જીવનનો એક અધ્યાય હજી બાકી છે એવું મનમાં લાગ્યા કરે છે (પ્રકરણ : 39) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
પ્રકરણ : 39
ઇજિપ્તનાં મંદિરો ભવ્યાતિભવ્ય. મંદિરોમાં અને પિરામિડોની અંદર જેમ જેમ હું ગઈ તેમ છત નીચી અને નીચી અને પરિસર સાંકડું થતું જાય, આપણાં મંદિરોની જેમ જ ગર્ભાગાર નાનું અને વિશાળ ગોપુરમનું પ્રવેશદ્વાર.
બદ્રીકેદારનાં મંદિરો, બૅંગકોકમાં મેં જોયેલાં બૌદ્ધ મંદિરો અને અત્યંત પ્રાચીન સૂર્યમંદિર, પેરિસમાં જોયેલું નોટ્રાડામુસનું દેવળ, કાશ્મીરમાં પહાડનાં ઢોળાવ પરનું ટેરરિસ્ટોએ ખંડિત કરેલું સૂર્યમંદિર (કાશ્મીરી પંડિતો સૂર્યમૂર્તિ છુપાવીને લઈ ગયા હતા).
દક્ષિણના અગણિત મંદિરો નાના ગર્ભગૃહમાં દીવાની ઝળહળ જ્યોતિથી પ્રકાશિત. જાણે આત્મદીપ! રૂમી કહે છે, The lamps are different but the light is the same; It comes from beyond.
ઘણાં પ્રવાસીઓ હૃદય અને દૃષ્ટિ ઘરે રાખી સામાનનાં ખડકલાં સાથે પ્રવાસ કરતાં હોય છે. કિશનસિંહ ચાવડાએ એક રમૂજી પ્રસંગ લખેલો.

એક દરબાર ટ્રેનમાં મુસાફરી કરતાં હતા, એમના નોકરો ઢગલાબંધ પેટીપટારા લઈને સાથે આવતા હતા. એમાં એક નોકરને માથે મસમોટો વજનદાર પથ્થર! પૂછતાં ખબર પડી, દરબારને ભાવતી ચટણી વાટવાનો એ પથ્થર હતો.
અમે પાવાગઢ ચઢતાં હતાં. સાથે એક માજી દીકરા વહુ સાથે હાંફતાં ચઢી રહ્યાં હતાં. ઉપર મંદિરે માતાજીને વધેરવા એક નાળિયેર સાથે લીધું હતું. જે શરતચૂકથી પાણીવાળાને બદલે ગડગડિયું નારિયેળ લેવાઈ ગયું. છેવટ સુધી માજી એ જ હૈયાબળાપો કરતાં રહ્યાં, અરે રામ! આ તો ગડગડિયું છે. દર્શન કરતાંય એમનું મન નાળિયેરમાં જ અટવાયું હતું.
દરેક પ્રવાસ પછી કશુંક પામીને પાછી આવી છું એવી લાગણી થતી રહે છે. માળામાં પાછું ફરતું પંખી સાથે ચાંચમાં લઈને આવે છે. થોડું આકાશ ટચૂકડા માળામાં રહેતું પંખી પણ વૃક્ષની ઘટામાંથી અનંત ભૂરા આકાશની ઝંખના સેવે છે.

હું પ્રવાસન દેવતાને ઘણીવાર પ્રાર્થના કરું છું. જેમ મારી પર તૃષ્ટમાન થઈને ફળ્યા એવા સહુને ફળજો.

* * *
ગ્રહો તો એકમેકનાં ઘરમાં મહેમાનની જેમ આવતાં જતાં રહે. પણ કોઈ પણ અકળ કારણસર વક્રને બદલે મારી પર મીઠી દૃષ્ટિ પડતી રહી છે. તેમાંય મારા જન્મદિવસે તો ખાસ.
હું બહુ સાવધ રહું તોય માધવી યુક્તિ-પ્રયુક્તિથી મને સરપ્રાઇઝ ગિફ્ટ આપતી રહે છે.

એક જન્મદિવસે સવાર સુધી રોજિંદી ક્રિયામાં એ વ્યસ્ત ત્યાં અચાનક હાથ પકડી કહે, મા! દસ મિનિટમાં તૈયાર. આપણે જઈને છીએ. નીચે ટૅક્સી ઊભી છે.
પ્રશ્ન પૂછવાને અવકાશ જ ક્યાં? ટૅક્સી દોડતી રહી, ક્યાં કોને ખબર! અમે પહોંચી ગયા છેક પૂનાની બહાર, પહાડ પરના મરાઠા સામ્રાજ્ય વખતના એક કિલ્લામાં, હવે ત્યાં ખૂબ જ સુંદર રિસોર્ટ! કેકનો ઑર્ડર પણ ઍડવાન્સમાં.
