નલિની માડગાંવકર (૫.૪.૧૯૪૨ – ૬.૯.૨૦૨૨) ~ ખુદના દીવાના તેજે હવે મારે આકાશ જોવું છે (શ્રદ્ધાંજલિ) ~ જયશ્રી વિનુ મરચંટ

નલિનીબેન માડગાંવકર
(૫.૪.૧૯૪૨ – ૬.૯.૨૦૨૨)
નિવૃત્ત પ્રાધ્યાપિકા (SNDT), કવયિત્રી, અનુવાદક, રવીન્દ્ર સંગીત શિક્ષિકા 

નલિનીબેન સાથેના સંસ્મરણો

~ જયશ્રી વિનુ મરચંટ

નલિનીબેન માડગાંવકર, મુંબઈના સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં એક એવું નામ, કે જેને એકવાર કોઈ મળે એ એમનાં મેગ્નેટીક વ્યક્તિત્વના દાયરામાં આપમેળે ખેંચાઈને આવ્યા વિના રહે નહીં. એમની સાલસતા પણ એવી કે જે આવે એને દિલથી આવકારે. એમની સાથે કોઈનેય પરાયાપણું પણ ન લાગે. એટલું જ નહીં, એમની વિદ્વતાનો ભાર એમના વ્યક્તિત્વમાં તો જરાયે ન મળે.

એમને મળનારાઓમાંથી કોઈને પણ એમનાં જ્ઞાનની આભામાં આવરી લેવાનો જરાપણ એમને ધખારો નહીં. ઊલટાનું સામેવાળાને તલભરનુંય વાતચીતમાં ઓછાપણું ન લાગે એનું ધ્યાન સામેથી રાખે!

મુંબઈ, ૧૯૭૮માં ‘કિન્નરી’ નામની સંસ્થા આદરણીય તારિણીબેન દેસાઈ એ સમયે ચલાવતાં હતાં. આ સંસ્થાએ ગુજરાતી વાર્તા હરિફાઈ યોજી હતી. ૨૨મી સપ્ટેમ્બર ૧૯૭૮ને દિવસે એનું પરિણામ જાહેર કરવાના હતાં જેનો સમારંભ મુંબઈમાં ભૂલાભાઈ મેમોરિયલ હોલમાં યોજવામાં આવ્યો હતો.

મારી વાર્તાને ત્રીજું ઈનામ મળ્યું હતું. બીજું ઈનામ આદરણીય જયાબેન મહેતાને અને પહેલું ઈનામ આદરણીય નલિનીબેન માડગાંવકરને મળ્યું હતું.

ખીચોખીચ ભરેલા હોલમાં, પહેલાં મેં મારી વાર્તા “સુખની શોધમાં” વાંચી. પછી જયાબેને એમની અને છેલ્લે નલિનીબેનનો પ્રથમ ઈનામ પ્રાપ્ત વાર્તા વાંચવાનો વારો આવ્યો.

ત્યારે તેમણે ઊભાં થઈને વાર્તા વાંચતાં પહેલાં કહ્યું, “ભલે મારી વાર્તાને પહેલું ઈનામ મળ્યું છે પણ નવોદિત લેખિકા જયશ્રી મરચંટની વાર્તા સાચા અર્થમાં પહેલા ઈનામની હકદાર છે. હું મારી વાર્તા વાંચું એ પ્રથમ એમને મારા હાર્દિક અભિનંદન આપું છું. આશા છે તેમની કલમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં સતત ફાળો આપતી રહેશે.”

એમનાં શબ્દોની સચ્ચાઈ, સ્વભાવની સાલસતા અને નિખાલસ સ્મિત આજે પણ એટલાં જ  મારા મનમાં તરોતાજાં મોગરાંના ફૂલો સમાં મહેકી રહ્યાં છે. સાવ નવી લેખિકાની પહેલી વાર્તા અને સાવ અજાણ્યું નામ, કોણ આ રીતે આટઆટલાં લોકો વચ્ચે બિરદાવે? પણ એ જ તો નલિનીબેન હતાં!

