ઘણીવાર વાર્તાનાં એક છોડમાંથી કેટકેટલી ડાળીઓ ફૂટે છે! (પ્રકરણ : 37) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 37

મારી નવલકથાઓના લંબાતા પડછાયામાં મારી નવલિકાઓ ક્યારેક ઢંકાઈ જતી. પણ હું નવલિકાઓ લખતી રહેતી, સતત નવું અને રીલેવન્ટ કથાવસ્તુ શોધતી રહેતી. મારી વાર્તાઓ પર પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓ, ઇન્ટરવ્યૂ કે લિટ. ફૅસ્ટિવલમાં લેખકોને લગભગ પુછાતો પ્રશ્ન, તમને વસ્તુ, વિષય ક્યાંથી મળે છે?

જવાબ તો એક જ હોઈ શકે, આપણી આસપાસ બનતી ઘટનાઓ, જોયેલી-સાંભળેલી વાતો-પ્રસંગો, અખબારનાં સમાચારો કે અચાનક ફણગી જતું કથાબીજ.

રોજના જેવી સવાર. સરસ ચા અને હાથમાં અખબાર, ત્યાં એક ખૂણામાં ટૂંટિયું વાળીને પડેલા સમાચારનું મથાળું વાંચ્યું, `અવળી ગંગા’. સહજ ભાવે વાંચ્યું, એક સ્ત્રીએ દારૂડિયા પતિના અસહ્ય ત્રાસથી કંટાળી ચટણી વાટવાના પથ્થરથી પતિનું માથું છૂંદી નાંખ્યું.

મન ચચરી ઊઠ્યું. આ `અવળી ગંગા’ હતી! તો પતિ પત્નીનું ખૂન કરે એ ગંગાનો પ્રવાહ પવિત્ર સવળો! (પછી તો આ વાતે ઘણી ચર્ચા થઈ હતી અને આ શીર્ષક માટે, આખી જિંદગી સ્ત્રી સ્વાતંત્ર્ય અભિયાનને સમર્પિત સોનલ શુક્લ અખબારની ઑફિસે તંત્રી સાથે લડવા ગયા હતા એ પછી ખબર પડી.)

વર્ષો સુધી જે સ્ત્રી અગનપથારી પર ચાલી અને જેના પગે ફરફોલા પડ્યા હતા એણે પતિને કૂટી કાઢ્યો હતો.

એક જ ક્ષણની ક્રિયા, એની પાછળ વર્ષોની વ્યથાકથા. પણ એ કોને દેખાય! દેખાય તો એક જ ક્ષણનો વિસ્ફોટ.

અખબાર તો ઘડીકમાં પસ્તી બની જાય છે પણ પેલી પીડાનો તાર તો લાઇવ વાયરની જેમ સતત શોક આપતો રહે છે. એ પરથી મેં નવલિકા લખી `શીરો’.

એક સ્ત્રી બાલિકા હતી ત્યારથી ગરીબીમાં ભૂખે પેટે દાઝતી શીરો માટે ઝંખતી રહે છે. ત્રણચાર દીકરીઓ થઈ એટલે બાપ પણ એમને હડસેલી દે છે. ગરીબનું નસીબેય એવું જ ને! પરણ્યો બાપ જેવો જ જુલ્મી. એક દિવસ આવેશમાં ચટણી વાટવાના પથ્થર એને માથે ઝીંકે છે પછી નિરાંતે લસલસતો શીરો શેકવા બેસે છે.

વાર્તા મુખર કે અસંભવિત લાગે છે! આ રો લાઇફ છે. ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. પછી વાર્તા વાર્તાસંચયોમાં પણ સ્થાન પામી છે.

જ્યારે દિવ્યાંગ અને મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકોની હૉસ્પિટલમાં, એમની માતાઓ, પરિવારોના જીવનને જાણવા સમજવા હું રોજ જતી હતી, ત્યારે એ અનુભવો પરથી `ખરી પડેલો ટહુકો’ નવલકથા લખી હતી, પણ એવા પાત્રો, પ્રસંગોની સાક્ષી બની હતી, જેની એ પરિઘની બહાર રહેતા લોકો કલ્પના પણ ન કરી શકે. વાર્તા હાઉકલો કરતી સામે આવીને ઊભી રહી જાય છે, મારું અવતારકૃત્ય કરો.

એવી જ વાર્તા મને એ હૉસ્પિટલમાંથી જડી, `અમે રે ઊડણ ચરકલડી’.