2019, 10 જાન્યુઆરી. આ વૅકેશનની મને કહીને એણે યોજના બનાવી. અમને બન્નેને ઐતિહાસિક પ્રાચીન સ્થળો, સ્થાપત્ય વધુ ગમે. અંગકોરવાટ મંદિરનું મન તો ઘણાં સમયથી હતું એટલે માધવી લાંબા સમયથી ઇન્ટરનેટ પર ખાંખાંખોળા કરતી હતી. કઈ ફ્લાઇટ સારી અને પરવડે તેવી છે, ફાઇવસ્ટાર હોટલ કેટલા વખત અગાઉથી બુક કરીએ તો સારું ડીલ મળે! એને આર્ટ વર્કશૉપ, મ્યુઝિયમ, પૅઇન્ટિંગ્સમાં ખૂબ રસ.
એ પોતે ચિત્રકાર અને કોઈ પણ કલાત્મક વસ્તુમાં રસ. એવાં સ્થળો ગુગલમાં શોધી અમારા પ્રવાસની સરસ ઇટીનરી બનાવે પછી તે અમારી મિત્ર-ટ્રાવેલ એજન્ટ અલકા માણેકને આપે, હવે આ પ્રમાણે બુકિંગ કરી આપો. આ તારીખવાર ગોઠવાયેલો પ્રવાસ-કાર્યક્રમ અમારી ગીતા.
આમ કમ્બોડિયાનાં સિયામરિપ શહેરમાં, જેડબ્લ્યુમેરિયટ જેવી ફાઇવસ્ટાર હોટલમાં અમારું બુકિંગ, સવારથી સાંજ ટૅક્સી, ટૅક્સી નંબર, ડ્રાઇવરનું નામ બધું જ નક્કી. વચ્ચે કોઈ ટૂર કંપની જ નહીં.
સિયામરિપ પહેલી જ નજરે ગમી જાય એવું રળિયામણું, એશિયાનું શહેર એટલે આપણું જ લાગે. લોકો ખૂબ મળતાવડા. કામરુ દેશની જેમ સ્ટ્રીટશૉપ્સમાં સ્ત્રીઓ જ દેખાય. અમારો ટૅક્સી ડ્રાઇવર તો જબરો વિષ્ણુભક્ત!
અંગકોરવાટ મંદિરનું પ્રથમ દર્શન!

મેજિકલ મિસ્ટીરિયસ મેસ્મેરાઇઝિંગ. વિશ્વનું સહુથી વિશાળ રિલીજિયસ કૉમ્પ્લેક્સ, વિષ્ણુને સમર્પિત. મંદિરની દીવાલો પર આપણાં પુરાણોનાં અસંખ્ય પ્રસંગો કંડારેલા છે, એનો મૂળભૂત આધાર ક્ષીરસાગરનું સમુદ્રમંથન.
ઓહો! એનું ભવ્ય શિલ્પ જોતાં આંખો ધરાય જ નહીં. આપણા વહાણવટીઓ અને વેપારીઓ, પંડિતો તો લઈ ગયા આપણા દેવીદેવતાઓ અને મહાકાવ્યોને પણ પોતાની સાથે, સાત સમંદર પાર.
અહીં ચાર હજાર જેટલાં તો મંદિરો છે. પણ એક વાત મને ખૂંચી રહી હતી, વિશ્વનું આ પ્રસિદ્ધ સ્થળ. હેરિટેજ ટેમ્પલ્સ. પરંતુ ક્યાંય મંદિરોનો ઇતિહાસ, મહાકાવ્યો અને પુરાણપ્રસંગોની કોઈ પ્લેટ એક પણ સ્થળે ન ભાળી.
અનેક દેશોના પ્રવાસીઓ ઘૂમી રહ્યા છે પણ કોઈને ભારતના આ કિંમતી વારસા વિષે ક્યાંથી ખબર પડે! એમને વળી ભીષ્મ કોણ ને બાણશૈયા તે શું! કમ્બોડિયાનાં આ મંદિરો આ દેશનાં કમાઉ દીકરાઓ છે.
અમે આઠેય દિવસની ટૅક્સી બુક કરી હતી, ઘણી સરસ જગ્યાઓ, સિલ્ક ફૅક્ટરીઝ અને મંદિરો જોયા, ફર્યા. એની વાત કરી છે. `સ્વાદિકા કમ્બોડિયા’માં પણ એક મંદિરનું નામ બહુ ગમ્યું, આમ તો શિવ-પાર્વતીનું મંદિર છે પણ ઓળખાય છે સ્ત્રી મંદિર તરીકે, બાંતે સ્ત્રી (Banteay Strei). દેવીઓનાં મંદિર તો અપરંપાર છે પણ આ માત્ર સ્ત્રીનું મંદિર.

અંગકોરવાટથી દૂર છે પણ અમારી તો ટૅક્સી હતી, જવું જ હતું. દૂરથી જ લાલ રંગના સેન્ડસ્ટોનથી બંધાયેલું સૂર્યકિરણોમાં ઝગમગી રહ્યું હતું. એટલે પિંક ટેમ્પલ પણ કહેવાય છે.