પોતાની સાથે અન્યને પણ ઊંચા ઊઠાવવા માટે હાથ લંબાવવાનું જિગર જોઈએ અને આ જિગર માટે અંતરની સલામતી અને વિશ્વાસની આવશ્યકતા છે. નલિનીબેનના અભ્યાસ અને વિદ્વતાએ એમને સલામતી અને આત્મવિશ્વાસની મિરાત આપી હતી આથી જ તો કોઈ પણ છોછ વિના તેઓ એ બધું સહજતાથી કહી શક્યાં હતાં. નલિનીબેનને કદી કોઈ પ્રતિભાવાન સાહિત્યકાર કે કળાકારથી અસલામતી – Threat – મહેસૂસ નહોતી થતી. એકવાર, કદાચ એકાદ વર્ષ પહેલાં, એમ જ ફોન પર વાત કરતાં કરતાં મેં એમને પૂછ્યું હતું કે “નલિનીબેન, તમારે જો ઈશ્વર પાસે કંઈ માગીને ફરીથી જીવન જીવવાનુ હોય તો તમે શું માગો?” એમનો આ જવાબ હું મારા છેલ્લા શ્વાસ સુધી નહિં ભૂલું. એમણે કહ્યું, “હું મને ગમતું કામ સંપૂર્ણ લગનથી મારા ૧૦૦૦% આપીને આ જ જીવનમાં કરી શકું છું અને એટલું જ મારા માટે બસ છે. હું એમાં જ  ખૂબ ખુશ છું.” એમને કોઈની પાસે કંઈ પણ સાબિત નહોતું કરવું. એટલું જ નહીં, એમને પોતાની જાત સાથે પણ કંઈ સાબિત નહોતું કરવું. જીવનમાં આનંદ લેવાની કળા એમનાં શ્વાસોના પોતમાં સહજ રીતે જ વણાઈ ગઈ હતી.

૧૯૭૮, ઓક્ટોબરમાં અમે અમેરિકા આવી ગયાં. દર બે વર્ષે એકવાર તો ભારત જવાનું થતું જ. આદરણીય પન્નાબેન નાયકના ઘરે હ્રદયસ્થ સુરેશભાઈ દલાલ સાથે વ્યક્તિગત રીતે પરિચય થયો જે જીવન પર્યંત રહ્યો. આથી હું જ્યારે પણ મુંબઈ જતી ત્યારે સુરેશભાઈને મળવા એમની એસ.એન.ડી.ટી. ની ઓફિસે જતી ત્યારે અચૂક નલિનીબેન મળતાં. મને યાદ છે ત્યાં સુધી અમે ચારેક વાર કેન્ટીનમાં તો બે-એક વાર  ચર્ચગેટ પર “રેશમભવન”માં ચા-કોફી માટે મળ્યાં છીએ.

હું મેડિકલ સાયન્સના વિષયો ભણી હતી અને અમેરિકામાં એ જ ક્ષેત્રમાં કામ કરતી હતી. મારું અન્ય ભારતીય ભાષાના સાહિત્યનું જ્ઞાન તો નહિવત્ પણ તેઓ પાસેથી બંગાળી લેખકોના પુસ્તકો અને મને યાદ આવે છે ત્યાં સુધી ઓરિસ્સાના લેખકોના પુસ્તકો વિષે ઘણું જાણવા મળતું. તેઓ એટલી વિશદતા અને તલ્લીનતાથી બોલતાં હોય ત્યારે મને એમ જ થતું કે આ સમય પૂરો જ ન થાય તો કેવું સારું?

અમેરિકાના વસવાટના પ્રારંભના દસ વર્ષો મારે માટે બહુ તકલીફો ભર્યાં હતાં. તેઓ કાયમ મારી વાત પ્રેમપૂર્વક પૂછતાં, સાંભળતાં અને હંમેશાં આત્મીયતાથી મારો હાથ પકડીને કહેતાં કે “પોતા પર ભરોસો રાખજે. રસ્તા જાતે જ નીકળશે, બસ, અટકી નહીં પડતી. એક દિવસ બધું જ સરખું થઈ જશે.” કોઈ પણ લાંબુ ‘શરમન’ કે ઉપદેશ નહીં કે કોઈ સલાહ-સૂચનો નહિ. કોઈ જાતનું જજમેન્ટ નહિ. માત્ર એક માણસાઈથી છલકાતો સ્પર્શ જે કદાચ હજારો શબ્દોથી પણ વધુ અસરકારક હતો.