પતિપત્ની જીવનસફર સાથે શરૂ કરે છે પણ પુરુષ શ્વેત પાંખાળા અશ્વ પર સવાર થઈ આકાશમાં ઊડે છે અને સ્ત્રી તુલસીક્યારે આંગણામાં ઊભી રહી જાય છે. એને પાલવડે બાંધ્યો છે સંસાર. `અમે રે’ પત્રવાર્તા છે. નાયિકા વૃંદાને મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકી શ્યામા છે. દીકરીને રોજ હૉસ્પિટલ લઈ જતી વૃંદા જીવનનું અખિલાઈમાં દર્શન કરે છે.

એક પછી એક પત્રોમાં વૃંદાનો વિકાસ ઊઘડતો આવે છે. વાર્તા વિષાદ કે નિરાશાની નથી, શ્યામાને લીધે એ પોતે પોતાના કોચલામાંથી બહાર નીકળી વિશ્વદર્શન કરે છે તેની વાત છે.

પછી જુદા જુદા દૃષ્ટિકોણથી મેં આવા સંતાનો અને માતાપિતાનાં સ્નેહ અને સમસ્યાઓ નિરુપતી ત્રણચાર વાર્તાઓ લખી છે. `અમે રે’ પરથી જ `ખરી પડેલો ટહુકો’ નવલકથા લખી છે.

ઘણીવાર વાર્તાનાં એક છોડમાંથી કેટકેટલી ડાળીઓ ફૂટે છે!

આમ જ જેલજીવન પર `બંદીવાન’ નવલકથા લખી, અને પછી `મુક્ત કારાગાર’, `જેલની ઊંચી દીવાલો’, `અપરાધી’ જેવી વાર્તાઓ અને નાટિકાઓ લખાઈ.

`નામ : નયના રસિક મહેતા’ મને પોલીસ સ્ટેશનમાંથી જડી છે. પતિ અને સાસુનાં માનસિક ત્રાસથી ગળે આવેલી નયના માંડ હિંમત એકઠી કરી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે ઇન્સ્પેક્ટર શિખામણ આપે છે, પતિ છે તે હાથ ઉગામે એમાં પોલીસ સ્ટેશન આવવાનું? (આ દૃશ્યની હું સાક્ષી છું). આ વાર્તા ઘણાં ગ્રંથ સંચયોમાં સ્થાન પામી છે, અન્ય ભાષાઓમાં અનુવાદ થયો છે.

ગુજરાતી સાહિત્યની સીમાચિન્હ રુપી વાર્તાઓના અંગ્રેજી અનુવાદમાં.સમાવિષ્ટ વાર્તા – નયના રસિક મહેતા

`બીલીપત્રનું ચોથું પાન’ ટી.વી. પરનાં એક કાર્યક્રમમાંથી સૂઝી છે. દત્તક લેવાયેલા સંતાનોના ઇન્ટરવ્યૂના કાર્યક્રમમાં દત્તક લેનારાં માતાપિતા પણ હાજર હતાં. એક યુવાન કહે છે, મને જન્મતાં જ ત્યજી દેનાર માતા પ્રત્યે મને કોઈ કડવાશ નથી. એ કેવા સંજોગોથી ઘેરાયેલી હશે! હું તો એને કહેવા ઇચ્છું છું મા! તું ક્યાં છે? કેમ છે? હું તારો છું, તારી પડખે છું. એટલો હૃદયસ્પર્શી પ્રસંગ હતો કે સહુની આંખ ભીની હતી, મારી પણ.

વર્ષો પહેલાં નાના શહેરનાં ઘરમાં કુટુંબનો ચીતરેલો આંબો (વંશવૃક્ષ) જોયો હતો. પરદાદા, દાદા, એમના પુત્રો, પુત્રોના પુત્રો એમની પત્નીઓનું નામ બાજુમાં પણ આંબો શરૂ થાય પુરુષ પૂર્વજોથી. એક વાર અચાનક વિચાર આવ્યો, સ્ત્રીઓનો આંબો કેમ નહીં? પણ જેનું અસ્તિત્વ જ સ્વતંત્ર ન હોય તેનો આંબો કેવો? અને મેં વાર્તા લખી `મમ્મીનો આંબો’.

મુંબઈ પરનાં આતંકી હુમલાને અનુલક્ષીને `તું છે ને!’, `બ્લાસ્ટ’ વગેરે વાર્તાઓ લખાઈ તો `ચાંદલો’ ગોધરા રમખાણો વખતે લખાઈ. ચાંદલાનું નાનું બિંદી સ્ટીકર કપાળે લગાડતા અને કાઢી નાંખતા આખો ધર્મ જ કેવો બદલાઈ જાય છે, અને એથીયે ઉપર માનવતા કેવી મહોરી રહે છે તે વાત લખી છે.