અમારા ડ્રાઇવરે કહ્યું, સ્ત્રી હાથોએ કંડાર્યું છે, પણ ઇતિહાસમાં સ્ત્રી શિલ્પકારોનો ઉલ્લેખ થયો જાણ્યો નથી. મંદિરોનું શિલ્પકામ તો પુરુષ શિલ્પીઓનો જ ઈજારો. પણ કમ્બોડિયામાં 10મી સદીમાં સ્ત્રી-શિલ્પીઓ હતા એ વાત સાચી કે ખોટી મને આનંદિત કરી ગઈ. તડકામાં બહુ ફરી ન શકાયું પણ સ્ત્રી મંદિર જોયાનું નયનસુખ.
મેં બુકશૉપમાંથી અંગકોરવાટનું સચિત્ર ઇતિહાસનું સુંદર પુસ્તક ખરીદ્યું. ઇજિપ્તનાં પિરામિડો વચ્ચે ફરતાં, રણમાં જ એ.સી. મ્યુઝિયમ. એમાં ઇજિપ્તની, પિરામિડોની જાતજાતની માહિતીનાં ફોટા, પૅમ્પ્લેટ્સ, પુસ્તકો, સી.ડી., સોવેનિયર્સ બધું જ લેટેસ્ટ. અપટુડેટ મળે એનું નામ પ્રવાસન ઉદ્યોગ.

મેં `સ્વાદિકા કમ્બોડિયા’ પ્રવાસપુસ્તક તો લખ્યું છે, પણ એક અનુભવ શેર કરીશ. ઇન્ટરનેટ પરથી શોધી કાઢેલું એક સ્થળ તે બામ્બુસ્ટેજ.
અમારા ડ્રાઇવરનેય એની જાણ નહોતી. બામ્બુથી સજાવેલું નાનકડું ઓપનઍર થિયેટર. મલેશિયન મહિલા માલર અને બ્રિટિશ પતિનું સહિયારું સપનું. પોતાનું સમૃદ્ધ જીવન છોડી આ થિયેટર દંપતી સાવ જ અજાણી જગ્યા, સિયામરિપ આવીને રહ્યા અને થિયેટર શરૂ કર્યું. મહામહેનતે ગરીબ, અશિક્ષિત યુવાયુવતીઓને જાતજાતની કળાઓ વર્કશૉપ કરીને શીખવી.
અમે ગયાં તે દિવસે શેડો થિયેટર હતું. ચાંદનીની ઝગમગ રાત, ચોતરફ વૃક્ષોમાં ફાનસ લટકતાં હતાં, સામે શ્વેત પડદા પાછળ કલાકારો મૂક દૃશ્ય એવું ભજવતા હતા કે દૃશ્ય બોલકું બની પ્રેક્ષકોને બરાબર સમજાતું હતું.
અમારી જેમ બામ્બુસ્ટેજ શોધતા થોડા લોકો ત્યાં હતા અને ખૂબ માણી રહ્યા હતા. નાટકમાં રમૂજ પણ હતી. શો પછી કલાકારો બહાર આવી અમને મળ્યા.
કાર્યક્રમ પૂરો થયા પછી અમે માલરને મળ્યાં. એકદમ હસમુખી યુવતી, કુશળ આયોજક. મેં એની સાથે ઘણી વાતો કરી. મેં પૂછ્યું, સાવ જ અજાણ્યા દેશમાં, ભાષાનો પણ પ્રૉબ્લેમ, ત્યાં આ રીતે સમાજનાં નીચેનાં સ્તરનાં યુવાલોકોને શીખવવાની માથાકૂટ અને આવું બામ્બુસ્ટેજ ઊભું કરવું, એ સહેલું નથી. આવું કામ કરવાનું શી રીતે સૂઝ્યું? વ્હાય?
માલરે હોંશથી સરસ જવાબ આપ્યો, રોજિંદુ ઘરેડભર્યું જીવન તો બધા જીવે છે, અમારે જુદી રીતે જીવવું હતું, ઇટ વોઝ અવર ડ્રીમ ટુ લીડ અ ડિફરન્ટ લાઇફ.
`અને સંતાનો?’
`બે દીકરાઓ છે, જે મારી બહેને પોતાનાં સંતાનો સાથે ઉછેરવાની, ભણાવવાની જવાબદારી લઈ અમને મોકળાશ આપી દીધી. એ સમયે માલરના બ્રિટિશ પતિ બન્ને દીકરાઓના યુનિવર્સિટીના ઍડમિશન માટે જ ગયા હતા, નહીં તો અમને મળવું પણ એમને બહુ ગમ્યું હોત.’