ધીરેધીરે મારું ભારત જવાનું ઓછું થતું ગયું. એમણે કહ્યું હતું એમ, Eventually વિપરીત પરિસ્થિતિઓમાંથી રસ્તાઓ નીકળતાં ગયાં. તો બીજી બાજુ, કામકાજ અને કુટુંબની જવાબદારીઓ વધતાં ભારતનો સંપર્ક છૂટતો ગયો, ઓછો થતો ગયો. નલિનીબેનને યાદ કરીને ક્યારેક પત્ર લખતી તો વેળાસર એમનો જવાબ અચૂક આવતો, પછી ભલે હું સમયસર વળતો જવાબ લખું કે ન લખું!

અનેક વર્ષો પછી, એમની સાથે સંપર્ક ફરી સ્થાપિત અનાયસે થયો. ૨૦૧૭, ડિસેમ્બરની ૨૨ તારીખે મારા બે કાવ્યસંગ્રહોનું વિમોચન ઈમેજ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું હતું. એમાંથી “લીલોછમ ટહુકો” કાવ્યસંગ્રહની પ્રસ્તાવના માટે કવિશ્રી હિતેન આનંદપરાએ જ્યારે નલિનીબેનના નામનો પ્રસ્તાવ મૂક્યો તો મારા આનંદનો પાર ન રહ્યો. મારા માટે એ ક્ષણ મહામૂલી હતી કે તેઓ મારા સંગ્રહની પ્રસ્તાવના લખે. એમની તબિયત ત્યારે પણ બહુ સ્વસ્થ નહોતી છતાં બધાં કાવ્યોનો ઝીણવટથી અભ્યાસ કરીને ખૂબ સરસ “ઓબ્જેક્ટિવ” પ્રસ્તાવના લખી આપી. અને જ્યાં જરૂર હતી ત્યાં ટપારી પણ ખરી. વિમોચનના દિવસે જ્યારે અમે મળ્યાં ત્યારે ખૂબ રાજી થઈને કહ્યું, “તું લખતી રહેજે. લખવાનું છોડતી નહિ. વાર્તાઓ હજી લખે છે કે નહિ? અને હા, અનુવાદો પણ કરજે.” અને એમણે સુરેશભાઈને ટાંક્યાં કે, ‘સુરેશભાઈ કાયમ કહેતાં કે ગુજરાતી ભાષા અનુવાદના સાહિત્ય પ્રકારને વિકસાવવામાં ખૂબ પછાત અને ગરીબ છે.’ “

વિમોચન પ્રસંગે નલિનીબેન, ખલીલ ધનતેજવી, ઉત્પલ ભાયાણી, હિતેન અને મુકેશ.

 આટલાં બધાં વર્ષો પછી પણ નલિનીબેનને આ બધું યાદ હતું. નલિનીબેને પોતે અનુવાદ સાહિત્યમાં અદભૂત કામ કર્યું છે. તો પણ એમણે ક્યાંય પોતાનું ડિંડિમ વગાડ્યું નહીં.  નલિનીબેન, તમે મારા જેવા કેટલાય નવશિખીયાઓને અને વિદ્યાર્થીઓને ઊભા કરવામાં યોગદાન આપ્યું હશે એ વિષે તમે ક્યારેય ન ક્યાંય લખ્યું, ન બોલ્યાં કે ન કોઈ ક્રેડિટ લીધી. બસ, તમે વિદ્યાર્થીઓને ભણાવતાં રહ્યાં તથા તમારી કોલમ ને કલમ દ્વારા, તમે કવિતા અને સાહિત્યની સતત સેવા આજીવન કરતાં રહ્યાં, એક સાચા કર્મયોગીની જેમ જ સ્તો!

૨૦૧૭ ડિસેમ્બર પછી વચ્ચે વચ્ચે આપણે ફોન પર વાતો કરતાં. છેલ્લે ઘણાં સમય પહેલાં વાત થઈ ત્યારે તમે ખૂબ વ્હાલથી કહ્યું હતું કે “લીલોછમ ટહુકો”માં જે કન્યાવિદાયનું કાવ્ય છે તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. એમાંથી સરસ ગીત લખી શકાય.”

નલિનીબેનના હસ્તાક્ષરમાં પ્રસ્તાવવાનું એક પાનું

ત્યારે ક્યાં ખબર હતી કે તમે આમ ચિરવિદાય લઈને કાયમની ‘એક્ઝીટ’ લઈ લેશો?