“દાસ્તાનગોઇ ગુજરાતી” પ્રયોગમાં ‘ચાંદલો’ વાર્તા રજૂ કરતી અભિનેત્રી રીન્કુ પટેલ (પૃથ્વી, મુંબઈ)

મારા અત્યાર સુધી અગિયાર વાર્તાસંગ્રહ પ્રગટ થયા છે.

અને બે સંપાદનો ઈલા આરબ મહેતા અને શરીફા વીજળીવાળાએ મહેનતથી (અને બંનેએ મારા પ્રત્યેની લાગણીથી) કર્યા છે.

ઈલા આરબ મહેતા સાથે

વાર્તામાં વિષયવૈવિધ્ય રહે એ માટે સતત નવા અને રીલેવન્ટ વિષયને શોધતી રહી છું. સમય હવે બહુ ઝડપથી બદલાતો રહ્યો છે, મનુષ્ય પણ.

કોઈ પ્રસંગ, સમાચાર, સાંપ્રત ઘટના, કોઈ વિચાર એ રો મટિરિયલ છે. એનો ઘાટ ઘડીને વાર્તારૂપ આપવું પડે. પોતાની વાર્તાની સર્જનપ્રક્રિયા વિષે સુંદરમે નિખાલસતાથી લખ્યું છે :

`વાર્તાની ઉપાદાન સામગ્રીને બહુ મોટા પ્રમાણમાં હાથમાં લેવી પડે છે. જ્યારે કાવ્યમાં રસતૃપ્તિની અપેક્ષાને વાણીના બહુ અલ્પ વ્યવહારથી તૃપ્ત કરી શકાય છે. એક લીટીમાં મુક્તક લખી શકાય છે, એક લીટીમાં વાર્તા ન બને!’

હા, ટૂંકી વાર્તા પડકારરૂપ સ્વરૂપ જરૂર છે. નવલકથામાં સ્થળ કાળનાં બંધન વિના વાર્તા પાથરીને કહેવા ટેવાયેલી કલમને ખાસ્સી કરકસર કરવી પડે. હવે તો ડિજિટલ પ્લૅટફૉર્મ છે એટલે એકોક્તિ સ્વરૂપે કે વાર્તાવાંચનમાં પણ સ્થાન પામી યુ ટ્યૂબ પર રમતી મૂકી દેવાય છે.

વાર્તા અને હું એકમેકને ઘડતા ગયા. એ સર્જકની સર્જકતાને પડકારતી રહે છે. દસકે દસકે વળુ બદલતો કાળ રોજ નીતનવા રૂપ ધારણ કરે છે. ટૅક્નૉલૉજીએ પણ જિંદગીને બાનમાં લીધી છે. નવા વિષયો માટે નવા ઓજારો શોધવા પડશે.

કોશિશ કરતી રહું છું. સર્જકનું દરેક સર્જન સંઘેડાઉતાર જ હોય એ શક્ય નથી. પણ પ્રામાણિકપણે એટલું કહી શકું કે મેં સંનિષ્ઠ પ્રયત્ન તો કર્યો છે. ક્યાંક ઇંધણ ઓછાય પડ્યા હશે.

ઉમાશંકરની સર્જક રૂપે એક નિસ્બત કાયમ રહી છેઃ સામાજિક ન્યાય માટેની જીકર અને માનવમનનાં અંધારા-અજવાળાની સાચી સમજ. મારી પહોંચ તો ઉમાશંકર સુધીની હોય જ ક્યાંથી! પણ એવી ખેવના તો રાખી શકું ને!

વર્ષોથી વાર્તાઓ લખતી હતી, સંગ્રહો પ્રગટ થયા પણ મારી ઇમેજ નવલકથાકારની રહી. હા, ઘણાં વિદ્યાર્થીઓએ તેની પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી તો ઘણીવાર તુલનાત્મક અભ્યાસમાં હું સ્થાન પામી. નિજાનંદે વાર્તા લખી પછી ભૂંગળીમાં તરતી મૂકી દઉં છું, કોના હાથમાં આવશે, કોણ અક્ષરો ઉકેલશે કોને ખબર!