માલર અમને બહાર સુધી મૂકવા આવી. હું એનાં શ્યામ ચહેરા પરનું ઝગમગતું સ્મિત જોઈ રહી. કેવી અણધારી જગ્યાએથી, અપરિચિતો પાસેથી અણધાર્યા જ જીવનના પાઠ શીખવા મળે છે! પોતાના સપનાનું જીવન, ચીલો ચાતરીને જીવવાની હામ કેટલામાં હોય છે!
દિલ્હી સાહિત્ય અકાદમીની મિટિંગ એક વખત ગૌહતીમાં હતી ત્યાં હું એક આવા દંપતિને મળી હતી જે રમણીય પહાડોની વચ્ચે, શહેરથી દૂર, વૃક્ષોથી ઘેરાયેલી યુનિવર્સિટીના એક નાના બેઠા ઘાટના બંગલામાં રહેતા હતા. એ જગ્યાએ પોસ્ટિંગ મળે એ માટે જે ક્વૉલિફિકેશન જોઈએ તે ભણ્યા, એને માટે ઇન્ટરવ્યૂઝ વગેરે લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા હતા. અમે થોડાં લેખકો એમનાં ઘરે ગયાં હતાં, શહેરથી દૂર શાંત પ્રકૃતિની ગોદમાં ઘર!
સિયામરિપ જોવાનું નહીં, અનુભવવાનું શહેર છે. લોકો પોતાના ઉદ્યોગો અને સંસ્કૃતિને ઉજાગર કરે. માત્ર એક જ સ્ટોર, જ્યાં ફૉરેન બ્રાન્ડ્સ મળે બાકી બધે જ પોતાની દેશની જ વસ્તુઓ મળે.
અહીં આવતા ઘણાં પ્રવાસીઓ અંગકોરવાટ જોઈ વિયેટનામ જાય છે પણ અમે તો અહીં જ રહીને શહેરને માણ્યું.
આઠ દિવસમાં હું કેટકેટલું ભાથું બાંધી પરત ફરી અને પ્રવાસ નહીં, એ ભ્રમણને પુસ્તકમાં આલેખ્યું, `સ્વાદિકા કમ્બોડિયા’.
* * *
જાન્યુઆરીમાં કમ્બોડિયા ફરીને, મારી અંદર સાથે લઈને આવી.
જાન્યુઆરી પછી એપ્રિલ ક્યાં દૂર! દસ એપ્રિલ મારો જન્મદિવસ. હું અતિસાવધ. હવા સૂંઘતી રહું, માધવી સરપ્રાઇઝ ગિફ્ટનું કાવતરું નથી ઘડી રહી ને!
છઠ્ઠી એપ્રિલ. માધવી ભોળાભાવે કહે, આપણે ત્રણેક દિવસ બૅંગકોક જઈએ, શિવાની દુબઈથી બૅંગકોક ઍરપૉર્ટ પર મળી જશે. બુકિંગ થઈ ગયું છે એટલે ખોટો ખર્ચો, આપણે જોયું છે એવી દલીલો કરતી જ નહીં. બે જોડી કપડાં આપી દે પછી એણે બૅગને માર્યું તાળું. મારે કશું બોલવાપણું રહ્યું જ ક્યાં!
પણ અડધી રાતની ફ્લાઇટ! બૅંગકોક માટે! દિવસની ઘણી ફ્લાઇટ છે. પણ એની દલીલ, રાતની ફ્લાઇટમાં ડિસકાઉન્ટ સારું મળ્યું, તારા ફૅવરીટ મેથીનાં થેપલાં લેવા હોય તો લઈ લે. મેથીનાં થેપલાં? બૅંગકોક? બૅંગકોક તો ફ્રૂટનું શહેર. રસ્તા પર રેંકડીઓ ભરીને મસ્ત રસભર્યાં ફળો. જેટલી વાર બૅંગકોક જઈએ એટલે ખાવાપીવાની લહેર.
મનમાં મનમાં ઊંડે ઊંડે વહેમ. કોઈ ગડબડ છે? શેરલોક અને આગાથાની અદાથી મેગ્નિફાઇંગ ગ્લાસથી આ પ્રવાસ આયોજનમાં હું મિસિંગ ક્લ્યુ શોધું પણ કોઈ સગડ જ નહીં! હું નિશ્ચિંત થઈ ગઈ.
અડધી રાત્રે ઍરપૉર્ટ પહોંચી, હું તો ઊંઘના ઘેનમાં. આંખો ખૂલી તો બોઇંગ 380? બૅંગકોક માટે? હું લાંબી કતારમાં પ્લેનમાં અંદર ગઈ, સીટ પર બેસું કે રહસ્યવિસ્ફોટ, મા! આપણે તો જોર્ડન જઈએ છીએ. ખૂબ લાંબી ફ્લાઇટ છે, સવારે દુબઈ ઊતરી, એક કલાકમાં દોડાદોડ બીજું પ્લેન મૅરેથૉન રેસની જેમ પકડવાનું છે એટલે હવે નિરાંતે ઊંઘી જા.