હું મુંબઈમાં સ્થાયી નથી આથી મારી ધારણાં કદાચ ખોટી પણ હોય છતાં મને એવું લાગે છે કે નલીનીબેને સાહિત્ય માટે ખૂબ કામ કર્યું પણ પોતાની ફૂટપ્રિન્ટ તો બહુ જ આછી રાખી. ગુજરાતી ભાષાનું કંઈક અંશે આ કમભાગ્ય પણ છે કે, આવા “Low Foot Print” વાળા ધરખમ કામ કરી જનારાઓની નોંધ જોઈએ એટલી લેવાતી નથી. પણ આશા રાખીએ કે નલિનીબેનનું સુંદર તથા બેનમૂન કામ અને એમની બહુમુખી પ્રતિભા સંપન્ન મૂક સેવા એમને સાહિત્યના આસમાનમાં સપ્તર્ષિ સમ કાયમ ચમકતાં જ રાખે.

નલિનીબેન, હવે હું જ્યારે પણ ભારત આવીશ ત્યારે તમારી ખોટ વર્તાશે. ૨૦૧૭ ડિસેમ્બર પછી હું આવી નથી શકી અને હવે આવીશ ત્યારે તમારી કમી હશે, તમે નહીં હો. તમને મારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.

~ જયશ્રી વિનુ મરચંટ (અમેરિકા)

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

 1. વર્ષા અડાલજા ને ગુજરાતી સાહિત્ય ના મોરપીંછ કહું છું તો નલીનીબહેન,(જેમના વિશે મોડેથી જાણ્યું), પન્નાબેન અને જયશ્રીબેન નેગુજરાતી સાહિત્ય ના આભુષણો તરીકે નવાજુ

 2. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

  જયશ્રીબેને નલિનીબેનને આપેલી શ્રધ્ધાંજલિ સાચે જ હૃદયસ્પર્શી છે. સાહિત્ય જગતમાં નલિનીબેન જેવાં નિખાલસ હૃદયનાં બીજાને આગળ કરી પોતે પડછાયારૂપ બની નિર્મળતા દાખવવામાં કદાપિ પાછી પાની કરી નથી. ખરેખર સાહિત્ય જગતને ખોટ પડી છે.
  આવાં સાહિત્ય રત્નો મળવાં મુશ્કેલ છે.

 3. નલીનીબહેન, ઉંચા દરજ્જાનાં વિદુષી હતાં છતાં જમીન સાથે જોડાયેલાં રહ્યાં. એમનો સાલસ, સહ્રદયી અને સૌમ્ય સ્વભાવ હંમેશા યાદ રહેશે.
  કોરોનાકાળના વિકટ સમય દરમ્યાન પણ એમણે મારાં પુસ્તક પ્રાચીના-અર્વાચીનાની ઝીણવટભરી પ્રસ્તાવના લખી આપેલી.

 4. જયશ્રી હું નલીનીબેન ને વ્યક્તિગત રીતે જાણતી નથી પણ તારી શ્રદ્ધાંજલિ દ્વારા એક ઝલક જાણવા મળી અલ્લાહ એમના આત્માને સંપૂર્ણ શાંતિ આપે

 5. નલિનીબહેનની કૉલમ હું નિયમીત રીતે વાંચતી અને એમના કવિતા ચયન અને આસ્વાદની હંમેશની ચાહક અને ૠણી છું. ઓછા જાણીતા કાવ્ય રત્નોથી પરિચીત કરાવવા માટે અને કાવ્યને ઉઘાડવાની દ્રષ્ટિ પ્રદાન કરવા માટે. જ્યારે એક સાહિત્યના કાર્યક્રમમાં વ્યક્તિગત મળવાનું થયું ત્યારે એમની વિદ્વત્તાના ભાર વિના એમણે ખૂબ પ્રેમથી, સરળતાથી વાતો કરી એવી રીતે જાણે રોજ મળતા હોઈએ. એમનું મૂઠી ઊંચેરું વ્યક્તિત્વ હંમેશા સ્મૃતિમાં રહેશે. એઓને શત શત વંદન🙏

 6. ગુજરાતી ભાષા ને બહુજ
  સુંદર vyakti ના શબ્દો યાદી
  બની રહો.

 7. જયશ્રીબેન! આપે નલિની બહેનનેઆપેલી શ્રદ્ધાંજલિ હ્રદયસ્પર્શી છે. અંગત અનુભવોને શબ્દસ્થ કરી વાચકના હ્રદયના તારને ઝણઝણાવવા સહેલા નથી. જોકે નલિની બેનના સાલસ સ્વભાવ અને નમ્રતાની સૌને આજે ન પૂરાય એવી ખોટ પડી છે.