વોશિંગ્ટન ડી.સી લાઇબ્રેરી માટે અમેરિકન એમ્બેસીમાં મારું વાર્તાપઠન

ટૂંકી વાર્તા આમ તો પશ્ચિમની દેણગી છે. પણ આપણે ત્યાંય પંચતંત્ર, હિતોપદેશમાં કથારસથી ભરપૂર પ્રસંગો વાર્તાનું જ પૂર્વસ્વરૂપ છે ને! કથાકારો ગામડે ગામડે ફરી, ચોરે બેસીને આ બધા પ્રસંગો મલાવી મલાવીને કહેતા, ગાતા, ભવાઈમાં ભજવાતાં. ભવાઈમાં તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ સાંપ્રત ઘટનાઓ, સામાજિક સુધારાઓ પણ રજૂ થતા.

શ્રોતાએ ઓળઘોળ થતા. પશ્ચિમના વિવેચકોએ ટૂંકી વાર્તા વિષે ઘણું લખ્યું છે, પણ એ તો અભ્યાસનો વિષય છે. પરંતુ અનુભવે એટલું તો ચોક્કસ છે કે ટૂંકી વાર્તાનો, બધા સાહિત્ય સ્વરૂપોમાં ભારે દબદબો છે. એના ભાગે અઘરી કામગીરી છે, એક છલાંગે ઍવરેસ્ટ આરોહણ કરવાનું છે. એ તો નાના મોઢે મોટી વાત કરવા જેવું જ થયું ને! સુરેશ જોષીએ કેવી સરસ રીતે એ વાત કહી છે,

`બીજની કલામાં જ પૂર્ણિમાનું ઇંગિત રહ્યું જ હોય છે.’

એ રહસ્યગર્ભ ક્ષણને પકડી લેવાની મારી મથામણ હોય છે. કોઈ પણ લેખન લખાયાની તારીખો તો હું લખતી નથી પણ 1966થી કૉલમ લેખન પછી નવલકથા લખતી થઈ. પહેલો વાર્તાસંગ્રહ 1979માં પ્રગટ થયો છે એટલે 76-77થી વાર્તાઓ લખાતી ગઈ (કેટલીક રદ પણ કરી હશે) અને 2021ના એપ્રિલમાં મારી ચૂંટેલી વાર્તાઓનું સંપાદન કરી (કડક આલોચક) શરીફા વીજળીવાળાએ મને સરપ્રાઇઝ બર્થ ડે ગિફ્ટ આપી. તેમના અભ્યાસપૂર્ણ વિસ્તૃત આમુખમાં છેલ્લે લખ્યું છે,

`વર્ષાબહેનની દોઢસોથી વધુ વાર્તા એકબેઠકે વાંચવી ગમે એવી વાર્તારસથી છલછલતીવર્ષા અડાલજાનાં નવલકથા લેખનને કારણે એમની ટૂંકી વાર્તાને જરાક વેઠવાનું થયું હશે છતાં એમની પાસેથી એવી અને એટલી સારી વાર્તાઓ તો ચોક્કસ જ મળી છે કે ટૂંકી વાર્તાના ઇતિહાસકારે એમની નોંધ લેવી પડે.’

વિવેચક, સંશોધક અનુવાદક શરીફા વીજળીવાળા સાથે

આખરે મારી વાર્તાઓ પોંખાઈ તેનો હરખ થયો. મને વર્ષો પહેલાં જ્યારે `ઢીંગલીઘર’ની નોરા માટે ભવનની આંતર કૉલેજ નાટ્ય સ્પર્ધામાં ઇનામ કે ટ્રૉફી ન મળ્યા ત્યારે ભવનને પગથિયે બેસી પહેલી હાર માટે સત્તર વર્ષની ઉંમરે ખૂબ રડી હતી, ત્યારે પપ્પાએ એક નાનીશી શીખ આપી હતી, વસુ હાર્યા કે જીત્યાનો, ખોયું કે મેળવ્યાનો હરખ અફસોસ કદી ન કરવો, એ ભજવતાં તને કેટલો આનંદ આવ્યો એ જ મોટી વાત છે.

પપ્પાએ એમનાં જીવનસંઘર્ષમાંથી તારવેલું આ સત્ય ત્યારે તો મને ક્યાંથી પૂરું સમજાય! પણ મને જ્યારે જીવનમાં ચડઊતરનાં પ્રસંગો આવ્યા ત્યારે આ શીખ મારી પડખે આવીને ઊભી રહી છે.
* * *
રાજકોટના ઘરના કેસ માટે હું જ્યારે કોર્ટનાં પગથિયાં ચડઊતર કરતી હતી ત્યારે `ત્રીજો કિનારો’ નવલકથા આતુરતાથી મારી પ્રતીક્ષા કરતી ત્યાં જ ઊભી હતી.