પણ હવે ક્યાંથી ઊંઘ! જોર્ડનનું વાદી રમ, વિશ્વનું અદ્ભુત રણ. એની ડૉક્યુમૅન્ટરી જોઈ હતી ત્યારથી મનમાં વસેલું.
… ત્યાં તો આકાશમાં મૉર્નિંગ ગ્લોરી સાથે મૉર્નિંગ બ્રેકફાસ્ટ. દુબઈ જેવા અતિ વ્યસ્ત, વિશાળ ઍરપૉર્ટ પર એક કલાકમાં ફ્લાઇટ બદલવાની એ ઑલિમ્પિક દોડ કરતાં માંડ પ્લેનમાં પહોંચ્યાં.
ત્યાં પણ મૉર્નિંગ બ્રેકફાસ્ટ. એક જ દિવસમાં બબ્બે સવાર અમે માણી. જોર્ડન ઊતરી ત્યાંથી પાંચ કલાકની લાંબી રોડ ટ્રીપ પછી વાદી રમ પહોંચ્યાં. નીચે ટૅક્સી સ્ટૅન્ડ. ઊંચાઈ પર અમારો મર્ઝિયાન કૅમ્પ. ત્યાંથી જીપ નીચે અમને લેવા આવી.
નવમી એપ્રિલે રાત્રે અમે પહોંચ્યાં. થાકીને લોથ. થાક, ભૂખ અને ઠંડીનો ત્રિપાંખિયો હુમલો. ટૅન્ટની ત્રણ તરફ સફેદ ઇનસ્યુલેટેડ પેનલ અને ચોથી તરફ પાદર્શક શીટ. એ કશુંય જોવાના હોંશ ન હતાં. પલંગમાં પડતાં જ એક પડખે સવાર.
વહેલી સવારે મારી આંખ ખૂલી અને પારદર્શક પડદામાંથી સામેનું દૃશ્ય જોતાં કોઈએ મંત્રેલું પાણી છાંટ્યું હોય એમ હું સ્તબ્ધ. અવાક્!
અખાએ ઈશ્વરને બાવનબાહરો કહ્યો છે એવું બાવનબાહરું, ત્રેપનમું અદ્ભુત દૃશ્ય! અમે રણમાં હતાં પણ આ રણ નથી. પરંપરાગત અર્થમાં. સફેદ ઝીણી રેતીનાં ઢૂવા અહીં નથી. સામે હતા એકમેકમાંથી પ્રસવતા, ગોઠડી કરતાં લાલચટ્ટક પહાડશિલ્પો. ઘડીભર થયું અમે મંગળના ગ્રહ પર પહોંચી ગયાં!
માધવી મને વહાલથી વળગી પડી અને કહ્યું, તું આ જે સામે અદ્ભુત દૃશ્ય જુએ છે એ મારી તને બર્થ ડે ગિફ્ટ, આજે દસમી એપ્રિલ.
મારી આંખ ભીની થઈ ગઈ. બરાબર દસમીની સવારે જ અમે વાદી રમ હોઈએ એ માટે એણે કેટકેટલી રીતે યોજના બનાવી, કસમયની લાંબી મુસાફરી, કનેક્ટિંગ ફ્લાઇટ એ બધું જ ગનીમત હતું, આ ક્ષણ માટે, આ દૃશ્ય માટે.
હજી થોડા સમય પહેલાં જ કમ્બોડિયાની હરિયાળી લીલીછમ્મ વનરાજીમાંથી હું અત્યારે અફાટ રણમાં હતી. પ્રકૃતિના બે અંતિમ છેડાના રૂપનાં સાક્ષાત્ દર્શન! 2019માં વિશ્વનાં દસ જોવાલાયક સ્થળોની યાદી પ્રગટ એમાં જોર્ડનનું વાદીરમ મોખરે હતું.
ડેઝર્ટ સફારીનો અહીંનો અનુભવ દુબઈની ડેઝર્ટ સફારી કરતાં તદ્દન જુદો. દુબઈની ડેઝર્ટ સફારી માત્ર ગમ્મત અને મનોરંજન માટે. જીપ દોડાવીને ઢૂવાની ઉપર ચડાવી દે પછી ભગાવીને નીચે ઉતારી, આડીઅવળી દોડાવી તમને રગદોળી જ નાંખે. પ્રવાસીઓની ચીસો જ ધમાકેદાર સંગીત સાથે સંભળાય.
પણ વાદી રમમાં ખુલ્લી જીપમાં આ પહાડો વચ્ચે શાંતિથી ઘૂમવાનું,
કોઈ પહાડ શિલ્પ વાયુનાં ટાંકણાંથી એવું સરસ કંડારેલું હોય કે જાણે ઝરૂખામંડિત મહેલ! ક્યાંક હવેલીનું સુશોભિત પ્રવેશદ્વાર. લાલઝાંયના પહાડો અને લાલ રેતી. હોલિવૂડની મંગળ ગ્રહ દર્શાવતી, બધી ફિલ્મોનું અહીં જ શૂટિંગ થયું હતું.
