પાકિસ્તાનમાં સેફ્ટી કેટલી? ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 26) ~ પૂર્વી મોદી મલકાણ

પાકિસ્તાન પ્રવાસની સીરિઝ શરૂ થયાં પછી કેટલાયે વાચકોનાં પત્ર આવ્યાં. આ બધાં જ વાચકોએ પત્રમાં જ મન મૂકીને વાત કરી, ઉત્સાહ જણાવ્યો, પ્રોત્સાહન આપ્યું, આશ્ચર્ય પ્રગટ કર્યું અને પ્રશ્ન કર્યા.

આ દરેક વાચક જાણવા માગે છે કે; પાકિસ્તાનનાં લોકો કેવા હતાં, તેમનો સ્વભાવ કેવો હતો, કેટલાં વર્ગનાં માણસોને તમે મળ્યાં? તેમની બોલચાલ કેવી હતી?, ફૂડમાં તમને શું શું મળ્યું?, હિન્દુઓની શું સ્થિતિ છે?, હિન્દુઓ ત્યાં તહેવારો ઉજવે છે ખરા? તેઓનાં ઘરબાર કેવા હોય છે, શું ઈન્ડિયા જેવા હોય છે? ત્યાં એક હિન્દુ યાત્રી તરીકે સેફ્ટી કેટલી છે?, શું આપને કોઈ એવા અનુભવ થયાં જે ડરામણા હોય? શું ક્યારેય ધોતી બંડી લઈને ભાગવું પડ્યું હોય તેવી નોબત આવેલી? ક્યારેય સરકારી માણસો સાથે પનારો પડેલો? તમે ગયાં ત્યારે વેધર કેવી હતી?

વાચક મિત્રો, આપ તરફથી આવેલાં ઉપરોક્ત પ્રશ્નોને નજીકથી જોવા માટે ચાલો ફરી એક નવી નજરે પાકિસ્તાનમાં ફરીએ, લોકોને મળીએ, વાતચીત કરીએ, વાતચીત સાંભળીએ… અને અનુભવ કરીએ.

આ વાત છે, ૨૦૧૧ની. થયું હતું એવું કે; અમેરિકાની ઓફિસમાંથી વિલિયમ,  ફ્રેડ, ચાર્લ્સ, સ્મિથ,  પોલ, કેન અને અમે બંને એમ અમારું ૮ જણનું ગ્રૂપ પાકિસ્તાન જવા નીકળેલું હતું. જ્યારે ઈન્ડિયાની ઓફિસમાંથી નીકળેલ સુનંદ, વિનાયક અને અસિતજી એમ ૩ જણનું ગ્રૂપ અમારી પહેલાં ઇસ્લામાબાદની મેરીએટ હોટેલમાં પહોંચી ગયું હતું.

અમેરિકાથી ૩ દિવસ અને લગભગ ૪ ફ્લાઇટ કર્યા પછી અમે પાકિસ્તાન પહોંચ્યાં ત્યારે અમે બધાં જ થોડા નર્વસ, થોડા ઉત્સાહિત અને ઘણાં બધાં થાકેલાં હતાં.

ઇમિગ્રેશનની પ્રક્રિયા માટે અમારા સહિત આખું ગ્રૂપ છૂટુંછવાયું થઈ ગયું હતું, તેમાં મારા અને મી. મલકાણનાં ઇમિગ્રેશન ઓફિસર જુદા જુદા હતાં. થોડીવારનાં ચેકિંગ બાદ મી. મલકાણનાં વિઝા ઉપર પાકિસ્તાની સ્ટેમ્પ લાગી ગયો અને તેઓ મને ઈશારો કરી આગળ નીકળી ગયાં.

મારા ટર્નમાં મને મળી હતી લેડી ઓફિસર. તેણે ઘણાં બધાં દેશોનાં મારી વિઝિટ સ્ટેમ્પને જોતાં જોતાં ઘણી પૂછતાછ કરી અંતે મારા પાસપોર્ટ ઉપર સ્ટેમ્પ મારતાં ઓફિસર કહે; “બીબી હમ હમારે મુલ્ક કે મહેમાનો કી બહોત ખાનાબદોશી કરતે હૈ સો, યહાં એન્જોય કિજીએગા.”

આ ખાનાબદોશી શબ્દ સાંભળતાં જ જાણે એક ધક્કો વાગ્યો હોય તેમ મને અમેરિકાની અમારી ઓફિસમાં રહેલ એ પાકિસ્તાની મિત્રોની યાદ આવી ગઈ, જેઓ આ શબ્દનો મહેમાનગતિ અને કટાક્ષમાં ધોલધપાટ એમ બે રીતે ઉપયોગ કરતાં હતાં. તેથી ઓફિસરની વાત સાથે હું મંદ હાસ્ય સાથે ત્યાંથી નીકળી તો ગઈ પણ મન બે પળ માટે વિચારવા લાગ્યું કે; મારી કઈ ખાનાબદોશી થશે? મહેમાનગતિવાળી કે ધોલધપાટવાળી?

Kartarpur Pilgrims visit: Kartarpur corridor to have 80 immigration counters for speedy clearance

ઇસ્લામાબાદમાં પહોંચી અમે ફ્રેશ થયાં પછી આગળનાં પ્રોગ્રામ માટે અમારું ગ્રૂપ મળ્યું ત્યારે મને જાણ થઈ કે; કેન, સ્મિથ, પોલ, ફ્રેડ અને અમે બંને પાકિસ્તાનમાં ચાર વિક માટે રહેવાનાં હતાં, જ્યારે વિલિયમ અને ચાર્લ્સને થોડા લાંબા સમય માટે પાકિસ્તાનમાં રહેવાનું હતું.