`મારે પણ એક ઘર હોય’ આમ તો સિત્તેરના દાયકાની નવલકથા જેમાં લીનાને પોતાના ઘરની, એક મુકામની તલાશ છે.

એ નવલકથાનો અદૃશ્ય તંતુ અહીં સુધી લંબાતો હતો. પતિ અને પિતા. નદીના બે કિનારા વચ્ચેથી વહેતી જીવનધારાને પોતાના ત્રીજા કિનારાની શોધ છે. પિતાએ પતિને ઘેર મોકલી દીધેલી અને પતિએ ઘરમાંથી ધકેલી દીધેલી સ્ત્રી એ વહેતા જીવનધારાની વચ્ચે સ્તબ્ધ ઊભી છે, એનું ઘર કયું? ક્યાં એનો પોતાનો મુકામ જ્યાં એ હાશકારો કરી શકે!

મેં લખી `ત્રીજો કિનારો’ નવલકથા જેમાં માતા-પુત્રીનાં ગૂંચવાયેલા સંબંધોનાં ચડાવઉતારની વાત છે. હંમેશાં માની એક ઇમેજ છે, બીબાંઢાળ ઇમેજ. આપણે હંમેશાં માને સદા ત્યાગ અને બલિદાનની મહાનતાની મૂર્તિ જ માની છે પણ મેં એને માથેથી એ કાંટાળો તાજ ઉતારી એને એક સ્ત્રી તરીકે નહીં પણ મનુષ્ય રૂપે જોવાનો પ્રયત્ન કર્યો છે.

કોઈને પણ હોઈ શકે એમ માને પણ મહત્ત્વાકાંક્ષા છે, સમાજમાં સેલિબ્રિટીનું પદ ગમે છે, સતત તેજ ગતિથી જીવવું છે, પતિ અને પુત્રી પાછળ રહી જાય એનો કશો બાધ નથી. એવી માતા અને ઉવેખાયેલી પુત્રી જીવનનાં કયા સમ પર, કઈ રીતે મળે છે તેની એ કથા છે. માનવસંબંધો દોરીનાં ગૂંચવાયેલા દડા જેવા હોય છે, જેમ ઉકેલવા મથો એમ વધુ ગૂંચ પડે છે, પણ કદીક દોરીનો એક છેડો હાથ આવી જાય તો સરળતાથી એને ઉકેલી શકાય છે.

એક નવલકથાની વાત વિશેષે કરીશ.

એક વાર એક મિત્રને ઘરે હતી ત્યાં એમના પાડોશીભાઈ આવ્યા અને મને જોતાં જ એમણે હૃદયની વ્યથા ઠાલવતી વાત માંડી દીધી, તેનો લાંબો અધ્યાયની ટૂંકી વાત એ હતી,

એક ભક્તિમાર્ગના અનેક શિષ્યો દેશવિદેશમાં પણ ફેલાયેલા. ગુરુનો ખૂબ પ્રભાવ. એ મૂવમૅન્ટમાં એ ભાઈ તન-મન-ધનથી જોડાયેલા પૂરા ચાલીસથી યે વધુ વર્ષોથી. જીવનનાં યુવાનીનાં એ ઉત્તમ વર્ષો. દિવસે નોકરી-વેપાર બાકીનો બધો સમય, વૅકેશન. બધું ગુરુ સમર્પિત.

ગુરુજીનું અવસાન થતાં શિષ્ય સમુદાયમાં તિરાડો પડી, ભાગલા થઈ ગયા. મોડે મોડેથી એમને બ્રહ્મજ્ઞાન થયું કે અનુયાયીઓની ભક્તિધારા તો સુકાઈ ગઈ છે, આપસી લડાઈઓમાં દટાઈ ગયેલાં ઘણાં વરવાં સત્યો એ તિરાડમાંથી બહાર આવવા લાગ્યાં અને એ ભાઈનો પસ્તાવાનો પાર ન રહ્યો, અરેરે! મેં મારી જિંદગીનાં ઉત્તમ વર્ષો વેડફી નાંખ્યાં!