`લોરેન્સ ઑફ અરેબિયા’ પ્રખ્યાત લોકપ્રિય હોલિવૂડ ફિલ્મનાં શૂટિંગ પછી આ જગ્યા એવી વિશ્વપ્રસિદ્ધ બની કે પ્રવાસીઓ, ફિલ્મયુનિટ્સ, ફોટોગ્રાફરો અહીં એટલા આવે છે કે કૅમ્પનું બુકિંગ મહિનાઓ પહેલાં કરવું પડે છે.

અમારો ટૅક્સી ડ્રાઇવર બોબ અત્યંત ભલો અને સજ્જન. અમારી ઇટિનરીમાં નહોતું છતાં અમને સુંદર શહેર અકાબામાં લઈ ગયો. રેડ સીની નીચેની અદ્ભુત કોરલની સૃષ્ટિ બતાવવા મોટરબોટમાં અમને ફેરવ્યા.
અચાનક એણે મારા દુખણા લીધા, હું નવાઈ પામી ગઈ. એણે પૂછ્યું, મેમ! આને શું કહેવાય એનો અર્થ શો? મારી મમ્મી તમારી સિરિયલો અરેબીકમાં ડબ થયેલી બહુ જુએ છે, તેમાં મોટી વયની સ્ત્રીઓ આવું કરતી હોય છે, વ્હાય? વ્હોટ ફોર?
અરે, વાહ! મારા ભારતીય દુખણા દુનિયામાં પોપ્યુલર! મેં અર્થ સમજાવ્યો એનો અર્થ વહાલ અને આશીર્વાદ. છેલ્લે દિવસે એના નાના દીકરાને અમને મળવા લઈ આવ્યો, મેં દુખણા લીધા અને માધવીએ સો ડૉલરની નોટ હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયા.
ચાલો, આપણી સિરિયલોએ ભારતીય સંસ્કૃતિનાં આદાનપ્રદાનનું એક કામ તો કર્યું, બઢિયા હૈ.
આમ પહાડોમાંથી સીધા પાતાળનગરીમાં જઈને કોરલની અદ્ભુત દુનિયા જોઈ. સ્પેલબાઉન્ડ! અહીં વિશાળ રોમન સામ્રાજ્યનાં અવશેષો છે. જાણે રોમમાં જ ફરતાં હોઈએ એવો અનુભવ થયો. ખૂબ સરસ સ્થિતિમાં સચવાયેલું આજે પણ અદ્યતન લાગે એવું રોમન એમ્ફી થિયેટર જોયું કે એના ભવ્ય તખ્તા પર ચઢી જઈ યાદ આવ્યા તે નાટકનાં મેં દૃશ્યો ભજવ્યાં.
અસંખ્ય પ્રવાસીઓ અહીં ઘૂમી રહ્યા હતા. તખ્તાની આજુબાજુ મોટા ખંડો હતા, ગ્રીનરૂમ્સ જ હશે. પ્રવેશદ્વાર તો ભવ્યાતિભવ્ય. તડકામાં તપતાં તપતાં પણ પ્રેક્ષકની પાટલીઓ પર બેસી ખાસ્સો સમય વિતાવ્યો.
પેટ્રાની પ્રાચીન ગુફાનગરીમાં ચાલતાં ચાલતાં કેટકેટલા કાળખંડમાંથી પસાર થવાનો રોમાંચિત અનુભવ થયો. ત્યાંથી સીધી ભારતમાં પ્રવેશતી હોઉં એમ મહામહેનતે એક રેસ્ટોરાં શોધી જ્યાં અમે નિરાંતે પરોઠાં આલુમેથીનું મજેદાર શાક અને છાસનું વાળું કર્યું.
ગુગલમાં પેટ્રા નગરીની ગુફાઓના ફોટા અને વીડિયો એકવાર તો જરૂર જોજો.
https://www.nationalgeographic.com/travel/world-heritage/article/petra-jordan
જોર્ડનથી પાછા ફર્યાં પછી પણ એનો નશો છવાયેલો રહ્યો અને `સ્વાદિકા કમ્બોડિયા-વૅલકમ જોર્ડન’ રસભર કથા લખી. કૉરોનાકાળની વણસેલી સ્થિતિમાં પણ ચિંતન શેઠે એ પુસ્તક પ્રગટ કર્યું.
ગુજરાતી ભાષામાં પ્રવાસસાહિત્ય વિવિધતાસભર છે. જ્યારે દરિયાપાર પ્રવાસ નિષિદ્ધ હતો ત્યારે પણ સમાજસુધારકો મહિપતરામ 1864માં અને કરસનદાસ મૂળજીએ 1866માં દરિયાપાર પ્રવાસો કરીને પ્રવાસગ્રંથો લખ્યા.