આ બંને જણાંમાંથી પણ વિલિયમે હોટેલમાં જ રહેવાનું નક્કી કરેલું અને ચાર્લ્સે વિચારેલું કે તેઓ ઘર રેન્ટ પર રાખી ત્યાં રહેશે. આથી લગભગ અઠવાડિયાની અંદર જ તેમણે ઓફિસની નજીક ઘર શોધવાનું ચાલું કર્યું.

ઘરની શોધખોળ કરવા ઓફિસનાં લોકો સાથે વાતચીત કરી હતી, આ જ અરસામાં તેમણે હોટેલનાં કોઈ મેનેજરને પણ વાત કરી કે; તેઓ એક ઘર શોધી રહ્યાં છે. મેરીએટ હોટેલમાં તે વિક પછી હું ચાર્લ્સને મળી ન શકી, હું મી. મલકાણની ઓફિસમાંથી બનેલી મારી નવી નવી મિત્રો સાથે ઇસ્લામાબાદ સિટી કવર કરવામાં રહી.

બીજા અઠવાડિયે મને ખબર મળ્યાં કે; ચાર્લ્સે ઓફિસની નજીક ઘર ભાડે રાખી લીધું છે અને ત્યાં રહેવા તેઓ જતાં રહ્યાં છે. ચાર્લ્સનાં ગયા પછી પણ અમે પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં રાવી-બિયાસ-ચિનાબની સંસ્કૃતિ શોધતાં રહ્યાં અને ચાર્લ્સ મારા મનમાંથી વિસરાતાં રહ્યાં.

અમે જ્યારે તક્ષિલાનાં ખંડેરોમાં ભટકી મુનિ ચાણક્યને શોધી રહ્યાં હતાં.

तक्षशिला - विकिपीडिया

તેવા સમયે અમેરિકાની ઓફિસમાંથી ફોન આવ્યો કે; અમારે સત્વરે ઇસ્લામાબાદ પાછા ફરવું કારણ કે; ચાર્લ્સને ઇસ્લામાબાદની પોલીસે જાસૂસ માની જેલમાં બંધ કરી દીધાં છે. આ સાંભળી અમે એકદમ ડરી ગયાં અને મુનિ ચાણક્યને પડતાં મૂકી ભાગ્યાં ઇસ્લામાબાદ.

ઇસ્લામાબાદ જઈ અમે અને અમારા ગ્રૂપે ત્યાંની ઓફિસની મદદથી ચાર્લ્સ જાસૂસ નથી, સોફ્ટવેર એંજિનિયર છે તેવા પ્રૂફ સાથેનાં કાગળો તૈયાર કર્યા. સાથે અમેરિકામાં રહેલ લોકલ સેનેટ સાથે વાત કરી.

તેઓએ અમને હૈયાધારણ આપી કહ્યું કે; અમે અમેરિકન ગવર્મેન્ટનો કોંટેક્ટ કરીએ છીએ, ત્યાં સુધીમાં તમે અમેરિકન દૂતાવાસમાં કોંટેક્ટ કરો. જે અમે કર્યો. સાથે સાથે પાકિસ્તાનમાં રહેલ કોઈક મોટા રાજદ્વારી ઓફિસરનો પણ કોંટેક્ટ કર્યો. જેમાં હું હાજર નહોતી તેવી દોડદાડ અને બંધ બારણાંની મિટિંગો થતી રહી, પોલીસ સ્ટેશનનાં ચક્કર થતાં ચાલ્યાં. અંતે અમેરિકન ગવર્મેન્ટ અને અમેરિકન દૂતાવાસની મદદથી લગભગ દોઢ દિવસમાં જ ચાર્લ્સને છોડવામાં આવ્યાં.

દોઢ દિવસમાં ચાર્લ્સ તો છૂટી ગયાં, પણ શેરલોક હોમ્સની જેમ અમે બધાં જ આ પ્રશ્નનો જવાબ શોધતાં રહ્યાં કે; ચાર્લ્સ જાસૂસ છે તેવી માહિતી પોલીસને કોણે આપી? મેરીએટ હોટેલનો એ મેનેજર જેમને ચાર્લ્સે ઘર માટે વાત કરેલી તે, કે જ્યાં ઘર લીધું હતું તેની આસપાસનાં લોકોને ભ્રમ થયો, કે અન્ય જ કોઈ?

ફરી હોટેલનાં બ્રેકફાસ્ટરૂમમાં, લંચ હોલમાં, કોન્ફરન્સ રૂમમાં, ઓફિસમાં મિટિંગો જામતી ગઈ, જેમાં હું હતી અને નહોતી પણ અંતે અમે બધાં જ મૂંઝવણમાં હતાં કે પોલીસને આવો ભ્રમ થયો તે ભ્રમનું પગેરું ક્યાંક તો હશે ને? પણ અમારી પાસે કોઈ જ જવાબ ન હતો.

ચાર્લ્સ છૂટી ગયાં હતાં અને તેથી અંતે હવે તે તપાસ તરફ ન જવું તેમ અમે નક્કી કર્યું. પણ અંતે જે કશું થયું તેમાં આખું ગણિત જ બદલાઈ ગયું. જેઓ લાંબો સમય પાકિસ્તાનમાં રોકવાના હતાં તે ચાર્લ્સ  લગભગ અઢી વિકમાં જ અમેરિકા ભેગા થઈ ગયાં ને અમારા મનમાં પાકિસ્તાન -પાકિસ્તાની પોલીસ માટે જે ડર અને શંકા છોડી ગયાં હતાં તેને સાથે લઈ અમે અમારી ટૂર ચાલુ રાખી.

© પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ )
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..