વ્યથાનો ઊભરો ઠાલવી એ ભાઈ તો ગયા પણ હું આખો વખત સામે છેડેથી વિચારતી રહી. એમણે જિંદગીનાં ઉત્તમ વર્ષો વેડફી નાંખ્યાનો અફસોસ હતો, પણ એમની પત્નીની જિંદગીનાં ઉત્તમ વર્ષો વેડફાયાં એનું શું! એની આશા, સપનાંઓ, પતિનાં સાથ, હૂંફ અને સેક્સની ઝંખના તો જીવનભર અતૃપ્ત રહી. બે પુત્રીઓ ભક્તિધારામાં જોડાયા પછી તો બ્રહ્મચર્ય, પણ પિતાનાં વહાલથી વંચિત રહી.

આ આખા વિચારની આસપાસ મેં વાર્તાની ગૂંથણી કરી અને નવલકથા લખી `શગ રે સંકોરું’. રમેશ પારેખની કાવ્યપંક્તિ છે, `શગ રે સંકોરું, મારા નામની.’

એક ગૃહિણી વાવાઝોડા સામે રક્ષણ કરે છે એના દીવડાની, એનાં અસ્તિત્વની વાટને, શગને સંકોરે છે. `ડોલ્સ હાઉસ’ની ઢીંગલી ઘરની નાયિકા પતિનું ઘર છોડીને જાય છે. પણ વર્ષો વીત્યાં છે એ વાતને. સમય બદલાયો છે. મારી નાયિકા વસંત પતિને ઘર છોડી જવા કહે છે.

હું નવલકથાનાં છેલ્લાં પ્રકરણો લખી રહી હતી કે વીનેશ અંતાણીનો ફોન આવ્યો, અમદાવાદમાં `દિવ્ય ભાસ્કર’ નવું અખબાર શરૂ થઈ રહ્યું છે, પહેલી નવલકથા તમે જ આપો. મને દર હપ્તે પ્રકરણો આપવા ફાવતું નથી. નવલકથાનાં બેત્રણ ડ્રાફ્ટ થાય પછી પૂરું મેટર જ આપી દઉં, એમાં નવલકથાનાં આમંત્રણ જતાંય કરવા પડ્યા છે, પણ આ નવલકથા તૈયાર જ હતી.

મેં વીનેશભાઈને ચેતવ્યા, નવલકથાનું કથાવસ્તુ કહ્યું, આ કથા હપ્તાવાર પ્રગટ થતાં અનુયાયીઓમાં ખળભળાટ થશે, આગળ વધીને ઝઘડો પણ થાય કે કથા બંધ કરવી પડે એવું ય થાય. સામેનો પક્ષ ખૂબ જોરદાર છે, પણ વીનેશભાઈની પૂરી તૈયારી હતી.

નવલકથા શરૂ થઈ કે બીજા જ પ્રકરણે થોડાં લોકો વીનેશભાઈની કૅબિનમાં ગુસ્સાભર્યા આવ્યા. વિરોધ નોંધાવ્યો. આ કથા બંધ કરો. વીનેશભાઈએ એમને નિરાંતે રાત્રે ઘરે બોલાવી, ચર્ચાની તૈયારી રાખી. મને ફોન કર્યો. હું મોડે સુધી જાગતી રહી. રાત્રે એ લોકો વીનેશભાઈને ઘરે ગયા.

એમણે શાંતિથી સમજાવ્યા, આવું તો અનેક સંપ્રદાયો આશ્રમોમાં બનતું રહે છે, એની સામે આંગળી ચીંધી છે. વીનેશભાઈએ સમતાથી, કુનેહથી વાત કરી કે એ લોકો માની ગયા (ચમત્કાર) પણ એ લોકોએ એક વાત કહી, જ્યાં શાસ્ત્રી લખ્યું છે ત્યાં ગુરુજી લખો. ઓ.કે. ડન. નવલકથા છપાઈ લોકપ્રિય થઈ. પુસ્તક પ્રગટ થયું (મેં એમાં ફરી ગુરુજીનું શાસ્ત્રી લખ્યું.) 2004માં પ્રથમ આવૃત્તિ પછી તેની આવૃત્તિઓ થતી રહે છે.

મારી વાર્તા કહોને કહેતી કથા યોગાનુયોગે મારે આંગણે સામેથી આવીને ઊભી રહે છે. એવી એક મારી ગમતી કૃતિ `પરથમ પગલું માડિયું’.