કરસનદાસ સ્કોટલેન્ડ ગયા ત્યારે ત્યાંના પહાડો, સરોવર જોઈને જીવનની હોંશ પૂરી થયાનું લખે છેઃ
`આવો અદ્ભુત અને રમણ્ય દેખાવ મારી આંખે કોઈ વેળા પડ્યો નહોતો.’
મારે પણ એ જ કહેવું છે.
* * *
જીવનનો એક અધ્યાય હજી બાકી છે એવું મનમાં લાગ્યા કરે છે.
મને શું શું નથી મળ્યું! મા સરસ્વતીએ મારી ઝોળી માગ્યા વિના છલકાવી છે. અનેક પ્રતિષ્ઠિત ઍવૉર્ડ, મારાં પુસ્તકોને પારિતોષિકો, લાઇફટાઇમ ઍચિવમૅન્ટ ઍવૉર્ડ, જીવનગૌરવ પુરસ્કાર, ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને દેશની સર્વોચ્ચ સાહિત્યિક સંસ્થા દિલ્હી સાહિત્ય અકાદમીમાં સન્માનભર્યા પદ, વાચકોનો પ્રેમ…
પણ લોભને થોભવાનું કહીએ તોય એ થોભતો નથી. મારા મનમાં પણ ઊંડે ઊંડે જળમાં તળિયે બેઠેલી લીલની જેમ એક ઇચ્છા લપાયેલી હતી.
મારા પપ્પાને એમની હયાતીમાં કદી એવું લાગ્યું નહીં કે એમનાં સંતાનોમાંથી કોઈ હાથમાં પેન લેશે. હા, પપ્પા હતા ત્યારે મેં પપ્પાનો રંગભૂમિનો વારસો સાચવ્યો હતો. નાનપણમાં જ થર્ડ બેલ સાંભળેલી હતી, એમણે મારાં નાટકો પણ જોયાં. એમના ક્લાસિક નાટક `અલ્લાબેલી’માં ભૂમિકા કરવાની તક મળી, ઇનામો મળ્યાં.
પણ લેખન! ના. અમને બન્ને બહેનોને લખવાનો કોઈ જ વિચાર ન આવ્યો. પપ્પાની અચાનક જ વિદાય અને ચમત્કારની જેમ થોડા જ દિવસમાં અમે બન્નેએ લખવાનું શરૂ કર્યું હતું.
થોડાં વર્ષોમાં મારી લેખિકા તરીકે આઇડેન્ટિટી થઈ, પારિતોષિકો અને પદવીઓ મળી, સાહિત્ય અદાકમીનો ઍવૉર્ડ મળ્યો પછી મારા મનમાં તીવ્ર ઝંખના થઈ. મને રણજિતરામ સુવર્ણચંદ્રક મળે તો મારું એ પિતૃતર્પણ! પિતાનું ઋણ હું ચૂકતે કરું.
પણ એવું તે કેમ બને! હું યોગ્ય ન પણ લાગુ કમિટીને. રણજિતરામ વાવાભાઈ મહેતા ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકોના અગ્રણી.

1905માં પરિષદનું પહેલું અધિવેશન દિગ્ગજ સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીને પ્રમુખપદે ભરેલું. ત્યારે શિર પર શોભે લાલ પાઘડી, રેશમી કોટ અને બૂટમોજામાં હરખે ઘૂમતાં રણજિતરામને સ્વપ્નેય ખ્યાલ હશે કે એમણે જે બીજ વાવ્યા તે આટલા વર્ષે ઘેઘૂર વૃક્ષ બની જશે! એમણે ત્યારે નિવેદનમાં કહેલું: ‘સ્ફુલિંગ પ્રગટાવશો તો કોઈ કાળે ભુવનેભુવન અજવાળતો સૂર્યનારાયણ જન્મશે.’
ગુજરાતનો આ પ્રતિષ્ઠિત, સર્વોચ્ચ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી સર્જકનાં સમગ્ર સાહિત્યસર્જનને લક્ષ્યમાં રાખી અર્પણ કરવામાં આવે છે.
1928માં પહેલો ચંદ્રક મેઘાણીને અર્પણ થયો હતો. 1928થી 2015 સુધીમાં ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ પુરુષ લેખકોને જ મળ્યો. ત્યાં સુધી આ લાંબી યાદીમાં માત્ર બે જ લેખિકાઓનાં નામ હતા, 1974માં હીરાબહેન પાઠકને અને 1980માં ધીરુબહેન પટેલને.
હું સમજતી હતી આ મોંઘેરું સન્માન મારા માટે આકાશકુસુમવત્ છે. તોય માનવસહજ ઢીલું પડતું મન વિચારતું કે 1945માં પપ્પાને `દરિયાલાલ’ માટે આ ચંદ્રક મળ્યો હતો. મને જો મળે તો મારું એ પિતૃતર્પણ.
