં જણાવ્યાં મુજબ)
A) ગ્રીક શૈલી, સંસ્કૃતિની અસર,
B) ભારતીય સંસ્કૃતિ પર આધારિત
C) જૈન ધર્મની અસર નીચે સંથારો ધારણ કરીને બેસેલા ભગવાન બુદ્ધ 

૨) આ સ્થળને જોયાં બાદ મેં એક ખાસ બાબત નોંધી કે પાકે બધાં જ ઐતિહાસિક અને અમે અત્યાર સુધી જેટલાં સ્થળો જોયાં હતાં તે બધાં જ સ્થળોમાં ખૂબ ચોખ્ખાઈ રાખી છે અને ચોખ્ખાઈ માટે લોકો પણ જાગૃત છે.

૧૪ સપ્ટેમ્બર .૨૦૨૨
© પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ.)
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ફરીથી ને ફરી પૂર્વીબેનનાં લેખો વાંચવાનાં ચાલું કર્યા, ગયા વર્ષે કેટલાં સુંદર વિષયો હતાં, plz પૂર્વીબેનનાં લેખો ફરીથી ચાલું કરો ને. એમનાં જૂના લેખોની સીરિઝ પણ ચાલશે. થોડા દિવસ પહેલાં દાવડાના આંગણામાં તેમની એક સીરિઝ ” મોદીની હવેલી ” વાંચેલી plz એ સીરિઝને આપણા આગણાંમાં લાવોને.

  2. ફરીથી ને ફરી પૂર્વીબેનનાં લેખો વાંચવાનાં ચાલું કર્યા, ગયા વર્ષે કેટલાં સુંદર વિષયો હતાં, plz પૂર્વીબેનનાં લેખો ફરીથી ચાલું કરો ને. એમનાં જૂના લેખોની સીરિઝ પણ ચાલશે. થોડા દિવસ પહેલાં દાવડાના આંગણામાં તેમની એક સીરિઝ ” મોદીની હવેલી ” વાંચેલી plz એ સીરિઝને આપણા આગણાંમાં લાવોને.

  3. અહા ! પૂર્વીબેન હું સમયનાં પ્રવાહમાં , બુધ્ધની વાણીમાં, કે અશોકનાં ઈતીહાસમાં ખેંચાઈ ગયો, ખોવાઈ ગયો કે ગુમ થઈ ગયો તે કહેવું મુશ્કેલ છે. અતિ અદ્ભુત અનુભવ.

  4. Purviben, I got lost in the Samrat Ahsoka’s time zone! What a fluent language, clear thoughts and explicite expressions! Salute to your writing style!

  5. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ખૂબ જ અવિસ્મરણીય માહિતી .