અમદાવાદથી એક અપરિચિત, નિવૃત્ત પ્રોફેસર મારે ત્યાં આવ્યા, તમે કરમશી સોમૈયા પર કોઈ પણ સ્વરૂપમાં લખો. વિદ્યાવિહાર સંકુલ એમનું સંકુલ, ગોદાવરી સુગર મિલ એમની તપસ્યાનું ફળ. એ પોતે તો હયાત ન હતા. મારું મન આનાકાની કરે. ફરમાસુ લખવું ન ગમે, પૈસા મળે તો પણ. ભૂતકાળમાં રાજનૈતિક ખૂબ આગ્રહ છતાં મેં જ લખ્યું ન હતું.

એમણે એક લાંબો ઇન્ટરવ્યૂ આપ્યો. કરમશીભાઈના જીવનનો એક માત્ર ઇન્ટરવ્યૂ. એમણે કહ્યું, આ વાંચી ઇચ્છા થાય તો લખજો. ઠીક છે. એક વાર કુતૂહલ ખાતર ઇન્ટરવ્યૂ વાંચી ગઈ એ સાથે જ હું ચાર્જ્ડ અપ થઈ ગઈ.

ના. આ કોઈ સુખીસંપન્ન માણસની પ્રશસ્તિકથા નહોતી. પચીસપચાસ ધંધામાં નિષ્ફળ જનાર માણસ. ગરીબ, ઝાઝું ભણેલો નહીં. એક ભવ્ય સપનું જુએ છે. પાછો એ ગાંધીવાદી, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ. ખભે ખાંડનો થેલો લઈ વીસીના દાયકામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે અનેક ભયાવહ જંગલોમાં ચાલતો વડને ઓટલે શીંગગોળ ખાઈ સૂઈ રહેતો, ગામેગામ ફરી ખાંડ વેચે છે, અત્યંત સંઘર્ષમય જીવન અને વિશ્વયુદ્ધો વચ્ચે સપનું સાકાર કરે છે.

નવલકથા લખવી અઘરું કામ હતું. દરેક નવલકથાઓએ મારો પૂરો કસ કાઢ્યો છે. ઇન્ટરવ્યૂ તો હાડપિંજર, મારે એમાં આત્મા મૂકવાનો વૈતાલ-વિક્રમ જેવો ઘાટ. `ગાંઠ છૂટ્યાની વેળા’ની જેમ પાત્રો, પ્રસંગો, સ્થળો બધું સાચું છતાં ગૂંથણી કથાની જેમ રસપ્રદ કરવાની.

હું તો લાગી પડી. કરમશીભાઈના જીવનના પ્રસંગો એકાદ લીટીમાં હોય, ક્યાંક સાલ હોય, ક્યાંક ગાંધીજીના ઉપવાસ સાથે તેમણે ઉપવાસ કર્યા એવું લખ્યું હોય. એટલે નારાયણ દેસાઈએ ગાંધીજીની જીવનકથની લખી છે ચાર ભાગમાં તેમાંથી વિગતો એકઠી કરી.

પહેલાં કરમશીભાઈના જીવનનું સાલવાર કોષ્ટક બનાવ્યું, એમણે લખેલી તારીખે ભારતમાં શું બન્યું હતું તે શોધીને નોંધ લખું. દા.ત. ગાંધીજીએ ઉપવાસ કર્યા તો કઈ તારીખે, કેટલા, શું કામ કર્યા અને સોમૈયા કયા ઉપવાસમાં જોડાયેલા એની નોંધ. વિશ્વયુદ્ધ વખતની તારીખો, નોંધો.

વર્ષવાર કરમશીભાઈના જીવનનો આલેખ તૈયાર કર્યો, એક આખી નોટબૂક અને પૂરા ત્રણ મહિના. એમનાં સંતાનોને મળીને એમનો સ્વભાવ, ખાસિયત, રુચિ વિષે પૂછ્યું. આખી કથામાંથી એક જીવંત મનુષ્ય નજર સામે સાકાર થવો જોઈએ. કોઈ વાર કલાકો લાગે. એકલા જીવને શી ફિકર! ઝટપટ નીચે ઊતરી ઘર પાસેની રેસ્ટોરામાં ઇડલી ખાઈ લઉં નહીં તો ફૅવરિટ સૅન્ડવિચ.

એક દિવસ શુભ શરૂઆત. પહેલા ડ્રાફ્ટનાં સાત પ્રકરણ અને બીજાં દસેક પ્રકરણની નોંધો સાથે નારાયણભાઈનાં પુસ્તકો, કાગળો અને ગીતાએ આપેલી કિંમતી પેન વગેરે બધું બૅગમાં લઈ, દિવાળીમાં શિવાનીને ત્યાં રહેવા ગઈ. હું અને શિવાની ટૅક્સીમાંથી ઊતરીએ ત્યાં તો ટૅક્સીવાળાએ ટૅક્સી ભગાવી મૂકી અને ઘડીકમાં તો ટ્રાફિકમાં અદૃશ્ય!