આ ઇચ્છાને છાને ખૂણે પંપાળતી રહી. ક્યારેય કશે બોલાઈ ન જવાય, રખે એને કોઈ અહં માને! પણ મા સરસ્વતીએ એક દિવસ તથાસ્તુ કહી જ દીધું, અચાનક સમાચાર મળ્યા; 2005નો રણજિતરામ સુવર્ણચંદ્રક તમને મળે છે.

હું હતપ્રભ. પછી આનંદી ઊઠી. કોને કહું? ભારતીય ભાષા પરિષદનો `અણસાર’ માટે ઍવૉર્ડ મળ્યો ત્યારે ઘરમાં એકલી હતી, આ સમાચાર વખતે પણ. ભાઈબહેનોને ફોન કર્યા પણ બોલાયું જ નહીં. દરિયે ધસમસતાં મોજાંની સાક્ષીએ સ્વસ્થ થઈ. ઘણી સ્મૃતિઓ ભીંજવતી રહી.
અમદાવાદ વિશ્વકોશભવનમાં છલોછલ સભાગૃહમાં રઘુવીર, ધીરૂબહેન, કુમારપાળની ઉપસ્થિતિમાં ચંદ્રક સ્વીકારી મેં ઉપર ધર્યો, પપ્પા ધીસ વન ઇઝ ફોર યુ. મારી લેખન ઘેલછાઓમાં મારી પાછળ રહેનાર મહેન્દ્ર, ધીસ વન ઇઝ ફોર યુ ટુ.
1945માં પપ્પાને અને બરાબર 50મે વર્ષે મને. આ સન્માન-પિતાપુત્રીને એક જ સન્માન મળ્યાની આ પ્રથમ ઘટના. સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પિતાપુત્રને મળ્યાની પ્રથમ ઘટના મહાદેવભાઈ અને નારાયણ દેસાઈ.
મારા જીવનની આ સહુથી ધન્ય ક્ષણ.
સમારંભ એકદમ દબદબાભર્યો. સભાગૃહ છલોછલ ભરેલું. કેટકેટલા સર્જકો, પરિચિત અપરિચિત અનેક વાચકો, ઘણાં બહારગામથી આવ્યા હતા, મુંબઈ, રાજકોટ, બરોડા, ભાવનગરથી, સહયોગ કુષ્ઠયજ્ઞથી સોની દંપતી પણ. મેં સાહિત્યમાં કોઈ વિષય પર પ્રવચનની કશી જ તૈયારી કરી ન હતી. ત્યારે મને જે સૂઝ્યું હૈયામાંથી તે બોલી હતી એવી સ્મૃતિ છે.
બા હંમેશાં કહેતી, બીજાને માટે અને પોતાને માટે હંમેશાં સારા વિચાર કરવા. સંધ્યા સમયે માતાજી આકાશવિહાર કરવા નીકળે છે, તે તથાસ્તુ કહે છે. મારી કોઈ સંધ્યાકાળની આ ઇચ્છા જાણી માએ નક્કી આશીર્વાદ આપ્યા હશે.
કાર્યક્રમ પછી મારા પ્રકાશકમિત્ર ભગતભાઈએ સેલીબ્રેશન પાર્ટીથી ઉજવણી કરી. ભાઈએ સોનાનું પેન્ડન્ટ આપ્યું, બબ્બે ચંદ્રકોથી મારા આનંદનો ગુણાકાર થતો રહ્યો.
પાર્ટીમાંથી રાત્રે જ ભાવનાબહેન રાજકોટ લઈ ગયા, બીજે દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વી.સી. કમલેશ જોષીપુરાએ સરસ સમારંભનું આયોજન કર્યું.
સહુનાં પ્રેમાભિષેકનો નતમસ્તકે સ્વીકાર. ટૉલ્સ્ટૉયે લખ્યાનું સ્મરણ છે…

…કલા એ ધર્મવૃત્તિને તર્ક અને બુદ્ધિનાં પ્રદેશમાંથી ખસેડી ભાવનાના હૃદયના પ્રદેશમાં લઈ જવા માટેનું સાધન છે. કલાનો આ આદર્શ છે. તે આદર્શ પ્રતિ મારી ગતિ હો. गतिस्त्वं गतिस्त्वं तमेका मवानि ।
(ક્રમશ:)
વર્ષાબેનના મજેદાર વિદેશ ભ્રમણ સાથે દીકરીઓના સ્નેહનો પરિચય થાય છે. જીવન સાફલ્યના અનુભવ અનેક પ્રસંગોએ તેમને મળતા રહે છે. નમસ્કાર,વર્ષાબેન.
Wah wah ! Dharyu badhu મેળવવાની ઝંખના aam સાવ sachi oade ત્યાર ની મનઃસ્થિતિ નું સુંદર વર્ણન….we r so happy 😊 ♥ for u mem
તમારા peavas varnan hamna j jaine lai aavu ane vachi lau evi તીવ્ર ઇચ્છા!!!