અમે બે બાઘા જોતા રહી ગયા. ટૅક્સીવાળો બૅગ તો લઈ ગયો, સાથે મારો લેખનનો ડ્રાફ્ટ, પુસ્તકો પણ ગયાં. ગયું, બધું જ ગયું. કેટલા મહિનાનો પરિશ્રમ! આ બધું ફરી કેવી રીતે થાય! નિરાશ થઈ મેં ના પાડી દીધી. હવે આ કામ નહીં થાય.

દિવાળી ગઈ. વિચારતી હતી નવું કામ શરૂ કરું. દેવદેવાળીએ સવારે આંખ ઊઘડતાં પહેલો જ વિચાર, ન કેમ થાય? આ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એક ગુજરાતીએ સેવેલા સ્વપ્નને મારે સાકાર કરવું હતું.

હિંમત જૂટાવી ફરી કવાયત કરી. રીતસર મજૂરી. સોમૈયાનાં જીવનનું સાલવાર કોષ્ટક, જાતભાતની નોંધો બધું જ ફીર સે. સાત પ્રકરણ ગયાં અને દસનો ડ્રાફ્ટ. એકડે એકથી 3 મહિના ઘૂંટ્યું. રફ ફેર કરતાં દળદાર નવલકથા પૂરી કરી અને થોડા દિવસ દીકરી પાસે દુબઈ ચાલી ગઈ.

પાછી ફરી ત્યારે પુસ્તક તૈયાર હતું. કવરપેજની ડિઝાઇન-ચિત્ર મેં તૈયાર કરાવડાવ્યું અને સોમૈયા પરિવારે એનું સરસ સેલિબ્રેશન ફંક્શન કર્યું. મારી મહેનત તો ફળી.

વાચકોને નવલકથા ખૂબ ગમી અને આવૃત્તિઓ થતી રહે છે. તેનાં અંગ્રેજી અનુવાદને પણ સરસ આવકાર મળ્યો.

લેખક અને કલમનો અરસપરસનો ગાઢ સંબંધ છે. વાટકીવ્યવહાર જેવો. ક્યારેક હું એને આપું છું તો કદીક એ. કોઈવાર હું કલમને ટપારું છું, એની પાસેથી મારું ધાર્યું કામ લઉં છું અને મને વશવર્તી એને ચાલવું પડે છે. તો ક્યારેક કલમ મને પડકારે છે, તાવે છે અને પડકાર મને નવું બળ આપે છે.

આ નવલકથા હાથમાં લીધી ત્યારે થાય આવા કામ કરવામાં કેટલો પરિશ્રમ અને ઍનર્જી ખર્ચી! રેફરન્સ શોધો, નોંધ તૈયાર કરો, સ્થળ પર જવાનું હોય કે પાત્રોને મળવાનું હોય તો એમાં પણ સમય-શક્તિ તો ખર્ચાય. એ દરમ્યાન બીજાં કામો ધીરાં પડે, (આર્થિક વળતર કેટલું ઓછું!) પણ આવી ધૂન ચડે ત્યારે દોરામાં મોતી પરોવાઈ જાય એમ કથામાં ગૂંથાઈ જાઉં અને પછી બધું ગૌણ.

ફરી કોઈ લાંબી પ્રક્રિયાનો વિષય સૂઝે, જડે એટલે પાછું મન ખેંચાય અને એ લખું ત્યારે જ જંપ વળે.

ટાગોર કહે છે એમ,

`આમાર એઈ પથચલાતેઈ આનંદ.

સો બી ઇટ.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વર્ષાબેન, સમુદ્રમંથન તો એકવાર થયું હશે પણ આપ જેવા સાચા અને સાતત્યપૂર્ણ સર્જકોને તો આ સાગરમંથનમાંથી ન જાણે કેટકેટલી વાર પસાર થવું પડતું હશે? અને ત્યાર પછી જ આપની વાર્તાઓ અને નવલકથાઓનું નવનીત મળે છે!. આપને અને આપની કલમને શતશત વંદન.

  2. અદભુત ! અથાગ મહેનત,અપાર નિષ્ઠા,અદમ્ય ઉત્સાહ અને પુષ્કળ ધીરજ ….. આપની નવલકથાયાત્રા સામે નતમસ્તક છીએ…